૧. વાંકું પડ્યું……!
આંખોને એક દિ’ આંગળીઓ સાથે વાંકું પડ્યું!
આમ તો જોતી’તી બધું ય બરાબર,
પણ તે દિ’ દૃશ્ય થોડું ઝાંખું પડ્યું ..!
… ને, બસ, ત્યારથી આંગળીઓ સાથે આંખોને વાંકું પડ્યું ..!
આંસુ ને આંગળીઓના ટેરવાંની તો જનમ જનમની પ્રીત,
જાણે ગોપીઓ માટે વાંસળીમાં મોહનની વહેતું કોઈ ગીત ..
..એ ય ને .. આંસુઓ હસતાંયે વહે ને રડતાંયે વહે,
ને, પછી આંસુ લૂછવા ટેરવાનું મુલાયમ રેશમ
ભીની કુમાશમાં લેટ્યાં જ કરે,
સાવ સૂકાય નહીં ત્યાં સુધી …!
પણ, જે દિ’ ટેરવાંનું રેશમ ઉતરડાયું’તું, કોઈના નખથી
…ને….તે દિ’ કોણ જાણે કેમ, આંસુઓ તો જોઈ ગયાં આડું …
આંખોએ તો આંખો આંખોમાં આજીજી ઘણી ય કીધી પણ
આંસુ તો આડાં થઈને, ન વહ્યાં તે ન જ વહ્યાં…..!
ને, પછી તો, ટેરવાં રિસાણાં ને એવાં તો રિસાણાં ટેરવાં કે,
દિવસો પછી જ્યારે આંસુ લોહી બનીને વહેતાં રહ્યાં ને,
આંખોએ ફરી ફરી આજીજી ભરી નજરોથી
આંગળીઓને જોયા જ કરી તોયે,
ટેરવાંએ ધરાર આંગળીઓને ઊંચી ન થવા દીધી…
તે ન જ થવા દીધી ….!
ને, પછી એક દિવસ, બધું જ શાંત .. સાવ શાંત …!
હિમશીલા પર લેટેલાં સપનાઓનું લોહી અંદર જ થીજીને સ્થિર,
જાણે માધવના ગયા પછીનું વૃંદાવન …!
નિશ્વલ શરીર, આંખો બંધ,
હાથ, આંગળી, ટેરવાં, નખ, સાવ નિશ્વલ, નિશ્વેટ ..!
ન હસવું, ન રડવું, ન બોલવું, ન વહેવું, ન દેખવું, ન દાઝવું …!
બધું જ શાંત, સાવ શાંત ….!
આમ તો એક દિ’ એટલું જ બન્યું’તું,
કે,
કોઈના નખથી ઉતરડાયું હતું ટેરવાનું રેશમ …
…. ને, બસ………!
તે દિ’થી આંખોને આંગળીઓ સાથે વાંકું પડ્યું ..!
••
૨. તીન પત્તી –
એ તીન પત્તીના માહેર ખેલાડી છે ..!
ને, હું? અણઘડ …!
એ બ્લાઈન્ડ રમેને તોયે જીતે!
એમને બ્લાઈન્ડ રમવાનો, રમાડવાનો એક નશો છે,
ને, રોજ મને એ બ્લાઈન્ડ રમવા માટે બેસાડે છે,
પણ,
મને બ્લાઈન્ડ રમવાનું ફાવે જ નહીં
ને, હું તો પત્તાં ખોલી ઓપન રમવા બેસી જાઉં છું!
ને, એ જેમ વિના આયાસે જીતતાં જાય છે, એમ વધુ ઝનૂનથી
મને બ્લાઈન્ડ રમવાનો આગ્રહ કરતા રહે છે …!
પણ,
હું તો મારી અણઘડ બાજી ઓપન કરીને રમતી રહું છું
એમનું મને બ્લાઈન્ડમાં હરાવવાનું ઝનૂન
હવે તો એટલું વધી ગયું છે કે,
હવે, એ મારી સામે ઓપનમાં પણ ધીરે ધીરે કરીને
હારતાં જાય છે….!
પણ, આમ તો,
એ તીન પત્તીના માહેર ખેલાડી છે ..!
e.mail : jayumerchant@gmail.com