અહેમદ પટેલઃ આંતરિક જૂથવાદને પગલે ગાંધીનગરને બદલે દિલ્હીની વાટ પસંદ કરી
અહેમદ પટેલઃ ગુજરાતનું કયું રાજકારણ આ મૃદુભાષી ચાણક્યને માફક ન આવ્યું?
માણસોને મળવું, જનતા સાથે જોડાયેલા રહેવું, પક્ષ માટે ડિઝાસ્ટરસ હોય તેવી સ્થિતિઓ ટાળવી અહેમદ પટેલની અગ્રિમતાઓ હતી
સાદો કૂરતો પાયજામો અને મંદ સ્મિત એમનો બેઝિક દેખાવ હતો. એક માત્ર એવી વ્યક્તિ જેની અટક ગાંધી નહોતી છતાં ય તે કાઁગ્રેસ પાર્ટી પર રાજ કરતા હતા પણ છતાં ય તે સત્તા પર નહોતા. ભરૂચ જિલ્લાના પિરામણના ખેડૂત પરિવારના આ દીકરાને રાજકારણ સારી પેઠે સમજાતું હતું પણ એમાં રહીને ય એનાથી દૂર રહેવાની અનિવાર્યતા અને આવડત બન્ને તેમનામાં હતી. અહેમદ પટેલની વિદાયથી કાઁગ્રેસ ફરી એકવાર નોંધારી બની છે અને એ પણ એવા સમયે કે જ્યારે કાઁગ્રેસને જોડી રાખે તેવા સોય-દોરા એટલે કે પરોવણી કરી શકે તેવા એક મક્કમ તંતુની તાતી જરૂર છે.
અહેમદ પટેલના કાઁગ્રેસમાં મહત્ત્વ અંગે કોણ નથી જાણતું, પણ તેમનું એ પાસું એવું છે કે તેની વાત કર્યા સિવાય અહેમદ પટેલની વાત ન થઇ શકે. છતાં ય એ મુદ્દે જતાં પહેલાં એક પ્રશ્ન ચોક્કસ કરવો પડે કે ભરૂચના પિરામણનો જે માણસ કાઁગ્રેસમાં ભલભાલનો ડાબો હાથ કે મૅન-ફ્રાઇડે થઇ શક્યો તે ચહેરો ગુજરાતના રાજકારણમાં પોતાનો સિક્કો ન જમાવી શક્યો. શું હતું આમ થવાનું કારણ? ભા.જ.પા.ની પકડ ગુજરાતમાં મક્કમ થઇ એ કારણ તો આ પાછળ હતું જ કારણ કે જ્યાં સુધીમાં અહેમદ પટેલનું નામ ઝળક્યું ત્યાં સુધીમાં ગુજરાતમાં સમીકરણોમાં ફેરફાર થવા માંડ્યા હતા, એટલું જ નહીં પણ અહીં ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ પણ હતો કારણ કે અહેમદ પટેલને જ્યારે રાજીવ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રેસિડન્ટ બનાવ્યા, ત્યારે કેટલાક કાઁગ્રેસીઓને પણ કઠ્યું હતું.
અહેમદ પટેલ રાજીવ ગાંધીની નજીક કેવી રીતે આવ્યા તેની વાત પછી કરીએ પણ જ્યારે તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રેસિડન્ટ બન્યા ત્યારે ગુજરાતમાં કાઁગ્રેસી નેતાઓમાં મજબૂત નામો હતા. તેમાં માધવસિંહ સોલંકી, સનત મહેતા, ઝીણાભાઇ દરજી, પ્રબોધ રાવળ અને અમરસિંહ ચૌધરી જેવા મોટા માથાનો સમાવેશ થતો હતો. અહેમદ પટેલનું ગુજરાતમાં સ્થાન આ બધાએ ચલાવ્યું ખરું, પણ છતાં ય તેમને જેટલો માનમરતબો મળવો જોઇએ તે ન થયું અને અહેમદ પટેલ જેવા સરળ માણસ માટે આ એક આઘાતજનક પરિસ્થિતિ હતી. ચાણક્યનું બિરૂદ મેળવનારા અહેમદ પટેલને કાવાદાવા, ખેંચાતાણી અને હુંસાતુંસીમાં બહુ રસ નહોતો અને જ્યારે તે સમયના દિગ્ગજો તરફથી માન અને ઉમળકાની ગેરહાજરી વર્તાઇ ત્યારે તેમને સમજાયું કે ગુજરાત કાઁગ્રેસનો જૂથવાદ જ તેની ઊધઇ બનશે. હિંદુત્વનો ચહેરો ત્યારે ગુજરાતમાં ઘુંટાવા લાગ્યો હતો, તે મોદી ફિવરને સારી પેઠે સમજતા હતા, પણ આંતરિક ખેંચતાણમાં ગુજરાતના વરિષ્ઠ કાઁગ્રેસીઓએ મચક ન આપી અને પરિણામ આપણે સૌ જાણીએ છીએ. ગુજરાતમાં પક્ષની આંતરિક વાડાબંધીને પગલે અહેમદ પટેલે એક મક્કમ નીતિ અપનાવી, કાંગ્રેસને નબળો કરનાર દરેક સંજોગ અને વ્યક્તિથી દૂર રહેવું. આ નીતિ તેમણે છેક છેલ્લે સુધી અનુસરી અને જ્યારે બાબરી ધ્વંસ થયો ત્યારે પી.વી. નરસિંહા રાવની સામે પડેલા નટવર સિંઘ, અર્જુન સિંઘ, શિલા દિક્ષીત, શિવ શંકર બધાના એજન્ડાને નેવે મૂકીને અહેમદ પટેલે જે મુદ્દા પર ફોકસ કરવાની જરૂર હતી, તેની પર જ ધ્યાન આપ્યું. જો કે એ જ અહેમદ પટેલે વખત આવ્યે સિતારામ કેસરી અને નરસિંહા રાવને અકબર રોડથી વિદાય આપવાનું બીડું પણ ઝડપ્યું. કાઁગ્રેસનો જૂથવાદ અહેમદ પટેલને માફક નહોતો આવ્યો, પણ પોતાની મહત્ત્વાકાંક્ષા જેને ન હોય તેની કટિબદ્ધતાને કોઇ ન પહોંચી વળે. એ જ હિસાબે અહેમદ પટેલ કાઁગ્રેસમાં એ સ્તરે પહોંચ્યા જ્યાં તેમની પાસે કહેવાતી કોઇ સત્તા, ખુરશી, પદવી કે મંત્રાલય નહોતું છતાં ય તેમનું માન યથાવત્ હતું.
અહેમદ પટેલની સફર કાઁગ્રેસમાં સૈનિકથી સેનાપતિ સુધીની રહી. સેનાપતિ રાજાનો સૌથી નિકટનો માણસ હોય છે અને યુદ્ધોના પૂરતા અનુભવ બાદ તે આવનારા સંજોગો ભાખીને માર્ગદર્શન આપે છે. અહેમદ પટેલે આ ભૂમિકા સુપેરે નિભાવી. નિઃસ્વાર્થ હોવું, મહત્ત્વાકાંક્ષા વગરના હોવું પણ રાજકારણમાં હોવું આ બાબતો વિરોધાભાસી છે, અને આ બધું જ અહેમદ પટેલમાં હોવાને કારણે જ તે ખાસ હતા. સોનિયા ગાંધીના કાન અને આંખ બનીને બે દાયકા સુધી સતત તેમની પડખે રહેલા અહેમદ પટેલે બેક સ્ટેજમાં રહીને આખા ય ખેલનો દોરી સંચાર પોતાના હાથમાં જ રાખ્યો હતો. આમ કરવું તેમની ચાહ નહીં પણ તેમને સોંપાયેલી જવાબદારીની હિસ્સો હતો, જેને તે પૂરી રીતે કટિબદ્ધ હતા. દાન ધર્માદા હોય, ધર્મની વાત હોય કે પછી રાજકારણ હોય તેમણે હંમેશાં કોલાહલ વિના, કોઇ પણ દેકારા કર્યા વિના જ કામ કરવાનું પસંદ કર્યું. પોતાનું મહત્ત્વ શું છે તે જાણતા હોવા છતાં ય આ કદાવર છબિનો બોજ તેમના વહેવારમાં લગીરેક વર્તાતો નહીં. તેઓ મોડી રાત સુધી લોકોને મળતા રહેતા કારણ કે તે માનતા હતા કે જેટલા સંબંધો સચવાય, જેટલી મૈત્રી જળવાય અને જેટલો જનસંપર્ક થાય તેટલું બહેતર છે. જેની સાથે વાત કરે તેની સાથે મોકળા મને અને મૃદુતાથી જ વાત કરે તે તેમની યુ.એસ.પી. નહીં પણ સ્વભાવ હતો.
કાઁગ્રેસના આ ટ્રબલ શૂટર પક્ષનો ઇતિહાસ પણ સારી પેઠે જાણતા હતા અને બદલાયેલા સંજોગો અને સમીકરણોમાં આગળ શું થઇ શકે છે તે કળવાની પણ તેમનામાં સમજ હતી. જ્યારે કાઁગ્રેસના સભ્યોએ આંતરિક પુનઃચૂંટણીની માગ કરતો કાગળ લખ્યો ત્યારે સિફતથી આખી વાત ટાળવાની આવડત માત્ર અહેમદ પટેલમાં હતી. તેણે આ રોષે ભરાયેલા એકેએક કાઁગ્રેસી નેતા સાથે અંગત સ્તરે વાત કરી અને વાતનો નિવેડો આવ્યો. સચીન પાયલોટને વાંકુ પડ્યું ત્યારે પણ અહેમદ પટેલે જ ગેહલોતની સ્થાનને નુકસાન ન થાય અને સચીન પણ પક્ષમાં ઠરીઠામ થાય તે રીતે સંવાદ સાધ્યો હતો. ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સાથે ગઠબંધન કરાવવામાં દસ દિવસ મુંબઇ રહેલા અહેમદ પટેલનો જ હાથ હતો. ૨૦૦૮માં મનમોહન સિંઘની સરકાર ટાણે યુ.પી.એ. સરકારને સંમતિના મત ઘટતા હતા ત્યારે એ ઘડી સાચવી લેવામાં પણ અહેમદ પટેલે પ્રણબ મુખર્જી સાથે મળીને બાજી સંભાળી હતી.
કાઁગ્રેસમાં જે બધું સાંગોપાંગ પાર પડતું હતું, તેમાં અહેમદ પટેલનો બહુ જ મોટો ફાળો હતો.
સોનિયા ગાંધીને પણ અહેમદ પટેલ પર આંધળો વિશ્વાસ હતો, જેની પાછળ પણ તેમનો મહત્ત્વાકાંક્ષા વિના, કટિબદ્ધતાથી કામ કરવાનો સ્વભાવ જ કામ કરી ગયો. તેમને પોતાનાં કામ અને સંબંધોના નગારાં વગાડવાનો શોખ નહોતો. પરિવાર સાથેનું નૈકટ્ય, કાઁગ્રેસના ઇતિહાસની સમજ ધરાવનાર અને પરિવર્તનનો હિસ્સો રહી ચૂકેલા અહેમદ પટેલ માટે જેટલું કહેવાય તેટલું ઓછું છે.
બાય ધી વેઃ
તેમને કોમવાદી અને બિનસાંપ્રદાયિકની ચર્ચાઓમાં રસ નહોતો. માણસોને મળવું, જનતા સાથે જોડાયેલા રહેવું, પક્ષ માટે ડિઝાસ્ટરસ હોય તેવી સ્થિતિઓ ટાળવી તેમની અગ્રિમતાઓ હતી. એક સમયે તેમને ય એવા આક્ષેપનો સામન કરવો પડ્યો કે મોદીની પ્રગતિ થાય માટે તેમણે ગુજરાતમાં કાઁગ્રેસને નબળી પડવા દીધી, પણ જોવાનું એ છે કે આવા આક્ષેપોની વચ્ચે પણ તેઓ એ કરતા જ રહ્યા જે તેમને કરવું હતું અને પોતાનું મૂલ્ય પોતાનાં કામ થકી જ દર્શાવ્યું. કાઁગ્રેસની સ્થિતિ અત્યારે ધરી વગરના ગોળા જેવી છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. સોનિયા ગાંધીનો અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપતો સંદેશ તેમની અગત્યતાને સારી પેઠે ઘૂંટે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 29 નવેમ્બર 2020