કેન્દ્રના પ્રધાનોને બોલવાની અનુમતિ નથી અથવા બોલવાની આવડત નથી એટલે રાજકીય નિવેદનો કરવાનું કામ લશ્કરી વડાઓને સોંપવામાં આવ્યું હોય એમ લાગે છે. વાહ રે સરકાર! લશ્કરી વિભાગોના વડા જનરલ બિપિન રાવતે કહ્યું છે કે કાશ્મીરમાં તરુણોને ધર્મઝનૂની બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું છે કે અમેરિકા અને તાલેબાનો વચ્ચે જે સમજૂતી થઈ રહી છે એને ભારતનો ટેકો છે. તેમણે એ પહેલાં કહ્યું હતું કે ત્રાસવાદ સામેની લડાઈ અમેરિકન ઢબે લડવી જોઈએ એટલે કે ત્રાસવાદીઓની પૂંઠ પકડવા જરૂર પડે તો બીજા દેશોમાં પ્રવેશીને પણ ઓપરેશન કરવાં જોઈએ. પહેલી જાન્યુઆરીએ તેમણે કહ્યું હતું કે લશ્કરી જવાનોએ રાજકારણથી દૂર રહેવું જોઈએ. આવી અમૂલ્ય શીખ આપનારા બિપિન રાવતે એ પહેલાં ૨૬મી ડિસેમ્બરે નાગરિક સુધારા ધારાનો બચાવ કરતાં કહ્યું હતું કે વિરોધ કરનારા લોકોનાં ટોળાં જો કાયદો હાથમાં લેતા હોય અને હિંસક બનતા હોય તો એ નેતૃત્વની નિષ્ફળતા છે, વગેરે.
અહીં તો માત્ર છેલ્લા એક મહિનામાં તેમણે કરેલાં નિવેદનોની જાણકારી આપી છે. જો તમે ‘જનરલ બિપિન રાવત’ એમ ગૂગલ સર્ચ કરશો તો તમને આવાં અસંખ્ય રાજકીય નિવેદનો જોવાં મળશે. આ નિવેદનો જોતાં બે વાત નોંધવી જોઈએ. એક તો એ કે આ માણસ જોખમી લાગે છે. કોઈ બીજી લોકતંત્રમાં શ્રદ્ધા ધરાવતી નાગરિક સરકાર હોય તો આવા રાજકીય બાબતોમાં રસ ધરાવનારા જનરલને ચૂપ રહેવાની સલાહ આપી હોત. સંરક્ષણની ત્રણેય પાંખનો વડો તો બનાવે જ નહીં. ત્રણેય પાંખ તો ઠીક છે, એક પાંખનો વડો પણ બનાવે નહીં, જ્યારે જનરલ રાવતને તો ત્રણ સિનિયર અધિકારીઓની સિનિયોરિટીને અતિક્રમીને લશ્કરી વડા બનાવવામાં આવ્યા હતા અને હવે ત્રણેય પાંખના વડા બનાવ્યા છે. રાજકારણમાં રસ લેનારો બટકબોલો માણસ આટલે ઊંચે હોદ્દે પહોંચી શકે અને ઉત્તરોત્તર ઉપર જઈ શકે એનો બીજો અર્થ એ થયો કે કદાચ કેન્દ્ર સરકારની યોજના લશ્કરની હિંદુ રાજનીતિકરણ કરવાની છે એટલે આમ પણ આવડત વિનાના પ્રધાનોને મોઢે તાળાં વાસવામાં આવ્યા છે અને લશ્કરી અધિકારીઓને રાજકીય નિવેદનો કરવા દેવામાં આવે છે.
ગયા અઠવાડિયે નવા લશ્કરી વડા જનરલ મનોજ નરવણેએ કહ્યું હતું કે જો સરકાર આદેશ આપે તો અમે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને આંચકીને લાવી આપીશું. એટલું સારું છે કે તેમણે સરકાર આદેશ આપે એમ કહ્યું હતું. દેશમાં બે વ્યક્તિ જ બોલે છે. એક ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજા લશ્કરી વડા. બાકીના બધા પ્રધાનો, વડા પ્રધાન સહિતના ચૂપ છે. આ બધું આવડતના અભાવમાં બની રહ્યું છે કે ચોક્કસ યોજના(ડિઝાઈન)ના ભાગરૂપે બની રહ્યું છે એ તો સમય કહેશે.
આ ખેલ ખતરનાક છે. લશ્કરી વડાઓ લક્ષ્મણ રેખા ઓળંગતા હોય તો પણ ખતરનાક છે અને જો લશ્કરનું હિંદુકરણ કરવામાં આવતું હોય તો તો વધુ ખતરનાક છે. પડોશમાં પાકિસ્તાનમાં શું બન્યું છે એના ઉપર એક નજર કરવી જોઈએ. લશ્કરે રાજકારણમાં રસ લેવા માંડ્યો એટલે ત્યાં લશ્કરી સરમુખત્યારશાહી આવી અને એ પછી જનરલ ઝિયાના સમયમાં લશ્કરનું ઇસ્લામીકરણ કરવામાં આવ્યું એટલે ઇસ્લામના નામે ત્રાસવાદ સરકારમાન્ય અને લશ્કરમાન્ય બની ગયો. પાકિસ્તાનમાં ધર્મઝનૂની મુસલમાનોનો ત્રાસવાદ સરકાર પુરસ્કૃત પાકિસ્તાની બની ગયો એ આપણી સામે છે. શું ભારતમાં આવી સ્થિતિ પેદા કરવી છે? એવો દિવસ જોવો છે જેમાં હિંદુ ત્રાસવાદ સરકાર પુરસ્કૃત અને લશ્કર પુરસ્કૃત હોય!
એવું લાગે છે કે હિન્દુત્વવાદીઓ પાકિસ્તાનની મીઠી ઈર્ષ્યા કરી રહ્યા છે. એ લોકો કરી ગયા અને આપણે કેમ પાછળ રહી ગયા! આ બધું ‘કમબખ્ત’ નેહરુની નીતિનું પરિણામ છે. જો નેહરુ ન થયા હોત તો આપણે ત્યાં પણ શિખા અને તિલકધારીઓ હાથમાં ત્રિશુળની જગ્યાએ રાયફલ લઈને ફરતા હોત. પાકિસ્તાનમાં ધર્મઝનૂની મુસલમાનો પાસે પણ એક સમયે ધગધગતી વાણી સિવાય કોઈ શસ્ત્ર નહોતું. તેઓ મસ્જિદોમાં અને અન્યત્ર જલદ ભાષામાં લોકોને ઉશ્કેરનારાં ભાષણો કરતા હતા. શસ્ત્ર તેમની પાસે નહોતાં. તેમના હાથમાં એકે-૪૭ સ્ટેનગન પકડાવવાનું તો પાકિસ્તાનની સરકારે અને લશ્કરે કર્યું હતું. દાઢી અને ટોપીધારી ધર્મઝનૂની મુસલમાન આધુનિક રાયફલ લઈને ફરે અને આપણો શિખાધારી અને તિલકધારી ધર્મઝનૂની હિંદુ બાપડો પ્રાચીન ત્રિશૂળ લઈને ફરે એ વાતની નાનપ અનુભવવામાં આવી રહી છે?
કેટલાક લોકોને એમ લાગી શકે છે કે હું ભય જોવામાં કે ભય તરફ ઈશારો કરવામાં અતિશયોક્તિ કરી રહ્યો છું. કોઈને એમ પણ લાગે કે હું કાગનો વાઘ કરી રહ્યો છું. ભલે એમ લાગે. આગ સાથે રમત રમવાની ન હોય. ઝેરનાં પારખાં કરવાનાં ન હોય. જો ભારતની હાલત પાકિસ્તાન જેવી ન કરવી હોય તો પહેલું કામ નાગરિકે જાગૃત થવાનું કરવાનું છે. ઊહાપોહ તો કરતા જ રહેવું જોઈએ. આપણને આ સરકાર માટે અપેક્ષા હોય, પક્ષપાત હોય તો પણ જ્યારે એમ લાગે કે કાંઈક ખોટું થઈ રહ્યું છે ત્યારે બોલવું જોઈએ. સરકાર કરે એ દરેક વાતનો સ્વીકાર કરવો અને બચાવ કરવો એ બુદ્ધિહિનતા અને ગુલામીનાં લક્ષણ છે.
જનરલ બિપિન રાવત પહેલાં કોઈ લશ્કરી વડાએ આટલાં રાજકીય નિવેદનો કર્યાં છે? ૧૯૯૧ની બંગલાદેશની લડાઈનાં વાદળો ઘેરાઈ રહ્યાં હતાં ત્યારે પણ જનરલ માણેકશા રાજકીય નિવેદનો નહોતા કરતા. તપાસી જુઓ ઇતિહાસ. બિપિન રાવત પહેલાં કોઈ પણ લશ્કરી અધિકારીએ આટલાં રાજકીય નિવેદનો નથી કર્યા. તો પછી આ માણસ સમૃદ્ધ પરંપરા શા માટે તોડી રહ્યો છે? કોઈ ડિઝાઈન છે? જેનામાં બુદ્ધિ હોય અને દેશ માટે સાચો પ્રેમ હોય એને સ્વાભાવિકપણે આવા પ્રશ્નો થશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 19 જાન્યુઆરી 2020