ગુજરાતી ગદ્યની સરળતા, સહજતા અને પ્રાસાદિકતાને પ્રગટાવવામાં ગાંધીજીનું અમૂલ્ય યોગદાન છે. એ જ રીતે ગુજરાતી આત્મકથાનું એક મહત્ત્વનું સ્થિત્યંતર રચવામાં પણ તેમનો ફાળો કંઈ ઓછો નથી. તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વિશ્વસાહિત્યની સર્વશ્રેષ્ઠ આત્મકથાઓમાં માનભર્યું સ્થાન ધરાવે છે. અહીં ‘સત્યના પ્રયોગો’ સંદર્ભે વાત કરવાનો મારો આશય છે.
‘ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાઓ પણ સત્યનો જય થાઓ. મારે જેવા અલ્પાત્માને માપવાને સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.’
ગાંધીજી ઉપર્યુક્ત વિધાનને ‘સત્યના પ્રયોગો’માં સાર્વત્રિક રીતે વળગી રહ્યા છે. ‘સત્યના પ્રયોગો’માં અનેક જગ્યાએ ગાંધીજીની સત્યનિષ્ઠાની ઝાંખી થાય છે. અહીં ચોરી, માંસાહાર, દારૂ, ત્રણેક વખત ઊભા થયેલા વ્યભિચારના પ્રસંગો, બીડી પીવાની કુટેવ, પત્ની તરફનું નિષ્ઠુર વર્તન એમ અનેક સંદર્ભોના આલેખનમાં ગાંધીજીની સત્યનિષ્ઠા જોવા મળે છે.
‘સત્યના પ્રયોગો’માં ઠેર-ઠેર નિખાલસતા જોવા મળે છે. ગાંધીજી જે કંઈ જીવ્યા છે એનું તત્કાલીન સમજરૂપે જ ગાંધીજીએ નિખાલસતાથી આલેખન કર્યું છે. પોતાના એક મિત્રને લીધે કસ્તૂરબાને દુઃખ આપ્યાની વાતને ગાંધીજી વર્ણવે છે.
‘હું પ્રેમી તેવો જ વહેમી પતિ હતો. મારા વહેમમાં વૃદ્ધિ કરનારી આ મિત્રતા હતી. કેમ કે મિત્રની સચ્ચાઈ ઉપર મને અવિશ્વાસ જ નહોતો. આ મિત્રની વાતો માનીને મેં મારી ધર્મપત્નીને કેટલુંક દુઃખ દીધું છે.’
ગાંધીજીએ આત્મરતિ અને આત્મશ્લાઘાને બાજુ પર મૂકી દઈને સંપૂર્ણ પ્રામાણિકતાથી આ આત્મકથા લખી છે. તેઓ ‘બાળવિવાહ’ પ્રકરણ સંદર્ભે કહે છે :
‘આ પ્રકરણ માટે ન લખવું પડે એમ હું ઇચ્છું છું, પણ આ કથામાં એવા કેટલાયે ઘૂંટડાં પીવા પડશે. સત્યના પૂજારી હોવાનો દાવો કરીને મારાથી બીજું થાય તેમ નથી.’
એ જ રીતે જીવનમાં બનેલા વિવિધ પ્રસંગોનું તેમણે પ્રામાણિકતાથી આલેખન કર્યું છે. સત્યના વિવિધ પ્રયોગોમાં તેમના પર પડેલાં કષ્ટો, મુશ્કેલીઓ વગેરેનું નિરૂપણ અહીં જોવા મળે છે.
‘સત્યના પ્રયોગો’માં અનેક જગ્યાએ તેમની તટસ્થતાના દર્શન કરાવ્યા છે. આ આત્મકથામાં જીવન દરમિયાન ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં અનેક વ્યક્તિઓના પોતાને થયેલા પરિચયના નિરૂપણમાં તેઓ તટસ્થતા જાળવી શક્યા છે. ખ્રિસ્તી મિત્રોની ધર્મવિષયક માન્યતાઓ અને પોતાની ધર્મવિષયક માન્યતાઓ વચ્ચેના સંઘર્ષમાં તેઓ પૂરેપૂરા તટસ્થ રહી શક્યા છે. બાળપણના કેટલાક અનિષ્ટ અનુભવોના આલેખનમાં પણ તેમની તટસ્થતા ધ્યાન ખેંચે છે. ‘પિતાજીનું મૃત્યુ અને મારી ખામોશી’ પ્રકરણમાં પોતાની વિષયવૃત્તિને લીધે પિતાની અંતિમ ઘડીએ તેમની પાસે ન રહી શક્યા એ પ્રસંગના આલેખનમાં ગાંધીજીની તટસ્થતા કાબિલેદાદ છે.
આત્મકથાકાર તેના વિશાળ જીવનપટ પર વિસ્તરેલા પ્રસંગોમાંથી પસંદગીની કસોટીપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર થાય છે. ગાંધીજીએ પ્રસંગોની પસંદગીના સંદર્ભમાં પોતાની વિવેકદૃષ્ટિના ‘સત્યના પ્રયોગો’માં ભરપૂર દર્શન કરાવ્યા છે. તેમણે પોતાનું બીકણપણું, શરમાળપણું, કુટુંબીજનો સાથેનું આગ્રહી વર્તન, લગ્નજીવનના અણબનાવો, વ્યભિચારના પ્રસંગો વગેરેના આલેખનમાં વિવેક જાળવ્યો છે. દરેક પ્રસંગને ગાંધીજી ચોક્કસ સમયે રજૂ કરે છે. તેઓ કહે છે :
‘વિષય ભોગવવાની વૃત્તિ તો પાછળથી આવી. તે હું વર્ણવી શકું છું, પણ એવી જિજ્ઞાસા વાંચનારે ના રાખવી. કેટલુંકે જે જણાવવા જેવું છે તે હવે પછી આવશે.’
આમ ‘સત્યના પ્રયોગો’માં તેમની વિવેકદૃષ્ટિનો સુપેરે પરિચય થાય છે.
‘સત્યના પ્રયોગો’માં ગાંધીજીએ કરેલા પ્રસંગનિરૂપણ વિશે વાત કરીએ તો ચોરીનો પ્રસંગ, મદ્યપાન-માંસાહાર-ધુમ્રપાનના પ્રસંગો, શાળાજીવન દરમિયાન ઇન્સ્પેક્શનનો પ્રસંગ ચોરી બદલ પિતાજી પાસે માફી માગવાનો પ્રસંગ, વ્યભિચારના પ્રસંગો, કૉલેજજીવન અને વિલાયતગમનના પ્રસંગો, દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ સંદર્ભે ઊભા થયેલા પ્રસંગો, રેલવેના પ્રસંગ, વકીલાતના પ્રસંગો, આઝાદીની લડતના વિવિધ પ્રસંગો, એમ અનેક પ્રસંગોના આલેખનમાં ગાંધીજીની સિદ્ધિ જોવા મળે છે.
ભૂતકાલીન બનાવોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં વિચારીને ગાંધીજીએ કરેલા આત્મનિરીક્ષણ અને આત્મપરિક્ષણના અનેક ઉદાહરણો ‘સત્યના પ્રયોગો’માં જોવા મળે છે. અહીં સુધારાની ધગશમાં માંસાહારનો આશ્રય, ચોરીના પ્રાયશ્ચિત સંદર્ભે પિતાજીની માફી માગવી, પિતાજીના મૃત્યુ વખતે હાજર ન રહી શક્યા તેમાં પોતાની વિષયવૃત્તિ જવાબદાર, પત્ની તરફના કડક વર્તનનો પશ્ચાતાપ, પત્નીને અક્ષરજ્ઞાન ન મળ્યું તેમાં પોતાનો દોષ, પુત્રોને યોગ્ય કેળવણી આપવામાં પોતાની નિષ્ક્રિયતા એમ અનેક સંદર્ભોમાં ગાંધીજીની આત્મપરિક્ષણની વૃત્તિના દર્શન થાય.
‘સત્યના પ્રયોગો’માં ગાંધીજીએ તેમના માતા-પિતા, પત્ની કસ્તૂરબા, હેડમાસ્તર દોરાબજી એદલજી ગીમી, નારાયણ હેમચંદ્ર, શ્રીમદ્રાજચંદ્ર, ગોપાલકૃષ્ણ ગોખલે, કૃપલાની, રાજેન્દ્ર બાબુ, શેઠ અબ્દુલ્લા, વ્રજકિશોર બાબુ, બાલા સુન્દરમ્, લોકમાન્ય તિલક, ફિરોજશાહ, રામકૃષ્ણ ભાંડારકર, ઘોષાલબાબુ, ડૉ. પ્રફુલ્લચંદ્ર રોય, મિ. કોટ્સ, મિ. એલેક્ઝાંડર વગેરેના તાદૃશ વ્યક્તિચિત્રો આલેખ્યાં છે. ‘સત્યના પ્રયોગો’ના આ વ્યક્તિચિત્રો લઘુ ફલકના રેખાચિત્રો જેવાં બન્યાં છે. જે આત્મકથાની ઉલ્લેખનીય સર્જકતા છે.
‘સત્યના પ્રયોગો’માં તત્કાલીન ગુજરાત, ભારત, આફ્રિકા, બ્રહ્મદેશ અને યુરોપના દેશોના ઐતિહાસિક-રાજકીય-સાંસ્કૃિતક-સામાજિક પરિવેશનું હૂબહૂ આલેખન થયું છે. જેમાંથી તત્કાલીન સમાજજીવનનો પરિચય મળી રહે છે. અહીં દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, ગિરમીટ પ્રથાની નાબૂદીની ચળવળ, ખિલાફત ચળવળ વગેરેનું નિરૂપણ થવાથી આ આત્મકથાનું દસ્તાવેજી મૂલ્ય વધી જાય છે.
ગાંધીજી ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં જ આ આત્મકથા લખવા પાછળનો પોતાનો ઉદ્દેશ જણાવતા લખે છે :
“મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.”
‘મારા બધા પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું.’આમ સત્યના પ્રયોગોની કથાના નિરૂપણમાંથી આ આત્મકથા સર્જન પામી છે. ગાંધીજીએ એટલે જ ‘સત્યના પ્રયોગો’ શીર્ષક રાખ્યું છે. આમ પોતે કરેલા સત્યના પ્રયોગો વિશે સૌને જણાવવું અને એ સંદર્ભે સત્યસ્વરૂપ પરમાત્માનું દર્શન કરવું એ જ ગાંધીજીનો ‘સત્યના પ્રયોગો’ લખવા પાછળનો ઉદ્દેશ છે.
નર્મદની ટાંચણિયા શૈલી તથા પંડિતયુગના સાક્ષરોની ભારેખમ સંસ્કૃત પ્રચુર-ક્લિષ્ટ ગદ્યશૈલી પછી સૌ પ્રથમ વાર ગાંધીજીની આત્મકથામાં સાદી અને સરળ ભાષાશૈલી જોવા મળે છે. ‘સત્યના પ્રયોગો’ની ભાષાશૈલીમાં સર્વજનભોગ્યતા, પ્રાસાદિકતા, સરળતા અને અસરકારકતા છે. અહીં સમાસરહિત અને નાના નાના અર્થગર્ભ વાક્યો, તળપદા શબ્દો, રૂઢિપ્રયોગો, કહેવતો, અલંકારો વગેરે ગાંધીજીની ગદ્યશૈલીની વિશેષતા છે. અહીં સાદી ભાષામાં ઉત્તમ વિચારો રજૂ કરવાની શક્તિ ગાંધીજીની ભાષામાં સવિશેષ જોઈ શકાય છે. તેઓ કટાક્ષ, પરિહાસ, વ્યંગ વગેરે દ્વારા માર્મિક હાસ્ય પણ પ્રગટાવી શક્યા છે. અહીં ટૂંકા, અર્થઘન, સચોટ અને મર્મસ્પર્શી વાક્યો સીધા જ વાચકના હૃદયમાં ઊતરી જાય છે. આમ ‘સત્યના પ્રયોગો’ની ભાષાશૈલીમાં પણ ગાંધીજીનાં ગદ્યની લાક્ષણિકતા તરીકે ઉલ્લેખનીય છે.
ગુજરાતી આત્મકથાની સુદીર્ઘ પરંપરા પ્રમાણે જોઈએ તો ‘સત્યના પ્રયોગો’ એની વિશેષતાઓને લીધે ગુજરાતી આત્મકથાનું એક ગરવું ગિરિશૃંગ બની રહે છે. આજે ગાંધીજી દિન-પ્રતિદિન વધુ ને વધુ પ્રસ્તુત બનતા જાય છે. યુવાપેઢી પણ ગાંધીવિચારોથી ખૂબ પ્રભાવિત છે ત્યારે ‘સત્યના પ્રયોગો’નું વાંચન આવકાર્ય ગણાય. ‘સત્યના પ્રયોગો’ એ માત્ર એક ઉત્તમ સાહિત્યકૃતિ છે એટલું જ નહીં પણ એક સામાન્ય મોહનમાંથી મહાત્મા બનેલા એક સત્યવાદી વ્યક્તિના જીવનવિકાસનો સુંદર શબ્દાલેખ પણ છે એ વાત પણ આપણે ન ભૂલવી જોઈએ.
મુ. સલડી, તા. લિલિયા મોટા, અમરેલી
સૌજન્ય : “અભિદૃષ્ટિ”, 10 જાન્યુઆરી 2016, પૃ. 15-17