નુક્તેચીની
અંગ્રેજ નિબંધકારો પ્રત્યે મને ભારે પક્ષપાત છે. આપણા વ્યક્તિગત અને સમાજજીવનની કેટલીય મહત્ત્વપૂર્ણ બાબતોની એવી વિશદ છણાવટ હળવી શૈલીમાં કરી છે કે આપણે મરકમરક હસતાં જઈએ અને આપણી મર્યાદાઓથી અવગત થતા જઈએ. દા.ત. An Apology for Idlers’, ‘On the Rules of the Road’, On umbrella Morals’, ‘Seeing People off’, ‘The Pleasures of Ignorance’, ‘On Not Having a Telephone’, etc.
મને આશ્ચર્ય અને આઘાત એ વાતે છે કે એમાંના કોઈએ ‘On embracing’ વિશે લખવાનું કેમ વિચાર્યું નહીં હોય?
ઘરઆંગણે જુઓ. ‘ભેટવું’ સરળ સાહજિક પ્રવૃત્તિ છે. કવિતાની જેમ spontaneous overflow of powerfull feelings છે કે પછી દેશદ્રોહની અક્ષમ્ય ચેષ્ટા, જેને કારણે ભેટવાનો ગૂનો કરનારને ટીકાઓનો સામનો કરવો પડે, મારપીટ થાય હુમલો થાય – તે અંગે ક્યાં એકમતી છે?
કેટલાક ભોળાભટાક લોકો અકારણ કે સકારણ ભેટવા દોડી જાય છે, એ વિચારતા નથી કે કોઈને ભેટવું એ અત્યંત કપરી બાબત છે. સામી વ્યક્તિ બેઠેલી હોય, દોઢ ગણી પહોળી છાતી ધરાવતી હોય, દાઢી રાખતી હોય અને પોતે ઊભેલા હોય, માફકસરની છાતી ધરાવતા હોય, ક્લિન-શેવ્ડ’ હોય, તો ક્યાંથી ભેટવાનો મેળ પડે?
ધારાસભા કે સંસદમાં ગાળાગાળી, મારામારી કરવામાં આવે, ખુરશીઓ ઉછાળવામાં આવે, એકબીજાંનાં કપડાં ફાડી નાખવામાં આવે, કોઈની બદનક્ષી કરવામાં આવે – એ તો વળી ચિંતા કરવા જેવી બાબત છે? દેશદ્રોહની વ્યાખ્યામાં ન જ આવે. પણ આપણો નાગરિક, દુશ્મન રાષ્ટ્રના વડાને ભેટે તે તો ન જ ચલાવી શકાય.
હવે આપણે સરકારી વટહુકમની રાહ જોવાની. બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા પ્રમાણે જ કોણે, ક્યાં, કેટલો સમય, શા માટે કોને ભેટવું, વર્તવાનું રહેશે.
Embrace અને Embarrass ખૂબ નજીક આવી ગયા છે. ક્યારેક ‘આંધી’ ફિલ્મ પર પ્રતિબંધ આવ્યો હતો. હવે ‘આ ગલે લગ જા’ જેવી ફિલ્મ પર કોરડો વીંઝાઈ શકે.
આપણે ત્યાં અસ્પૃશ્યતાનિવારણનો કાયદો છે, પણ હવે આપણા માટે સૌ અસ્પૃશ્ય બની જવાના.
‘ભેટો અને વેઠો’ સૂત્ર પ્રચલિત થશે. અંગત ધોરણે, મને કોઈને ય ભેટવાનું ક્યારે ય ગમ્યું નથી. (સુખદ અપવાદ બાદ કરતાં) કોઈને ભેટીને મારા કપડાં શા માટે ચૂંથાવાં દેવાં? શા માટે કોઈના પરસેવાથી તરબતર, દુર્ગંધ મારતા ચહેરાની નજીક જવું?
હે મારા દેશબાંધવો, “ભૂલો બીજું બધું પણ ‘ન ભેટવાનું’ ભૂલશો નહીં.” ભગતસાહેબ બિચારા હાથ લંબાવવાનું, હાથ મેળવવાનું કહી ગયા, પણ હવે હસ્તધૂનના માટે પરવાનગી ન લેવી પડે તો ય નસીબ.
ડિસા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2018; પૃ. 16