એક ઓર સુભાષ જયંતી(૨૩મી જાન્યુઆરી)એ દેશભરની સુભાષ પ્રતિમાઓ ફૂલોથી લદાઈ ગઈ હતી. માંડ ૪૮ વરસની આવરદા અને ૧૯૨૧થી ૧૯૪૧માં અગિયાર જેલવાસ ભોગવનાર અજોડ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ(૧૮૯૭-૧૯૪૫)ના ચાહકો જરા ય ઘટ્યા નથી. બલકે જમણેરી બળોના ઉભાર પછી તો પ્રતિદિન વધતા રહ્યા છે. વર્તમાન રાજકારણીઓના કારણે ‘નેતાજી’ શબ્દ ઠીક ઠીક બદનામ થયેલો છે, પરંતુ સુભાષબાબુને તે બરાબર જચે છે. દેશવાસીઓનું આ પ્રેમાદરભર્યું સંબોધન તેમના સાથે જોડાઈને સાર્થક થયું લાગે છે.
રાજકારણીઓને લોકો જુઠ્ઠા માને છે અને તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી. એ સંજોગોમાં પણ આજના ભારતના રીઢા રાજકારણીઓ શરદ પવાર અને લાલુપ્રસાદ યાદવે આત્મકથા લખી છે. તો આઝાદી આંદોલનના તેજસ્વી અને વીરલા રાજનીતિજ્ઞોની આત્મકથાઓ અમૂલ્ય દસ્તાવેજ છે. એ કાળના ગાંધી, નહેરુ સહિતના ઘણા નેતાઓએ આત્મકથાઓ કે સ્મરણો લખ્યાં છે. કેટલાકની જેલડાયરી અને પત્રો પ્રગટ થયાં છે. પરંતુ સુભાષચંદ્ર બોઝની અધૂરી આત્મકથાની જાણ બહુ ઓછા લોકોને છે. નેતાજીના જીવનકાર્ય અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અમીટ છાપ પાડી છે, ત્યારે તેમની આત્મકથા તે સમયને જાણવા, સમજવા, મૂલવવા ખૂબ અગત્યનો દસ્તાવેજ છે.
બાંગ્લા, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુલે બારખંડોમાં પ્રગટ થયેલાં સુભાષચંદ્ર બોઝના સમગ્ર સાહિત્યના પ્રથમ જ ખંડમાં તેમની અપૂર્ણ આત્મકથા ‘એન ઇન્ડિયન પિલગ્રિમ’ (એક ભારતીય યાત્રી) છે. જન્મથી આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કર્યા પછી રાજીનામુ આપ્યું ત્યાં સુધીના એટલે કે ૧૮૯૭થી ૧૯૨૧ના સમયનું તેમાં આલેખન છે. નેતાજી ૧૯૩૮માં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તે પૂર્વે એટલે કે ૧૯૩૭ના અંતિમ મહિનામાં અને બેસતા ૧૯૩૮ના વરસમાં, ચાળીસ વરસની ઉંમરે, તેમણે આત્મકથાના દસ પ્રકરણો લખ્યા હતા. યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રિયાના એક હેલ્થ રિસોર્ટમાં આત્મકથા તેમણે લખી હતી. આત્મકથા લેખનમાં જે એમીલિ શેંક્લ તેમનાં સહાયક હતાં, તે પછી તેમનાં જીવનસંગિની બન્યાં હતાં.
આઝાદ હિંદ ફોજના સ્થાપક તરીકે ફૌજી ગણવેશ પરિધાન કરેલા નેતાજીની છબી આપણા મનમસ્તિક પર અંકાયેલી છે, પરંતુ સુભાષબાબુ જીવનની પહેલી પચીસીમાં કંઈ જૂદા જ હતા, તે આ આત્મકથા દર્શાવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીય કાયસ્થ પરિવારમાં જન્મેલા સુભાષ, કુટુંબનું નવમું સંતાન હતા અને તેમનાં માતાપિતાને કુલ ચૌદ બાળકો હતાં. જન્મભૂમિ કટક્માં આરંભિક અને કોલકાત્તામાં કોલેજ શિક્ષણ મેળવ્યું હતું. બાળપણ અને કિશોરાવસ્થામાં તેઓ ભાવનાશાળી, અતિસંવેદનશીલ, પરિશ્રમી, અંતર્મુખી અને અભ્યાસમાં તેજસ્વી હતા. અંગ્રેજી માધ્યમની મિશનરી શાળામાં અભ્યાસને કારણે અને તેમાં કોઈ પણ ભારતીય ભાષા શિખવવામાં આવતી ન હોવાથી તેઓ લાંબો સમય માતૃભાષા બંગાળીના શિક્ષણથી વંચિત રહ્યા હતા. સાહસી તરીકે નામના પામેલા સુભાષબાબુ શાળા શિક્ષણ દરમિયાન કાયમ રમતગમતથી દૂર રહ્યા હતા. રમત પ્રત્યે ઓછા લગાવને કારણે તેઓ વયમાં નાના છતાં મોટા લાગતા હોવાનું તેમણે નોંધ્યું છે.
કિશોરાવસ્થાથી તેમણે અનુભવેલું મનોમંથન આત્મકથામાં સરસ રીતે આલેખાયું છે. પંદર વરસની વયે કિશોર સુભાષને વિવેકાનંદનો સાક્ષાત્કાર સાવ અનાયાસે તેમનાં પુસ્તકો થકી થયો અને જીવનની નવી દિશા ઉઘડી હતી. આત્માની મુક્તિ અને પીડિત માનવની સેવાનો મનુષ્ય જીવનનો હેતુ તેમને વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી મળ્યો હતો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાહિત્યના પરિચયે તેઓ કામવાસના અને સાંસારિક સુખના ત્યાગના માર્ગે વિચારવા લાગ્યા હતા. આ પ્રકારના વિચારો ધરાવતા મિત્રો સાથે મળીને સમાજસેવા પણ આરંભી હતી. ગામડાંની શાળાના બાળકોને ભણાવવા અને મહામારીગ્રસ્ત લોકોની સેવાનું કામ કર્યું હતું. મેટ્રિક સુધીની પોતાની શિક્ષણ સફરનું મૂલ્યાંકન કરતાં આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું મેટ્રિકની પરીક્ષામાં સારા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કરીશ તેમ માનતા લોકો મને ભભૂત ચોળીને સાધુસંતોની પાછળ ભાગતો જોઈને નિરાશ થયા હશે.
ઈ.સ. ૧૯૧૧ સુધી નેતાજીમાં કોઈ રાજકીય ચેતના નહોતી તેનું ઉદાહરણ તેમને સમ્રાટ જોર્જ પંચમના રાજ્યાભિષેક જેવા વિષય પરની નિબંધ સ્પર્ધામાં લીધેલ ભાગ લાગે છે. જો કે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજના વરસોમાં તેમનામાં રાજકીય ચેતના પણ જાગી હતી અને તેને પાંખો પણ મળી હતી. મારું જીવન આધ્યાત્મિક ઉન્નતિ અને માનવતાની સેવામાં લગાવીશ અને ચીલાચાલુ જીવનમાં ખર્ચીશ નહીં તેવી ધૂન પણ ત્યાં જ તેમને લાગી હતી. આ ગાળામાં એક તરફ તેઓ શક્ય એટલા વધુ ધાર્મિક ગુરુઓને મળતા હતા તો શ્રી અરવિંદનું પણ ખેંચાણ થયું હતું. અંગ્રેજોની ગુલામી, નિર્દયતા અને અસમાન વ્યવહાર તેમને ખૂંચતો હતો. કોલેજમાં એક ભારતીય વિધ્યાર્થીને અંગ્રેજ અધ્યાપકે માર્યો ત્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ સુભાષે તેના વિરોધમાં હડતાળ પાડી, કોલેજમાંથી બરતરફી વહોરી હતી. તેમનામાં રહેલા નેતૃત્વના ગુણો અને વિદ્રોહ માટે બલિદાનની તૈયારી અહીં જોવા મળી હતી.
૧૯૧૯માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટે કેમ્બ્રિજ ગયા તે જીવનમાં આવેલો એક મોટો બદલાવ હતો. આઈ.સી.એસ.ની પરીક્ષા માટેની વય મર્યાદા વટાવી જવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે પરીક્ષા આપી અને મેરિટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેઓ અંગ્રેજોની ગુલામી કરતી આ નોકરી કરવા માંગતા નહોતા. એ દિવસોનો તેમનો પત્રવ્યવહાર તેઓ કેવા માનસિક ઝંઝાવાતોમાંથી પસાર થતા હતા તેની ગવાહીરૂપ છે. “મારા સિદ્ધાંતો મને જેની ઉપયોગિતા ખતમ થઈ ગઈ છે તેવી વ્યવસ્થાનો ભાગ બનવાની અનુમતિ આપતા નથી”, તેમ મોટાભાઈ જોગ પત્રમાં તેમણે લખ્યું હતું. આ જ પત્રમાં તેમણે સિવિલ સર્વિસ માટે વાપરેલા શબ્દો કુંઠિત વિચાર, નિર્લજ્જ અને સ્વાર્થી શાસન, હ્ર્દયહીનતા તેમ જ લાલિયાવાડીનું પ્રતીક પણ આજે ખરા લાગે છે.
ધર્મનિરપેક્ષતા અને દીનદુખિયા પ્રત્યે સહાનુભૂતિના જે ગુણો સુભાષબાબુમાં હતા તેનાં મૂળિયાં તેમની આ પહેલી પચીસીમાં રહેલાં છે. હિંદુઓ પ્રાર્થના કરવા મંદિરે જાય છે અને મુસ્લિમો મસ્જિદમાં જાય છે, તે સિવાય મેં તેમને ક્યારેય મારાથી તે જુદા છે તેવું મહેસૂસ કર્યું નથી તેમ તેમણે લખ્યું છે. કોઢની જેમ વિસ્તરતી અસ્પૃશ્યતાને પણ તેમણે નિકટથી જોઈ હતી અને તેનો મુકાબલો પણ કર્યો હતો. ઘર નજીક બેસતી ભિખારણને જોઈને પોતાના ઘરની સમૃદ્ધિ એમને અકળાવે છે તો કથિત નિમ્ન વર્ણના વિદ્યાર્થી સાથીની માંદગીમાં સેવા પણ કરે છે.
સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાચકને તેમના માનસિક વિકાસ, ઘડતર, જીવન લક્ષ્ય, રાજનીતિક સમજ અને કિશોરાવસ્થાના મનોશારીરિક તણાવની રૂબરૂ કરાવે છે.
e.mail: maheriyachandu@gmail.com