“ગ્રૂપ એરિયા અૅક્ટની શરતોનું ઉલ્લંઘન કરવાના કારણ સબબ હું તમારી સમક્ષ ખડો છું. મેં કારણો દર્શાવ્યા છે તે અનુસાર હું તે શરતોનું પાલન કરી શકતો નથી. તેથી કરીને જેને હું સવિશેષ વફાદાર છું તે આત્માના અવાજને કેન્દ્રસ્થ ગણી, એ શરતોને આજ્ઞાંકિતપણે તાબે ન થઈ તમારી સામે ઊભો છું. મહાત્મા ગાંધીના આદર્શ અનુસાર સત્યાગ્રહના (અસહકારના) એક અનુયાયી તરીકે અન્યાયનો તેમ જ જુલમનો સામનો કરવાની હું મારી પવિત્ર ફરજ સમજું છું. અને આમ કરવાને કારણે કાનૂનના સંપૂર્ણ સપાટાને સહેવાની તેમ જ મને જે કંઈ સજા ફટકારવામાં આવે તો તેને ઝેલી લેવાની મારી પૂરી તૈયારી છે.
“મેં કરેલા ગુના ખાતર સમારી સમક્ષ ખડો છું તેથી તમે મને જે કંઈ સજા કરો તેને હું હસતે મોઢે સહન કરી લઇશ કેમ કે આ કાયદાને (અૅક્ટને) કારણે કોમને જે સહેવાનું થાય છે તેની વિસાતમાં એ સજા મારે મન કંઈ નહીં હોય. સત્ય, ન્યાય તેમ જ માનવતા અંગેના મારા સિદ્ધાંતોની અમલબજાવણી કરતાં કરતાં મારે જે કંઈ સહેવાનું આવે તેને કારણે જો દક્ષિણ આફ્રિકાની ગોરી પ્રજામાં આત્મભાવ જાગશે તો જાણીશ કે મારી મથામણ લગીર એળે નથી ગઈ. મારું વય 69નું છે, અને સંધિવાના દીર્ધકાલીન દુખાવાથી પીડાઈ રહ્યો છું, છતાં સજામાં કોઈ રાહત આપવાની માગણી સુધ્ધાં કરવાનો નથી. હું કોઈ જાતની હળવાશની પણ વિનંતી કરતો નથી. તમારી સજાની સુનાવણી માટે હું પૂર્ણપણે તૈયાર છું.”
17 અૉગસ્ટ 1967નો એ દિવસ. દક્ષિણ આફ્રિકાના મુખ્ય શહેર પ્રિટોરિયા મધ્યે મેજિસ્ટૃેટ કોર્ટમાં ચાલેલા એક મુકદમા વેળાનું એક ‘ગુનેગાર’નું આ નિવેદન છે. નિવેદક છે નાના સીતા.
ગાંધીની જેમ સોજ્જા આત્મવિશ્વાસ સાથે તૈયાર થયા હોય અને લગભગ ગાંધી જેવું જ નિવેદન આ સાચના સિપાહી અદાલતમાં કરે તે નાનું અમથું માણસ તો હોય જ નહીં. તેથીસ્તો, કુતૂહલપ્રેરક સવાલ થાય : આ નાના સીતા તે કોણ ?
દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારના મટવાડ ગામે સન 1898 દરમિયાન નાના સીતાનો જન્મ થયેલો. હિંદની સ્વતંત્રતાની ચળવળમાં એમનો પરિવાર સક્રિય રહેલો તેમ સમજાય છે. અને પછી, પરિસ્થિતિવસાત્ લીલાં ચરિયાણની શોધમાં, બીજા અનેકોની જેમ, નાનાભાઈ 1913માં દક્ષિણ આફ્રિકા ગયેલા. આરંભે પ્રિટોરિયા ખાતે જે.પી. વ્યાસને ત્યાં એમનો આશરો હતો. એ અરસામાં નામું કરવાનું એ શિક્ષણ મેળવવામાં હતા. તે દિવસોમાં ગાંધીજી સત્યાગ્રહની આગેવાની સંભાળતા હતા. દક્ષિણ આફ્રિકાના વડા જનરલ સ્મટ્સ જોડે વાટાઘાટ સારુ ગાંધીજી પ્રિટોરિયા ગયેલા. તે દિવસોમાં ગાંધીજીનો થોડા દિવસો માટેનો ઊતારો જે.પી. વ્યાસને ત્યાં હતો. અને નાના સીતા પણ ત્યાં જ રહેતા હતા. આમ એમને સંગે સંગે ગાંધીજીનો ઘેરો પાસ લાગ્યો.
રંગરૂટિયા હિંદવી મજૂરોની સાથે ગાંધીજીને એકરૂપતા બંધાઈ હોવાને કારણે એ દિવસમાં એક જ વાર અન્ન લેતા હતા, લુંગી અને અને બરછટ ઝબ્બા સરીખું ખમીસ પહેરતા, ભોંય પર પથારી કરી સૂતા તેમ જ જનરલ સ્મટ્સને મળવા કરવાનાં કામ અર્થે ય ઉઘાડે પગે હરફર કરતા.
એમના કાકાના ફળફૂલ તેમ જ શાકભાજીના ધંધામાં થોડાંક વરસો કાઢ્યા બાદ, નાના સીતાએ પોતાનો ગાંધિયાણા તરીકેનો ધંધો શરૂ કરેલો. પ્રિટોરિયાના નાના અમથા હિંદવી સમાજના ધાર્મિક તેમ જ સામાજિક ઉત્કર્ષના અવસરોમાં એ સક્રિયપણે ભાગ લેતા થયા. વળી, એ ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’માં જોડાયા અને પ્રિટોરિયા શાખાના મંત્રીપદે પણ રહેલા.
છવિ સૌજન્ય : 'શ્રી ટૃાન્વાલ કોળી હિતવર્ધક મંડળ' [1916-2016] શતાબ્દી ઉત્સવ સ્મરણિકા
એનુગા શ્રીનિવાસુલુ રેડ્ડી નામક સંયુક્ત રાષ્ટૃ સંઘના એક પૂર્વ અધિકારીને દક્ષિણ આફ્રિકામાં ઊંડો રસ હતો. એમણે સંશોધન આધારે ‘સાઉથ આફ્રિકન હિસ્ટૃી અૉનલાઇન’ની રચના કરી છે. એમાં વિગતે સ્વાતંત્ર્યસંગ્રામની વિગતો ય જડે છે. જાણીતા લેખક અને વિચારક રામચંદ્ર ગુહાના મત અનુસાર, દક્ષિણ આફ્રિકાના ગાંધીની સારામાં સારી વિગતમાહિતી રેડ્ડી કને જ છે. રેડ્ડીએ નાના સીતા વિશે ય વિગતમાહિતી મૂકી છે. તેમના કહેવા અનુસાર, ટૃાન્સવાલની તમામ મવાળ નેતાગીરીમાં નાના સીતા ઉમ્મરે નાના હતા. એમ છતાં, બહુ જ નજીવા સમયમાં એ મવાળોના આગેવાન પ્રવક્તા બની ચૂક્યા હતા. જહાલોની સામે ઊભા રહેવા સારુ મવાળો નાના સીતાની લોકપ્રિયતા તેમ જ એમનો કોમ પર જે પ્રભાવ હતો તે પર મદાર રાખતા.
બીજા વિશ્વયુદ્ધના દિવસોમાં હિન્દવી કોમ પર વિશેષ પ્રતિબંધ લાદવા તેમ જ જમીનના માલિકીપદને વધુ મર્યાદિત કરવા સારુ સરકારે બે નવા કાયદા દાખલ કરેલા. ‘ઘૅટૉ અૅક્ટ’ તરીકે જાણીતા થયેલા આ કાનૂનનો [ધ એશિયાટિક લૅન્ડ ટેન્યોર અૅન્ડ ઇન્ડિયન રિપ્રેઝન્ટેશન અૅક્ટ અૉવ્ 1946] ટ્રાન્સવાલ તથા નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસોની જહાલ નેતાગીરીએ સક્રિય વિરોધ કરી વિશાળ પ્રતિકારનો આદર કર્યો. ડૉ. યુસૂફ એમ. દાદુ, અને ડૉ. જી.એમ. નાઇકર તેના આગેવાન હતા. ગાંધીજીના આશીર્વાદ સાથે જૂન 1946માં એમણે નિ:શસ્ત્ર પ્રતિકારનો આરંભ કર્યો. પરિણામે 2,000 ઉપરાંત લોકોને જેલ ભોગવવી પડેલી. નાના સીતા જહાલો સાથે જોડાઈ ગયા કેમ કે સિદ્ધાંતને મુદ્દે શેતાની સરકાર સાથે કોઈ વાટાઘાટની સંભવના હતી જ નહીં. આ આંદોલનમાં એ સક્રિય બની ગયા. કૉંગ્રેસ ઉપરાંત હવે એ ‘ટૃાન્સવાલ પૅસિવ રેસિઝન્ટસ કાઉન્સિલ’માં જોડાયા. ડૉ. દાદુની અવેજીમાં એ અધ્યક્ષપદ પણ સંભાળતા.
અૉક્ટોબર 1946 વેળા હિંદી, આફ્રિકીઓ તથા રંગીન (કલર્ડ) લોકોની ટૃાન્સવાલમાં એક મોટી રેલીની એમણે નેતાગીરી કરેલી. પરિણામે એમને 30 દિવસની સખત મજૂરીવાળી જેલની સજા ભોગવવાની થઈ. છૂટકારા પછી, ફરી એમને બીજીવાર પણ જેલવાસ થયો. એમને સાત સંતાનો હતાં અને આ આંદોલનમાં દરેક જણે જેલવાસ વેઠેલો. એમની દીકરી, મણિબહેન સીતા તો સ્વાતંત્ર્યસૈનિક તરીકે જાણીતાં બનેલાં. એમણે ય બેચાર વાર જેલ ભોગવવી પડેલી.
નાનાભાઈ હંમેશ ગાંધીટોપી પરિધાન કરતા. હિન્દવી આંદોલનોમાં એ જાણીતા હતા. સન 1948માં ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસના અધિવેશનમાં પ્રમુખપદેથી આપેલું પ્રવચન આની સાખ પૂરે છે. 30 અૅપ્રિલ 1948થી જોહાનિસબર્ગથી પ્રગટ થયેલી ‘પેસિવ રેસિઝસ્ટર’ પત્રિકામાં આ પ્રવચનની વિગતો મળે છે. તેમાંથી આ ત્રણ ફકરા અહીં જોઇએ :
"Do we all of us realise the significance, the importance, the heavy responsibility that has been cast upon each and every one of us when we decided to challenge the might of the Union Government with that Grey Steel, General Smuts, at its head? Are we today acting in a manner which can bring credit not only to the quarter million Indians in South Africa but to those four hundred million people now enjoying Dominion Status as the first fruits of their unequal struggle against the greatest Empire of our times?
"It is for each and every one of us in his or her own way to answer that question with a clear conscience. But let me say that I have nothing but praise for those brave men and women fellow resisters of mine. History has ordained that they should be in the forefront in the great struggle for freedom in this colour-ridden country of eleven million people …
"Over two thousand men and women have stood by the ideal of Gandhi and have suffered the rigours of South African prison life and they are continuing to make further sacrifices in the cause of our freedom. We at the head of the struggle cannot promise you a bed of roses. The path that lies ahead of us is a dark and difficult one but as far as I am personally concerned I am prepared to lay down my very life for the cause which I believe to be just.”
જૂન 1948માં નેશનલ પાર્ટી શાસનમાં આવી અને દમનનો કોરડો વિશેષ વીંઝાતો થયો. જૂન 1952માં, ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ અને ‘સાઉથ આફ્રિકન ઇન્ડિયન કૉંગ્રેસ’ એકબીજાથી જોડાઈને પ્રતિકાર કરતા રહ્યા. આશરે આઠ હજાર લોકોને કેદમાં પૂરવામાં આવ્યા. આ પ્રતિકારની એક ટૂકડીના આગેવાન તરીકે નાના સીતા હતા. અને એમની ટૂકડીમાં ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ના મહામંત્રી વૉલ્ટર સિસુલુ ય સક્રિયપણે સામેલ હતા. એમને જેલમાં મૂકવામાં આવ્યા. બહાર આવ્યા ત્યારે એમની તબિયત ખૂબ લથડી ગયેલી. તે પછીને વરસે, ડૉ. દાદુ પર પ્રતિબંધો લદાતાં, નાના સીતા ‘ટૃાન્સવાલ ઇન્ડિયન કૉંગ્રેસ’ના પ્રમુખપદે ચૂંટાઈ આવેલા. શાસને તરત જ એમના પર પણ પ્રતિબંધો લાદ્યાં.
સન 1960માં ‘શાર્પવિલ હત્યાકાંડ’ની પૂંઠે દેશમાં કટોકટી લાદવામાં આવતાંની સાથે ફરી એક વાર નાનાભાઈને અટકમાં લેવામાં આવ્યા. કોઈ પણ પ્રકારનો મુકદમો ચલાવ્યા વિના એમને ત્રણ મહિના કેદમાં રાખવામાં આવેલા. ‘આફ્રિકન નેશનલ કૉંગ્રેસ’ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો અને આગેવાનોએ હિંસાત્મક માર્ગ વળતાં હાથ કરવાનો નિર્ધાર કર્યો. જ્યારે નાના સીતાની અહિંસક પ્રતિકારની લડત ચાલુ જ રહી.
દરમિયાન, પ્રિટોરિયાના ‘હરક્યુલસ’ (Hercules) વિસ્તારને ફક્ત ગોરા વસવાટીઓના વિસ્તાર તરીકે 1962માં જાહેર કરાતા, નાના સીતાને તેની અસર પહોંચી. કેમ કે તે વિસ્તારમાં એમનું રહેઠાણ હતું. એમને અને પરિવારને ફરજિયાત ઉચાળા ભરવા પડ્યાં. સ્થળથી અગિયાર માઇલ દૂરના હિંદવી જમાત માટેના ખાસ ફાળવાયેલા અલગ વિસ્તાર, લૉડિયમ (Laudium) ખાતે જવાનું કહેવાયું. નાના સીતાએ આ હુકમનો અનાદર કર્યો અને તેથી એમને અદાલતમાં લઈ જવામાં આવ્યા. એમણે અદાલતમાં આ હુકમનામાની ભયંકર આલોચના કરી, તેને પડકાર્યો. ન્યાયાધીશે ચૂકાદો આપ્યો : સો રેન્ડનો દંડ અથવા ત્રણ મહિનાની જેલ. આ તો સાચના સિપાહી. ગાંધીને પગલે ચાલનારા. વળી, નાના સીતાને ધમકી પણ અપાઈ કે જો તે આ વિસ્તાર ખાલી કરીને જશે નહીં તો એમને વધુ સજા થશે.
સજા ભોગવીને એમણે તો સ્વાભાવિક ‘અખ્ખે દ્વારાકા’ જ કર્યું. પત્ની પેમીબહેન સાથે એમણે તે જ ઘરમાં રહેવાનું ચાલુ રાખ્યું. અને ધારેલું તેમ અદાલતે એમને છ માસની કેદની ઠઠાડી દીધી.
સત્તાવાળાઓએ વધુ એક વાર 1965માં પતિપત્ની પર કાર્યવાહી આદરી. નાના સીતાએ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી, અને તારીખ લંબાયા કરી. છેવટે 1967માં દાખલો ન્યાયમૂર્તિ સમક્ષ આવ્યો. અદાલત સમક્ષ એમણે 19 પાન લાંબું ખૂબ જ અગત્યનું નિવેદન કર્યું. એમાંના બે ફકરા તો આપણે આ લખાણમાં આરંભે જ જોયા છે. વારુ, અદાલતનો ખંડ ખીચોખીચ ભરાયો હતો. એમાં હિન્દવી નસ્સલના પણ લોકો હતા. નિવેદન પૂરું થયું અને ખંડમાં સોપો પડી ગયેલો. કેટલાંક તો હીબકે ય ચડ્યાં હતાં. નાના સીતાને છ માસની કેદની સજા થઈ. પેમીબહેનને સજામોકૂફી ફરમાવવામાં આવી.
કેદમાથી છ માસે છૂટ્યા ત્યારે, “રેન્ડ ડેયલી મેલ”ના છઠ્ઠી એપ્રિલ 1968ના અંકમાં, જીલ ચિશોમ(Jill Chisholm)ના પત્રકારી હેવાલ મુજબ, નાના સીતાએ નિવેદન બહાર પાડેલું. નાના સીતા પાસે આવા જ નિવેદનની અપેક્ષા હોય : “બીજાં કેટલાં લોકો કાનૂનનો સ્વીકાર કરે છે કે પછી તેને પડકાર કર્યા વિના તેને સહી લેતાં ય હોય, તે મારે માટે અગત્યનું છે જ નહીં − હોઈ શકે કે સૌ કોઈ આ કાનૂનને સ્વીકારતાં પણ હોય. મારા આત્માના અવાજને તે અન્યાયી લાગે તો મારે તેનો વિરોધ કરવો જ રહ્યો. કોઈ પણ જાતના અન્યાયનો સામનો કરી પ્રતિકાર કરવા માટે મારું મન ક્યારનું તૈયાર છે. પરિણામે બીજા કોઈ અન્યાય થાય તે વેળા ફરી વાર વિચાર કરવાની આવશ્યક્તા રહેતી જ નથી. એક વખત વચનબદ્ધ થયા એટલે એને માટે મક્કમ રહી સ્વીકાર કરવાનો જ હોય.”
એ જ મહિના દરમિયાન, સત્તાવાળાઓએ એમની ઘરવખરી ઉપાડીને બાજુની ગલીમાં ઠાલવી મેલી. પણ નાના સીતા જેનું નામ, એ તો તરત પોતાના આવાસે પાછા ગોઠવાઈ ગયા. એમણે એ પછી ક્યારે ય આ ગ્રૂપ એરિયા અૅક્ટનો સ્વીકાર કર્યો જ નહીં. મહાત્મા ગાંધીના જન્મ શતાબ્દી વર્ષમાં, ડિસેમ્બરની 23મીએ એમણે દેહ છોડયો.
નાના સીતાની કામગીરી લગીર એળે ગઈ નહોતી. એમનાં સંતાનો – મણિબહેન અને રામલાલ ભૂલા તો અસહકારની લડતમાં સક્રિય રહ્યાં. અને નાના સીતાની શહીદી તેમ જ કામગીરીની આઝાદ દક્ષિણ આફ્રિકાની નેતાગીરીએ આદરપૂર્વક નોંધ લીધી છે. નેલ્સન મન્ડેલા, વૉલ્ટર સિસુલુ તેમ જ અહમદ કથરાડાએ તો જાહેરમાં એમનું યશોગાન કર્યું છે. પ્રિટોરિયા શહેરની મધ્યમાં આવેલા એક મોટા રસ્તાને ‘નાના સીતા સ્ટૃીટ’ નામ પણ આપવામાં આવ્યું છે.
પાનબીડું :
તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો ;
આ નાનો, આ મોટો –
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો.
− પ્રેમશંકર ન. ભટ્ટ
હેરો, 03 અૉગસ્ટ 2017
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
પ્રાથમિક વિગત સૌજન્ય : 'શ્રી ટૃાન્સવાલ કોળી હિતવર્ધક મંડળ' શતાબ્દી ઉત્સવ સ્મરણિકા (1916-2016)
["અખંડ આનંદ", સપ્ટેમ્બર 2017ના અંકમાં આ લેખ પ્રગટ થયો છે. પૃ. 58 – 61]