સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની તા. ૧૩-૮-૧૬ને દિને જે બેઠક મળી તે મારી તેમની સાથે છેલ્લી મિટિંગ જ હશે, એવી મને શું ખબર?! ટ્રસ્ટની બેઠકમાં આશ્રમનાં સ્મારકની સુરક્ષાની તો અધ્યક્ષ તરીકે કાળજી રાખતા પણ તા. ૧૩મીની મિટિંગમાં તેમણે આશ્રમનાં બાળકોની સુરક્ષા અંગે ચિંતા દર્શાવી તે મને ખાસ યાદ રહી ગઈ છે. આશ્રમશાળાનાં બાળકોનો નિવાસ ઉદ્યોગ-મંદિરમાં અને શાળામાં જવા માટે તેમને રસ્તો ઓળંગવો પડે છે તો તેમ ન કરવું પડે તેવી હૉસ્ટેલની વ્યવસ્થા કરવા હમીદભાઈએ સૂચવ્યું.
આશ્રમ ટ્રસ્ટ હેઠળના ગાંધીજીના સમયના ઐતિહાસિક મકાનો ઇમામ મંઝિલ, જમના કુટીર, આનંદ નિવાસ, તોતારામજીની ચાલી વગેરે સાચવવાની અને તેમાં અનુરૂપ પ્રવૃત્તિ થાય તેની ચિંતા મિટિંગોમાં વારંવાર હું તેમને મુખે સાંભળતી. જો કે આ જગ્યાઓ મેં તો હજુ સુધી જોઈ જ નહોતી! તે પછીથી જોઈ આવી. આશ્રમના છાત્રાલયમાં પોતે રહેલા ને, તેથી પોતાનું બાળપણ યાદ આવ્યું હશે! એ આશ્રમમાં સૌ સુખશાંતિમાં રહીને વિકસે તેવી તેમની મનોકામના મિટિંગમાં વારંવાર તરી આવતી.
એ જાણીતા ઝળહળતી કારકિર્દી ધરાવતા ધારાશાસ્ત્રી તો હતા જ. ૧૯૬૯ના કોમી રમખાણમાં તે પોતે પીડાયા હતા પણ જ્યારે અમદાવાદ શાંતિ સમિતિમાં તેમની સક્રિયતા જોઈએ ત્યારે તો માત્ર પરાઈની પીડ જ પોતે જાણતા હોય તેવા ઉમદા માનવ હૃદયનાં જ દર્શન થાય, જેની હું સાક્ષી છું. હું પણ તે શાંતિ સમિતિની સભ્ય હતી જે વારંવાર મળતી રહેતી. હું ત્યારે મજૂર મહાજનના બહેરામપુરાની ચાલીમાં વસતા મિલ કામદારોમાં શાંતિનું કામ કરતી હતી.
પણ તેમની સાથે તો મારો વધુ સંબંધ એક જૂના પાડોશી તરીકેનો. નવી થયેલી પંચશીલ સોસાયટીમાં મોટે ભાગે કૉંગ્રેસીઓનાં રહેઠાણ હતાં. તેમાં આશ્રમમાંથી સાત કુટુંબો જોડાયાં હતાં. અમારું ઘર નંબર ૫, સ્વ. કરીમભાઈ નંબર ૪ અને વહીદભાઈ કુરેશી નંબર ૨૯, તે કુરેશીભાઈના ભાઈ. તેમનાં માતા અમીનાબા લાકડી સાથે બધે તેજીથી ફરતાં ને વાતો કરતાં તે સોસાયટીમાં સૌને બહુ જ ગમતું. ૪ નંબરમાં કરીમભાઈનાં પત્ની આયેશાબહેનને ઘરે રોજ સાંજે આવતાં તેથી મારો તેમની સાથે મેળાપ થતો રહેતો. અને કુરેશીભાઈ મોટર લઈને, ઘણુંખરું જોડે માધવસિંહભાઈ સોલંકી હોય, સાંજે આવતા, મોહનભાઈને (તે પણ આશ્રમનિવાસી) ઘરે બેસીને ત્રણે જણ વાતો કરતા કદાચ મિટિંગો કરતા. ૧૯૬૯ના કોમી રમખાણમાં કેટલાંક કુટુંબોએ અમારી સોસાયટીમાં એકાદ મહિનો નિવાસ કરેલો. ૧૯૭૨માં વહીદભાઈએ પંચશીલનું ઘર છોડ્યું તે પછી કુરેશીભાઈને જોવાનું, મળવાનું સાવ ઓછું થયું. જે તાજેતરમાં સાબરમતી આશ્રમમાં થયું. તેમના ગાંભીર્ય અને સ્પષ્ટ વિચારોને સચોટ રીતે કહેવાથી પડતો પ્રભાવ અમારી બેઠકોમાં છવાઈ જતો. આથી એ સ્વાતંત્ર્યવીર હમીદભાઈની શ્રદ્ધાંજલિનો ઠરાવ પસાર કરવાનું મારે આવશે તેવું મેં ધાર્યું નહોતું.
સ્વ. નારાયણભાઈ દેસાઈ પાસેથી એક વાર મેં સાંભળેલું કે હમીદભાઈ તેમનાં ‘બાળગોઠિયા’ (નારાયણભાઈનો શબ્દ) હતા. હમીદભાઈ ગૂજરાત વિદ્યાપીઠને મહત્ત્વની કાયદાકીય સલાહ આપતા. એક એવા પેચીદા પ્રશ્નને તેઓએ ખૂબ સલુકાઈથી વિદ્યાપીઠને ઉકેલી આપ્યો હતો. હમીદભાઈની હંમેશાં એક સ્પષ્ટવક્તાની મારી છાપ રહી છે.
“नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર, ૨૦૧૬માંથી સાભાર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2016; પૃ. 18