સુચિબહેન લિખિત ઇન્ડો-અમેરિકન ડાયસ્પોરિક વ્યક્તિચરિત્રો વાંચતાં-વાંચતાં પહેલો વિચાર એ આવ્યો કે આ પુસ્તકનું નામ ‘સુચિનો શંભુમેળો’ રાખવા જેવું હતું . જો કે એમણે તો સમજીવિચારીને ‘આવો આવો’ રાખ્યું છે કારણ કે ગાંધીજીના અંતેવાસી છગનભાઈ અને રમાબહેનની ગાંધીવિચારને વરેલી દીકરી તો દુનિયાના કોઈપણ ખૂણે મોકલો તો ત્યાં આમ ‘આવો આવો’ કરીને જ જીવે. એ તો સારું કે પતિદેવ ગિરીશચંદ્ર અને બન્ને સંતાનો ડોલી અને ભેરુ (એમણે આ જ નામે ઉલ્લેખ કર્યો છે) ક્યારે ય મા સુચિ સાથે એ સંઘર્ષમાં ન ઉતર્યાં કે આ ઘર છે કે ધરમશાળા ! અમેરિકામાં આવીને ધરમધક્કે ચડેલાં કેટલાયે જીવોને પોતાની પાંખમાં લીધાં તેનો તો હિસાબ એમને ન રહ્યો હોય પરંતુ એમાં બરાબર યાદ રહી ગયેલાં પાત્રોની કરમકહાણીની સાથે એમણે એકસો સત્તાવીસ પાનાંના ફલક પર પથરાયેલા પોતાનાં સંસ્મરણોની બિછાત કરી દીધી છે. સુચિબહેનને ટેરવેથી ઝરેલાં એ ત્રેવીસ કથાનકો વાસ્તવમાં તો લાંબી લેખણ માટે શબ્દાંકનનો અવકાશ માંગે છે કારણ કે દરેક પાસે નવલકથાની ભરપેટ સામગ્રી છે. ત્રેવીસમાંથી બે પ્રકરણો પોતાનાં માતાપિતા માટે લખાયાં છે.
સોનલ શુકલ, ઉત્કર્ષ મજુમદાર, પન્ના નાયક કે ઉષા ઉપાધ્યાય જેવાં નામોનો ઉલ્લેખ થતો હોય તો મારું કુતૂહલ એમાં ડોકિયું કરવા જાગી જ ઊઠે એમાં મીનમેખ ફેર નહીં; વળી અહીં તો ગાંધી આશ્રમની વાતો, બાબલાભાઈ, બધેકા પરિવાર, કિશોરભાઈ અને મધુ રાય સહિતના નામો અલપઝલપ કે ક્યાંક વધારે ઝળકે છે એટલે પુસ્તક હાથમાં લીધું તો લાગ્યું કે આ સામગ્રી દમદાર તો હશે. સુચિબહેનની લેખણ મને ઝુબિન મહેતાની સ્ટિક જેવી લાગી કે એમણે સાચેસાચ ઓરકેસ્ટ્રાને સૂર-તાલ-લયમાં બજાવી તો છે!
છગનલાલ નથુભાઈ જોષી યાને કે ગાંધીજીના અંતેવાસી : “જીવનભર લડેંગે યા મરેંગે, હિંદ છોડો”ના નારા બોલાવતા અનેક મહાનુભાવો અને લોહીના ટીપેટીપે સ્વરાજ મેળવનાર લોકો સાબરમતી નદીના પટમાં સાવ ભુંસાઈ ગયા છે. એ જ છગનલાલ જોષી બાપુની હારોહાર દાંડીકૂચમાં પહેલાં સત્યાગ્રહી તરીકે આજે ઇતિહાસમાં દાંડીકૂચના ફોટા અને શબ્દાંકનમાં સોનેરી અક્ષરે અમર છે. હરિજન સેવક સંઘ, ગૂજરાત વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ, પિતા ફક્ત પોતાના નહીં પણ દેશના (પાનું: ૧૦૮) હોય તેવું લાગતું.
મારી બા : ગાંધી આશ્રમની કાદુ મકરાણી : માતા-પિતા તેર વર્ષ ગાંધી આશ્રમમાં રહેલાં. રમાબાની દિનચર્યાનું વર્ણન રોચક અને ધ્યાનાકર્ષક છે. દુર્ગાશંકર અને સંતોકબહેન જોશીની ત્રીજી દીકરી તે કાશી ઉર્ફે રમા. માતાપિતા વગરની ત્રણ વરસની દીકરી મોસાળમાં ઉછરી ને દસ વર્ષની વયે દસ વર્ષ મોટા વર સાથે પરણાવી દેવાઈ. મૂળ નામ કાશી લગ્ન પછી રમા. ચૌદ વર્ષની વયે દોમ દોમ સાહ્યબીવાળી શ્રીમંતાઈ છોડી પતિ અને એમના મિત્ર ભણસાળીભાઈ સાથે આઝાદીની લડતમાં ગાંધીજી પાસે હાલી નીકળી. આશ્રમના રસોડાનું કામ અતથી ઈતિ સુધી કરવાનું અને પીરસતી વખતે કાનમાં ગુંજતું રહેતું કે ધર દો બીસ-પચીસ રોટી! એમને સાઈકલ સવારી, તરણ, ભાષાઓ, સંગીત અને ગીતાજ્ઞાન જેવી વિવિધ પ્રકારની કેળવણી મળી અને ખરું ઘડતર અહીં થયું. ગાંધીજીએ આપેલું પત્રનું સંબોધન – બિરૂદ હતું રમા – મારી કાદુ મકરાણી. બાને કામ કરતી જોવી એટલે સહજ સમાધિમાં લીન સાધક. જેનાં મૂળ ઊંડાં. આશ્રમની સખીઓ સાથેની અતૂટ દોસ્તી બાએ જીવનભર જાળવી.
૬૦-૭૦-૮૦ના દાયકામાં ઘટમાં થનગનતાં ઘોડાની હણહણાટીને વશ થઈ અમેરિકાની ભોંય પર મીટ માંડીને જેઓ દેશમાંથી ઊડ્યા અને પછી ત્યાં જઈને સૂચિના ‘આવો આવો’ના હોંકારામાં આશ્વસ્ત રહ્યા એમના સંઘર્ષ, આકરી મહેનત, ઝિંદાદિલી, દિલદારીની રોચક વાતો સુચિબહેનની રસઝરતી કલમેથી વરસી છે. એમાં એમનો છાંયડો મેળવનારાંની પછીતે રહેલી સુચિબહેન અને ગિરીશભાઈ તથા એમનાં બન્ને સંતાનોની લાગણીઓ, સૌને સમાવવાની દિલદારી અને પોતાનાં માનવાનું પારિવારિક ભાવનાનું વલણ તો જેટલી દાદ આપીએ તેટલી ઓછી પડે એટલું ઉત્કૃષ્ટ લાગે.
આગળ શંભુમેળો લખ્યું તે બરાબર જ છે એ તો જેમ જેમ વિવિધ પાત્રોથી પરિચિત થતાં જઈએ તેમતેમ સમજાતું જ જાય. કંઈકેટલા તો ખાયા-પીયા-મઝા કીયા અને જલસામાં તરબોળ રહીને જીયા એવા જ મિજાજના બાંકેબિહારી ટાઈપના તોયે સૂચિનાં વહાલા અને એ જ પાત્રો એમનાં ગમતાં એટલે એ બધાને તો એમણે કાંઈ મલાવ્યા છે કે ન પૂછો વાત! પ્રકાશ, લાખાણી, મહાવીર, ઉત્કર્ષ, રાજુ, રિયાઝ, સનત જોષી, સુઘોષ, અંતુલે, નિશીથ, જયેન્દ્ર, દેવાંશુ ….. તો બીજી બાજુ બીનાબહેન, બિનકુ, સ્મિતા (કુકુ), જય, પુષ્પાબહેન, સુશીલાબહેન, બેનાબહેન …. વિશે સુચિબહેન લખે ત્યારે ચડતી હોય કે ઢળતી ઉંમરે સંઘર્ષ કરવા પરદેશ ઊડાઊડ કરતી આપણી આસપાસની અનેક બા-બહેનો પણ યાદ આવી જ જાય! ગોહેલબાપુ, કોઠારીકાકા, બિરેન શાહ, સનત જોષી, સચીન-ધ બર્ડમેન જેવા અલગ પ્રકૃતિના પાત્રો કે એમનાં માતાપિતા છગનભાઈ-રમાબહેન વિશે કરેલી અભિવ્યક્તિમાંથી પસાર થઈએ ત્યારે વાચક તરીકે પ્રતિભાવ માટે નિ:શબ્દ થઈ જવાઈ છે ! પાત્રોનાં તન-મન-ધનની મૂડીનું લાજવાબ વર્ણન તો એમને સહજ સાધ્ય. ઘર અને ઘરેલુ વ્યવસ્થાની વાતો પર એમની નજર તરત દોડે. કલાકારો-ગાયકો-નાટ્યકારો માટેનો પક્ષપાત અને અભિભૂત થવાની ગુજ્જુ માનસિકતાનો આબેહૂબ ખ્યાલ તો પોતાની વાત કરીને જ આપે એ સુચિબહેન જ હોય. કોઈની નિર્દોષ ખિલ્લી ઉડાવવામાં શબ્દચોરી ન કરતા, ક્યારેક કલમ કથળી ગઈ હોય એવું લાગે તો તેની પરવા કર્યા વગર મનમાં છે તે જ લખતા કે બોલતા સુચિબહેન સોનલબહેનની બહેનપણી હોઈ જ શકે.
“હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં, હું ય બહુ ધોધમાર જીવ્યો છું.” ઘાયલ સાહેબની પંક્તિઓ સુચિબહેનને બેનાબહેન સંદર્ભે યાદ આવે છે બાકી તો એ એમને ખુદને જ લાગુ પડે છે.
એવું લાગે કે જાણે નકારાત્મક લાગણીઓ અને સુચિબહેનને બાર ગાઉનું છેટું હોય. સોનલબહેનની સખીનું ઘર તો ‘જલસા ઘર’ જ હોઈ શકે એ તો સમજાઈ જ જાય. પન્ના નાયક અને મધુ રાય એમના દોસ્તો હોય અને શરાબ, શબાબ, નાયગ્રાનો વ્હાલ ધોધ એવા એવા શબ્દો સુચિબહેન ફરતે કેમ ઘૂમે એ પણ પુસ્તકમાંથી પસાર થતા સમજી શકાયું, અનાવિલ કિશોર દેસાઈ પુસ્તક પ્રકાશિત કરવા તૈયાર હોય એનું પણ આશ્ચર્ય ન હોય તો ય સામા છેડાનાં કહી શકાય તેવાં ઉષા ઉપાધ્યાય પ્રેમાળબાનીમાં, સરસ, સાહિત્યિક પ્રશંસનીય મીઠું લખાણ કરે એની નવાઈ પ્રથમ નજરે લાગે પણ અંતે સમજાઈ જાય કે આજ તો સુચિ વ્યાસની ખૂબી છે કારણ કે એ સર્વસમાવેશક ગાંધીવિચારનું ફરજંદ છે !
ઘરમાં બેઠાં છીએ અને સામે બહેન કે બહેનપણી પોતાની સ્મરણકથાનું પોટલું ખોલીને રસલ્હાણ કરે તેવું પુસ્તક વાંચતાં લાગે. પરદેશ તરફ તેમાંયે ખાસ કરીને અમેરિકા તરફ હડી કાઢી ઊડતાં સ્વજનો-મિત્રો- સખીઓની ફોજ તો મારી આસપાસ પણ ખરી, હું તો ક્યારય પરદેશ ગઈ નથી ફક્ત સગાંવહાલાં-મિત્રોની અહીં આવીને ત્યાંના અનુભવોની વાતો કરે તે સાંભળી છે, ત્યારે ઉદ્ભવેલી કેટલીક સારીનરસી લાગણીઓ માટે ફેરવિચારણા કરી, ત્યાં જઈને તનતોડ-મનતોડ મહેનત કરીને સ્થિર થયેલાં અને સુચિબહેને શબ્દસ્થ કરેલ પાત્રો માટે માનની લાગણી જાગી છે, તે ચોક્કસ જેથી વતનઝુરાપો અને સ્વજનઝુરાપો વેઠતાં સગાંવહાલાં કે મિત્રો માટે પણ લાગણીનું ઝરણું પુન:જીવિત થતું હોય તેવું અનુભવાય છે, એ સુચિબહેન કલમને આભારી …..
માનવપ્રાણીથી લઈ શ્વાનકથાને આવરી લેતા જલસાઘરના ‘આવો આવો …’ ના હોંકારાને આવકાર .
પ્રગટ : “ગુર્જરી ડાયજેસ્ટ”; જુલાઈ ૨૦૨૩; પૃ. 36-37