(1)
‘અમે ક્યાંના?’
‘‘વી વન ! ગીવ મી હાઇફાઇ, એકતા ! (આપણે જીત્યા ! તાલી દે, એકતા !)’’
સોફા પરથી ઊભી થઈ, હર્ષાવેશમાં બન્ને હાથ ઊંચા કરી, હથેળીઓનો તાલ એકતા સાથે મેળવવા માટે તત્પર બનીને અવનીએ મોટેથી ખુશી પ્રગટ કરી. લિવીંગ રુમ રસોડાની જોડાજોડ હોવાથી આ સાંભળી તરત જ હું પણ એ ખુશીમાં સામેલ થવા રસોડાની બહાર આવી.
1992માં બાર્સેલોનામાં રમાતી ઓલિમ્પિક રમતોને ટી.વી પર નિહાળતી મારી પંદર વર્ષની બન્ને જોિડયા દીકરીઓને, એક રમતવીરની જીતની ખુશીથી એકબીજાને તાલી આપી ફૂદરડી ફરતી અને ઝુમતી જોઈ, હું પણ ખુશ થઈ. ઓલિમ્પિકની રમતોમાં મને તે સમયે બહુ રસ ન હતો; તે છતાં ય પોતાના દેશનો રમતવીર ચંદ્રક જીતે તેની ખુશી તો થાય જ ને !
માતૃભૂમિથી દૂર પારકા પ્રદેશમાં, એટલે કે અમેરિકા આવ્યાને હજુ અમને ત્રણ વર્ષ થયાં હતાં. અમારી જીવનનાવ હજુ હાલકડોલક હતી. થોડાં વર્ષો પછી કાયમ માટે વતન પાછા ફરવાની ઇચ્છા તીવ્ર હતી; પણ એ પહેલાં તો બસ, એક જ લક્ષ્ય હતું કે વિકસવાની જે તકો અમને મળી ન હતી, તે બાળકોને મળે તેમ કરવું અને એ માટે રાત-દિવસ અમે મથ્યા કરતાં હતાં.
અહીં નોકરી મેળવવાનું કે કરવાનું અઘરું ન હતું; પણ પશ્ચિમના દેશમાં, પૂર્વની સંસ્કૃિત કેમ જાળવવી તે સમસ્યા મુંઝવ્યા કરતી. શાળામાંથી બાળકો રોજ નવા વિચારો લઈને આવતાં અને તેનાથી મન ક્યારેક ગૌરવ અનુભવતું તો ક્યારેક ચિન્તાથી ઘેરાઈ જતું. ક્યારેક અમને પ્રશ્ન પણ થતો કે અહીં આવીને ભૂલ તો નથી કરી ને ?
‘‘ઈંડિયા જીત્યું ? કઈ રમતમાં ?’’ થોડા કુતૂહલ અને વધુ આશ્ચર્યથી મેં પૂછ્યું.
‘‘નો….. મધર !’’
‘નો’ પર ભાર મૂકીને એકતા કહે,
‘‘અમેરિકા !’’
જવાબ સાંભળી હું સ્તબ્ધ બની ગઈ !
બન્ને દીકરીઓની આંખોમાં વિસ્મયનો ભાવ મને વંચાયો. તેમાં, આટલી સાદી સમજ મને કેમ ન પડી તે લખ્યું હતું; પરંતુ મારા વિસ્મયને સમજનાર તે સમયે ત્યાં અન્ય કોઈ હાજર ન હતું.
ઓહ ! તો આટલા ટૂંકા સમયમાં એક છત્ર નીચે રહેતો અમારો પરિવાર, અજાણપણે બે દેશો વચ્ચે વહેંચાઈ રહ્યો હતો. ફરતી અદૃશ્ય સીમારેખાઓ અંકાઈ રહી હતી અને અમને કોઈને તેની જાણ સુધ્ધાં ન હતી ! ઓચિન્તુ જ આ નગ્ન સત્ય નજર સમક્ષ ઉપસ્થિત થયું અને મારું હૃદય ખળભળી ઊઠ્યું હતું.
એક તરફ સાંજનો ઢળતો સૂર્ય ભારતમાં રહેતાં માબાપની યાદ આપતો હતો અને બીજી તરફ ઊગતા સૂર્યને સન્તાનો અમેરિકાની ધરતી પર નિહાળતા હતાં. આ આથમતી અને ઊગતી પેઢી વચ્ચે સેતુ બનીને ઉચ્ચક મનથી અહીં વસતાં સ્થળાંતરવાસીઓ અમે ક્યાંના …? તે પ્રશ્નનો ખોવાયેલ ઉત્તર આ પ્રસંગને અવિસ્મરણીય બનાવી મનના અતલ ઊંડાણ સુધી લઈ જાય છે.
(આ પ્રાસંગિક લેખને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ દ્વારા યોજાયેલી ‘એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ – લેખન સ્પર્ધા’માં આશ્વાસન ઈનામ મળેલું. તે વિશેની નોંધ ‘પરબ’ના નવેમ્બર 2011ના અંકમાં પ્રકાશિત થઈ હતી.)
(2)
‘અમેરિકાનું ચિત્રવિચિત્ર!’
ગઈકાલે ટપાલપેટી ખોલતાં એક કવર મળ્યું. અંદરના સુંદર કાર્ડમાં આભાર વ્યકત કરતાં છપાયેલા શબ્દો સાથે, હાથે લખેલાં વાક્યો પણ ઉમેરેલાં હતાં. એમાં છપાયેલા શબ્દો હતા :
We never know how deeply an act of kindness can touch the heart. Just wanted to let you know how very much your thoughtfulness was appreciated.
પછી હાથેથી લખી ઉમેર્યું હતું કે …
Thanks so much for the beautiful poinsettia plant. (Names of all family members) are enjoying it so much. We are grateful for such a sweet new neighbor. (Name of the person who wrote this card)
(એમની પ્રાયવસી જાળવવા મેં અહીં નામ નથી લખ્યાં; કારણ કે અમેરિકામાં પ્રાયવસીનું ઘણું મહત્ત્વ છે.)
મોકલનારનું નામ અને સરનામું વાંચી અમને ખૂબ આશ્ચર્ય થયું; કારણ કે અમારી બિલકુલ બાજુમાં નવા રહેવા આવેલા પડોશીએ, પોસ્ટ ઑફિસ મારફત ચાર ડૉલર કાર્ડના ખર્ચી, આભાર વ્યક્ત કર્યો હતો! રુબરુ આભાર તો હું પ્લાંટ આપવા ગઈ ત્યારે જ તેમણે વ્યકત કર્યો હતો.
આમ કેમ ? વિચાર કરતાં લાગ્યું કે ..
એકવીસમી સદીની મોટી દેન એ છે કે દરેક પાસે સમયની ખેંચ છે. ચાલતે રસ્તે બીજી ખરીદી સાથે કાર્ડ ખરીદી, બે શબ્દો લખી ઑફિસમાંથી બીજી ટપાલો સાથે મેઇલ બૉક્સમાં મૂકતાં પાંચ મિનિટ થાય અને અમારાં ઘર, દસ જ ફૂટ દૂર હોવા છતાં; રુબરુ મળીએ તો વાતચીતમાં ખાસ્સી દસ–પંદર મિનિટ તો નીકળી જ જાય ! જો કે એકબીજાની નજરે પડીએ ત્યારે એવી થોડી પળોની આપ-લે પણ કરી લઈએ; પરંતુ બે મહિનાથી તેઓ રહેવા આવ્યા છે છતાં; ફક્ત બે જ વાર એમને મળવાનું શક્ય બન્યું છે. બાકી એકબીજાના ચહેરા પણ જોવા નથી મળતા!
એનું કારણ કે સવારે સાત વાગ્યે તેઓ કામે નીકળે અને પાંચ વાગ્યે પાછા આવે. ત્યારે એ સમયે અમારે ડ્ર્રાઈવ–વે બાજુ જવાનું કોઈ કારણ હોતું નથી. અને એ જ રીતે અમારા આવવા-જવાના સમયે તેઓની ગેરહાજરી હોય ! સાંજના અને રજાના સમયમાં એકબીજાનાં ઘરમાં બારણાં ખખડાવીને જવાનું ખાસ કોઈ કારણ હોતું નથી અને એવો રિવાજેય નથી.
અમે અહીં નવા રહેવા આવ્યા ત્યારે બીજા પડોશીઓએ જેમ અમને પ્લાન્ટ કે કેક આપી સત્કાર્યાં હતાં, તેમ અમે પણ એમને સત્કારવા માટે પ્લાન્ટ લઈને ગયાં. ત્યારે તો વિનમ્રતા સાથે ‘ગમે ત્યારે કામ હોય તો કહી શકાય’ તેવી લાગણી એમણે સાચી રીતે દર્શાવી હતી. પછી એક વાર અકસ્માતે આંગણામાં મળ્યાં. ત્યારે પણ ‘એકબીજા સાથે ફાવશે’ તેવું વાતચીત પરથી લાગ્યું હતું.
આમ, સારા પડોશીની છાપ બન્ને પક્ષે બરાબર ઊભી થઈ ગઈ; પણ અમારી બન્નેની ટપાલ પેટી વચ્ચેનું દસ ફૂટનું અંતર, પોસ્ટ ઑફિસના સિક્કા વગર કપાય નહીં તેટલું મોટું જણાયું! આ વિચિત્રતાનું કારણ પણ સમજાય તેવું છે.
ઘરના યુટિલિટી બીલ ટપાલથી ન ભરવાની મને મારા પતિ તરફથી સૂચના આપવામાં આવી છે; કારણ કે એમને જૉબ જતાં એ ઑફિસ રસ્તામાં થાય છે. તો પોસ્ટલ સ્ટૅમ્પના પૈસા બચે ને ! તેઓ મને કહે, ‘હું તેમની જગ્યાએ હોઉં તો જાતે જઈ એમના મેલ બૉક્સમાં કાર્ડ મૂકી આવું. બાજુમાં જ તો છે ! પછી સ્ટૅમ્પના પૈસા ખોટા શા માટે ખર્ચવા?
મારે કહેવું પડ્યું કે, ‘રખે એવું કરતા ! કોઈની પ્રાયવેટ પ્રોપર્ટીમાં જઈ મેલ બૉક્સ ખોલતાં તમને કોઈ જોશે તો આ સોસાયટીના શંકાસ્પદ સભ્ય ગણાઈ જશો.’
અહીં આ દેશમાં કોઈને આપણા બાપદાદાની પણ ઓળખ નથી. એ કેમ ભૂલી જવાય?
લેખક સમ્પર્ક : 7272 – Snapdrogn Ln, Ooltewah, TN 37363, USA
eMail : rekhasindhal@comcast.net
સૌજન્ય : “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષ : બારમું – અંક : 374 – May 14, 2017
‘ઉંઝા જોડણી’માં અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર