‘એક સર્વશક્તિમાન પરમાત્માની વાત, જેણે બ્રહ્માંડનું સર્જન કર્યું, દિગ્દર્શન અને સંચાલન કર્યું, એ માત્ર બકવાસ છે.’
‘ખૂબ વિચાર કર્યા પછી મેં નિશ્ચય કર્યો કે કોઈ પણ રીતે ઈશ્વરની પ્રાર્થના અને તેના પર વિશ્વાસ હું નહીં કરી શકું.’
‘મને પૂરો વિશ્વાસ છે કે એક ચૈતન્ય પરમ આત્મા જે પ્રકૃતિની ગતિનું દિગ્દર્શન અને સંચાલન કરે છે – તેનું કોઈ અસ્તિત્વ નથી.’
ઉપર્યુક્ત અવતરણો ક્રાન્તિવીર ભગતસિંહના દીર્ઘ નિબંધ ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’માંથી લેવામાં આવ્યા છે. ભોળા દેશપ્રેમીઓ અને ઝનૂની રાષ્ટ્રવાદીઓને આ શબ્દો ભગતસિંહના છે એવું માનવાનું ગમશે નહીં. તેમને મન ભગતસિંહ એટલે એક હાથમાં પિસ્તોલ અને બીજામાં બૉમ્બ લઈને ‘વંદે માતરમ્’નો ઘોષ કરતો અંગ્રેજોના કર્દનકાળ. સામ્રાજ્યવાદી અંગ્રેજો સામે ભગતસિંહનો ભારોભાર વિરોધ નિર્વિવાદ છે. પણ ધ્યાનમાં રહે કે એની બિલકુલ સમાંતરે, આ આદર્શવાદી ક્રાન્તિકારીનો મૂડીવાદ, શોષણ, કોમવાદ, આભડછેટ, વર્ગભેદ સામેનો વિરોધ લેશમાત્ર ઓછો નહીં, બલકે થોડોક વધારે પણ હતો. એ વિરોધ તેમનાં લખાણોનાં સવાત્રણસો પાનાંના ‘સંપૂર્ણ દસ્તાવેજ’ નામના સર્વસંગ્રહમાં અસંદિગ્ધ રીતે વ્યક્ત થાય છે. આ પુસ્તકમાંથી વિશાળ વાચન, મૌલિક ચિંતન અને તીવ્ર આરતથી ઓપતી તેમની ચિંતનસૃષ્ટિનાં દર્શન થાય છે. આ સૃષ્ટિમાં સામ્રાજ્યવાદી સત્તાની પકડમાંથી છૂટકારો એ તો એવી આઝાદીની શરૂઆત હતી જેની સાર્થકતા સમાનતામૂલક સમાજરચનામાં હોય. આવા સમાજના પાયામાં રૅશનલ વૈજ્ઞાનિક સેક્યુલર અભિગમ જરૂરી છે તે વાત પણ ભગતસિંહનાં લખાણોમાં ડોકાતી રહે છે. તેની સંપૂર્ણ ખીલેલી અભિવ્યક્તિ ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’ નિબંધમાં છે. આ નિબંધનાં સહુ પહેલાં પ્રકાશનને બરાબર આજે, એટલે કે 27 સપ્ટેમ્બરે, 88 વર્ષ પૂરાં થાય છે. આ નિબંધ પહેલી વાર, ભગતસિંહનાં પ્રારંભિક પ્રેરણાસ્થાન એવા લાલા લજપરાયે સ્થાપેલાં, ‘ધ પીપલ’ નામના અખબારમાં 1931માં છપાયો હતો. ભગતસિંહે આ નિબંધ લાહોરની જેલમાં 5-6 ઑક્ટોબર 1930 દરમિયાન લખ્યો. તેમાં તેમણે એક સંદર્ભમાં :
‘હું જાણું છું કે જે ક્ષણે ફાંસીનો ગાળિયો મારા ગળા પર પડશે અને મારા પગ નીચેનું પાટિયું ખસી જશે,તે ક્ષણ પૂર્ણવિરામ હશે ….’
નાસ્તિકતાના પરના નિબંધના છેલ્લેથી બીજા ફકરામાં સમાપનના સૂરે ભગતસિંહ લખે છે :
‘… આ મારી વિચારવાની રીત છે જેણે મને નાસ્તિક બનાવ્યો છે …. મેં એ નાસ્તિકો વિશે વાંચ્યું છે જેમણે બધી મુશ્કેલીઓનો બહાદુરીથી સામનો કર્યો. તેથી હું પણ એક મરદની જેમ ફાંસીના ફંદાની અંતિમ ક્ષણ સુધી ઉન્નત મસ્તક રાખીને ઊભો રહેવા માગું છું.’
ભગતસિંહે આ લખ્યું અને તેના બીજા કે ત્રીજા દિવસે એટલે કે સાતમી ઑક્ટોબરે તેમને, સુખદેવને અને રાજગુરુને ફાંસીની સજા ફરમાવવામાં આવી. એ પણ નોંધાયું છે કે 23 માર્ચ 1931ના દિવસે ફાંસીના થોડાક કલાક પહેલાં પણ જેલર ચત્તાર સિંહે ભગતસિંહને ઇશ્વરને યાદ કરી લેવાની વિનંતી કરી હતી જે આ અવિચળ ક્રાન્તિકારીએ ઠુકરાવી હતી. આ અંગે જગમોહન સિંગ અને ચમનલાલ સંપાદિત ‘ભગત સિંહ ઔર ઉનકે સાથીયોં કે દસ્તાવેજ’માં દિદાર સિંહે લખ્યું છે કે ભગતસિંહે જેલરને કહ્યું હતું :
‘અત્યારે મારો અંત હાથવેંતમાં હોય ત્યારે હું ભગવાનને યાદ કરું તો લોકો કહેશે કે ભગતસિંહ કાયર હતો. એણે આખી જિંદગી ભગવાનને યાદ ન કર્યા અને જ્યારે હવે મોતનો સામનો કરવાનો આવ્યો ત્યારે એ એકાએક પાછી પાની કરે છે. એટલે હું આખી જિંદગી જે રીતે જીવ્યો છું તે જ રીતે મારી આખરી પળો વીતાવું એ વધુ સારું છે.’
પદ્ધતિસરની દલીલો સાથેના પંદરેક પાનાંના આ નિબંધનો સહુથી ઉત્તેજક હિસ્સો ભગતસિંહે આસ્તિકોની માન્યતાઓને પ્રશ્નો પૂછીને તે માન્યતાઓના કરેલાં ખંડનનો છે. ભગતસિંહ એ મતલબનો સવાલ કરે છે કે જેમાં ‘એક પણ વ્યક્તિ પૂર્ણ રીતે સંતુષ્ટ ન હોય’ તેવી ‘દુ:ખો અને સંતાપોથી ભરેલી’ દુનિયાની રચના ‘સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞાની’ ઈશ્વરે શા માટે કરી ? આનો જવાબ આસ્તિકોની માન્યતા મુજબ ‘મનોરંજન’ અથવા વધુ જાણીતો શબ્દ વાપરીને કહીએ તો ક્રિડા એવો હોય છે. ભગતસિંહ આ મનોરંજનને ‘હૃદયહીન, નિર્દયી, દુષ્ટ’ રોમન રાજાએ રોમ નગરને બાળીને મેળવેલા મનોરંજન સાથે અથવા ‘હજારો પ્રાણ’ લઈને ચંગીઝખાને મેળવેલાં મનોરંજન સાથે સરખાવે છે. તે પૂછે છે ‘એ ચેતન પરમ આત્મા … અને નીરોમાં શો ફેર ?’
ત્યાર બાદ ઈશ્વરે વિશ્વનાં કરેલાં સર્જન વિશે પ્રવર્તતી પુરાણકથાઓને અભિપ્રેત રાખીને ધર્મસંસ્થાઓને નામ દઈને પૂછે છે :
‘તમે મુસલમાનો અને ખ્રિસ્તીઓ ! … એ સર્વશક્તિશાળીએ વિશ્વની ઉત્પત્તિ માટે છ દિવસ શા માટે પરિશ્રમ કર્યો અને દરેક દિવસે એ શા માટે કહે છે કે બધું ઠીક છે ? આજે એને બોલાવો … તેને આજની પરિસ્થિતિનું અધ્યયન કરવા દો. અમે જોઈશું કે શું એ કહેવાની હિંમત કરશે કે બધું ઠીક છે ?’
પછી તે કહે છે કે ભગવાનને જેલની કોટડીઓમાં, ઝૂંપડીઓમાં, ચાલીઓમાં તરફડતા લાખ્ખો મનુષ્યો અને ‘પૂજીવાદી રાક્ષસો’ દ્વારા શોષાતા મજૂરો, ‘માનવીનાં હાડકાંઓ પર રચાયેલા’ રાજાઓનાં મહેલો બતાવીને પૂછવું જોઈએ ‘બધું ઠીક છે’, શા માટે? ક્યાંથી?’
આગળ વધતાં ભગતસિંહ લખે છે : ‘અને તમે હિન્દુઓ, તમે કહો છો કે આજે જેઓ દુ:ખ ભોગવી રહ્યા છે તેઓ પૂર્વજન્મના પાપી છે … પરંતુ આપણે વિશ્લેષણ કરવું જોઈએ કે આ વાતો ક્યાં સુધી ટકે છે.’ હવે ભગતસિંહ પાપ/ગુનો અને દંડ/સજાની છણાવટ કરે છે. ન્યાયશાસ્ત્ર સજા પાછળ પ્રતિશોધ, ભય અને સુધારો એવા ત્રણ હેતુઓ ગણાવે છે. એમાંથી ‘બધા પ્રગતિશીલ વિચારકો’ પહેલાં બે હેતુઓનો અસ્વીકાર કરે છે. દુનિયામાં સજાનું ધ્યેય ‘ગુનેગારને એક અત્યંત યોગ્ય અને શાંતિપ્રિય નાગરિકના રૂપમાં સમાજને પાછો આપવાનું છે’. ભગતસિંહ કહે છે કે હિન્દુ માન્યતા મુજબ ઇશ્વર સજા તરીકે માણસોને ‘ગાય, બિલાડી, વૃક્ષ, જડીબુટ્ટી કે પ્રાણી’ બનાવે છે. ભગતસિંહ લખે છે : ‘તમે આવી 84 લાખ સજાઓ ગણાવો છો. હું પૂછું છું કે મનુષ્ય પર આની સુધારક રૂપમાં શી અસર છે ?તમે આવી કેટલી વ્યક્તિઓને મળ્યા છો જે કહી શકે કે તેઓ પાપ કરવાથી પૂર્વ જન્મમાં ગધેડાના રૂપે જન્મ્યા હતા ?’
દંડના ખ્યાલની છણાવટ કરતાં ભગતસિંહ પૂછે છે : ‘શું તમને ખબર છે કે દુનિયામાં ગરીબ હોવું એ મોટામાં મોટું પાપ, એક શાપ, એક દંડ છે.’ એ સૂચવે છે કે ઈશ્વરે આપેલો ગરીબીનો દંડ માણસને કાં તો વધારે ને વધારે ગુના કરવા પ્રેરે અથવા તો તેને ગરીબ અને અભણ રાખે. ભગતસિંહ દલિત કોમોના નામ આપે છે કે જે ગરીબ છે અને અભણ છે. તેમને ‘દંભી અને અભિમાની બ્રાહ્મણોએ જાણીજોઈને અજ્ઞાની રાખ્યા’, તેમને ‘વેદોના કેટલાંક વાક્યો સાંભળી લેવાથી કાનમાં ઓગાળેલા સીસાની ધારની સજા ભોગવવી પડી?’ પૂર્વજન્મનાં પાપ દંડસિદ્ધાન્તની ચર્ચા બાદ ભગતસિંહ તારણ કાઢે છે :
‘આ સિદ્ધાન્ત વિશેષાધિકારયુક્ત લોકોની શોધ છે. તેઓ પોતાની હાથ કરેલી શક્તિ, મિલકત અને ઉચ્ચતાને આ સિદ્ધાન્તના આધાર પર સાચા અને યોગ્ય ઠેરવે છે … ધર્મના ઉપદેશકો અને સત્તાના સ્વામીઓના ગઠબંધનથી જ જેલ, ફાંસીઘર, ચાબૂકો અને આ સિદ્ધાન્તો સર્જાય છે.’
ભગતસિંહનો વધુ એક સવાલ છે : ‘સર્વશક્તિશાળી ઈશ્વર કોઈ વ્યક્તિને તે પાપ કરે છે એ વખતે જ કેમ રોકતો નથી ?’ તેઓ એ મતલબના સવાલો પણ કરે છે કે ઇશ્વર રાજાઓના મનમાં દુનિયાને યુદ્ધમાંથી, અંગ્રેજોના મનમાં ભારતને ગુલામીમાંથી અને પૂંજીપતિઓનાં મનમાંથી દુનિયાને મૂડીવાદમાંથી મુક્ત કરવાની ભાવના કેમ ભરી દેતો નથી ?
ઇશ્વર ક્યાં ય નથી અને તો લોકો તેનામાં કેમ વિશ્વાસ કરવા લાગ્યા ? એ પ્રશ્નનો ભગતસિંહનો જવાબ ‘સૂક્ષ્મ અને સ્પષ્ટ’ છે : ‘જે રીતે તેઓ ભૂત-પ્રેત અને દુષ્ટ આત્માઓમાં વિશ્વાસ કરવા લાગ્યા તેમ’. આગળ જતા તે સમજાવે છે કે ઈશ્વરનો માણસને બેવડો ઉપયોગ છે – ધાકમાં રાખનાર તરીકે અને મદદગાર તરીકે. ‘પીડાથી ઘેરાયેલા માણસને ઈશ્વરની કલ્પના ઉપયોગી બને છે’ ત્રણેક હજાર શબ્દોના નિબંધના છેલ્લેથી ત્રીજા ફકરાને અંતે કરેલા આ વિધાનને મળતી આવતી વાત તેમણે પહેલાં વધારે શબ્દોમાં પણ કરી છે: ‘શ્રદ્ધા દુ:ખોને હળવા બનાવે છે … ઈશ્વર દ્વારા મનુષ્યને ઘણું આશ્વાસન અને એક આધાર મળે છે’.
ભગતસિંહે નિબંધના શરૂઆતના હિસ્સામાં તેમની નાસ્તિકતા એ એમના અહંકારમાંથી આવી છે એવા વ્યાપક આરોપનો પ્રતિતીજનક દલીલો સાથે જવાબ આપ્યો છે. પછી એ કહે છે કે ઇશ્વરના ઇન્કારનું એમનું કારણ અહંકાર નહીં પણ ‘વિવેકશક્તિ’ છે. આ નિબંધનું ચાલક બળ તે ભગતસિંહના વિવેકવાદ અર્થાત્ બુદ્ધિવાદ કે રૅશનાલિઝમ છે. એ લખે છે : ‘… હું માનું છું કે થોડીક પણ વિવેકશક્તિ ધરાવનાર કોઈ પણ માનવી પોતાના વાતાવરણને તર્કયુક્ત રીતે સમજવાની ઇચ્છા રાખતો હોય છે.’ આ ક્ષમતા તેમને બતાવે છે કે ઈશ્વર અને તેને આનુષાંગિક ધર્મને લગતી વિવિધ માન્યતાઓ આપણા પૂર્વજોએ નવરાશના વખતમાં વિશ્વનાં રહસ્યોને સમજવા માટે કરેલા પ્રયાસનું ફળ છે અને ભેદભાવોનું કારણ પણ એ જ છે. ભગતસિંહ નોંધે છે કે વિશ્વની ઉત્પત્તિ વિશેની તેમની પોતાની સમજ ડાર્વિનના ‘જીવની ઉત્પત્તિ’ ગ્રંથમાંથી આવી છે. અપંગ બાળકનો જન્મ એ પૂર્વ જન્મનાં કરેલાં કર્મોનું ફળ નથી પણ માતાપિતાના અણસમજનું પરિણામ છે એવું જીવવિજ્ઞાનનાં સંશોધકોએ સમજાવ્યું છે એમ તેઓ જણાવે છે. ભગતસિંહ કહે છે :
‘વિકાસ માટે ઊભા થયેલા દરેક માણસે રૂઢિગત શ્રદ્ધાના દરેક પાસાની ટીકા તથા તેના પર અવિશ્વાસ કરવો પડશે અને તેને પડકારવા પડશે.’ આ પહેલાં એ કહી ચૂક્યા છે : ટીકા અને સ્વતંત્ર વિચાર બંને ક્રાન્તિકારી માટે અનિવાર્ય ગુણ છે.’
નિબંધમાં ભગતસિંહે નાસ્તિકતા તરફ વળવાની પોતાની પ્રક્રિયા સમજાવી છે. ‘રૂઢિચુસ્ત આર્યસમાજી’ દાદાના પ્રભાવમાં ઉછરેલ ભગત શાળાજીવન સુધીના તબક્કામાં સવાર-સાંજ પ્રાર્થના ઉપરાંત વધારાના કલાકોમાં ગાયત્રી મંત્ર’ કરનાર ‘પૂરો ભક્ત’ હતો. બદલાવ આવવા લાગ્યો તે અસહકારના આંદોલન દરમિયાન રાષ્ટ્રીય કૉલેજમાં અભ્યાસના વર્ષોમાં. અહીં આવીને ધાર્મિક સમસ્યાઓ અંગેની વિચારણા અને ‘તેમની ટીકાટિપ્પણી’ શરૂ કરી. પરંતુ હજુ ભગત ‘કાપ્યા વગરના સજાવેલા લાંબા વાળ’ રાખનારો આસ્તિક હતો. ‘ઈશ્વરનાં અસ્તિત્વમાં દૃઢ નિષ્ઠા હતી’, પણ ‘શીખ કે બીજા ધર્મોની પૌરાણિકતા અને સિદ્ધાન્તોમાં વિશ્વાસ બેઠો ન હતો’. ક્રાન્તિકારી પક્ષમાં જોડાયા પછી ખબર પડી કે ઘણાં સભ્યો કે સમકાલીન ક્રાન્તિકારીઓ પણ ઈશ્વરમાં ઊંડી શ્રદ્ધા ધરાવતા હતા. ચળવળ માટે સમય-સંજોગો એવા આવ્યા કે તેમને ‘પાર્ટીનું અસ્તિત્વ જ અસંભવ જેવું લાગવા માંડ્યું’. ભગતસિંહને થયું કે ‘હું જ મારા ક્રાન્તિકારી કાર્યક્રમની નિરર્થકતા વિશે નિશ્ચિત બની જઈશ’ એટલે ‘અધ્યયન’ શરૂ કર્યું. માર્ક્સ, લેનિન, ટ્રૉટ્સ્કી, બાકુનિન વાંચ્યા. ‘યથાર્થવાદ’ આધાર બન્યો. ‘1926ના અંત સુધીમાં મને એ વાતનો વિશ્વાસ થઈ ગયો કે એક સર્વશક્તિમાન પરમેશ્વરની વાત, જેણે બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને દિગ્દર્શન કર્યું એ માત્ર બકવાસ છે.’ 1927માં લાહોરની જેલમાં તેમના પર સાથી ક્રાન્તિકારીઓની માહિતી આપવા તો દબાણ આવતું જ હતું પણ સાથે ઈશ્વરને ભજવા માટે પણ તેમને સમજાવવામાં આવતા. આ કસોટીના કાળને તે નાસ્તિકતા થકી જ પાર કરી ગયા હતા. ભગતસિંહ આ સંદર્ભમાં લખે છે કે ‘ઈશ્વરમાં વિશ્વાસ રાખનાર હિન્દુ મૃત્યુ પછી રાજા થવાની આશા રાખી શકે છે. એક મુસલમાન કે ખિસ્તી સ્વર્ગમાં ફેલાયેલી સમૃદ્ધિના આનંદની, ઇનામની કલ્પના રાખી શકે.’ પણ ઈશ્વરમાં ન માનનારને આવી કોઈ આશા રાખી શકે નહીં. એમાંના એ પોતે પણ એક છે. એટલે એ કહે છે : ‘કોઈ પણ સ્વાર્થ વગર, આ લોક કે પરલોકમાં કોઈ ઇનામ મેળવવાની ઇચ્છા વગર મેં અનાસક્ત ભાવથી મારા જીવનને સ્વતંત્રતાના ધ્યેય પર સમર્પિત કર્યું છે.’ તેઓ આગળ લખે છે :
‘ જે દિવસે આપણને આ વિચારો ધરાવતાં ઘણાં બધાં પુરુષો અને સ્ત્રીઓ મળશે કે જેઓ પોતાનું જીવન માનવોની સેવામાં અને પીડિત માનવતાના ઉદ્ધારમાં સમર્પિત કરશે તે દિવસ મુક્તિના શુભ આરંભનો દિવસ હશે.’
ભગતસિંહ માટે ઈશ્વર નથી, જે કંઈ છે તે માનવતા જ છે.
આસ્તિકતાને નામે અંધશ્રદ્ધા, ધર્મના નામે ધતિંગ, અપાર કર્મકાંડ, સંસાધનોના પ્રચંડ બગાડ કરતા ધાર્મિક ઉત્સવોના ઘોડાપુરમાં ભારતના સાધનસંપન્ન લોકો જ નહીં પણ શાસકો પણ વહી રહ્યા છે, વંચિતોને વહેવડાવી રહ્યા છે. એવા કાળમાં શહીદે આઝમ ભગતસિંહનો ‘મૈં નાસ્તિક ક્યોં હૂં?’ નિબંધ ઘરેઘરે પહોંચે તે જરૂરી છે. આ વર્ષે 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જન્મજયંતી અને સર્વપિતૃ અમાવાસ્યા એક જ દિવસે આવી છે એ એક સખત વિરોધાભાસી યોગાનુયોગ છે. આવા દિવસો થકી સમાજમાં ફેલાતો અંધકાર ભગતસિંહના આ નિબંધ થકી દૂર થાય અને જ્ઞાન-વિજ્ઞાનનો પ્રકાશ પ્રકટે એવી શુભેચ્છા સહુ નાગરિકોએ એકબીજાને આપવી જોઈએ.
[1,686 શબ્દો]
*****
26 સપ્ટેમ્બર 2019
e.mail : sanjaysbhave@yahoo.com
[“નવગુજરાત સમય”, શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019ના અંકમાં પ્રગટ લેખકની ‘ક્ષિતિજ’ નામક સાપ્તાહિક કટારની સંવર્ધિત તથા વિસ્તૃત રજૂઆત]