પચીસમી માર્ચે ગુજરાત વિદ્યાપીઠ અને ઘણી સંસ્થાઓએ સાથે મળીને નારાયણભાઈ દેસાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે જે કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તેમાં ખટકે એવી બાબતો આ મુજબ હતી.
ગુજરાતના રાજ્યપાલ તેમના હોદ્દાની રૂએ રસાલા અને પ્રોટોકૉલ સાથે આ કાર્યક્રમમાં પૂરો સમય હતા. ઓ.પી. કોહલી વ્યક્તિગત ક્ષમતામાં ત્યાં હોઈ શકે. પણ રાજ્યપાલ હોદ્દેદાર તરીકે, સરકારની ન હોય તેવી સંસ્થામાં, સરકારના ન હોય તેવા એક કાર્યક્રમમાં, અને તે પણ એક ગાંધીજનની અંજલિ સભામાં મંચ પર હોય, એમને એ રીતે બોલાવવામાં આવ્યા હોય તે બિનજરૂરી તેમ જ ચર્ચાસ્પદ હતું. રાજ્યપાલની સત્તાવાર ઉપસ્થિતિને કારણે તેમના ગણવેશધારી એ.ડી.સી.નું અને ગણવેશધારી ઑર્ડરલીનું સતત મંચ પર હોવું ખૂંચતું હતું. ડાયવર્સિટી અને ફ્રીડમને ચાહનાર નારાયણભાઈ માટેની સભામાં એ બે સેવકો ઇમ્પોઝ્ડ યુનિફૉર્મિટી અને ફ્યુડાલિઝમનાં લિસોટાનાં પ્રતીક જણાતા હતા. વળી, એક જ મહિનાના ગાળામાં રાજ્યપાલને આ રીતે બે વાર (આ પૂર્વે સાતમી માર્ચે) સત્તાવાર ક્ષમતામાં નિમંત્રણ આપવામાં આયોજકો સત્તાધારીનો કે રાજ્યના કારોબારીતંત્રના વડાનો અનુનય કરતા હોય એવી શંકા ઉપજતી હતી.
યુનિવર્સિટીઓના મહત્ત્વના કાર્યક્રમોમાં રાજ્યપાલ હોય છે, કારણ કે હોદ્દાની રૂએ તેઓ રાજ્યની અનુદાનિત યુનિવર્સિટીઓના ચાન્સલર હોય છે. વિદ્યાપીઠને તો પોતાના વાઈસ ચાન્સલર અને ચાન્સલર પણ છે. રાજ્યપાલને રાજ્યની કારોબારી પાંખના પ્રતિનિધિ કે વડા ગણીને બોલાવવાની આયોજકોની ભૂમિકા હોય તો પણ રાજ્યપાલના હોદ્દાનું સરકારિયા પંચના અહેવાલ પછી પણ ક્યારનું ય અવમૂલ્યન થઈ ચૂકેલું છે એ વાત ધ્યાનમાં રાખવા જેવી હતી. તદુપરાંત, કોહલી હમણાંના વર્ષો લગી ભારતીય જનતા પક્ષના હોદ્દેદાર રહી ચૂક્યા છે. એટલે તેમનું રાજ્યપાલ હોવું કેટલું પક્ષનિરપેક્ષ કહેવાય તે સવાલ રહે જ. કોમવાદનું રાજકારણ ખતરનાક રીતે ખેલનાર પક્ષોમાંથી એક પક્ષના પૂર્વહોદ્દેદાર, તેઓ રાજ્યપાલ હોવાને કારણે નારાયણભાઈની શ્રદ્ધાંજલિ સભામાં પ્રમુખ સ્થાને હોય એ ખેદજનક છે. વળી રાજ્યપાલના નામ પહેલાં અચૂક મહામહિમનું સંબોધન, રાજ્યપાલ જાય પછી જ બધાંએ જવું એવી કડપભરી સૂચના, એ જતા હતા ત્યારે પડી ગયેલો સોપો એવું વિદ્યાપીઠમાં બહુ જ આદરણીય વ્યક્તિવિશેષો આવી ગયા ત્યારે ય નહોતું જોયું. સરકાર, તેનાં લટકણિયાં, તેની બાબુશાહી, પક્ષીય રાજકારણ જેવાંથી દૂર રહેનારી, સ્વાયત્તતામાં માનનારી સંસ્થા એવી વિદ્યાપીઠ પાસે આ અપેક્ષા ન હતી.
અહિંસા અને નિઃશસ્ત્રીકરણ થકી સર્જાતા સુખસલામત વિશ્વના આદર્શને વરેલા નારાયણભાઈને અંજલિ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાપીઠના પરિસરમાં પોલીસની ભરપૂર હાજરી હતી. જનસામાન્યની મહત્તા કરનાર ગાંધીવિચારના આવાહકની અંજલિ માટેની સભામાં આશ્રમ રોડ પરની આમ આદમીની અવરજવરને વેઠવું પડ્યું હતું. વિદ્યાપીઠના એક સીધાસાદા ખાદીધારી વિદ્યાર્થીને એક પોલીસવાળો કોઈ કારણ વિના ધાક બતાવતો હોય એવું પણ જોવા મળ્યું.
સભા માટે કૅમેરા અને મોટા પડદાનો બહોળો ઉપયોગ થયો હતો. સંખ્યાબંધ અંજલિ આપનારામાંથી દરેક જણને આગોતરા રેકૉર્ડિંગને લીધે માપસરની મિનિટો માટે પડદા પર જોવા-સાંભળવા મળે તેમાં એકથી વધુ હેતુ સિદ્ધ થાય તે સમજી શકાય. અલબત્ત, તેને કારણે કાર્યક્રમમાં જીવંતતાનો અભાવ અને યાંત્રિક ઔપચારિકતાનો પ્રભાવ લાગે એ વ્યક્તિસાપેક્ષ પ્રતિભાવ ગણાય.
કાર્યક્રમ દરમિયાન કૅમેરા સાથે કામ પાડવામાં કૌશલનો અભાવ જોવા મળતો હતો. જે સુદર્શન આયંગાર આખી સભામાં સંચાલક તરીકે હાજરાહજૂર હોય તે જેટલી વખત બોલે એમાંથી દરેક વખત આખો સમય કૅમેરો એમની પર રહે એ વધારે પડતું હતું. સહેજ આડી વાત લાગે તો પણ અહીં કહેવું જોઈએ કે અત્યારના વાઇસ ચાન્સલર અનામિક શાહની શોકઠરાવ વાંચવા સિવાય કોઈ ભૂમિકા જ ન હતી. માત્ર એ જ વખતે તેમની પર કૅમેરો હતો. નારાયણભાઈનાં કર્મશીલ દીકરી ઉમાબહેન શોકગ્રસ્ત હોય તે બિલકુલ સ્વાભાવિક હતું. પણ તેમની એ શોકગ્રસ્ત હાજરીને તેમનાં વક્તવ્યના આખા સમય દરમિયાન ક્લોઝ અપ કે મિડ-શૉટમાં બતાવવી ઉચિત નથી એવું આ લખનારને સામાન્ય દર્શક તરીકે સમજાય છે. પાંચેક ધર્મોની પ્રાર્થના વધુ પડતી હતી.
નારાયણભાઈની શ્રદ્ધાંજલિ સભા કોઈ સર્વોદયવાદી ગાંધીજનની શ્રદ્ધાંજલિ સભા કરતાં કોઈ રાજદ્વારી મહત્ત્વ ધરાવતા વિશેષાધિકારી વ્યક્તિની સભા હોય એવી છાપ આ લખનારના મનમાં ઉપજી હતી.
ચુનીભાઈ વૈદ્યની ગાંધી આશ્રમમાં યોજાયેલી સ્મરણસભા યાદ આવે તે સ્વાભાવિક છે. ગાંધી આશ્રમમાં આભ નીચે, શબ્દાર્થે પણ ધરતી પર યોજાયેલી એ સભામાં રાજ્યપાલ અને રેકૉર્ડિંગ કરેલી અંજલિઓ ન હતાં. બધા ધર્મોની પ્રાર્થનાનો કર્મકાંડ ન હતો. ચુનીકાકાની જળ-જંગલ-જમીન માટેની ચળવળોમાં કામ કરી ચૂકેલા અદના કાર્યકર્તા સ્ત્રી-પુરુષો પણ વક્તાઓ હતા. ભારોભાર જીવંતતા, સાહજિકતા અને માનવીય હૂંફ જોવા મળી હતી. એ એક ગાંધીજનને છાજે તેવી શ્રદ્ધાંજલિ સભા હતી. નારાયણભાઈ માટેની એવી સભા કદાચ વેડછીમાં થઈ હોય એમ ધારી શકાય. અહીં પણ ગાંધી આશ્રમે નારાયણભાઈ માટે અલગ અંજલિ સભા કરી. વિદ્યાપીઠની આવી સભા પછી આશ્રમે એવું કરીને અલગતા શા માટે દાખવી એ પણ એક અલગ સવાલ છે. તેમાં પણ રાજ્યપાલ હતા. ગાંધીવિચારને વરેલી બબ્બે જગવિખ્યાત સંસ્થાઓ સળંગ બે દિવસ રાજ્યપાલને એક જ પ્રકારના કાર્યક્રમ માટે નિમંત્રીને શું સાધવા માગે છે એવો પણ સવાલ રહે છે. વળી વિદ્યાપીઠની સભાની જેમ અહીં પણ તેમણે એ મતલબનું કહ્યું કે નારાયણભાઈ સાથે તેમનો પ્રત્યક્ષ રીતે કે વાચન દ્વારા કોઈ પરિચય નથી. ગાંધીનગરના એક સાંસ્કૃિતક જૂથે યોજેલી અંજલિ સભામાં પણ તેમણે આ મતલબનું કહ્યું. તેમની નિખાલસતા સારી ગણાય. પણ તેમની અધ્યક્ષ તરીકેની હાજરી સામે વધુ એક પ્રશ્નાર્થ થાય.
બોલાવનારાએ બોલાવ્યા શું અને સાંભળનારાએ સાંભળ્યું શું ?
***
નારાયણભાઈની શ્રદ્ધાંજલિ નિમિત્તે વિદ્યાપીઠમાં રાજ્યપાલ હતા, તો ગાંધીનિર્વાણદિનની પૂર્વસંધ્યાએ યોજાયેલા કાર્યક્રમમાં ‘નવજીવન’માં મુખ્યમંત્રી હતા. આ બાબત ઘણી આઘાતજનક હતી. એટલા માટે કે મુખ્યમંત્રી એ રાજકીય પક્ષના છે કે જેણે આ દેશમાં ગાંધીવિચારને પાછો પાડવામાં ભાગ્યે જ કશું બાકી રાખ્યું છે. ભારતીય જનતા પક્ષ હિન્દુત્વવાદી પક્ષ છે. દેશના હિન્દુ-મુસ્લિમ ભેદનો દુરુપયોગ તેણે સત્તા મેળવવા અને જાળવવા માટે કર્યો છે (કૉંગ્રેસ પણ ઉજળી નથી, પણ એ ચર્ચા અહીં અસ્થાને છે). ‘નવજીવન’ પત્રનો (અને એ રીતે સંસ્થાનો) એક ઉદ્દેશ ‘હિંદુ-મુસલમાન તેમ જ હિંદમાં વસેલી બધી જુદી જુદી કોમો વચ્ચે ઐક્યનો પ્રચાર કરવો’ એવો છે, એમ તેના ૨૭ નવેમ્બર ૧૯૨૯ના દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું છે.
સંસ્થાને રાજ્યમાં એકંદરે સરકાર સાથે કે તેના લાગતાવળગતા સાથે કામ પાડવું સહેલું પડે, સંસ્થા સરકારની ગુડ બુકમાં હોય તેવી કોઈ વ્યવહારુ કે વ્યૂહરચનાત્મક (પ્રૅક્ટિકલ અને સ્ટ્રૅટેજિક) દૃષ્ટિએ મુખ્યમંત્રીને બોલાવવામાં આવ્યા હોય એમ દલીલ ખાતર કહી શકાય. પણ આ દલીલ તો શાસકના અનુનયના કોઈ પણ તબક્કે કોઈ પણ હદે લાગુ પડી શકે.
એમ પણ કહી શકાય કે નવજીવન અને સરકાર અત્યાર સુધી એકબીજા સાથે સલામત અંતરે હતાં. આ અંતર એમ જ રહે તે ઇચ્છનીય હતું. નવજીવનમાં મુખ્યમંત્રીને બોલાવવાને કારણે સંસ્થાએ રાજ્યસત્તાને અંદર આવવા દીધી, એમ નહીં એને આંગળી આપી. ‘આંગળી આપીને પહોંચો પકડ્યો’, ‘જમ ઘર ભાળી જાય’ અને ‘પેટ ચોળીને શૂળ ઊભું કર્યું’ એવી કહેવતો – તેના અણઘડતા વિનાના મથિતાર્થમાં – ભવિષ્યમાં નવજીવનને લાગુ પડે તો નવાઈ નહીં. (પ્રકાશ ન. શાહ ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તાની બાબતે એક કરતાં વધુ વખત કહી ચૂક્યા છે કે કલિ ડાબા અંગુઠાથી પ્રવેશી જાય તેની ખબર પણ પડતી હોતી નથી.) નવજીવને ભૂલવું ન જોઈએ કે તેનો એક ઉદ્દેશ ‘હિંદસ્વરાજ પ્રાપ્ત કરવાના શાંતિમય ઉપાયોનો પ્રચાર કરવાનો છે’. અંગ્રેજ શાસકોની સામે પડવામાં નવજીવને શું વેઠ્યું છે તે માણિભાઈ દેસાઈએ ‘નવજીવનની વિકાસવાર્તા’ (૧૯૬૯) નામે લખેલા આ સંસ્થાના ઇતિહાસ-પુસ્તક પર નજર નાખતાં સમજાય છે.બદલાયેલા જમાનામાં કદાચ સરકાર સામે પડવાની અપેક્ષા ન રાખીએ તો પણ તે રાજ્યસત્તાનો અનુનય ના કરે એવી અપેક્ષા તો ચોક્કસ રહે છે.
− નવજીવનના પુસ્તકોનાં ભાવમાં થયેલ વધારો, તેના માટે સંસ્થા પાસે અપેક્ષિત સ્પષ્ટતા અને તેની પ્રતીતિજનકતા, નિર્વાણદિન નિમિત્તે થયેલા કાર્યક્રમ દરમિયાન, ચરખાથી ધ્વનિ પ્રદૂષણ થાય છે એ મતલબના વિધાન અંગે થયેલી ચર્ચા , ચરખો બનામ કમ્પૂટર એવી મુખ્યમંત્રીની માન્યતા, વિદ્યાપીઠ અને નવજીવન વચ્ચેની કડવાશ, વિદ્યાપીઠના ચાન્સલરે ચરખા અને ખાદીનો કરેલો મહિમા, સૂઝથી ઊભી કરવામાં આવેલી નવજીવન પ્રદર્શની, નવાં પ્રકાશનો, નવજીવન સેન્ટર ફૉર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેમાં ચાલશે તે નવજીવનના નૂતનીકરણમાં લાકડાનો ઉપયોગ, માટીનો અભાવ, કૉંક્રિટનો પ્રભાવ જેવા મુદ્દા પણ ધ્યાન પર લેવા જેવા છે.
૭ એપ્રિલ ૨૦૧૫
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૅપ્રિલ 2015; પૃ. 12-13