બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ચોથીવાર પલટી મારવાથી દેશના સેક્યુલર રાજકારણની તાકાતમાં વધારો થવાનો નથી કે દેશના વિરોધ પક્ષોની સંયુક્ત તાકાતમાં પણ વધારો થવાનો નથી. ઊલટું કદાચ એ વધારે ક્ષીણ થશે. આમાં સેક્યુલર ભારતની ચિંતા કરનારાઓએ રાજી થવાની જરૂર નથી, ઊલટું શ્રદ્ધેય રાજકીય વિકલ્પ ક્યાં છે એવા પ્રશ્નનો જવાબ આપવો તેમના માટે મુશ્કેલ બનશે.
ગયા અઠવાડિયે મેં મારી કોલમ માટે લેખની શરૂઆત જ ઉપર મુજબનાં કથન દ્વારા કરી હતી અને એ માટેનાં મારાં કારણો આપ્યાં હતાં. પણ એ પછીના એક અઠવાડિયામાં સામેના છેડાનો પણ એક દૃષ્ટિકોણ સામે આવી રહ્યો છે અને એ કંઈક અંશે સમજાય એવો છે એ એટલે એ તમારી સમક્ષ રજૂ કરું છું.
કોઈ સ્થિતિ કાયમ માટે જળવાતી નથી, એમાં પરિવર્તન થતાં હોય છે, તેની સામે પડકારો પેદા થતા હોય છે અને એક દિવસ તેનો અંત આવતો હોય છે. આ સનાતન સત્ય છે. વર્તમાન શાસકો સામે અથવા હિંદુ રાષ્ટ્ર સામે ત્રણ સંભવિત પડકાર નજરે પડી રહ્યા છે. એક પડકાર આર્થિક મોરચે, બેરોજગારી અને મોંઘવારી. ગળા સુધી આવી જાય ત્યારે દીકરો પણ બાપ સામે વિફરતો હોય છે તો આ તો પ્રજા છે. શ્રીલંકા આનું તાજું ઉદાહરણ છે. બીજો સંભવિત પડકાર નજરે પડે છે, સમવાય ભારત તરફથી સમવાય ભારત બચાવી રાખવા માટેનો. અને ત્રીજો પડકાર સરહદે નજરે પડી રહ્યો છે. ખાસ કરીને ચીન તરફથી.
આ ત્રણમાંથી કયો પડકાર પેદા થશે એ આપણે જાણતા નથી. કદાચ ન પણ થાય, ઘણા લાંબા સમય સુધી ન થાય અને આપણે કલ્પના પણ ન કરી હોય એવો કોઈ અજાણ્યો પડકાર પેદા થાય. સમાજકારણ અને રાજકારણ કોઈ જ્યોતિષશાસ્ત્રનો વિષય નથી. સપાટીની નીચે અનેક પરિબળો કામ કરતાં હોય છે. કેટલાંકના સંકેત મળે છે અને કેટલાંકના સંકેત સહેજે મળતા નથી. આ ત્રણમાં પહેલો પડકાર મુખ્યત્વે પ્રજાકીય હશે. બીજો પડકાર પ્રજાકીય-રાજકીય કે રાજકીય-પ્રજાકીય હશે અને ત્રીજો પડકાર વિદેશી હશે. પહેલો પડકાર પ્રજાકીય હોવાને કારણે ઉસ્ફૂર્ત હશે. બીજો રાજકીય-પ્રજાકીય ભાગીદારી સાથે પેદા કરી શકાય છે અને ત્રીજા વિષે કાંઈ પણ કહેવું મુશ્કેલ છે.
નીતીશકુમારે રાજકીય પલટી મારી એ ઘટનાને કેટલાક રાજકીય નિરીક્ષકો ફેડરલ ઇન્ડિયાના ફેડરલ ઇન્ડિયાને બચાવવા માટેના શ્રીગણેશ તરીકે જોઈ રહ્યા છે. હવે ઘણું થયું. ઇનફ ઈઝ ઇનફનું ટાણું આવી ગયું છે એમ રાજકીય પક્ષોને લાગી રહ્યું છે અને પ્રજાને પણ હવે એ સમજાવા લાગ્યું છે. જ્યારે એક સ્પર્ધક શામ-દામ-દંડ-ભેદનો ઉપયોગ કરીને પ્રતિસ્પર્ધીની બે પગે ઊભા રહેવા માટેની જગ્યા જ આંચકવા માંડે અને તેની સામે અસ્તિત્વનું જ સંકટ પેદા કરે ત્યારે દર્શકોની સહાનુભૂતિ નિર્બળ પ્રતિસ્પર્ધી માટે પેદા થવા લાગે છે. એમાં આ તો અસ્મિતાઓનું રાજકારણ છે. તમને ખબર છે? ભારતમાં ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ અને સામ્યવાદી પક્ષોને છોડીને બાકીના તમામ રાજકીય પક્ષો અસ્મિતાઓ(ઓળખ)નું રાજકારણ કરે છે અને એના ઉપર એ નભે છે. કોઈ જ્ઞાતિની, કોઈ ધર્મની, કોઈ ભાષાની તો કોઈ પ્રાંતની. ભારતીય જનતા પક્ષ પણ હિંદુ અસ્મિતાનું રાજકારણ કરે છે.
દેશમાં કૉન્ગ્રેસ એક માત્ર રાજકીય પક્ષ હતો જે કોઈ પણ પ્રકારની ઓળખોને આગળ કરીને સમાજ-વિભાજન કરનારું પૃથક રાજકારણ નહોતો કરતો. એ જ તો તેની તાકાત હતી. પણ પછીનાં વર્ષોમાં કૉન્ગ્રેસના નેતાઓએ જે તે સમાજના મત મેળવવા માટે તેમને રાજી કરનારું રાજકારણ કરીને સર્વસમાવેશકતા સાથે ચેડાં કરવા માંડ્યા અને ધીરેધીરે કૉન્ગ્રેસની સ્થિતિ ધોબીના કૂતરા જેવી થવા લાગી. ન ઘરનો ન ઘાટનો. એક સમયે દરેક પ્રજાને એમ લાગતું હતું કે આ આપણો પક્ષ છે, પણ પછી દરેક પ્રજાને એમ લાગવા માંડ્યું કે આ ફલાણાઓ માટેનો પક્ષ છે આપણો નથી. કૉન્ગ્રેસની ક્ષીણતાનું આ કારણ છે. સામ્યવાદીઓ ઓળખનું ટૂંકું રાજકારણ નહોતા કરતા, પણ તેઓ દેશને રહિતો અને સહિતોમાં વિભાજીત કરીને જે રાજકારણ કરતા હતા તે ભારત માટે વિદેશથી આયાત કરેલું અવ્યવહારુ પોથીનિષ્ટ હતું. આમ આદમી પાર્ટી? કોઈ સવાલ કરી શકે. આમ આદમી પાર્ટીનું રાજકારણ ‘ભારતીય’ હોવા વિષે મને શંકા છે. અરવિંદ કેજરીવાલ ભારતીયતાના પક્ષે બોલતા કે ઊભા રહેતા જોવા મળતા નથી. આમ આદમી પાર્ટી હિંદુભારત માટેની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પેદા કરેલી બી ટીમ છે એમ મને લાગે છે.
કૉન્ગ્રેસ ક્ષીણ છે અને રાહુલ ગાંધી લોકો સુધી પહોંચી શકતા નથી એ હકીકત હોવા છતાં ય તમે જોયું હશે કે બી.જે.પી.ના સર્વોચ્ચ નેતાઓ કૉન્ગ્રેસ ઉપર અને રાહુલ ગાંધી ઉપર સતત પ્રહાર કરી રહ્યા છે. કારણ એ છે કે કૉન્ગ્રેસનો વૈચારિક પનો ઘણો મોટો છે અને જો પ્રજાની અંદર એક દિવસ સહિયારી ભારતીયતાનો ભાવ પેદા થાય તો તેનો લાભ માત્ર અને માત્ર કૉન્ગ્રેસને મળે એમ છે. આવું બની શકે છે. હિંદુ અને હિન્દુરાષ્ટ્રને નામે મૂર્ખ બન્યા પછી કોઈને કોઈ દિવસ પ્રજાની આંખ ખુલવાની છે અને ત્યારે મતદાતાઓ સમક્ષ કોઈ વિકલ્પ ન રહેવો જોઈએ. માટે તેઓ નિર્બળ રાહુલ ગાંધીને ગંભીરતાથી લે છે.
પણ આ યુગ અસ્મિતાઓનો છે. ભારતીય પ્રજાની અંદર અસ્મિતાભાવ પ્રબળ બન્યો છે એટલે તો આટલા બધા રાજકીય પક્ષો તેનો લાભ લેવા અસ્તિત્વમાં આવ્યા છે. આ બધા પક્ષો પ્રાદેશિક છે અને દરેકની પોતાની અલાયદી ઓળખ છે. બી.જે.પી. પણ આમાંનો એક પક્ષ છે, ફરક એટલો છે કે તે હિંદુ ઓળખનું રાજકારણ કરે છે અને આજકાલ હિંદુ ઓળખ બીજી ઓળખો ઉપર સરસાઈ ધરાવતી હોવાના કારણે તેની ઘરાકી વધુ છે. યાદ રહે, જનસંઘ(ભારતીય જનતા પક્ષ)ની સ્થાપના ૧૯૫૧ની સાલમાં થઈ હતી અને ત્યારથી તે હિંદુ ઓળખનું રાજકારણ કરે છે, પણ હજુ હમણાં સુધી બીજી ઓળખોની સામે હિંદુ ઓળખ પરાજીત થતી હતી. વાંશિક, ભાષાકીય, પ્રાદેશિક, ધાર્મિક કે જ્ઞાતિકીય ઓળખ સામે જનસંઘ/બી.જે.પી.નો હિંદુ સતત હારતો હતો. આ તો નજીકના ઇતિહાસ છે જે તમને યાદ હશે.
૧૯૯૦ પછી હિંદુ ઓળખ પ્રબળ થવા માંડી એ ખરું, પણ એ સાથે બીજી ઓળખની અપીલ સાવ ખતમ થઈ ગઈ છે એવું નથી. બી.જે.પી.ના નેતાઓને આની જાણ છે. આજે હાથમાં આવેલો હિંદુ આવતીકાલે હિંદુ ઓળખ ફગાવી દઈને અન્યત્ર જઈ શકે છે. આ દેશ ઓળખોનો દેશ છે એટલે ઓળખોની અપીલ બદલાઈ શકે છે. જે ગઈકાલે સાથે નહોતો એ આવતીકાલે સાથે ન હોય એવું બની શકે. જેની પાસે ગઈકાલે સાથ નહીં આપવા માટેનાં કારણો હતાં તેની પાસે એ કારણો આવતીકાલે સાથ નહીં આપવા માટે ઉપલબ્ધ હોવાનાં જ. માટે વ્યાપક સર્વસમાવેશક ભારતીયતાની ઓળખ ધરાવનાર કૉન્ગ્રેસને ખતમ કરો અને એની સાથે નાની વૈકલ્પિક ઓળખ ધરાવનારા પ્રાદેશિક પક્ષોને પણ ખતમ કરો. એ પછી હિંદુ ઓળખ સામે કોઈ પડકાર પેદા થશે તો પણ મતદાતા પાસે કોઈ વિકલ્પ જ નહીં હોય. લોકતંત્રની ઈમારત ટકાવી રાખવાની પણ પ્રાણ હરી લેવાના.
બી.જે.પી.ની આ નીતિ છે અને બી.જે.પી.ના નેતાઓ તે આક્રમકપણે અને ખૂબ ઉતાવળે લાગુ કરી રહી છે. ઉતાવળે લાગુ કરવાનું કારણ એ છે કે આજે જેટલી અનુકૂળતા છે એટલી આવતી કાલે મળશે કે કેમ તેની શંકા છે. આર્થિક અને વિદેશી સંકટ ક્ષિતિજે ઝળુંબી રહ્યાં છે અને સ્થિતિ પ્રવાહી છે. આજના શાસકો પાસે માત્ર સંખ્યાકીય સંસદીય અનુકૂળતા છે, બાકી પ્રતિકૂળતાઓનો પાર નથી. આજે નહીં તો ક્યારે ય નહીં એવી સ્થિતિ છે અને માટે ઉતાવળે અને કોઈ પણ માર્ગે રાજકીય પ્રતિસ્પર્ધીઓના પગ તળેથી જમીન આંચકવામાં આવી રહી છે. ઊભા રહેવા માટે જગ્યા જ ન રહેવી જોઈએ. મહારાષ્ટ્રમાં જે બન્યું એ પરાકાષ્ટા હતી. આ દેશમાં હવે કોઈ રાજકીય પક્ષ સલામત નથી એવો તેનો મેસેજ હતો.
ઉપર કહ્યું એમ ભારતમાં કૉન્ગ્રેસને છોડીને દરેક રાજકીય પક્ષ એક કે બીજી ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકીય પક્ષોને અને તે જે પ્રજાનું પ્રતિનિધિત્વ કરે છે એ પ્રજાને સમજાઈ ગયું છે કે હિંદુ ઓળખ તેમના ઉપર હાવી થઈ રહી છે. બી.જે.પી.ની ઓળખ મિટાવવાની આક્રમકતાને કારણે આજે સરેરાશ હિંદુના માનસમાં ઓળખના દ્વન્દ્વ પેદા થવા લાગ્યા છે. જેટલું અભિમાન હિંદુ હોવા માટેનું છે એટલું જ અભિમાન મરાઠી હોવા માટેનું પણ છે. મરાઠી હોવાની ભાષાકીય ઓળખ એક રીતે નિર્દોષ છે, જ્યારે હિંદુ ઓળખ હિંદુ સમાજમાં ઊંચનીચના અને અધિકારના ભેદ હોવાના કારણે સદોષ છે. અલબત્ત સમગ્રતામાં જુઓ તો કોઈ ઓળખ નિર્દોષ હોતી નથી. આમ મહર્ષિ પતંજલિએ કહ્યું છે.
મહારાષ્ટ્રની ઘટના પછી બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારને સમજાઈ ગયું કે હવે પછી તેમનો વારો આવવાનો છે. એનાથી વધુ તેમને એમ સમજાઈ ગયું કે પ્રજાની અંદર પ્રાદેશિક ચેતના જાગૃત થઈ રહી છે. સહાનુભૂતિ પેદા થઈ રહી છે જે મહારાષ્ટ્રમાં જોવા મળી હતી. દેશના અન્ય રાજકીય પક્ષોને સમજાવા લાગ્યું છે કે બી.જે.પી.નો એજન્ડા હિંદુ ઓળખ સિવાયની બાકીની દરેક ઓળખ મિટાવી દેવાનો છે અને જો મિટાવી ન શકે તો દબાવી દેવાનો છે. કાઁગ્રેસે કોઈ નાની ઓળખને વિકસિત થતા ક્યારે ય રોકી નહોતી, કોઈ પ્રકારના અવરોધ પેદા નહોતા કર્યા. બીજી બાજુ બી.જે.પી. એક એવો રાજકીય પક્ષ છે જે રાજકીય – સંસદીય જ નહીં, સાંસ્કૃતિક પ્રતિસ્પર્ધીને પણ મિટાવી દેવા માગે છે. હિંદુ રાષ્ટ્રીયતાને નામે પ્રાદેશિક રાષ્ટ્રીયતા (જેને અંગ્રેજીમાં સબ-નેશનલિઝમ કહેવામાં આવે છે) સામે જોખમ છે. હિન્દી ભાષાની રાષ્ટ્રીયતાના નામે ઉર્દૂ અને પ્રાદેશિક ભાષાઓ સામે જોખમ છે. હિંદુ બ્રાહ્મણીય સ્વરૂપને કારણે બહુજન સમાજની અસંમતીના અધિકાર સામે જોખમ છે. હિંદુ એકતાના નામે દલિતો અને સ્ત્રીઓના અધિકારો માટેના ઊહાપોહ સામે જોખમ છે. વળી આમાંના મોટાભાગના અધિકારો અને ઓળખો બંધારણમાં સુરક્ષિત કરવામાં આવ્યા છે અને દુર્ભાગ્યે આની રખેવાળી કરવાનું જેનું દાયિત્વ છે એ દેશનું ન્યાયતંત્ર પાણીમાં બેસી ગયેલું જોવા મળી રહ્યું છે.
હિન્દુત્વવાદીઓની અધીરાઈ અને આક્રમકતાને કારણે પ્રજામાનસમાં એક પ્રકારની ચહલ-પહલ શરૂ થઈ ગઈ હે અને હવે તેનાં સંકેત મળવા લાગ્યા છે. બિહારની ઘટના પ્રજામાનસમાં જોવા મળતી આવી ચહલ-પહલનું પરિણામ છે. ઇનફ ઈઝ ઇનફ. ફેડરલ ઇન્ડિયા ફેડરલ ઇન્ડિયાને બચાવવા માટે આક્રમક મોરચો રચી શકે છે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 ઑગસ્ટ 2022