મારા પૂજ્ય વંદનીય ગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરની યાદમાં આ લખાણ લખતાં હું ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું.
ગુજરાત કૉલેજ અંગ્રેજ સરકારની કૉલેજ તરીકે સંસ્થાનવાદી સામ્રાજ્યના પ્રતીક રૂપે હતી. પણ ગુજરાતમાં ગુજરાત કૉલેજ અમદાવાદમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ વિદ્યાર્થીઓની ચળવળ તો ઊકળતા ચરૂ સમાન રહી. 1902માં અમદાવાદમાં હિંદી રાષ્ટૃીય કાઁગ્રેસના અધિવેશનથી અમદાવાદનું વિદ્યાર્થીજગત રાષ્ટૃીય પ્રવૃત્તિની તાલીમ મેળવતું ગયું. ગાંધીયુગમાં ગુજરાત ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનની પ્રયોગશાળા બન્યું. ખેડા, અસહકારનું આંદોલન, નાગપુર સત્યાગ્રહ, બોરસદ, બારડોલી આંદોલનો વિદ્યાર્થીની તાલીમશાળા બની રહ્યાં.
1935થી ગુજરાતમાં વિદ્યાર્થીમંડળો સ્થપાવા માંડ્યાં. વિદ્યાર્થીની સભ્યસંખ્યા 1940માં 3,300 જેટલી થઈ. અમદાવાદ અને તેમાં પણ ગુજરાત કૉલેજ વિદ્યાર્થીમંડળનું કેન્દ્ર બન્યું. ગુજરાતમાં 1942ની ‘હિંદ છોડો’ લડતમાં વિદ્યાર્થીગણ મોખરાનું સ્થાન લે તે ઇતિહાસની તવારીખમાં સ્વાભાવિક હતું. પૂનાના અચ્યુત પટવર્ધન, શંકરરાવ દેવ, બિહારના સહજાનંદ સારસ્વત, જયપ્રકાશ નારાયણ, ગુજરાતના ઇન્દુલાલ યાજ્ઞિક, બાલકૃષ્ણ શુક્લ, જશવંત ઠાકર, દિનકર મહેતા, અંબુભાઈ પુરાણી વગેરે વિદ્યાર્થી-પ્રવૃત્તિને દોરતા. ‘રાજદ્રોહ’ અને ‘ઇન્કિલાબ’ મૅગેઝિનો બહાર પડતાં. વાતાવરણ પૂરેપૂરું ગરમાયું હતું.
08મી ઑગસ્ટ, 1942ની રાત્રે રવિશંકર મહારાજે ગુજરાત કૉલેજની હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સમક્ષ ભાષણ આપ્યું. નેતાની ગેરહાજરીમાં વિદ્યાર્થી શું શું કરી શકે તે સમજાવ્યું.
09મી ઑગસ્ટનો દિવસ હતો. મારી ઉંમર 8 વર્ષની હતી. પરિમલ સોસાયટીમાં અમે રહેતા. સોસાયટીના શાળા-કૉલેજમાં ભણતા યુવાન વિદ્યાર્થી છોકરા-છોકરીઓ ખૂબ પ્રવૃત્તિશીલ હતાં. રાષ્ટૃવાદથી વાતાવરણ ધબકતું હતું. નાનાં બાળકો તરીકે યુવાન વિદ્યાર્થીઓ અમારા ફ્રૉકમાં વહેંચવાની પત્રિકાઓ ખોસતા. અમારે ઘેર ઘેર જઈ આપવાની રહેતી. ખાસ કરીને ભાષણો, સભાઓ ક્યાં થવાની છે તેની માહિતી રહેતી. હું રાષ્ટૃીય શાળા શેઠ સી.એન. વિદ્યાલયમાં ભણતી. અમારા આચાર્ય ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) રાષ્ટૃીય કવિ હતા. ‘ઝંડા ઊંચા રહે હમારા’, ‘ફરક ફરક તું મુક્ત હવામાં’ આ ગીતો બાળકો તરીકે અમે ખૂબ ગાતાં. 09મીએ અમારી સોસાયટીમાં સભા ભરાઈ. લગભગ પાંચ વાગ્યાના સુમારે મોટી વાન આવી, તેમાંથી સફેદ ટોપીવાળા સાર્જન્ટો નીકળ્યા. આડેધડ લાઠીચાર્જ કરવા માંડ્યો. ઘણાં છોકરા-છોકરીઓ ઘાયલ થયાં, લોહીલુહાણ થયાં. અમારાં માબાપે અમને ઘરમાં પૂરી દીધાં.
‘હિંદ છોડો આંદોલન’ની 10મી ઑગસ્ટની કથા જે ગુજરાત કૉલેજના ટેનિસ કોર્ટના પટાંગણમાં બની હતી, તેનો આંખે દેખ્યો હેવાલ હું મારા પ્રોફેસર ડૉ. ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં રજૂ કરીશ. 10મી ઑગસ્ટે શેઠ સી.એન. વિદ્યાલયથી મશાલ સરઘસ નીકળ્યું. અમે બધાં બાળકો એમાં જોડાયાં. અમારી સાથે લૉ કૉલેજના 2,000 વિદ્યાર્થીઓ એકઠા થયા હતા તે પણ એમાં સામેલ થવાના હતા. સરઘસ આકારે વિદ્યાર્થીઓ લાલ દરવાજા પાસેના કાઁગ્રેસભવન પર પહોંચવાના હતા. અગ્રગણ્ય વિદ્યાર્થી નેતાઓના હાથમાં ત્રિરંગી ઝંડો હતો. 200 યુવા વિદ્યાર્થિનીઓ હિંમતપૂર્વક આગલી હરોળમાં હતાં. હાથમાં આઝાદી-સ્વતંત્રતાને લગતાં બેનરો હતાં. ‘શાહીવાદ મુર્દાબાદ’, ‘અંગ્રેજો ચાલ્યા જાવ’, ‘ગાંસડાં-પોટલાં બાંધો બ્રિટાનિયા’ના નારા બોલાયે જતા હતા. સરઘસ આગળ વધ્યું, પોલીસો આવી, મિશન આગળ બેસુમાર લાઠીચાર્જ થયો. અમારા શિક્ષકોએ ગુજરાત કૉલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ પરથી અમને ભગાડી મૂક્યાં.
પછી શું થયું ? એ ઇંતેજારી વર્ષો સુધી રહી. હું જ્યારે 1960માં ગુજરાત કૉલેજમાં લૅક્ચરર બની ત્યારે ડૉ. ધીરુભાઈ ઠાકર, ગુજરાતીના પ્રોફેસર તરીકે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બદલી થતાં ગુજરાત કૉલેજમાં આવ્યા હતા. 1942ની ‘હિંદ છોડો’ લડત અંગે મેં ડૉ. ધીરુભાઈ ઠાકરની મુલાકાત લીધી ત્યારે તેમણે કેટલીક ઘટનાઓ રૂંવાડાં ખડાં કરે તે રીતે રજૂ કરી. તેમના શબ્દોમાં −−
‘એ દિવસ 10મી ઑગસ્ટનો હતો. વાતાવરણ અત્યંત ઉત્તેજનાપૂર્ણ બન્યું હતું. ગાંધીજીની ધરપકડની ઊડતી વાતોથી વાતાવરણ ગરમાયું. યુવાપ્રવૃત્તિઓએ જોર પકડ્યું. ગુજરાત કૉલેજના જેવું જ વિદ્યાર્થીપ્રવૃત્તિનું બીજું કેન્દ્ર લૉ કૉલેજ હતું. બંને સાવ નજીક હતાં. વિદ્યાર્થીઓએ મનસૂબો કર્યો કે બ્રિટિશ સામ્રાજ્યના પ્રતીક સમા ગુજરાત કૉલેજની સરકારી સંસ્થા ઉપરથી યુનિયન જેક ઉતારી ત્રિરંગી ઝંડો ફરકાવવો. આ મનસૂબાનો સૂત્રધાર વિનોદ કિનારીવાળા હતો. ત્રિરંગી ઝંડો તેણે સરઘસમાં મજબૂત રીતે પકડ્યો હતો.
11 વાગ્યાના સુમારે કૉલેજના ઉત્તર-પશ્ચિમ દરવાજેથી સરઘસ મિશનના મકાન આગળ લાઠીચાર્જ થવાથી કૉલેજમાં દાખલ થયું. બાજુમાં આવેલી લાઇબ્રેરી સામે ટેનિસ કોર્ટ હતું ત્યાં વિદ્યાર્થીઓ સૂત્રો પોકારતા અતિશય ઉત્સાહમાં હતા. વધારે પોલીસની ટુકડી સાથે આઇરીશ સાર્જન્ટ લાબુદી શાયર ટેનિસ કોર્ટમાં દાખલ થયો. દૂરથી વિદ્યાર્થીઓ પોલીસ પર પથ્થરમારો કરતા હતા. સાર્જન્ટ ખૂબ તુમાખીવાળો અને કડક મિજાજી હતો. પરિસ્થિતિને પામી અમે બધા પ્રોફેસરો અમારી ચેમ્બરમાંથી બહાર આવ્યા. હું, પ્રિન્સિપાલ પટવર્ધન, ભરત આનંદ સાલેટૉર, પ્રોફેસર સ્વામીનારાયણ, એન.એમ. શાહ વિદ્યાર્થીઓને શાંત રહેવા સમજાવતા હતા, એટલામાં એક નાની કાંકરી દૂરથી વિદ્યાર્થીગણમાંથી ફેંકાઈ જે લાબુદી શાયરની હૅટ પર અથડાઈ. લાબુદીનો પિત્તો આસમાને પહોંચ્યો. પોલીસોને હુકમ આપ્યો : જુઓ ત્યાંથી ગોળીથી વીંધી નાખો. એ હુકમનો અમલ રોકવા હું લાબુદી સામે ધસી ગયો. ‘રોકો રોકો’નું બુમરાણ મેં મચાવ્યું પણ ગોળીઓ ધડાધડ છૂટવા લાગી. હું ઘવાયો. મને ગોળી વાગતાં લોહીના ખાબોચિયામાં હું પટકાયો. વિદ્યાર્થીઓ ઘવાયા, કેટલાક વીંધાઈ ગયા, ઉમાકાન્ત કડિયા, રસિકલાલ જાની ઘવાયા, હાથમાં ઝંડા સાથે, ‘ઇન્કિલાબ ઝિંદાબાદ’ના નારા સાથે, વિનોદ કિનારીવાળા શહીદ થયો.
મને ઊંચકીને બાજુના સાયન્સ બિલ્ડિંગમાં લઈ ગયા. મારી આજુબાજુ પ્રફેસર સાલેટૉર, સ્વામીનારાયણ, એન.એમ. શાહ તથા વિદ્યાર્થીગણ વીંટળાઈ વળ્યું. મને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. બે મહિને હું સાજો થઈ શક્યો. પ્રોફેસરમિત્રો અને વિદ્યાર્થીઓેએ મારી અપાર સેવા કરી. જિંદગીના એ દિવસો આજે પણ હું ભૂલી શક્યો નથી.’
ગુજરાત કૉલેજનું આ ટેનિસ કોર્ટ, ફ્રાન્સની ક્રાન્તિ(1789)ના ઊગમસ્થાન સમા ‘ટેનિસ કોર્ટ ઑથ’નો બનાવ યાદ આપી જાય તેવો છે. એ દિવસ હતો 20મી જૂન, 1789નો. આપખુદ રાજાશાહી સામે ટેનિસ કોર્ટમાં ફ્રાન્સની જનતાનો ભવ્ય વિજય હતો. આ બનાવને ‘ફ્રાન્સની ક્રાન્તિનું લઘુ સ્વરૂપ’ (France Revolution in Miniature) કહેવાય છે. ફ્રાન્સની પાર્લમેન્ટ જેને એસ્ટેટ (Estate) કહેવાતી, તે ત્રણ વિભાગમાં વહેંચાયેલી હતી. પ્રથમ એસ્ટેટ પાદરીઓની, બીજી એસ્ટેટ ઉમરાવોની અને ત્રીજી એસ્ટેટમાં ખેડૂતો, મજૂરો, સામાન્ય જનતા હતી. ત્રણે વિભાગો જુદા જુદા મળતા પણ ત્રીજા એસ્ટેટે બધાએ ભેગા મળીને ટેનિસ કોર્ટમાં શપથ લીધા કે આ સભાને નેશનલ એસેમ્બ્લી જાહેર કરવી અને આપણે બધાએ એક થઈ રહેવું. આ ટેનિસ કોર્ટ ઑથ સમયે જનતાના નેતા મિરાબો[Mirabeau]એ ગર્જના કરતાં કહ્યું, ‘સાહેબ ! જાઓ તમારા માલિક(રાજા)ને જઈને કહો કે અમે અહીં જનતાની ઈચ્છાથી આવ્યા છીએ. તમારી ગમે તેટલી બૅયોનેટની અણી અમને ખસેડી નહીં શકે.’ ટેનિસ કોર્ટ ઑથે ફ્રાન્સની ક્રાન્તિને છેવટના અંજામ સુધી પહોંચાડી.
ગુજરાત કૉલેજના ટેનિસ કોર્ટે, વિદ્યાર્થીઓની શહાદતે દેશમાં જુવાળ પેદા કર્યો. 1942ની ‘હિંદ છોડો’ લડત એ ભારતની સ્વતંત્રતાપ્રાપ્તિનું આખરી યુદ્ધ હતું. ગાંધીજી કહે છે કે ટેનિસ કોર્ટ જેવા નાના બનાવો ટીપે ટીપે સ્વતંત્રતાની નજદીક લાવે છે. વિનોદ કિનારીવાળા, ઉમાકાન્ત કડિયા, રસિકલાલ જાની, ગુણવંત શાહ, પુષ્પવદન મહેતા, વસંતલાલ રાવલની શહાદતે દેશ આખામાં પડઘો પાડ્યો. ‘હિંદ છોડો’ આંદોલન લોકઆંદોલન બન્યું.
ક્યાં ગયા એ શહાદતો ને ક્યા ગયા એ સન્નિષ્ઠ, દેશભક્ત પ્રોફેસરો ? દેશદાઝ અને દેશપ્રેમથી ધબકતી એ આખી પેઢી ઐતિહાસિક કાળચક્રમાં સમાઈ ગઈ.
સૌજન્ય : ‘ગુજરાત વિશ્વકોશ ટૃસ્ટ’ સંચાલિત “વિશ્વવિહાર”, વર્ષ : 24; અંક : 5; ફેબ્રુઆરી 2022; પૃ.17-19