પ્રકરણ – ૧૦
વિશ્વની ૧૦ સર્વથા ઉત્તમ નવલકથાઓમાં “વન હન્ડ્રેડ યર્સ ઑફ સૉલિટ્યુડ”-ને કદીપણ ભૂલી શકાશે નહીં.
એના જગવિખ્યાત લેખકનું નામ છે, ગૅબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ, ૧૯૨૭-૨૦૧૪.
સ્પૅનિશમાં લખાયેલી આ નવલનું ૧૯૬૭-માં બુએનો ઍરિસથી પહેલવહેલું પ્રકાશન થયું ત્યારથી અને ૧૯૭૦-માં થયેલા અંગ્રેજી અનુવાદ પછી દુનિયાની ૪૯ ભાષાઓમાં એના અનુવાદ થયા છે, ૫૦ મિલિયન નકલો વેચાઈ છે. ૧૯૮૨-માં માર્ક્વેઝને નોબેલ અપાયું છે. એના મહિમાની વાતો અપાર છે, હાલ અટકું.
મને ગમતી થોડીક નવલોમાં આ નવલ અગ્ર સ્થાને છે. એ વિશે મેં એકથી વધારે વાર વ્યાખ્યાન કર્યાં છે. મને થયું કે ગુજરાતીમાં એનો અનુવાદ કરું, પણ પરમિશનના કેટલાક પ્રશ્નો અતિ કઠિન હોય છે. એટલે, મન મનાવ્યું કે કંઇ નહીં તો, ભાવાનુવાદની રીતેભાતે અને ક્યારેક કિંચિત્ ટિપ્પણી સાથે, સાર તો આપું.
દરેક પ્રકરણનો સાર આપીશ પણ એક એક કરીને. નથી કહી શકતો કે કેટલી નિયમિતતા જાળવી શકીશ, પણ પ્રયન્ત જરૂર કરીશ.
સૌ મિત્રોને જોડાવા નિમન્ત્રણ છે. આ નવલ વાંચવી માણવી અને એમ એની સાથે જોડાવું એ જીવનનો લ્હાવો છે…
== આ નવલનાં ૯ પ્રકરણનો સારસંક્ષેપ થોડાક મહિના પહેલાં રજૂ કરેલો. આ ૧૦–મું પ્રકરણ છે. ==
અનેક વર્ષો પછી, મૃત્યુશૈયા પર ઓરેલિયાનો સેગુન્દોને જૂનની એ ભીની બપોર યાદ આવી જ્યારે એ પોતાના પહેલા પુત્રને મળવા બેડરૂમમાં ગયેલો. છોકરો સુસ્ત અને રડમસ દેખાતો’તો, બ્વેન્દ્યા પરિવારની કોઈ મોખરાશ પણ હતી નહીં, તેમછતાં, એનું નામ પાડવા ખાસ વિચારવાની એને જરૂરત નહીં લાગેલી.
“આપણે એને જોસે આર્કાડિયો કહીશું,” તેણે કહ્યું.
જે સુંદર સ્ત્રી સાથે તેણે ગયા વર્ષે લગ્ન કરેલાં એ ફર્નાન્ડા દેલ કાર્પિઓને નામ ગમેલું,
પણ ઉર્સુલા અસમંજસમાં પડી ગયેલી. પરિવારના દીર્ઘકાલીન ઇતિહાસમાં, આવાં ને આવાં નામોનું પુનરાવર્તન થયા કરેલું એથી ઉર્સુલા પાસે કેટલાંક ચૉક્કસ તારણો હતાં, એ કે – બધા ઓરેલિયાનો અન્તરમુખી હતા પણ મનના ચોખ્ખા હતા – બધા હોસે આર્કાદિયો આવેશી અને સાહિસિક હતા પણ દુ:ખદ નિશાની સાથે જનમેલા. ઉર્સુલા હોસે આર્કાદિયો સેગુન્દો અને ઓરેલિયાનો સેગુન્દોને, એ બે નમૂનાઓને, કોઈ એક વર્ગમાં મૂકી શકેલી નહીં.
સાન્તા સોફિયા દે લા પિયેદાદ એ બન્નેને જુદા પાડી શકતી નહીં કેમ કે બન્ને જણા એકદમ સરખા દેખાતા’તા, તોફાની પણ એવા જ હતા. એમના બાપ્તિસ્માના દિવસે અમરન્તાએ એમને એમનાં હતાં એ નામોનાં બ્રેસલેટ પ્હૅરાવી દીધેલાં.
પણ શાળાએ જવા લાગ્યા ત્યારે બન્ને જણાએ કપડાં અને બ્રેસલેટની એકબીજા સાથે અદલાબદલી કરી નાખેલી, એટલું જ નહીં, એકબીજાને વિરુદ્ધ નામોથી બોલાવવાનું નક્કી કરેલું.
શિક્ષક, હોસે આર્કાદિયો સેગુન્દોને લીલા ખમીસથી ઓળખતો’તો, પણ ગૂંચવઇ જતો’તો કેમ કે બીજાએ ઓરેલિયાનો સેગુન્દોની બ્રેસલેટ પ્હૅરી હોય, અને બીજો ક્હૅતો હોય કે પોતાનું નામ ઓરેલિયાનો સેગુન્દો છે, પોતે સફેદ શર્ટમાં છે, ભલે બ્રેસલેટ હોસે આર્કાદિયો સેગુન્દોના નામની છે. પરન્તુ શિક્ષક ખાતરીથી કદી કહી શકેલો નહીં કે કોણ કોણ છે.
(ક્રમશ:)
(Feb 17, 24)
ઉર્સુલા અને બીજાં પાત્રો —
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર