આગામી ‘વિશ્વ ગુજરાતી દિન’ (24 ઑગષ્ટ 2022) નિમિત્તે, ‘સંવિત્તિ’ના સાથીઓ, ખાસ કરી, કવિ મૂકેશભાઈ પ્રિયવદન વૈદ્ય અને સાહિત્યરસિક કીર્તિભાઈ શાહ એક અનોખો ઓન લાઈન કાર્યક્રમ યોજી રહ્યા છે. ગુજરાતના પહેલી હરોળના સાહિત્યકાર તેમ જ વિવેક બૃહસ્પતિ ગુજરાત ખડું કરી શકાય તે સારુ મથતા રહેતા, એક અગ્રગણ્ય મશાલચી સિતાંશુ યશશ્ચન્દ્રના સૂચને, ‘અમેરિકા, ઇન્ગૅન્ડ અને યુરપમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનાં રક્ષણ, સંવર્ધનનું જે માતબર કામ થયું છે, તે વિશેના પરિચય અને પરીક્ષણ’ વિશેની રજૂઆત મારે કરવી તેમ ગોઠવાયું.
સિતાંશુભાઈના મતાનુસાર, “‘સંવિત્તિ’ના ઉત્તમ સાહિત્યિક કાર્યક્રમો આજ દશકોથી મુંબઈના ગુજરાતી સાહિત્યના વાતાવરણને સ્વચ્છ, મહેકતું અને સુરુચિસમૃદ્ધ રાખે છે.” સન 2014માં મુંબઈના ઉપનગર કાંદિવલી ખાતે ‘સંવિત્તિ’ની રચના થઈ હતી. ‘સંવિત્તિ’ એટલે સજગતા, સભાનતા, જાગરૂકતા, જાણવા-સમજવા-પામવાની પ્રક્રિયાનો ઉન્મેષ, સાહિત્ય-કળા-સંસ્કૃતિ-જ્ઞાન-વિજ્ઞાનની સંમુખ થવાનો સેતુ.
મિત્ર સિતાંશુભાઈના સૂચન અનુસાર યુનાઇટેડ કિંગ્ડમમાં અને અન્યત્ર યુરપમાં, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા આદિમાં, ગુજરાતી ભાષા અને સાહિત્યની જાળવણી (રક્ષણ અને વર્ધન) કઈ કઈ રીતે થયું છે અને ત્યાં નિજી રીતે સરસ લેખન કેવું થયું છે, એની વાત કરવાનો મૂળે અંગૂલીનિર્દેશ હતો.
વારુ, કવિ દલપતરામનાં કાવ્યોમાંથી પસાર થતાં, દલપત ગ્રંથાવલિ-1; દલપત-કાવ્ય : ભાગ 1ના પૃ. 21 પરે ‘એક રાજાએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર’ નામે એક કવિતા છે. સવાસોદોઢસો વરસ પહેલાંની આ રજૂઆતમાં, મનહર છંદમાં, કવિ જણાવે છે :
સ્વદેશ સુધારવાની સભાનો છું સભાસદ,
સુબોધક સજ્જનોના સાથમાં સામીલ છું;
ચૌટામાં લુંટાણી મહારાણી ગુજરાતી વાણી,
જાણી તેનું દુ:ખ ઘણો દીલગીર દીલ છું;
હિંદી ને મરાઠી હાલ, પામી છે પ્રતાપ પ્રૌઢ,
સ્વદેશી શિથિલ રહી, તે દેખી શિથિલ છું;
કહે દલપતરામ રાજા અધિરાજ સુણો,
રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું.
કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત વિવિધ અભ્યાસોના તારણ પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં 1970ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે. મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે. માતૃભાષા આપણો વારસો છે અને તે, સ્વભાવગત, આત્મવિશ્વાસ પ્રદાન કરે છે.
જાણે કે આ મૂળગત બાબતને ધ્યાનમાં રાખી, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ગઈ સદીના આઠમા દાયકાના આરંભથી જ વારસાની ભાષા અંગેનો પોતાનો અવાજ બુલંદ રાખ્યો છે. ભાષાશિક્ષણના પ્રકલ્પમાં, આથીસ્તો, અકાદમીનું સૂત્ર : ‘ગુજરાતી સાંભળીએ – ગુજરાતી બોલીએ – ગુજરાતી વાંચીએ – ગુજરાતી લખીએ – ગુજરાતી જીવીએ’ ધમધમતું રહ્યું.
અકાદમીએ અભ્યાસક્રમ ઘડી આપ્યો. પાઠ્યક્રમની સગવડ કરી આપી. તેને આધારે પાંચ સ્તરનું ભાષાશિક્ષણનું કામ આદરાયું. પાઠ્યપુસ્તકો થયાં. અઢારઅઢાર વરસો સુધી સર્વત્ર પરીક્ષાઓનું આયોજન કરાયું. શિક્ષણકામની સરળતાને ધ્યાનમાં રાખી, વિલાયતની તાસીર અનુસાર, શિક્ષક તાલીમની જોગવાઈ કરવામાં આવી. આશરે પાંચસોક શિક્ષકોને તાલીમબદ્ધ કરાયાં અને તે ય વિલાયતને ખૂણે ખૂણે. એક સમે એકાદ લાખ બાળકો અહીં ગુજરાતીનું શિક્ષણ લઈ રહ્યાં હતાં.
બ્રિટનના એક અવ્વલ ગુજરાતી શિક્ષિકા અને અકાદમીના સહમંત્રી વિજ્યાબહેન ભંડેરીના કહેવા મુજબ, બ્રિટનનાં બિન ગુજરાતી પાશ્ચાત્ય વાતાવરણમાં ઉછરતાં, ગુજરાતી ભાષા અને સાહિત્યથી અપરિચિત રહેતાં આપણાં ગુજરાતી બાળકો તેમ જ, આ બાળકોને ભાષા શીખવતાં શિક્ષકોને કેન્દ્રસ્થાને રાખીને, આશરે ૧૯૮૩માં, અકાદમીને પરીક્ષાઓની જવાબદારી સુપ્રત કરવામાં આવી હતી. આથી, દિવંગત પોપટલાલ જરીવાળાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ, ૧૯૮૪માં અકાદમીના અભ્યાસક્રમની રચના કરવામાં આવી. આ અભ્યાસક્રમને આધારે, બ્રિટનના માહોલને ધ્યાનમાં રાખીને, ગુજરાતી ભાષા શિક્ષણમાં એકસૂત્રતા સ્થાપવા માટે, પોપટભાઇની આગેવાની હેઠળ, જગદીશભાઈ દવેએ પાઠ્ય-પુસ્તકો તૈયાર કરવાની જવાબદારી સંભાળી. ૧૯૮૬માં, ચાર ધોરણે પાઠ્ય-પુસ્તકોની પ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ. ત્યારબાદ, પુસ્તકોની માંગ વધતાં બીજી બે આવૃત્તિઓ પણ પ્રસિદ્ધ કરવામાં આવી. આ પાઠ્ય‑પુસ્તકોનો, બ્રિટનમાં ગુજરાતી શીખવતી કેટલી ય ઐચ્છિક શાળાઓ વર્ષોથી ઉપયોગ કરે છે. પાઠ્ય-પુસ્તકોનાં પ્રકાશનમાં, મધ્ય ઇંગ્લૅન્ડમાં આવ્યા વેલિંગબરૉસ્થિત ‘બીદ એન્ટરપ્રાઇસ’ના ભીખુભાઈ શાહ અને સ્વર્ગીય શાંતિભાઈ શાહ તેમ જ, મુંબઈના ‘નવભારત સાહિત્ય મંદિર’નો ખૂબ જ સાથ અને સહકાર કેટલાં ય વર્ષો સુધી મળતો રહ્યો.
ઇતિહાસ સાહેદી પૂરે છે કે બ્રિટનમાં સન 1964થી ગુજરાતી શિક્ષણ અપાવું શરૂ થયેલું અને તેનો યશ લેસ્ટર શહેરને ફાળે છે; અને ‘ઇન્ડિયન એજ્યકેશન સોસાયટી’ તેને સારુ મગરૂબી અનુભવે તે તદ્દન સ્વાભાવિક છે. એ દિવસોમાં આ સંસ્થા હેઠળ મોટા કદની પાંચપાંચ નિશાળોમાં ભરચક્કપણે દર સપ્તાહઅંતે ગુજરાતીનું શિક્ષણ અપાતું.
યુનાઇટેડ કિંગ્ડમના મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતી શીખવવાના વર્ગો ધમધમતા હતા. આજે તેમાં ઓટ આવી છે. પ્રતિકૂળ પરિસ્થિતિ અનુસાર, દરમિયાન, અહીંની અકાદમીએ પરીક્ષા લેવાનું સમેટી લેવાનું રાખ્યું. બીજી બાજુ, શનિવાર-રવિવારે ચાલતી આ ઐચ્છિક શિક્ષણ પ્રવૃત્તિઓ સારુ ભાડૂતી જગ્યાઓ પણ મોંઘી થવા લાગી. બાકી હતું તો ખાનગી ટ્યૂશનોનું જોર વધવા લાગ્યું. અને તેની અસરે સામૂહિક જોમ ઓસરવા માંડ્યું. પરિણામે, હવે ગણીગાંઠી જગ્યાએ ગુજરાતી શિક્ષણ અપાતું હોય તો અપાતું હોય. વિજ્યાબહેનના મત અનુસાર, બદલાતા માહોલ, ગુજરાતી શીખવા પ્રત્યે વાલીઓ તેમ જ, બાળકોની અરુચિના પરિણામે પરીક્ષાર્થીઓની ઘટતી જતી સંખ્યા, એમ કેટલાંક આનુષંગિક કારણોસર છેવટે, ૨૦૦૨માં અકાદમીને પરીક્ષાઓ સ્થગિત કરવી પડી.
યુરપમાં પોર્તુગલના પાટનગર લિસબનમાં આજે ય ગુજરાતી ભણાવાઈ રહ્યું છે. એક સમયે સ્વીડનમાં તેમ જ બેલ્જિયમના એન્ટવર્પ શહેરમાં ગુજરાતી ભાષાશિક્ષણ અપાતું. વિલાયતની અકાદમી હેઠળ, ત્રણેક દાયકાના ગાળા પહેલાં, બે’ક વરસ સુધી તો દર સપ્તાહઅંતે, અહીંથી કુંજ કલ્યાણી એન્ટવર્પ ગુજરાતી ભણાવવા આવનજાવન કરતાં રહ્યાં જ હતાં ને.
પૂર્વ આફ્રિકાના દેશો – યુગાન્ડા, કેન્યા તથા ટાન્ઝાનિયા – તેમ જ દક્ષિણ આફ્રિકામાંના ડરબન જેવા શહેરોમાં આજે ગુજરાતી ભણાવવાના વર્ગોનું સંચાલન થતું હોય તો નવાઈ નહીં. એક સમે તો ગુજરાતી શિક્ષણનો જબ્બર મહિમા થતો હતો. અરે, અરુશા (ટાન્ઝાનિયા) માંહેની મારી નિશાળમાં એક દા માધ્યમ જ ગુજરાતી હતું ! અને આવું અનેક સ્થળોએ થતું. લાંબા અરસા સુધી પૂર્વ આફ્રિકાની ચલણી નોટો પર પણ ગુજરાતી લિપિમાં અધિકૃત લખાણ છપાતું જ આવેલું. આફ્રિકાના બીજા મુલકોમાં ય – સુદાન, ઇથિયોપિયા, રૂવાન્ડા વગરેમાં પણ ગુજરાતીનું શિક્ષણ અપાતું તેમ માનવાને અનેક કારણો છે. આ જ રીતે મધ્ય પૂર્વના એડન, અબુધાબી, મસ્કત વગેરેમાં ય ગુજરાતી ભણાવાતું હતું, તેમ જાણવા મળે છે.
આવું દૂરપૂર્વના દેશોમાં – સિંગાપોર અને હૉન્ગ કૉન્ગમાં – ગુજરાતી શિક્ષણનું ચલણ હતું. સિંગાપોરમાં તો ‘સિંગાપોર ગુજરાતી સ્કૂલ લિમિટેડ’ નામે સંસ્થા સને 1947થી અસ્તિત્વમાં રહી છે અને આજે ય દર શનિવારે તેમાં ગુજરાતીનું શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે હૉન્ગ કૉન્ગમાં એનું વાતાવરણ આજે નથી રહ્યું તેમ સમજાય છે.
ઑસ્ટૃાલિયા – ન્યુઝિલૅન્ડમાં ગુજરાતી વસાહત મોટી છે અને જામતી જાય છે. દક્ષિણ ગુજરાતમાંથી સ્થળાંતર થયેલી જમાત એકાદ સૈકા ઉપરાંતના ગાળાથી ન્યુઝિલૅન્ડમાં વસવાટ કરી રહી છે. જ્યારે ઑસ્ટૃલિયાના વસવાટીઓ બહુ પાછળથી આવ્યા. એક વખતે પ્રવીણભાઈ વાઘાણી અને એમનાં પત્ની મંજુબહેને ગુજરાતી શિક્ષણ આપવાનો દાખલો બેસાડેલો. તેને ય ત્રણચાર દાયકાઓ થયા હોય. એ પછી થોડોક વખત એમણે ગુજરાતીમાં ‘માતૃભાષા’ નામે સામયિક પણ ચલાવી જાણેલું. એક માહિતી મુજબ, ભારતીબહેન મહેતા અને સાથીમિત્રો હાલે ‘ગાંધી સેન્ટર, ઑસ્ટૃાલિયા’ને ઉપક્રમે, સિડનીમાં, સપ્તાહઅંતે, ગુજરાતી શિક્ષણના વર્ગો લે છે અને ‘ગુર્જર ધારા’ નામક એક સામયિક ચલાવે છે. બીજા વિસ્તારોમાં છૂટછવાયા વર્ગોમાં ગુજરાતી ભાષાશિક્ષણનું કામ થતું જ હોય. વરસો વીતી ગયા; તે દિવસોમાં જાણ્યું ય હતું કે ન્યુઝીલૅન્ડના ઓકલૅન્ડ સરીખા શહેરોમાં ગુજરાતી શીખવવવાના વર્ગો ય બેસતા હતા.
વાત રહી, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા નામક દેશોની વાત. ગુજરાતી ભાષા શિક્ષણની ચિંતા યુ.એસ.એ.સ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના એક વેળાના આગેવાન – પ્રમુખ ડૉ. ભરતકુમાર શાહે ખૂબ કરી. એમણે લેખો આપ્યા. એમણે પુસ્તકો ય આપ્યાં. એ મુજબ હું જો ભૂલતો ન હોઉં તો કિશોરભાઈ શાહે પણ પુસ્તકો કરેલાં. આ બન્ને વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ગુજરાતી શીખવવાનું કામ ચાલે છે ખરું.
અમેરિકાસ્થિત લેખક પ્રવીણકાન્ત શાસ્ત્રીએ એમની ફેઇસબૂક દીવાલે હમણાં લખાણ કર્યું હતું : ‘પરદેશમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પહેલી પેઢી પૂરતું જ મર્યાદિત છે. મારું લખેલું મારા ઘરમાં જ કોઈ વાંચી શકતું નથી.’
વાત તદ્દન ખરી છે. અને તેમ છતાં, તળ ગુજરાતની દૂરસુદૂર આ વિવિધ વિસ્તારોમાં ગુજરાતી વાચકોને કેન્દ્રમાં રાખીને સમસામયિકો પ્રગટ થતાં આવ્યાં છે. આજે ય યુનાઇટેડ કિંગ્ડમમાં તેમ જ યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ઠીકઠીક પ્રમાણમાં આવાં સામસામાયિકો ચાલે છે. તેમાં ‘ગરવી ગુજરાત’, ‘ગુજરાત સમાચાર’, ‘ઓપિનિયન’, ‘ગુર્જરી ડાયજેસ્ટ’, ‘ગુજરાત ટાઈમ્સ’, ‘ગુજરાત દર્પણ’, વગેરે વગેરેનો સહજ ઉભડકપણે તો ઉભડકપણે ઉલ્લેખ કરી લેવાય. ગીતસંગીતના નાનામોટા અવસરો થયા કરે છે, તેમ ભજનસંધ્યાના પણ. કવિમુશાયરાઓ તો હોય જ. બ્રિટનમાં તેમ ઑસ્ટૃાલિયામાં ગુજરાતી માધ્યમથી રેડિયો પ્રસારણ પણ વિવિધ સ્થળોએ થતું આવ્યું છે. તેમાં મીરાં ત્રિવેદી અને આરાધના ભટ્ટ અગ્રેસર રહ્યાં છે. પરાપૂર્વમાં, પૂર્વ આફ્રિકાના મુલકોમાં અને આ સૈકા વેળા, અહીં વિલાયતમાં તેમ જ અમેરિકામાં રંગમંચે નાટકો થયાં. ગુજરાતી પ્રસાર અને પ્રચાર સારુ એક ભારે અગત્યનું આંદોલન હતું. અમેરિકે મધુ રાય, રજની પી. શાહ વગેરેની જમાતે જેમ ભાતીગળ કામ આપ્યું છે તેમ પૂર્વે આફ્રિકે તેમ જ વિલાયતે નટુભાઈ સી. પટેલની આગેવાનીમાં પ્રીતમ પંડ્યા, ઉષાબહેન પટેલ, પ્રવીણ આચાર્ય વગેરે વગેરેની જમાત સક્રિયપણે કાર્યરત રહી. બીજી પાસ, નાટકને ક્ષેત્રે, લેસ્ટરના વિનય કવિનું અલાયદું કામ વિસારી શકાય તેમ નથી. આ અને આવી નાનીમોટી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને કારણે ગુજરાતીનો પ્રસાર સતત વહેતો રહ્યો છે.
ગુજરાતીના પ્રસાર અને પ્રચાર અંગે બીજાં બેએક ક્ષેત્રો ધ્યાનમાં રાખવા જેવા છે : પુસ્તકાલયો, વાંચનાલયો તેમ જ કૉલેજો, યુનિવર્સિટીઓ સરીખી વિદ્યાશાખાઓ. લંડન યુનિવર્સિટીના સ્કૂલ ઑવ્ ઑરિયેન્ટલ ઍન્ડ આફ્રિકન સ્ટડીઝમાં ગુજરાતીનું શિક્ષણ દાયકાઓથી અપાતું રહેતું. એ એક જમાનો હતો. આજે ‘સોઆસ’માં ગુજરાતી વિષયનું નામોનિશાન સુધ્ધા નથી ! દુ:ખદ હાલત છે. ચારપાંચ દાયકા પહેલાંની જો વાત કરું તો ડૉ. ઈઅન રેસાઇટ [Ian Raeside] અને ડૉ. રેચલ ડ્વાયર સરીખાં અધ્યાપકો ય હતાં. આપણા શિરોધાર્ય ભાષાશાસ્ત્રી ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત તો અહીં ભણ્યા જ હતા ને ! ૧૯૪૯માં આ પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રીએ ડૉ. રાલ્ફ ટર્નરના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી ને અહીં જ ઐતિહાસિક ભાષાશાસ્ત્ર ઉપરાંત ધ્વનિવિજ્ઞાનના અભ્યાસક્રમો કર્યા. એવું જ કામ પારિસની સોરબૉન યુનિવર્સિટીનું ચિત્ર સામે આવે. ડૉ. ફ્રાન્સવા માલિંઝોની દેણગી ધ્યાનાકર્ષક રહી છે. મૉસ્કોની અને ફિલાડેલ્ફિયાની યુનિવર્સિટીઓમાં પણ ગુજરાતી ભાષાસાહિત્યના અભ્યાસનો પરચમ એક અરસા લગી લહેરાતો રહેલો. રશિયાનાં લ્યુદ્દમિલા સાવેલ્યેવા, અતુલ સવાણી, તેમ જ કેલિફોર્નિયાના ફ્રેસકોમાં એક સમે વસતા આપણા જાણીતા ભાષાશાસ્ત્રી, કવિ દિવંગત પુરુષોત્તમ મિસ્ત્રી, ફિલાડેલ્ફિયામાં બીજા ભાષાશાસ્ત્રી બાબુ સુથાર અને એમના પુરોગામી પન્ના નાયકની અમેરિકા ખાતેની દેણગીને લગીર પણ વિસરી ન શકાય. ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટી દ્વારા, દાયકાઓથી લેવાતી રહેતી ગુજરાતીની પરીક્ષાઓનો દબદબો ઘણાંબધાંને સાંભરતો હશે. ભાંગ્યું તો ય ભરુચ, – આજે તેનું તેજ, તેનું વહેણ ક્યાં ય નબળું થયું છતાં, તે કડેધડે છે જ ને !
જ્યાં જ્યાં ગુજરાતીઓ વસ્યા છે ત્યાં ત્યાં પુસ્તકાલયો, વાંચનાલયોમાં ગુજરાતી પુસ્તકો તેમ જ વિવિધ સમસામયિકોની ભાળ જ માત્ર ન મળે વાંચવા કરવા સારું ય એ સઘળું મળે જ મળે. સંશોધકોને સારુ જેમ અહીં બ્રિટિશ લાઇબ્રેરી અગત્યનું મથક છે તેમ જગતના વિવિધ દેશોમાં પણ કેટલીક લાઇબ્રેરીઓ આજે ય અગત્યનું કામ આપે છે. તેમાં વૉશિંગ્ટનની લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ અગ્રગણ્ય છે. … ખેર !
‘સૌંદર્યની નદી નર્મદા’ અને ‘પરિક્રમા નર્મદા મૈયાની’ સરીખાં મજેદાર પ્રવાસવર્ણનનાં પુસ્તકો આપનાર સાહિત્યકાર અમૃતલાલ વેગડે ક્યાંક કહ્યું છે તેમ, ‘જીવનની સંધ્યા ટાણે મન માતૃભાષા તરફ ખેંચાય છે. સાંજ ટાણે અંધારાં ઊતરતાં જેમ પંખી માળે પાછું આવે, તેમ છેલ્લાં વર્ષોમાં માતૃભાષા જ યાદ આવે છે.’
વીસમી સદીમાં ગુજરાતના ત્રણ જાણીતા મહામાનવ મહાત્મા ગાંધી, કાયદ – એ – આઝમ મોહમ્મદ અલી ઝીણા અને ટોચના સાહિત્યકાર કનૈયાલાલ મુનશીએ પોતાનો અભ્યાસ ગુજરાતીમાં કર્યો. આ ત્રણેયનું ગુજરાતી આલા દરજ્જાનું. અલબત્ત ઝીણાને પાછળથી ગુજરાતીનો મહાવરો છૂટી ગયો હતો. પણ કહેવાનો અર્થ એ છે કે, આ ત્રણેયનો પાયો માતૃભાષા ગુજરાતી હતો તેમ છતાં તેઓ અંગ્રેજીનાં સારામાં સારા જાણકાર હતા.
ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે કોઈ પણ ધારણા બાંધવી મુશ્કેલ છે, પણ તેનો આધાર ચોક્કસ વર્તમાન સ્થિતિ અને સંજોગો પર છે અને હાલની સ્થિતિ સારી નથી તે હકીકત છે. આપણે આપણી જ મા(માતૃભાષા)થી દૂર થઈ રહ્યાં છીએ. ગુજરાતમાં જ વસતા ગુજરાતીઓમાં અંગ્રેજી પ્રત્યેનો મોહ વધતો જાય છે. અહીં અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણા વેપારીઓ હવે હિસાબના ચોપડા પણ ગુજરાતીને બદલે અંગ્રેજીમાં લખે છે. ગુજરાત સરકારનો વ્યવહાર સુધ્ધા અંગ્રેજીમાં થાય છે. કહેવાનો અર્થ એ નથી કે તમારે અંગ્રેજી શીખવું ન જોઇએ. પણ મને નિરંજન ભગતનો એક વિચાર અત્યંત પસંદ છે જે દરેક ગુજરાતીએ પોતાના જીવનમાં ઊતારવો જોઇએ : ‘માધ્યમ ગુજરાતી, ઉત્તમ અંગ્રેજી’. ગુજરાત સરકારને તો અંગ્રેજીનું ઘેલું લાગ્યું હોય તેવું લાગે છે. આ સરકાર પાસે માતૃભાષાના સંવર્ધન માટે ન તો કોઈ દિશા છે ન કોઈ દૃષ્ટિ. હકીકતમાં રાજ્ય સરકારે વારસાની ભાષાના સંવર્ધન માટે યોગ્ય કદમ લેવા જોઇએ. તેના માટે ગુજરાતી સાક્ષરોને પ્રોત્સાહન આપવું જોઇએ.
વારુ, અને તેમ છતાં, અમૃતલાલ વેગડે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના 45માં અધિવેશન પ્રસંગે કહેલું તે સોટકે સાંભરી આવે છે : ‘દુનિયાની કોઈ ભાષા ગુજરાતીને સમાપ્ત નહીં કરી શકે. ગુજરાતી અમરપટ્ટો લઈને આવી છે. એનું નૂર સદા વધતું રહે એ જોવું આપણી ફરજ છે.’
[1919]
હેરૉ, યુનાઇટેડ કિંગ્ડમ; 19 જુલાઈ – 09 ઑગસ્ટ 2022
E.mail : vipoolkalyani.opinion@btinternent.com
ભાગ-૨.