કાશીબહેન ગામડામાં સારવાર માટે
પંચોતેર જેટલાં વર્ષ પહેલાંનો સમય. ગુજરાતનાં ભાલ-નળકાંઠાના ખૂબ પછાત વિસ્તારનું શિયાળ ગામ. ત્યાંથી પચીસેક વર્ષની એક યુવતી એક વરસાદી સાંજે ફાનસ લઈને ઊંટ પર બેસીને નીકળી. ચાર કલાકે ગાજવીજ અને ઘનઘોર રાતમાં વરસતા વરસાદે ઝાંપ ગામે પહોંચી. ફાનસ ઓલવાઈ ગયેલું છતાં યુવતીએ કૂબો ખોળી કાઢ્યો.
અંદર એક પથારી માંડ રહી શકે એટલી જગ્યા. તેમાં એક સૂવાવડી બાઈ કણસે. તેની ગરીબી એટલી કે પહેરેલી સાડીને લગાવેલાં થીંગડાંમાંથી મૂળ સાડીનું કપડું કયું તે જ ખ્યાલ ન આવે.
ખાટલો પણ ટૂંકો ને તૂટેલો. ઘરમાં પિત્તળની એકેય તપેલી જોવા ન મળે. વેપારીને ત્યાંથી તપેલું મંગાવીને સાધનો ઉકાળવાં પડ્યાં.
બાઈને સલાઇન ગ્લુકૉઝ ચઢાવ્યું. પાડોશીને ત્યાંથી વાસણ ગોઠવવાનાં બે-ત્રણ પાટિયાં મેળવ્યાં ને બાઈને એના પર સુવાડી. યુવતીએ પ્રભુનું નામ લઈને ફોરસેપ કર્યું (ચીપિયાનો ઉપયોગ કરી માના ઉદરમાંથી બાળકને બહાર કાઢ્યું). બાઈ ને બાળક બેઉ બચ્યાં.
યુવતીને આપવા માટે ઘરવાળા પાસે કશું હતું નહીં. પણ યુવતીએ તેને વીસ રૂપિયા આપીને કહ્યું: 'બાઈને રાબ વગેરે બનાવીને પાજો.' ટાંકા આવ્યા હતા, એટલે એ કાઢવા માટે યુવતી થોડા દિવસે ફરીથી ઊંટ પર ઝાંપ ગઈ. ટાંકા સારા રહેલા ને બાળક તંદુરસ્ત હતું.
અંતરિયાળ ગામોમાં સુવાવડ
કાશીબહેન મહેતા
આવી અસાધારણ રીતે સંખ્યાબંધ બાળકોને અને ખાસ તો માતાઓને સુવાવડ દરમિયાન બચાવનાર તે ગુજરાતનાં એક લોકોત્તર આદ્ય પરિચારિકા (નર્સ) કાશીબહેન છોટુભાઈ મહેતા.
તેમણે ભાલ-નળકાંઠાનાં અગનપાટ નપાણિયા મુલકના સિત્તેર જેટલાં અતિ પછાત અંતરિયાળ ગામોમાં 1946થી લઈને સત્ત્યાવીસ વર્ષ સુધી નર્સ તરીકે જે સેવા આપી તેનો જોટો નથી.
કાશીબહેન આજે એકસો એકમાં વર્ષમાં પ્રવેશ્યાં હોત. તેમની જન્મશતાબ્દીનાં 2019-20ના વર્ષમાં જ રાજસ્થાનના કોટા અને ગુજરાતના રાજકોટની સરકારી હૉસ્પિટલોમાં તંત્રની બેદરકારીને કારણે નવજાત શિશુઓ મોટી સંખ્યામાં મોતને ભેટ્યાં એ કાળચક્રની એક વક્રતા છે.
કાશીબહેને સેવાવ્રતનું નમ્ર અને કૃતજ્ઞતાપૂર્ણ બયાન આપતી 'મારી અભિનવ દીક્ષા' (1986) નામની આત્મકથા સવાસો પાનાંમાં લખી છે જે વાચકને નતમસ્તક બનાવી દે છે.
તેની પ્રસ્તાવનામાં મનુભાઈ પંચોળી 'દર્શક' લખે છે : ‘… પ્રેમ જ્યારે નિ:સ્વાર્થ બને છે ત્યારે તેમાંથી ઈશ્વરનું સ્વરૂપ પ્રગટે છે. કાશીબહેને આ ઈશ્વરી સ્વરૂપની ઝાંખી કરી. અનરાધાર વરસાદ, ભીષણ તાપ, ઘોર અંધારું, ભયાનક વાવાઝોડાંની કેટલી ય અગ્નિકસોટીઓ વચ્ચે ભાલના નોંધારા પઢારો, કોળીઓ, હરિજનોના કૂબામાં મરણાસન્ન બાઈઓને, હોઠે આવેલ કોળિયો મૂકી, ઘોડા પર સવારી કરી, ઊંટ પર જઈ પ્રસૂતિઓ કરાવી, અનેક બાળકોની માવડી બન્યાં …'
‘મારી અભિનવ દીક્ષા’ પુસ્તકમાં આત્મકથની વર્ણવી
'મારી અભિનવ દીક્ષા' પુસ્તક વર્ષોથી અપ્રાપ્ય બની ચૂક્યું છે. પણ તેની ટૂંકી આવૃત્તિ ભાવનગરનાં 'લોકમિલાપ' પ્રકાશન થકી ગુજરાતને મળતી રહી હતી.
કાશીબહેનનાં પુસ્તકનો સંક્ષેપ મહેન્દ્ર મેઘાણીએ 'ચંદનનાં ઝાડ' (1989) નામના સંચયમાં બીજાં ચાર ટૂંકાવેલાં આત્મકથનો સાથે આપ્યો હતો. તેની બે લાખ નકલો લોકોએ વસાવી હતી.
ત્યાર બાદ એ જ સંક્ષેપ તેમણે 'મારી અભિનવ દીક્ષા' નામની ખીસાપોથી તરીકે 2006માં બહાર પાડ્યો જેની અત્યાર સુધી 46 હજાર નકલો વાચકો પાસે પહોંચી છે. કાશીબહેનનાં સ્વકથનમાંના પ્રસંગો તો આજે લગભગ કાલ્પનિક લાગે છે.
એક ધોધમાર વરસાદી સાંજે કાશીબહેન કાંતી રહ્યાં હતાં ને કેસરડી ગામથી સુવાવડ માટે તેડું આવ્યું.
ચરખો બાજુ પર મૂક્યો, દાક્તરની પેટી ભરી ને ઘોડા પર બેસીને નીકળ્યાં. બે કાંઠે વહેતી નદી, તરતાં આવડતું ન હોવા છતાં, માણસોના ટેકે પાર કરી. ફરીથી જે ઘોડા પર બેઠાં તે વાંકોચૂંકો ચાલે. માંડ સમતુલા જાળવતાં ત્રણ કલાકે સુવાવડી પાસે પહોંચ્યાં.
ત્યાં અંધશ્રદ્ધાળુ સ્ત્રીઓ દાણા જોતી હતી. તેમને સમજાવી-ધમકાવીને કાઢી મૂકી. દરદીને બાટલો ચડાવ્યો.
બાળક આડું હતું. ધારિયું મગાવી, તેને ઉકાળી બાળકનો હાથ કાપી નાખ્યો, તેને ફેરવીને પ્રસવ કરાવ્યો. સ્ત્રી બચી ગઈ. ઘર એટલું ગરીબ કે દૂધ અને રાબ માટે રૂપિયા કાશીબહેને આપ્યા.
મૂળી-બાવળીથી કહેણ આવ્યું. રસ્તે કીચડ, ઘોડું ઊભું રહી ગયું. બે કિલોમીટર ચાલ્યાં પછી કાણાંવાળી હોડી મળી. રાતે દસ વાગ્યે રાણગઢ, ત્યાંથી કાદવ ખૂંદતાં દરદી પાસે. સવારે અગિયાર વાગ્યે પેટ્રોમૅક્સના અજવાળે સલામત પ્રસૂતિ પૂરી કરાવી. મલેરિયાના વાવડવાળા ગામમાં પચાસ દરદીઓને દવા-ઇન્જેક્શન આપ્યાં અને રાત્રે આઠ વાગ્યે દવાખાનાના મૂળ ગામ શિયાળમાં પાછાં આવ્યાં.
1944માં સાણંદમાં વિશ્વવત્સલ ઔષધાલય સ્થપાયું
સારવાર કરતાં કાશીબહેન
શિયાળમાં તેમનું દવાખાનું. પ્રગતિશીલ સેવાભાવી જૈન મુનિ સંતબાલની પહેલથી ભાલ-નળકાંઠામાં તબીબી સેવાઓ માટે 1944માં સાણંદમાં વિશ્વવત્સલ ઔષધાલય સ્થાપવામાં આવ્યું.
તેની એક શાખા 1946માં શિયાળ ગામમાં શરૂ કરવામાં આવી, જેનું ઉદ્દઘાટન મોરારજી દેસાઈએ કર્યું.
ત્યાં કાશીબહેન અને તેમનાં સેવાપરાયણ પિતા ભેખ લઈને બેઠાં. ગામ વિશે કાશીબહેન લખે છે : 'શિયાળ એટલે ભાલ-નળકાંઠાને સાંધતો બેટ. ચોમાસાના ચાર માસ એને ફરતું પાણી જ રહે, અને ઉનાળા-શિયાળામાં પગકેડીએ બગોદરા પહોંચાય. બગોદરાથી સાત માઇલ ચાલીને અરણેજ કે ભૂરખીના સ્ટશને પહોંચાય. તે સિવાય એ દિવસોમાં ન હતી સડક, નહોતી બસ કે નહોતાં વાહનવ્યવહારનાં બીજાં કોઈ સાધન.'
ચોમાસામાં બગોદરે સારવાર માટે જતાં ઘોડાએ પાડ્યા. એવી ચીકણી માટીમાં ફસાયાં કે નીકળવા મથે તો વધુ ઊંડાં ઊતરે. મદદ માટેની બૂમો સાંભળી એક ભાઈએ બચાવ્યાં, પાછાં ઘોડા પર સવાર થઈને દરદી સુધી પહોંચ્યાં.
જનશાળી જતાં ઘોડાએ પાડ્યાં, થાપાનાં હાડકાંમાં તિરાડ પડી. ગોદળાં નાખેલું ગાડું મગાવ્યું. તેમાં ગોદળાં વીંટીને ગોઠવાયાં. દરદીને ત્યાં પહોંચ્યાં એટલે બહેનો કાશીબહેનની ઊંચકીને ખાટલા પાસે લઈ ગયાં. મરેલા બાળકનો પ્રસવ કરાવ્યો. કારગત સારવારથી મહિલાને બચાવી.
પછી તરત ગાડું જોડાવી શિયાળથી બસમાં બેસી અમદાવાદના એક દવાખાને ગયાં. ફ્રૅક્ચરની સારવાર કરાવીને બીજે દિવસે પાછાં શિયાળ.
પથારી પાસે જ દવાખાનું ગોઠવી દીધું. સૂતાંસૂતાં સારવાર આપતાં. વડોદરેથી ભાઈ-ભાભી તેડવાં આવ્યાં. એટલે કાશીબહેન કહે : 'આસપાસ ચાલીસ માઇલના ઘેરાવમાં ડૉક્ટર કે દવાખાનું નથી. દરદીને છોડીને કેમ અવાય? પહેલાં દરદીની માવજત, પછી મારી. મને તો દરદીની આશિષથી જલદી સારું થઈ જવાનું છે. બન્યું પણ એમ. દોઢ માસમાં તો તદ્દન સારું થઈ ગયું.'
એક વખત રેલગાડીમાં અમદાવાદથી વડોદરા જતાં મહિલાઓના ડબ્બામાં એક મુસ્લિમ બહેનની સલામત પ્રસૂતિ બીજી સ્ત્રીઓની મદદથી કરી, બાબાનો જન્મ થયો.
બીજે વખત, દુમાલી ગામથી અમદાવાદ જતી બસમાં એક સ્ત્રીને વેણ ઊપડ્યાં. વિનંતીથી બસ ઊભી રખાવી. મુસાફરો દૂર ગયાં. કેટલીક મહિલાઓની સાથે રાખીને કાશીબહેને બાળકનો જન્મ કરાવ્યો. અરધા કલાકમાં બસ સાફસૂફ કરીને પાછી સોંપી દીધી.
'એક બહેનને એક વાર હોડીમાં પ્રસૂતિ કરાવવી પડી હતી', એમ પણ કાશીબહેન લખે છે.
અનુભવકથામાંથી જાણવા મળે છે કે સેવાતપનાં પચીસેક વર્ષમાં તેમણે પ્રસૂતિ માટે દર વર્ષે વધતા દરે ત્રણસોથી એક હજાર વિઝિટો કરી હતી! પ્રસૂતિ ઉપરાંતનાં સત્કાર્યો વળી જુદાં.
ભર બપોરે કાશીબહેન
જેમ કે, મેઘલી મધરાતે ત્રણ કલાકની દડમજલે કાયલાના દરદી લગી પહોંચ્યાં. ઝાડો-પેશાબ બંધ થઈ થવાના દુખાવાથી આળોટતા ભાઈને ઍનીમા આપી. તેની નળી કાઢતાં એટલો જોરથી ઝાડો છૂટ્યો કે કાશીબહેનનાં કપડાં બગડી ગયાં. નાહીને પરિવારની મુસ્લિમ બહેનોનાં કપડાં પહેરી લીધાં.
એક પઢાર ભાઈને પથરીની પીડા ઊપડી. પેશાબ બંધ થઈ ગયેલો. કાશીબહેને એને ગરમ પાણીમાં બેસાડ્યો, બીજા પણ ઉપાય કર્યા. એની પથરી નીકળી ગઈ ને શાંતિ થઈ.
કાશીબહેન લખે છે : ‘… સ્ત્રી-પુરુષ કે હિંદુ-મુસલમાન કે હરિજન એવો ભેદ રાખ્યા વિના સમભાવ ને વિશ્વાસથી હું સેવા કરતી, અને પ્રભુની અને સંતોની કૃપાથી સફળતા પણ મળ્યે જતી.'
સફળતા શીતળા જેવા ભયંકર રોગના દરદીની સારવારમાં પણ મળી.
શિયાળના પઢારવાસના એક બાળકના ઘરે દિવસો સુધી જઈને તેની આંખો ધોતાં, કાન સાફ કરતાં, એના હાથપગ હલાવતાં. શીતળા શમી ગયા ને બાળક કંઈ પણ ખોડ-ખાંપણ વિના હેમખેમ પાર ઊતરી ગયું.
કાશીબહેનના માતા સમરતબા અને પિતા છોટુભાઈ મહેતા
એથી પઢારોને વિશ્વાસ બેઠો. અંધશ્રદ્ધાને કારણે ઓરી-અછબડાના વાવરનો ભોગ બનતાં ઊગરી જવા લાગ્યા.
શિયાળ પહેલાં સાણંદમાં કામ કરતાં ત્યારે 1945માં કૉલેરાના વાવડમાં વીરમગામ અને ધોળકામાં રોગચાળો કાબૂમાં આવે તે માટે હાથમાં રાખ લઈને જ્યાંજ્યાં ગંદકી દેખાય તેની પર છાંટવાથી લઈને અનેક કામ કર્યાં.
'કાશીબહેનની 'અભિનવ દીક્ષા' તેમના અનુભવોની ટૂંકી તવારીખ છે.
સંકોચાતાં-સંકોચાતાં લખેલ છે' એમ નોંધીને દર્શક આગળ કહે છે : 'એક નાની, સરલ, કંઈક અબોધ બાલિકા, ધર્મસંસ્કારે કેમ નવા પ્રકારની દીક્ષા પામી અને જન-સમાજને દીક્ષિત કર્યો તેનો વૃત્તાંત મળે છે.'
કાશીબહેનનો જન્મ 18 જાન્યુઆરી, 1919ના દિવસે ધોરાજીમાં.
કાશીબહેન લખે છે : 'મારા જીવનમાં જે કાંઈ ખડતલપણું, સાદાઈ, સેવાપરિશ્રમ અને ગરીબો પ્રત્યે પ્રેમ છે, તે બધું મને મારાં માતાપિતાએ વારસામાં આપ્યું છે. બાનું નામ સમરતબા અને બાપુજીનું છોટુભાઈ.'
માતપિતા પર ભાલ-નળકાંઠામાં સેવાકાર્ય કરનાર પ્રગતિશીલ જૈન સાધુ સંતબાલનો મોટો પ્રભાવ હતો.
ભણવામાં રસ નહીં ધરાવનારા છોટુભાઈ વતન પાસેના જેતપુરમાં એક દાક્તરના દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરીએ લાગ્યા.
દરદી માટે દવા આપવાના અને પાટાપિંડી કરવાથી લઈને દવાખાનામાં આવેલા મૃતદેહનાં પોસ્ટમૉર્ટમ સુધીનું કામ છોટુભાઈ શીખી ગયા.
પછી વધુ પગારની નોકરી મળતાં મહારાષ્ટ્રના ખાંમગાવમાં ગયા. ત્યાં પછી કપાસિયાનો ધંધો શરૂ કરી નફો કમાવા લાગ્યા. પણ અગ્રણી સમાજસુધારક અને ગાંધીવાદી સાને ગુરુજી થકી ગાંધીવિચારના પ્રભાવ હેઠળ આવ્યા, મોટો પલટો આવ્યો. રાગીમાંથી વૈરાગી બની ગયા.
આઝાદીની લડતમાં જેલમાં ગયા. જેલમાંથી છૂટી, ધંધો બંધ કરી સેવાસંકલ્પ લીધો. ગાંધીજીના અંતેવાસી બુધાભાઈ સાથે સાબરમતી આશ્રમમાં રહેવા લાગ્યા.
આશ્રમમાં ગાંધીબાપુ માંદાંની બહુ સેવા કરતા. તેનાથી છોટુભાઈમાં પહેલેથી જ રહેલી તબીબી સેવાભાવનાને વધુ બળ મળ્યું. પિતાની સેવાવૃત્તિના સંસ્કાર દીકરી કાશી સતત ઝીલી રહી હતી.
કોમી રમખાણોમાં દરદીઓની સેવા
કાશીબહેનું જાહેર જીવન સાથે પહેલું જોડાણ હરિપુરા કૉંગ્રેસના અધિવેશન થકી 1938માં થયું. તેમાં તેમણે મૃદુલાબહેન સારાભાઈના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાંથી સો સ્વયંસેવિકાઓની ભરતીનું કામ કર્યું. તેના માટે તેમણે ગામડાંમાં ફરીને સો જેટલી બહેનોને તૈયાર કરી.
એ જમાના પ્રમાણે કાશીબહેનના પિતા પર દીકરીના સગપણ માટે પત્રો આવવા લાગ્યા.
છોટુભાઈ પૂછે ત્યારે કાશીબહેન કહેતાં : 'મારે તો મીરાં થવું છે, પરણવું નથી.' સંતબાલજીને પણ તેમણે કહી દીધું કે 'મને લગ્ન કરવાની મુદ્દલ ઇચ્છા જ થતી નથી.' સંતબાલે બ્રહ્મચર્યના સંકલ્પમાં પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.
વળી એ દિવસોમાં, કુમારિકા અવિવાહિત રહેવાનું પસંદ કરે તો એને દીક્ષાના માર્ગે વાળી દેવામાં આવતી. સગાં અને સાધુસાધ્વીઓ દીક્ષા માટે દબાણ કરવા લાગ્યા. એટલે કાશીબહેને જાહેર કર્યું : 'મને દીક્ષા લેવાનું મન જ નથી થતું, તો માથું મૂંડાવીને શું કરું?'
આ પછીના તબક્કા વિશે કાશીબહેન લખે છે : 'બહુ વિચારને અંતે સામાજિક સેવાની દૃષ્ટિએ મને નર્સિંગનો અભ્યાસ કરવાનો વિચાર સૂઝ્યો. 1938માં અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં પોણા ચાર વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ લઈને પૂરો કર્યો.'
તે દરમિયાન કરુણા અને પ્રામાણિકતાથી તેઓ દરદીઓમાં વહાલાં થઈ પડતાં. ખાદી પહેરવેશ અને શાકાહાર ઉપરીઓ સાથે લડીને પણ જાળવી રાખ્યા. ચા સહિત તમામ બંધાણો-લાલચોથી મુક્ત રહ્યાં. સરવાળે 'કોલસાની કોટડીમાંથી વગર ડાઘે' કેવી રીતે પસાર થયા તે વિશે તેમણે આપવીતીમાં રસપ્રદ લખ્યું છે.
કાશીબહેન નર્સિંગનો અભ્યાસ કરતાં હતાં ત્યારે અમદાવાદમાં 1941માં રમખાણો ફાટી નીકળ્યાં.
સેંકડો ઘાયલોની સારવારના અને ઢગલાબંધ મૃતદેહોની સગાંસંબંધીઓએ કરેલી ઓળખની કાર્યવાહીનાં સંભારણાં પણ કાશીબહેને સંયમપૂર્ણ લાગણીશીલતાથી લખ્યાં છે.
ત્યાર બાદ કાશીબહેને મુંબઈમાં હેલ્થ વિઝિટરનો એક વર્ષના અભ્યાસ કર્યો. તે દરમિયાન ગાંધીજી 1942ની લડતની તૈયારી કરવા લાગ્યા. કાશીબહેને તેમને લડતમાં પડવા અંગે પુછાવ્યું.
ગાંધીજીએ આપેલાં આશીર્વાદ
કાશીબહેન સંભારે છે : ' તેમણે લખ્યું : 'ભણી લે; તે પછી દેશની સેવા કરજે.''
મુંબઈનો અભ્યાસક્રમ કાશીબહેને એટલો ઉજ્જવળ રીતે પૂરો કર્યો કે તેના એક સંચાલક અને કાનૂનવિદ મંગળદાસ મહેતાએ તેમને પરદેશમાં ભણવા જવાની તકો સમજાવી અને મુંબઈમાં રહી જવાનું પણ સૂચન કર્યું.
કાશીબહેને સાભાર પ્રતિભાવ આપ્યો : 'ગામડાંની સેવા કરવાના આદર્શને લક્ષમાં રાખીને હું અહીં ભણવા આવી છું. એટલે હવે તો દરિદ્રનાયાયણના દુ:ખમાં ભાગીદાર થવા ગામડાંમાં જઈશ.'
સાણંદની વિશ્વવત્સલ ઔષધાલય સમિતિના ઉપક્રમે પિતા સાથે સેવાકાર્ય શરૂ કર્યું. કામના આરંભે જ મા સમરતબાએ ઔષધાલયને પ્રસૂતિનાં સાધનો લાવવા માટે પાંચસો અગિયાર રૂપિયાનું દાન આપ્યું.
બે વર્ષ જેટલો સમય ઔષધાલયના સાણંદ અને આસપાસના વિસ્તારની કામગીરીમાં રહ્યાં. તે પછી 1946માં સમિતિની શિયાળ શાખા શરૂ થઈ એટલે બાપ-દીકરીએ ત્યાં તપ આદર્યું.
બહુ દુર્ગમ એવા શિયાળ બેટે અવાવરું મકાન જાતે સરખું કરીને તેમાં રહેઠાણ અને દવાખાનું રાખ્યાં.
પાણી, રસ્તો, બળતણ, સલામતી, વાહનવ્યવહાર સહિતની તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે અપરિગ્રહી, સાદું, કરકસરભર્યું અને કામઢું જીવન જીવતાં દરદીસેવાની ધૂણી અઢી દાયકા ધખાવી.
તેનું ભાષાના રંગરાગ વિનાનું વર્ણન કાશીબહેનનાં સ્વકથનનો સહુથી હૃદયસ્પર્શી હિસ્સો છે. તેની સાથે એક હિસ્સો ભાલના સર્વાંગી વિકાસ માટે તેમણે કરેલાં કાર્યનો પણ છે.
ગામડાંના સર્વાંગી વિકાસ માટે સંતબાલની પ્રેરણાથી કાશીબહેને નવલભાઈ શાહ અને અંબુભાઈ શાહની સાથે ખેડૂત મંડળીની કામગીરીમાં પણ બહોળો ફાળો આપ્યો.
કાશીબહેન મહેતા તેમના પિતા સાથે
પઢાર સહિત છેવાડાની અનેક કોમના લોકોને વ્યાજખોરોથી બચાવવા માટે ધિરાણ મંડળી અને સસ્તા હાટ માટે રેશનિંગની દુકાન કરી.
આવાં ઉપક્રમોને લીધે ઉપલા ગણાતા વર્ગોના વિરોધ અને કાવતરાંનો સામનો ય કર્યો. ચોરી, જમીનનો કબજો, સ્ત્ર સન્માન, કોમી એખલાસને લગતા બનાવોમાં ઘટતું કર્યું.
એક ચૂંટણીમાં કૉંગ્રેસ તરફી પ્રચાર કર્યો અને ગણોતિયાધારાના અમલની કચાશના મુદ્દે પક્ષનો વિરોધેય કર્યો. વીસ ગામોમાં ફરતું દવાખાનું ચલાવ્યું.
રવિશંકર મહારાજની પ્રેરણાથી 1969 દુકાળ અને પછીનાં વર્ષે પૂર આપત્તિનાં રાહતકાર્યોમાં જોડાયાં. કાશીબહેનનું અવસાન 2009માં વડોદરામાં થયું.
કાશીબહેનનાં જીવનનાં પહેલાં ત્રેપન વર્ષનો આલેખ 'મારી અભિનવ દીક્ષા' પુસ્તકમાં મળે છે.
તેને પ્રકાશિત કરનાર મહાવીર પ્રકાશન મંદિરના મંત્રી મનુભાઈ પંડિત લખે છે : 'બહેન કાશીબહેન સાથીઓના આગ્રહને વશ થઈને સંકોચાતાં-સંકોચાતાં, સંયમપૂર્ણ રીતે લખવા તૈયાર થયાં. પરંતુ તેઓ મે 1973 – એટલે કે શિયાળથી અલવિદા પછી અટકી ગયાં છે. તો ત્યાર પછીનાં પણ પોતાનાં સંસ્મરણો અને પ્રસંગો આપી તેમના સુવાસિત જીવનની કડી પૂરી કરશે એવી આશા રાખીશું.'
જોકે એ આશા પૂરી થઈ નથી. પણ એમ છતાં કાશીબહેનનાં જીવનનું જે કથન મળે છે તે પણ તબીબી ક્ષેત્રે નિ:સ્વાર્થ સેવાનું ભાવવિભોર કરનારું દૃષ્ટાન્ત છે.
પ્રગટ : બી.બી.સી. ગુજરાતી, 19 જાન્યુઆરી 2020
[કાશીબહેન મહેતા કૃત ‘મારી અભિનવ દિક્ષા’ પુસ્તકમાંથી છબિઓ સાભાર લેવાઈ છે]