પ્રમુખીય
આઝાદીના અમૃત મહોત્સવના માહોલમાં પ્રાયોજિત ને સ્વતઃ સ્ફૂર્ત ઉપક્રમો વચાળે સ્વરાજચિંતન અને રાષ્ટ્રવિચાર આસપાસ ઊહ ને અપોહનાં નિમિત્તો સ્વાભાવિક જ મળતાં રહે છે.
હમણેનાં વરસોમાં આપણે સાહિત્ય પરિષદના ગ્રંથાલયમાં પ્રતિમાસ કોઈ ને કોઈ વિષય લઈને નાનું તો નાનું પણ પ્રદર્શન યોજવાનો ચાલ પાડેલો છે. એને અન્વયે ગયે મહિને તેવીસમી જૂને બંકિમ જયંતીનું આલંબન લઈને સ્વાતંત્ર્યલક્ષી સાહિત્યનું પ્રદર્શન યોજાઈ ગયું. સહજ રીતે જ એમાં બંકિમકૃત નવલકથા ‘આનંદમઠ’ને અગ્રસ્થાન અપાયું હતું. આ નવલકથામાં રાષ્ટ્રનિર્મિતિ, રાષ્ટ્રભક્તિ ને રાષ્ટ્રધર્મ સારુ ખાસું ખાણદાણ પડેલું છે. ખાસ તો ‘વંદેમાતરમ્’ સરખી કહો કે કાલજયી રચના એમાં અંગભૂત શી છે તે આ નવલકથાનો નેજો ફરકાવતી ઇતિહાસઘટના છે. જો કે ઇતિહાસવસ્તુ તરીકે નોંધવું જોઈએ કે ‘વંદેમાતરમ્’ રચાયું તો વહેલાં હતું, સ્વતંત્રપણે, પણ બંકિમચંદ્રે એને આ નવલકથામાં ખપમાં લીધું એથી જનમાનસમાં એને ચોક્કસ સંદર્ભ મળ્યો : એ રાષ્ટ્રગીતવત્ બની રહ્યું, અને કંઈક યુદ્ધઘોષ પણ.
બંગાળના પ્રથમ બે ગ્રેજ્યુએટો પૈકી એક એવા બંકિમચંદ્ર સરકારી અમલમાં ઊંચી પાયરીએ પહોંચ્યા હતા અને દેશભરમાં અંગ્રેજીમાં પહેલી નવલકથા લખવાનો વિક્રમ એમને નામે જમે બોલે છે. પણ એમના અક્ષરજીવનનો શકવર્તી વળાંક એમણે બંગાળી ભાષામાં સર્જનસંમાર્જનને અગ્રતા આપી તે છે. અરવિંદના શબ્દોમાં બંકિમચંદ્રે બંગાળને ભાષા આપી, સાહિત્ય આપ્યું – અને ભાવનાત્મક રીતે રાષ્ટ્ર પણ.
વચ્ચે મેં લખ્યું હતું કે બંગાળમાં જેમ બંકિમથી રવીન્દ્ર તેમ આપણે ત્યાં મુનશીથી દર્શક સરખા આલેખ પર કામ કરવા જેવું છે. તમે જુઓ કે મુનશી ‘સ્વપ્નદૃષ્ટા’ નવલકથા લઈને આવ્યા. એનો નાયક સુદર્શન સંભવિત વિવાહપૂર્વ મુલાકાતમાં સુલોચનાને કહે છે – લગભગ સંભળાવે છે કે – તમે જેને ઇન્ડિયા કહો છો તે તો મા છે. વડોદરા કૉલેજમાં અરવિંદના છાત્રને સારુ આ સહજોદ્ગાર હતો, બલકે ધર્મબોલ હતો; કેમ કે અરવિંદ ‘વંદેમાતરમ્’ના કાયલ હતા. ‘આનંદમઠ’ના સંન્યાસીઓ અને એમનો સંતાનધર્મ એમને રૂંવે રૂંવે સ્પર્શેલ હતો. આગળ ચાલતાં એમણે જે પત્ર પ્રગટ કર્યું એનુંયે નામ એમણે રાખ્યું‘તું તો ‘વંદેમાતરમ્’ જ ને.
અંગ્રેજી શિક્ષાદીક્ષા વાટે યુરોપના સીધા સંપર્કે એમને રાષ્ટ્ર માટેની ઉગ્રોત્કટ જે અપીલ જગવી હશે એને આપણી પરંપરા સાથે સાંકળીને બંકિમ કેવુંક રસાયણ નિપજાવવા ઇચ્છતા હશે એનો અંદાજેહિસાબ ‘આનંદમઠ’ આપી રહે છે. ગમે તેમ પણ, ભારતમાતા રૂપે આ જે વિભાવના વિકસી, ખાસી ઝિલાઈ ને ઊંચકાઈ તે ૧૯૦૫ના બંગભંગ માહોલમાં : ‘વંદેમાતરમ્’ની પોતીકી તરજ બાંધી કોલકાતાના રાજમાર્ગો પર તે ગાતા નીકળી પડેલા રવીન્દ્રનીયે તરુણ બંગાળને એક મોહની હતી.
મુશ્કેલી શું છે કે ઇતિહાસકાર ૧૮૫૭નું જે સીમાચિહ્ ન વર્ષ સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં અંકે કરે છે તેની સામે બંકિમચંદ્રે નિરૂપેલ સંન્યાસી વિદ્રોહ કાળગણનામાં જુદો પડે છે. કહેવું હોય તો કહી શકાય કે જેમ નવલકથા તેમ આ ઇતિહાસ પણ ઠીકઠીક કલ્પનોત્થ છે. ‘આનંદમઠ’નું સ્થાન સાહિત્યના ઇતિહાસમાં સુનિશ્ચિત હશે, પણ તે ઇતિહાસ-સાહિત્ય નથી, જેમ મુનશીકૃત ‘જય સોમનાથ’ પણ. ર. વ. દેસાઈ ૧૮૫૭નું વસ્તુ લઈને આવ્યા અને એમાં રુદ્રદત્તનું પાત્ર દાખલ કીધું ત્યારે ગુજરાતી વિવેચનાએ ગોથું નહીં ખાતાં એટલી એક નોંધ ખસૂસ લીધી છે કે રુદ્રદત્તમાં એક તબક્કે ગાંધી દેખાડવાની કોશિશમાં કાલવ્યુત્ક્રમ છે. આ વાનું પકડાય છે એટલી સરળતાથી એ નથી પકડાતું કે બંકિમે સાહિત્યસર્જન વાટે ભારતમાતાનું, સંતાનધર્મનું, રાષ્ટ્રરાજ્યની વિભાવનાનું અને એને મૂર્ત કરતું જે ચિત્ર રમતું મૂક્યું તે કલ્પનોત્થ છે અને એમાં જેમ કાલીપૂજાને ધર્મસંપ્રદાયના કુંડાળામાંથી બહાર કાઢી ભારતમાતાના વ્યાપક અર્થમાં સંક્રાન્ત કરવાની તેમ વ્યાપક અર્થની સંભાવનાને સાંકડા સંઘાડામાં સીમિત કરવાની એમ બેઉ શક્યતાઓ પડેલી છે.
આ મુદ્દાની કંઈક અનુદાર સમજૂત ટીકાકારો એ રીતે આપતા રહ્યા છે કે સાંસ્થાનિક શાસનના નોકરિયાતને માટે એમની સીધી ટીકાને બદલે મુસ્લિમોની ટીકા કદાચ એક સલામત રવૈયો હશે. વસ્તુતઃ આ અવલોકનને નહીં નકારતે છતે બંકિમની પ્રતિભાને આટલી સપાટ સમજૂતમાં ખતવી નાખવું સલાહભર્યું નથી; કેમ કે અંગ્રેજી કેળવણી સાથે નવી શક્યતાઓને વધાવવાની તેમ જાતને જાળવવાની એવી એક દ્વિધાવિભક્ત કશ્મકશમાં હોવું એ ગાળાની એકાધિક પેઢીઓ સારુ દુર્નિવાર હતું.
સંસ્કૃત પાઠશાળાને બદલે નવી કૉલેજ પર અગ્રતાપસંદગી ઢોળતા રાજા રામમોહન રાય કે ૧૮૫૭ને ફિતૂર લેખી પરોપકારી ઇંગ્રેજોએ રોપેલ સુધારાનાં ઝાડને નષ્ટ કરતી બીના તરીકે જોતા દલપતરામ સ્વદેશવત્સલ નહોતા એવું તો કહી શકાતું નથી. ૧૮૫૭નું વરસ જેમ સંગ્રામનું વરસ છે તેમ આપણે ત્યાં યુનિવર્સિટી શિક્ષણના ઉદયનુંયે વરસ છે. સાંસ્થાનિક છેડેથી જેને ‘સિપાઇઓનો બળવો’ કહેવાયો એને આપણે છેડેથી પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ કહેવાયો એ ઠીક જ થયું. છતાં, આ સંગ્રામ બહુધા એક સંકેલાતા સામંતી યુગનો સપાટો હતો અને યુનિવર્સિટી શિક્ષણ નવયુગનો અરુણોદય હતો એ ઇતિહાસવિગત એની સઘળી મર્યાદાઓ સાથે આપણે નકારી શકતા નથી.
એક કાળે ખાસા ઊંચકાયેલા અને આજે ય અપીલવંતા ‘વંદેમાતરમ્’ વિશે સ્વાતંત્ર્ય આંદોલનમાં એક તબક્કે જે વિવાદ થયો એને જોવાસમજવા વાસ્તે ઉતાવળે પણ આટલો એક પૃષ્ઠભૂ-લસરકો જરૂરી છે. બંકિમને પોતાની સંક્રાન્તિકાળગત અને અન્ય મર્યાદાઓની ખબર ન હોય એવું તો ન બની શકે – નહીં તો, પોતાના પછીની પેઢીના રવીન્દ્રને, અને તે પણ નોબેલપૂર્વ વર્ષોમાં, એ ‘વિશ્વકવિ’ તરીકે કેમ ઓળખાવે.
[પ્રગટ : “પરબ”, જુલાઈ 2022]
—————
: ૨ :
નવલરામની નરવી સોબતમાં ખરા દેશાભિમાન વિશે વિચારવાવાગોળવાનું થયું, અને બંકિમ ઉજાસમાં થોડાએક રવિસંકેતો પકડવાનું પણ. એના જ અનુસંધાન ને પુરસ્સંધાનમાં વિચારદોર જારી રાખવાના ખયાલે બે અક્ષર પાડવા બેઠો ન બેઠો ત્યાં આગ્રા ઘટના વિશે જાણ્યું : બુકરવિજેતા ગીતાંજલિ શ્રીનું લગભગ વતનઆંગણે કહી શકાય એવું સન્માનઆયોજન યોજકોએ સંકેલી લેવું પડ્યું; કેમ કે ’રેતસમાધિ’ નવલકથામાં કોઈક ઠેકાણે શિવ-પાર્વતી વિશે વાંધાજનક ને અશ્લીલ ભાષા પ્રયોજાયાની ફરિયાદ કરાઈ છે. પોલીસે જો કે આ લખી રહ્યો છું ત્યાં સુધી કોઈ એફ.આઈ.આર. દર્જ કરવાપણું જોયું નથી. કારણ, સ્થળ પરના પોલીસ અધિકારીના ઠાવકા શબ્દોમાં, ’અમે આ ફરિયાદ અંગે પુસ્તક વાંચ્યા પછી આગળ વધીશું.’ પણ લેખિકા, ગીતાંજલિ શ્રી તો ફરિયાદમાત્રથી આહત છે. એમને લાગે છે કે મારી નવલકથાને ’વિનાકારણ રાજકારણમાં ઢસડવામાં આવી છે.’ એકંદર સમાચાર પરથી જે સમજાય છે તે એ કે યોજકોએ લેખિકાના સૂચનથી સંકેલો કર્યો. બાકી, એમના પ્રવક્તાએ સરસ કહ્યું છે કે આખી વાતને આપણી પુરાકથાના સંદર્ભમાં જોવી રહે છે.
’રેતસમાધિ’ની વિશ્વસ્વીકૃતિ કોઈ શ્લીલ-અશ્લીલ કુંડાળામાં રમતમાંડણીની ચીલેચલુ પેમલાપેમલી સ્કૂલની મોહતાજ બેલાશક ન જ હોય. વાચક પક્ષે મુદ્દો પરિપ્રેક્ષ્યનો અને સહૃદયતાનો છે. ઉત્તમ સાહિત્યકૃતિનું સેવન તીવ્રોત્કટ ભાવાનુભવ સાથે તમને એક કે બીજા અંતિમે લઈ જતે છતે કોઈક રીતે કશીક ભાવશુદ્ધિની સવડ પણ આપી રહે છે. આ સવડ અને સગડ પકડવા સારુ વાચકને પક્ષે સહૃદયતાની ઇન્દ્રિય જરૂરી છે. આરંભે તે ઓછીવત્તી હોય તોપણ ધોરણસર સાહિત્ય સેવતે સેવતે એની કેળવણી મળી રહે તે અસંભવ નથી.
રાષ્ટ્રચર્ચાનો દોર આગળ ચલાવું તે પહેલા (બલકે, એની પિછવાઈ રૂપે) મને આ નિમિત્ત પકડીને થોડીક પણ વાત કરવાનું દુરસ્ત લાગે છે. ’રેતસમાધિ’ બાબતે સદરહુ ફરિયાદને હિંદુ ઓળખકારણના એક ચિહ્ન તરીકે જરૂર જોઈ શકાય. ઓળખકારણ એના અંતિમે ’લાગણીદુભાઉ’ પ્રતિક્રિયારૂપે પ્રગટ થાય એવું પણ બને. ઓળખ અને એને અંગેની સભાનતા સ્વતઃ કોઈ ખોટી વાત છે એમ કહેવાનો આશય અલબત્ત નથી. પણ ઓળખનો અતિ ’માણસ’ હોવા પર છવાઈ જાય અગર તો ’નાગરિક’ અભિજ્ઞતા અને અગ્રતાને ગ્રસી જાય તે દેશજનતાના સ્વાસ્થ્ય સારુ સુચિહ્ન નથી એટલું નિઃશંક.
શરીફા વીજળીવાળાએ ’જુલાઈ’ના ’પરબ’માં આરિફ મોહમ્મદની ’તાર’ વાર્તાને છેડે કરેલી ટિપ્પણી આ સંદર્ભમાં જોવાસમજવા જોગ છે : ’અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં ભણેલા રહેમાનભાઈ પોતાનાં બાળકોને મદરેસામાં ભણાવી મૌલાના કેમ બનાવવા માગે છે? હિંદુસ્તાની મુસ્લિમ કેમ વધારે ને વધારે મુસ્લિમ ઓળખ તરફ જઈ રહ્યા છે? Identity crisis કેમ ઊભી થઈ એ સમજવાની દેશને ચાહનારા દરેકની ગરજ હોવી જોઈએ.’ આ ટિપ્પણી ઉતારું છું ત્યારે છેલ્લાં અઠવાડિયાંમાં મુસ્લિમ માલિકીના એક અખબારમાંની એ મતલબની ટિપ્પણી સાંભરે છે કે ઓવેસીનું Identity politcs દેશને અને ખુદ મુસ્લિમોને ક્યાં લઈ જશે. અસગર અલી ઍન્જિનિયરે સૈયદ શહાબુદ્દીનને સરસ કહેલું કે તમે મુસ્લિમ ઇન્ડિયન છો કે ઇન્ડિયન મુસ્લિમ, કહો.
પંદરમી ઑગસ્ટને આઝાદી દિવસ કરતાં વિશેષે કરીને વિભાજન દિવસ તરીકે જોવાનો જે એક રવૈયો ઉપાડો લઈ રહ્યો છે એમાં સમગ્ર ચિત્રની કાં તો ગમ નથી કે પછી પરવા નથી. જે તે ઘટનાક્રમમાં આ અગર તે પક્ષનો વાંક નિઃશંક કાઢી શકાય, પછી ભલે વાંક જોવાની એ પ્રક્રિયા વસ્તુલક્ષી હોય કે આત્મલક્ષી – ઘણું કરીને જો કે બેઉ છેડે સંમિશ્ર હોવાની; પણ સમગ્ર ચિત્ર સરવાળે તો પરસ્પરસ્પર્ધી કોમવાદનું હોવાનું. કમળાબહેન પટેલની ’મૂળસોતાં ઉખડેલાં’ વાંચીએ ત્યારે અપહૃતાઓને પ્રશ્ને સરહદની બંને બાજુના દુર્દૈવ વાસ્તવનો ખયાલ આવ્યા વગર રહેતો નથી. આ પુસ્તક પ્રત્યક્ષ કાર્યાનુભવના માનવીય દસ્તાવેજના ખાનામાં પડે છે. પણ કોઈ પણ ઉત્તમ સાહિત્યકૃતિની જેમ એમાં સહૃદયતાની કેળવણીની ખાસી ગુંજાશ અનુભવાશે.
આઝાદીનો અમૃત મહોત્સવ તરતમાં પૂરો થવામાં છે ત્યારે નવા વિભાજનથી કિનારો કરવાના મનોવૈજ્ઞાનિક ઉપચાર તરીકે સહૃદયતાની કેળવણી કરતાં કારગત કીમિયો બીજો એકે દેખાતો નથી. બંકિમથી રવીન્દ્ર તરફ જવાનું જે વલણ, એમાં એની ભારોભાર ગુંજાશ ભરેલી ને ભારેલી છે. સાહિત્યના ઇતિહાસમાં ’આનંદમઠ’નું સ્થાન હતું, છે અને રહેશે. પણ રાષ્ટ્રચેતનાની એ જે મનઃસ્થિતિ, એને કોઈ કથિત શત્રુદ્વેષગત ઝનૂનની સંભાવનાને બદલે સહજ સ્વદેશવત્સલતામાં ઢાળવાને સારુ ’ગોરા’ ને ’ઘરેબાહિરે’માં જે ખાણદાણ પડેલ છે એની સુધબુધ સ્વરાજપંચોતેરું સંકેલાતે નહીં પડે તો પંચોતેરું વર્ષાવિહીન ગાજવીજ બની રહેશે, કે પછી પ્રકાશવિહીન ગરમી.
’ગોરા’ તો બિલકુલ ટ્રીક-સીન શી કવિકમાલ છે. હિંદુ/આર્ય હોવાનું જેને અતિ ગૌરવ છે અને આ ઓળખકસોટીએ જે બીજાને કેમ જાણે દુય્યમ કોટિમાં લેખે છે એનો કડડભૂસ ગ્રંથિમોક્ષ ત્યારે થાય છે જ્યારે એને ખબર પડે છે કે પોતે યુરોપીય-ભારતીય સંતાન છે. (કવિના ભાવજગતની ઊંચાઈએ નહીં તો પણ એક મજબૂત નવલ, એમ તો, આચાર્ય ચતુરસેન શાસ્ત્રીની ’ધર્મપુત્ર’ ક્યાં નથી?)
’ઘરેબાહિરે’ને સવિશેષ તો એક વિશેષ સંદર્ભમાં જોવાપણું છે. ’વંદે માતરમ્’ ગાતા કવિ રાખીબંધન મિશે બંગભંગ દિવસોમાં કોલકાતાના રાજમાર્ગો પર નીકળી પડ્યા હતા. એમની સહભાગિતા આ આંદોલનમાં નિઃશેષ હતી. પણ રાષ્ટ્રીય ઉછાળાની જે મર્યાદાઓ એમણે જોઈ એમાંથી ’ઘરેબાહિરે’ ઊતરી આવી. સ્વદેશને ચાહવો – પણ સત્યને ભોગે નહીં. (પાછળથી, ૧૯૨૧માં, બંગાળના કોમી દંગામાં હિંદુઓને પક્ષે ’વંદે માતરમ્’નો ઉપયોગ મુસ્લિમવિરોધી યુદ્ધઘોષ તરીકે થયો હતો, એનો પૂર્વાભાસ જાણે!)
સ્વરાજસંગ્રામનાં આખરી વરસોમાં મૌલાના આઝાદ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને નરેન્દ્ર દેવની સમિતિએ રવીન્દ્રનાથની સલાહ લઈને ’વંદે માતરમ્’ વિશે કોઈક તારણ પર આવવાનું નક્કી કર્યું હતું. ચર્ચાવિચારણાને અંતે નેહરુઘડ્યા ઠરાવનો એક અંશઃ
’છેલ્લા ત્રણ દાયકામાં દેશસમસ્તમાં આત્મસમર્પણ અને કષ્ટસહનની અસંખ્ય ઘટનાઓ ’વંદે માતરમ્’ સાથે સંકળાયેલી છે. આ દેશનાં સ્ત્રીપુરુષ ’વંદે માતરમ્’ના ઉદ્ઘોષ સાથે મોતને ભેટતાં રહ્યાં છે. શરૂ શરૂમાં બંગાળમાં, પછી દેશભરમાં ’વંદેમાતરમ્’ આપણા રાષ્ટ્રને જગવતો શક્તિમંત્ર બની રહેલ છે … આ ગીતની પહેલી બે કડીઓનો ઉપયોગ જેમ જેમ દેશના વિવિધ ભાગોમાં પ્રસાર પામતો ગયો તેમ તેમ તેની સાથે કોઈક પ્રકારે રાષ્ટ્રીય ગૌરવની લાગણી જોડાવા લાગી. બાકીનું ગીત ખાસ વપરાતું નથી અને ઘણા લોકોને એની ખબર પણ નથી. આ ગીતની આરંભની બે કડીઓ આપણી માતૃભૂમિની સમૃદ્ધિ અને સુંદરતાને મૃદુમંજુલ ભાષામાં વર્ણવે છે અને તેમાં ધાર્મિક દૃષ્ટિએ કે અન્યથા કોઈ બીજી રીતે વાંધો લઈ શકાય એવું કંઈ નથી.’
’આનંદમઠ’ના સીમિત સંદર્ભથી બહાર કાઢી સુજલાસુફલાસુખદાવરદા એવી કલ્યાણવત્સલ માતૃભૂમિનું આ એક હૃદ્ય અને અનવદ્ય ચિત્ર હતું.
બંકિમની આ આરંભિક પંક્તિઓ સાથે રવીન્દ્રનું ’સોનાર બાંગલા’ મૂકો – બાંગલાદેશનું રાષ્ટ્રગીત. છેલ્લા થોડાક સૈકામાં જે યુરોપીય રાષ્ટ્રવાદ વિકસ્યો અને વકર્યો એની સામે રાષ્ટ્રવાદની એક આક્રમક છબિને બદલે વત્સલ ભાવછબિ, એ ભારતવર્ષની સાધનાપરંપરાને શોભીતી છે, ને નવી દુનિયા સારુ નિરામયકારી પણ.
’વંદે માતરમ્’ પણ જુઓ તમે. સમયબદ્ધ સ્વરૂપમાં એ (કદાચ દુર્ગાના સમુત્ક્રાન્ત સ્વરૂપમાં) ભારતમાતાનું ગાન હશે પણ સમયાતીત સ્વરૂપે (આરંભની કડીઓ દર્શાવે છે તેમ) તે ધરતીમાતાનું ગાન છે. એ રીતે બંકિમચંદ્ર ’આનંદમઠ’કાર છતાં કેમ જાણે કોઈક તબક્કે દેશને પણ અતિક્રમી જાય છે. પછી એ રવીન્દ્રમાં ’વિશ્વકવિ’ને પ્રીછી જ શકે ને.
ઓળખના અતિવાદને અને સંકુચિત રાષ્ટ્રવાદને સહૃદયતાની કેળવણી વાટે નાગરિક પ્રફુલ્લન ભણી વાળવા વાસ્તે નવા જમાનાનાં આ નાન્દીવચનો.
તા.ક.
પ્રૂફ વાંચતે વાંચતે સહજ જ તસલિમા નસરીનનું સ્મરણ થઈ આવ્યું. અયોધ્યા ઘટનાની પ્રતિક્રિયારૂપે બાંગલાદેશમાં હિંદુઓ સાથે જે હિંસ્ર વ્યવહાર થયો એને અંગે દો ટૂક આલોચનાને ધોરણે તસલિમા ‘લજ્જા’ નવલકથા લઈને આવ્યાં હતાં. બાંગલા જીર્ણમતે એને વિશે ઝનૂનભેર નારાજગી પ્રગટ કરી હતી, તો આપણે ત્યાં સ્વાભાવિક જ લેખિકાનાં ઉદાત્ત માનવીય અભિગમ પર સૌ ઓવારી ગયાં હતાં. આ જ તસલિમાએ તે પછીનાં ભારતવર્ષોમાં ‘લજ્જા’ની જે અનુનવલ લખી એના તરફ આપણું ખાસ ધ્યાન ગયું નથી. બાંગલાદેશના પેલા આહત ને આક્રાન્ત હિંદુ પરિવારે ભારતમાં આશ્રય લીધો. એ પરિવારના ફરજંદે અહીં કથિત જમણેરી સંધાનમાં નિજનું મોચન લહ્યું. પણ ચિત્તને એ સમાધાન ન મળ્યું જે બાંગલાદેશમાં ખોયું હતું. વાત એમ છે કે ‘લજ્જા’ અને એની અનુનવલ હિંદુતરફે મુસ્લિમ કે મુસ્લિમતરફે હિંદુ એવા સાંકડા ખાનાની બંદી નથી. ઓળખના અતિકારણને અતિક્રમતા નાગરિક ર્નિવહણની કથા માટેની ખોજ આપણાં લેખિકાની છે. સહૃદયતાની કેળવણીની કશ્મકશ ને કોશિશ, બીજું. શું.
ઑગસ્ટ ૧, ૨૦૨૨
[પ્રગટ : “પરબ”, ઑગસ્ટ 2022]
e.mail : prakash.nireekshak@gmail.com