બ્રિટિશ કવયિત્રી રૂથ પેડેલનું કાવ્ય Tiger Drinking At Forest Pool મને બહુ ગમે છે. એનો ગુજરાતી અનુવાદ અહીં મૂકું છું. રૂથ ચાર્લ્સ ડાર્વિનનાં પ્ર-પ્રપૌત્રી છે અને વન્યજીવ સંરક્ષણમાં સક્રિય છે. એમને કવિતા માટે અનેક સન્માન મળેલાં છે.
જળ, ચાંદની, ભીતિ, સ્વપ્ન.
વૃક્ષતળે આડો ટેકવેલો કાંસ્યકળશ –
પ્રકાશનું તીરછું બાણ – જતું પણ રહ્યું. રક્તિમ ચંદ્ર –
વાદળો વચ્ચેથી દેખાતો – કે દેખ્યાનો આભાસ.
મળીને ફરી ખોવાયેલો ખજાનો –
મળ્યા ને ખોવાયા વચ્ચે ક્રીડામગ્ન. અમાનુષી કાનૂનનું
રદ થવું, જાણે, ઇચ્છાનું પૂરું થવું, જીવનભરની
ઉદાસીનો ઇલાજ. મનોમન આશ્રયસ્થાન,
ક્ષુદ્રતાથી પીડિત થયેલાં માટે. એક પ્રાર્થના,
આ ક્ષણપૂરતી સલામતી; માફ કરાયેલો દ્રોહ.
ચીનાઈ પાત્રના તરડાયેલા ઓપમાં ગૂંચવાયેલી જ્વાળા, ભસ્મરંગી
દૂધિયા વૈદૂર્યમાં કેરબાનું બિંબ. પુરાણા કોઇ ગીતનું
યાદ આવવું, જૂનું ઋણ ચૂકવાઇ જવું.
રેશમ પર અંકાયેલું ચિત્ર, જે ભૂંસાઈ પણ જાય.
(તસવીર નેટ પરથી લીધેલી છે)
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર