આજે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ને આખો દેશ ઉત્સવમાં રમમાણ છે, ત્યારે વડોદરાનાં હરણી તળાવમાં ચૌદ બાળકો (આ સંખ્યા વધી શકે છે) ને બે શિક્ષિકાઓ તંત્રોની ઘોર બેદરકારીને કારણે જળ સમાધિ લઈ ચૂક્યાં છે. અયોધ્યા પ્રસન્ન છે ને વડોદરા ખિન્ન છે. ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરી સોળે શણગાર સજીને ઉજવણું કરી રહી છે ને ગુજરાતની વડોદરા નગરી ઉઠમણું કરી રહી છે. અયોધ્યાએ બાળ રામની સૈકાઓથી રાહ જોઈ છે. આ ભારતીય જ નહીં, વૈશ્વિક તહેવાર છે. અહીં હરખનાં આંસુ છે ને વડોદરામાં લોહીનાં આંસુ છે. અયોધ્યામાં રામલલ્લાની સ્થાપના અણુએ અણુને અભિભૂત કરનારી ઘટના છે, તો વડોદરાના ચૌદ ચૌદ લલ્લાઓની જળમાં ઉત્થાપના કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને રૂંવે રૂંવેથી તોડી શકે એમ છે. એક તરફ રામલલ્લાની મનમોહક બાળ પ્રતિમામાં વિષ્ણુના, રામ પછી આવનારા (દશ) અવતારોનું નિરૂપણ છે, તો બીજી તરફ હરણી તળાવમાં ચૌદેક બાળ અવતાર પાણીમાં જતાં ભવિષ્ય ભેંકાર થઈ ગયું છે. અયોધ્યાની કૌશલ્યા પ્રસન્ન છે, પણ વડોદરાની માતાઓ પોતાનાં લલ્લાઓને અગ્નિ કે ભૂમિને સોંપતાં કાળજું કોતરી ચૂકી છે. કાળજું એક જ છે. તે આનંદથી ઊછળે છે ને તે જ તેજહીન પણ થઈ ગયું છે.
દશરથની અયોધ્યા નગરીનો આ નવો અવતાર છે. અયોધ્યાના અર્થમાં જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. સરયૂનું જળ બદલાયું છે, પણ નામ બદલાયું નથી, તેની પવિત્રતા વધુ ફેલાઈ છે ને તે અધ્યાત્મરંગી, કેસરી રાજનીતિનું પરિણામ છે. ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ભાવ મુદ્રા આસ્થાથી વિપરીત નથી. તેમને 2024નાં ચૂંટણી વિજયની પ્રાણપ્રતિષ્ઠા એમાં દેખાતી હોય તો પણ, આ કેવળ રાજકીય ઉત્સવ એટલે નથી, કારણ તે કોઈ એકાદ રાજ્યનું ધાર્મિક છમકલું નથી. હોય તો તે આટલું વિશ્વ વ્યાપી ન બને. દેશ આખામાં પ્રાણપ્રતિષ્ઠાની જે આબોહવા ઊભી થઈ છે, એ પૂર્ણ પણે રાજકીય હોય તો પણ, પ્રજાનું તેને જે રીતે રાષ્ટ્રીય સમર્થન છે, એમાં રામનામનો મહિમા જરા પણ ઓછો નથી. આખું આયોજન ચૂંટણીલક્ષી હોય તો પણ, આખા દેશને રામસૂત્રે બાંધવાનું પ્રજાની ભાગીદારી વગર શક્ય નથી. રામને નામે ઘણા પથરા તરી જવાના હોય તો પણ, બધા જ પથરા છે એવું નથી. પથરાને તરવા જેટલું જળ ન હોય તો એ તરે નહીં. એ સંદર્ભે પણ રામ મંદિરને કેવળ રાજકીય ઉપજ તરીકે જોવામાં અન્યાય રામને થશે.
એ પણ વિચારવાની જરૂર છે કે પ્રજા તરીકે આપણે વિપક્ષની પતાવટ કે પટાવટમાં હવે નથી આવતાં, આપણે વિપક્ષની ધર્મનિરપેક્ષતામાં દાયકાઓ સુધી આવતા જ ગયાં ને હવે નથી આવતા. કેમ? શાસક પક્ષ આપણને પટાવતો હોય તો પણ, એની વાતોમાં દેશનો ઘણો મોટો જનસમૂહ આવતો જ જાય છે. કેમ? કૈંક તો છે જે એની તરફ પ્રજાને ખેંચે છે. 28 વિપક્ષોમાં હવે એ કૌવત રહ્યું નથી જે શાસક પક્ષમાં પ્રજાને દેખાય છે. પ્રજા બહુ પામી ગઈ છે એવું નથી, પણ તેને દાયકાઓના અનુભવ પરથી એટલું સમજાયું છે કે વિપક્ષ તરફથી તો સાંત્વન પણ મળે એમ નથી. આ સ્થિતિ હોય ને પ્રજાએ છેતરાવાનું જ હોય, તો તે વિપક્ષથી છેતરાવા રાજી નથી, તે 2014 અને 2019ની ચૂંટણીએ સાબિત કરેલું જ છે. એમ પણ છે કે પ્રજા વળી એક વખત શાસકોથી છેતરાવા તૈયાર છે. કારણ તે કહેવાતી ધર્મનિરપેક્ષતાથી પર થઈ ચૂકી છે ને પ્રજા અબૂધ લાગતી હોય તો પણ, તે મૂરખ નથી. તેની રામમાં પહેલેથી આસ્થા હતી જ, તે કૈં શાસકોએ ઊભી કરી નથી. શાસકે તો માત્ર કજળી જવા આવેલી વાટને સંકોરી છે. ધર્મ પણ રાખ નીચે ધરબાયેલો હતો, તેને રાજકીય હેતુસર, શાસકોએ માત્ર ફૂંક જ મારી છે, પરિણામે રામજ્યોતિ પ્રજ્વલિત થઈ ઊઠી છે. રામનામને રાજકીય હૂંફ મળી હશે, પણ રામનામ હતું જ નહીં એવું ન હતું. શાસક પક્ષે તો વાયદો જ પૂરો કરવો હતો કે રામમંદિર બનાવીશું ને બન્યું. કમ સે કમ કહ્યું તે કર્યું તો ખરું !
બાબરી 1992માં ધ્વસ્ત થઈ તે સાથે દેશ કોમી રમખાણોમાં પણ સપડાયો, એમાં પહેલી વખત બહુમતીનો અવાજ લઘુમતીથી દબાયો નહીં. એ લોકમિજાજ પરખાયો હોત ને તે વખતના શાસકોને આ બદલાવ સમજાયો હોત, તો રામ મંદિરની અનિવાર્યતા પણ પ્રતીત થઈ હોત, પણ તેવું ન થયું ને રામ મંદિર 2014/2019ના શાસકોનો એજન્ડા બન્યો ને વાત આજે પ્રાણપ્રતિષ્ઠા સુધી આવી છે. આ રાજકીય નાટક હોય અને શાસકો પ્રજાની ધર્માંધતાનો લાભ લેતા હોય તો પણ, આખું કોળું દાળમાં ગયું નથી. ધારો કે પ્રજાને ધર્મને નામે મૂરખ બનાવાઈ હોય તો પણ, રામ તો કોઈની ચાલમાં આવે એમ નથી. એ ખરું કે મંદિરની પ્રક્રિયા પૂરી થઈ નથી, પણ શરૂ જ નથી થઈ એવું પણ નથી.
એ ખરું કે વડા પ્રધાન કે મુખ્ય મંત્રી દેશ કે રાજ્યમાં બધે પહોંચી શકે નહીં. જ્યાં ન પહોંચાય ત્યાં તંત્રો તેમના વતી કામ કરતાં હોય છે, કેટલાંક તંત્રો વફાદારીથી વર્તે છે, તો કેટલાંક નફાદારીથી પણ વર્તે છે. મોટેભાગનાં તંત્રો નિર્લજ્જ, નિષ્ઠુર ને નિકંદન કાઢી નાખનારાં હોય છે, એનું વરવું ઉદાહરણ હરણી બાળ હત્યાઓ છે. સાવ નિર્દોષ બાળકો, જે આનંદ માણવા સ્કૂલના પ્રવાસમાં નૌકાવિહારના હેતુએ જોડાયાં હતાં, પણ એક કમનસીબ પળે હોડી ઊંધી વળી ગઈ. એ પછી ‘હાહાકાર’ જ બચ્યો. આવે વખતે જેમની ફરજ નથી તેવા લોકો આગળ આવે છે ને જેમની જવાબદારી છે તેવા પાછળ રહેતા હોય છે. અહીં પણ એમ જ થયું.
બાળકોને બચાવવાની કામગીરી થાય કે ન થાય, સરકાર એક્ટિવ મોડ પર આવી જતી હોય છે. પહેલું કામ તે મૃતકોનાં કુટુંબીજનો તરફ આર્થિક સહાય ફેંકવાનું કરે છે, તે એવી રીતે કે કૂતરું ઘવાયા પછી રોટલાના ટુકડા માટે વલખતું હોય ! મદદ જરૂરી છે એની ના નથી, પણ જે રીતે આ વ્યવહાર થાય છે તે યાંત્રિક અને બીભત્સ છે. કોઈ શત્રુ પણ મૃતકનું વળતર આ રીતે ન ઈચ્છે. જેનું બાળક ગયું હોય ને જેનાં પર આખું ભવિષ્ય અનેક સપનાઓથી માબાપે સજાવેલું હોય, તેનું હૈયું વલોવી નાખતું રૂદન સાંત્વના ઇચ્છતું હોય ને એવે વખતે એને માથે હાથ મૂકી આશ્વસ્ત કરવાને બદલે, આર્થિક ભીખ ફેંકવાનું અપમાનિત કરનારું છે. એ પછી સરકાર ગોખેલું બોલવા લાગે છે કે જવાબદારોને બક્ષવામાં નહીં આવે. એ જેટલા જુસ્સાથી બોલાય છે એટલા જ જુસ્સાથી લોકો જાણી જાય છે કે આવી જાહેરાત થતાંની સાથે જ, ડૂબતાંને તો ઠીક, જવાબદારોને બચાવવાની કોશિશ શરૂ થઈ જાય છે.
એ પછી કાવતરું એ ઘડાય છે કે એક – બીજાને, બીજો – ત્રીજાને, ત્રીજો – ચોથાને જવાબદાર ઠેરવવા લાગે છે. આક્ષેપોનો ખો અપાવા લાગે છે ને એમાં જવાબદારો સંતાવામાં સફળ થાય છે. હરણી કાંડમાં પણ એમ જ થયું. કોઈને આ કાંડમાં શાળાની ભૂલ જણાઈ છે, તો કોઈને એજન્સીઓ જવાબદાર લાગી છે ને તેણે મેન્ટેનન્સમાં લોથ વાળી છે. કોઈને બોટ ખરાબ લાગી છે, તો કોઈને ફાયર સેફટીનાં સાધનો એક્સપાયરી વીતી ચૂકેલાં લાગ્યાં છે. બોટની ક્ષમતા કરતાં બેસનારાઓની સંખ્યા ઘણી વધુ થઈ ગઈ … જેવી વાતો થોડા દિવસ ચાલશે ને નવી કોઈ ઘટના બનશે કે આના પર રાખ વળી જશે. સીટની રચના આમાં પણ થઈ છે, કોર્ટ પણ કોઈને જવાબદાર ઠેરવશે અને આપણે વળી નવી કોઈ ઘટના માટે કાળજું કઠણ કરવું પડશે. આ આઘાતો એવા છે કે તંત્રોને વધુ રીઢા અને સંવેદનહીન બનવાની તાલીમ આપે છે ને જે વેઠે છે તે તો આઘાતોથી જ બેવડ વળી જાય છે. આમાં જેનું જાય છે, તેનું જાય છે ને બાકીનાને તો ‘દિવાળી’ જ થતી રહે છે. તંત્રો જાગતાં નથી એવું નથી. રાબેતા મુજબ જાગે છે ને રાબેતા મુજબ ઘોરી પણ જાય છે. આ દેશની કમનસીબી એ છે કે જે થાય છે તે નિર્દોષોને ને જવાબદારોને ભાગ્યે જ કૈં થાય છે. જવાબદારો, કૈં થવાનું નથી એવા વિશ્વાસે વધુ રીઢા અને બેફિકર થઈ જાય છે ને કઇ થવાનું નથી એવો વિશ્વાસ પીડિતોને વધુ નિ:સહાય અને નિષ્ક્રિય કરે છે. સૌથી મોટી દારૂણ હોનારત જ આ છે કે પીડિતને બધું જ થાય છે ને જવાબદારને કૈં થતું જ નથી.
પાઠ ભણાવવા મોરબી પુલ ઘટના થઈ જને ! હરણીમાં મેન્ટેનન્સનો મુદ્દો આવે, પણ મોરબીનો તો પુલ નવો હતો. વડોદરામાં જ 1993માં સૂરસાગરમાં હોડી ડૂબી હતી ને 22 જીવ ગયા હતા, સુરતમાં ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓ ચોથે માળેથી ભડકો થઈને કૂદ્યા ને કોલસો થઈ ગયા. શું થયું? સવાલ એ થાય કે આવાં કેટલાં મોત પછી આપણે બોધપાઠ લેવાના છીએ? એ ખરું કે તંત્રો બધું રાખ થઈ જાય પછી પગલાં ઝડપથી ભરવા લાગે છે. હોડી ડૂબે છે તો બીજે બોટિંગ ઠીક ચાલતું હોય, તેની પથારી પહેલાં ફેરવે છે. દ્વારકા, રાજકોટમાં બોટિંગ બંધ કરી દેવાયું. સુરતમાં ત્રણેક લેકમાં તો બોટિંગ વખતે લાઈફ જેકેટ આપવાનાં પણ હોય એવું જ્ઞાન જ હરણી ઘટનાએ આપ્યું. તંત્રો સાવ જ નિષ્ક્રિય છે એવું નથી, હરણી કાંડમાં બોટનું મેન્ટેનન્સ 6 વર્ષે, એક પણ વાર થાય નહીં, એની ભારે કાળજી તંત્રે રાખી જ છે. સુરતમાં એક ટ્યૂશન ક્લાસમાં આગ લાગી તો ઘણા ક્લાસિસ પર તવાઈ આવેલી. પુલ તૂટે છે, તો બાકીના પુલ ધંધે લાગી જાય છે, એમાં વિવેક તો નથી જ, પણ યોગ્ય પાસેથી તોડ પાડવાની બેશરમી પણ છે. આ બધું જરા ય નવું નથી, પણ હરામની કમાણીની આપણને એવી ભૂખ ફૂટી છે કે આખી પૃથ્વી ગળી જઈએ તો બ્રહ્માંડ ગળવાની નવી ભૂખ ઊઘડે છે. સાચું તો એ છે કે આપણું રૂંવાડું ફરકે એમ જ નથી, કારણ એ ફરક્વા પણ ચામડી જોઈએ …
એ કેવો સંયોગ છે કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવા પહેલાં, પ્રાણહરણનો ઉપક્રમ, માનવસર્જિત હોવા છતાં કુદરતી લાગે એમ યોજાયો. આયોજન બંનેમાં છે. એકમાં ખબર છે, એકમાં નથી. એ પણ યોગાનુયોગ જ છે કે પહેલાં રામ બોલો … થયું છે ને પછી જયશ્રી રામ થવા જઇ રહ્યું છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 જાન્યુઆરી 2024