એક સમયે દેશની સૌથી મોટી અને સૌથી કાર્યક્ષમ એવિયેશન કંપની જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલે ગયા અઠવાડિયે, મુંબઈની કોર્ટમાં બે હાથ જોડીને તેમને મરવા દેવાની ‘વિનંતી’ કરી, તે આ દેશની એવી અનેક સફળ કહાનીઓ પૈકીની એક કહાની છે, જે અધવચ્ચે અટવાઈ ગઈ હતી.
કેનેરા બેંક સાથે 538 કરોડની છેતરપિંડીના આરોપી જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ શનિવારે મુંબઈની એક વિશેષ અદાલતમાં હાજર થયા હતા. તેમણે અદાલતને કહ્યું, “મેં મારા જીવનની આશા ગુમાવી દીધી છે. મારી તબિયત ઘણી બગડી ગઈ છે. જેલમાં મરી જવું વધુ સારું છે.” એવું કહીને નરેશ ગોયલે વિશેષ જજ સામે હાથ જોડ્યા હતા.
તેમણે કહ્યું હતું, “હું મારી પત્ની અનિતાને ખૂબ યાદ કરું છું. તે કેન્સરના છેલ્લા તબક્કામાં છે.” જજે તેમને સધિયારો આપતાં કહ્યું હતું તમે અસહાય નથી, તમને પૂરતી મદદ મળી રહેશે. નરેશે વિશેષ ન્યાયાધીશ એમ.જી. દેશપાંડે સમક્ષ જામીન અરજી દાખલ કરી હતી. તેમણે તેમની શારીરિક-માનસિક તકલીફોનું વર્ણન કરીને જજને વિનતી કરી હતી કે તેમને રાજ્ય નિર્ધારિત જે.જે. હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં ના આવે કારણ કે તે આર્થર રોડ જેલથી હોસ્પિટલ જઈ શકે તેવી સ્થિતિમાં નથી. “તેના બદલે મને જેલમાં જ મરવા દેવામાં આવે.” એમ તેમણે કહ્યું હતું.
ગોયલ પર કેનરા બેંક સાથે 538 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇ.ડી.)એ ગયા વર્ષે 1 સપ્ટેમ્બરના રોજ કથિત બેંક છેતરપિંડીના સંબંધમાં નરેશ ગોયલની ધરપકડ કરી હતી.
ઉડ્ડયનની ગતિશીલ દુનિયામાં, જ્યાં વિમાનની જેમ, આંખના પલકારા સાથે નસીબ બદલાઈ શકે છે, ત્યાં નરેશ ગોયલની વાર્તા અર્શ સે ફર્શ સુધીની અનેક કથાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જેટલી ઝડપે તેજસ્વી શરૂઆત કરી હતી, તેમનો અંત એટલો જ ઝડપી પણ અંધકારભર્યો હતો.
ઉડ્ડયન ઉદ્યોગમાં 40 વર્ષથી વધુના અનુભવ સાથે, ભારતના ઉડ્ડયન ઉદ્યોગમાં પોતાનું નામ સ્થાપિત ગોયલ પંજાબના સંગરૂરમાં જન્મ્યા હતા. ગોયલના શરૂઆતનાં વર્ષો આર્થિક સંઘર્ષોથી ઘેરાયેલા હતાં. 18 વર્ષની ઉંમરે તેમણે તેમના એક કાકાની ટ્રાવેલ એજન્સીમાં કેશિયર તરીકે કામ શરૂ કર્યું હતું. ત્યાંથી જે તેમને ટ્રાવેલ બિઝનેસની જટિલતાઓ શીખવા મળી હતી. 1974માં, તેમની માતા પાસેથી 52,000 રૂપિયા ઉધાર લઈને સ્વતંત્ર ધંધો શરૂ કરનારા ગોયલે 1993માં જેટ એરવેઝની સ્થાપના કરીને સત્તાવાર રીતે ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.
વ્યકિતત્વનાં અનેક પાસાં ધરાવતા ગોયલે દેશની અમલદારશાહી તેમ જ રાજકીયણને બહુ હોંશિયારીથી સંભાળ્યું-પંપાળ્યું હતું. તેમને પૂરા પ્રોફેશનાલિઝમ સાથે ચાલતી એક એરલાઈન ઊભી કરવાનું સપનું હતું અને તેમણે જેટએરના નામે દેશના સ્થાનિક પ્રવાસીઓઓને કોઈ વિકસિત દેશની એરલાઈન જેવો અનુભવ કરાવ્યો હતો.
જેટ એરવેઝ ઝડપથી ઉડ્ડયન ઉદ્યોગમાં એક ખમતીધર ખેલાડી બની ગઈ હતી. તેની પાસે આધુનિક વિમાનોનો કાફલો હતો. 1990 અને 2000ના દાયકાની શરૂઆતમાં પાસે એક સમયે 100થી વધુ વિમાનો હતાં, અને કંપની હવાઈ મુસાફરીમાં વૈભવી અને કાર્યક્ષમતાનો પર્યાય બની ગઈ હતી.
બીજી બાજુ ગોયલે ફોર્બ્સની સૌથી શ્રીમંત વ્યક્તિઓની યાદીમાં અગ્રણી સ્થાન મેળવ્યું હતું. ગોયલના નેતૃત્વમાં એરલાઇન અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચી હતી અને તેણે તીવ્ર સ્પર્ધાત્મક ભારતીય ઉડ્ડયન બજારમાં સરકારી માલિકીની એર ઇન્ડિયાને પણ પડકાર ફેંક્યો હતો. જેટ એરવેઝની વાર્તાને ગોયલનાં સપનાંને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની ક્ષમતાના પુરાવા તરીકે જોવામાં આવી હતી.
ગ્રીક દંતકથાઓમાં ઈકારસની વાર્તા છે. તેના કારીગર પિતાએ તેના માટે મીણની પાંખો બનાવી હતી, પણ ચેતવણી આપી હતી કે બહુ ઊંચે ના ઉડતો. ઈકારસને ઉડવાની મજા આવી અને આત્મવિશ્વાસ પણ વધી ગયો. એ આકાશમાં બહુ ઊંચે ગયો. ત્યાં સૂરજની ગરમીથી તેની પાંખો ઓગળી ગઈ અને તે સમુદ્રમાં પડીને મરી ગયો.
આના પરથી બિઝનેસની દુનિયામાં “ઈકારસ પેરાડૉક્સ”ની ધારણા આવી છે. તેમાં જે ઝડપે સફળતા મળી હોય, એટલી જ ઝડપથી નિષ્ફળતા પણ મળે છે. સ્વભાવની જે ખાસિયત ઊંચાઈ પર લઈ ગઈ હતી, તે જ ખાસિયત પતન તરફ પણ લઈ જાય છે (જેમ કે ઈકારસને જે પાંખો આકાશમાં લઈ ગઈ હતી, તે જ સમુદ્રમાં પણ લઈ ગઈ).
જીવનના કોઇપણ ક્ષેત્રમાં, સફળતા રેસકોર્સ પર દોડતા ઘોડાના ડાબલા જેવી હોય છે. તે આજુબાજુમાં દેખાતું બંધ કરી દે છે. જેમ જેમ સફળતા મળતી જાય, તેમ તેમ એવો વિશ્વાસ વધતો જાય કે હું જે કરું છું તે બરાબર છે. હું જે કરું છે તે બરાબર છે તેવો વિશ્વાસ જેટલો વધુ, આપણામાં બદલાવની સંભાવના ઓછી. બદલાવની સંભાવના જેટલી ઓછી, બદલાતી દુનિયામાં પાછળ રહી જવાની શકયતા વધુ.
અંગ્રેજીમાં તેના પરથી એક કહેવત આવી હતી – ધ હાયર યુ ફ્લાય, ધ હાર્ડર યુ ફોલ (જેટલા ઊંચે ઊડો, એટલા ઊંચેથી પછડાવ). તમે એક સ્ટૂલ પરથી પડો તો ઓછું વાગે, પણ ધાબા પરથી પડો તો હાડકાં તૂટી જાય. એટલા માટે સ્ટૂલ પર ચઢ્યા પછી બહુ સાવધાની રાખવાની જરૂર નથી પડતી, પરંતુ ધાબા પર ચઢીને ત્યાં સલામત રહેવાની ચિંતા વધી જાય છે. જે લોકો ધાબા પરથી પડે છે તેમની ભૂલ એટલી જ હોય છે કે તે ધાબાને પણ સ્ટૂલ સમજી લે છે.
નરેશ ગોયલના કિસ્સામાં પણ એવું જ થયું હતું. તેઓ જે મહેનત કરીને સફળ થયા હતા તેમાંથી જ તેમનો આત્મવિશ્વાસ બંધાયો હતો કે મારી મહેનત ફાયદો કરાવે છે. એટલે તેઓ જેમ જેમ ઉપર ગયા તેમ તેમ રિસ્ક લેતા ગયા. 2019 સુધીમાં તો જેટ એરવેઝમાં દેવાં એટલા વધી ગયાં હતાં કે બધી ફ્લાઈટોને જમીન પર ઉતારી દેવામાં આવી હતી. એ તેના અંતની શરૂઆત હતી. કર્મચારીઓ બીજી કંપનીઓમાં અને મુસાફરો બીજા વિમાનોમાં ચાલ્યા ગયા.
જેટ એરવેઝનું પતન અહીંથી અટક્યું નહોતું. તે જ વર્ષે સપ્ટેમ્બરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)એ અન્ય એરલાઇન કિંગફિશર એરલાઇન્સના પતન સાથે સંકળાયેલી ₹ 538 કરોડની છેતરપિંડીના આરોપમાં ગોયલની ધરપકડ કરી. ત્યાર પછીની કાનૂની લડાઈ એ સમયથી તદ્દન વિપરીત હતી જેમાં જ્યારે જેટ એરવેઝને સફળતા તરફ દોરી રહ્યા હતા. હવે તેઓ ખુદનું જીવન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
નરેશ ગોયલની વ્યાવસાયિક યાત્રા વ્યાપાર જગતની અસ્થિરતા અને અનિશ્ચતાની યાદ આપાવે છે. એક સાધારણ ટ્રાવેલ એજન્સીના કેશિયરથી શરૂ કરીને જેટ એરવેઝના માલિક બનવા સુધીની અસાધારણ ઊંચાઈને સર કરવાની તેમની સિદ્ધિ અને પછી ત્યાંથી તેમનું નાટકીય પતન, કાનૂની આંટીઘૂંટીઓ અને હવે 70 વર્ષે શારીરિક-માનસિક પડકારો સફળતા અને સમૃદ્ધિની ચંચળતાને સાબિત કરે છે.
ગોયલનું જીવન એવા હજારો ઉદ્યોગસાહસિકો માટે એવા સાવચેતીભર્યા સૂરનું કામ કરે છે કે સતત પરિવર્તનશીલ આર્થિક વાતાવરણમાં નાણાંકીય ડહાપણ અને અનુકૂલનશીલતા શીખવી બહુ જરૂરી છે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 જાન્યુઆરી 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર