વિચિત્ર લાગે છેને ! 12મું પાસ 7મું પાસ કદાચ ન પણ હોય, એવી શંકાથી સુરત મહાનગરપાલિકાના પાંચ સફાઇ કામદાર કે બેલદાર પર પોલીસ તપાસ શરૂ થઈ છે. તપાસ એટલે થઈ રહી છે, કારણ, સુરત મહાનગરપાલિકાના પર્સોનેલ ઓફિસરે, પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ નોંધાવી છે કે પાંચ વ્યક્તિઓએ પાલિકા સાથે છેતરપિંડી કરી છે. પોલીસ તપાસ અલબત્ત ! એવી સમજથી થઈ રહી છે કે એક મહિલા સહિત પાંચ જણાંએ 12મું પાસ હોવાની વાત છુપાવીને, 7મું જ પાસ છે એમ બતાવી સફાઇ કામદારની કે બેલદારની નોકરી મેળવી હતી. સાધારણ રીતે ઓછું ભણેલા હોય ને વધુ ભણતર બતાવીને નોકરી કે છોકરી મેળવવાનો પ્રયાસ થતો હોય છે, પરંતુ અહીં વધુ ભણતર હોવા છતાં, સાધારણ નોકરી મેળવવા, ઓછું ભણતર બતાવીને સરકારી નોકરી મેળવાઈ છે. વધારાનું ભણતર સંતાડવું પડે એટલી કિંમત હવે શિક્ષણની બચી છે. સાધારણ રીતે નોકરી મેળવવા, વધારે ભણેલો ઉમેદવાર, ઓછું ભણતર બતાવી લાયકાત ઘટાડતો હોય છે, તે એટલા માટે કે સાધારણ નોકરી પણ હાથથી ન જાય. શિક્ષણની પાત્રતા એવી થઈ ગઈ છે કે યોગ્ય નોકરી મળતી નથી ને મળે છે તે નોકરીને એટલી પાત્રતાની જરૂર હોતી નથી. સફાઈ કામદાર માટેની લઘુત્તમ લાયકાત બી.કોમ.ની તો ન જ હોય, પણ બી.કોમ. થયેલાને શિક્ષકની નોકરી પ્રયત્ન છતાં ન મળે, તો લાયકાત છુપાવીને સફાઇ કામદારની કે બેલદારની નોકરી લઈ લેવી પડે એ લાચારી છે. સફાઈકર્મીઓએ લાયકાત છુપાવી એ ખરું, પણ ઓછી હોવા છતાં, વધુ લાયકાત બતાવીને ઊંચી નોકરી મેળવી હોય એવી છેતરપિંડી આ નથી. આ તો વધુ પાત્રતા છુપાવીને સાધારણ કામ જ આ વ્યક્તિઓએ મેળવ્યું છે. જો કે, સચ્ચાઈ છુપાવવાનો ગુનો તો થયો જ છે ને એ મામલે કાયદો, કાયદાનું કામ કરે એ સામે કૈં કહેવાનું હોય નહીં. ગુનો એ ગુનો છે ને તેનો બચાવ ન હોય.
સુરત મહાનગરપાલિકા દ્વારા 8 મે, 2012 અને 20 જૂન, 2017ને રોજ સફાઇ કામદાર ડ્રેનેજ અને બેલદારની જગ્યા માટે જાહેરાત આપવામાં આવી, જેની લાયકાત ધોરણ ચારથી નવ પાસ નક્કી કરવામાં આવી. આ લાયકાત જાહેર થઈ છતાં, કેટલાક નોકરી ઇચ્છુકોએ વધુ શૈક્ષણિક લાયકાત છુપાવીને, ધોરણ સાતનું પ્રમાણપત્ર જોડીને, નોકરી મેળવી હોવાનું વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું. આરોપી મહિલાએ તો નર્સિંગનો કોર્સ કર્યો છે ને તે ખાનગી હોસ્પિટલમાં નોકરી પણ કરી ચૂકી છે. બીજો એક આરોપી તો કોલેજ પૂરી કરી ચૂક્યો છે. આ વાત ધ્યાને આવતાં વાત પોલીસ સુધી પહોંચી ને પોલીસે બે જણાંની ધરપકડ તો કરી પણ લીધી છે. પોલીસ ઘટતી કાર્યવાહી કરશે, પણ આરોપીઓને આવું કરવાની જરૂર કેમ પડી તે કેફિયત જોઈએ તો એકનું કહેવું છે કે પિતાનો પગાર પૂરો પડતો ન હતો, બહેનનાં લગ્ન બાકી હતાં ને પોતે ટી.વાય.બી.કોમ સુધી પહોંચ્યો હતો, છતાં નોકરી મળતી ન હતી એટલે 7 પાસનું સર્ટિફિકેટ બતાવીને કોર્પોરેશનની સફાઇ કામદારની નોકરી મેળવી લીધી. બીજા એક આરોપીના પિતા કેન્સરગ્રસ્ત છે ને એમની સારવારમાં લાખોનું દેવું થઈ ગયું હતું. પોતે બાર પાસ હતો, પણ નોકરી મળતી ન હતી, પિતા અને બનેવીનું મૃત્યુ થતાં ચારેક વ્યક્તિની જવાબદારી આરોપી પર આવી પડી. એ સ્થિતિમાં મળી તે નોકરી લેવી પડી, તો એક આરોપીના પિતાથી નોકરી થાય એમ નથી. માતા ગૃહિણી છે. ઘરની જવાબદારી એ બાર પાસ આરોપી પર જ હતી, નોકરી મળતી ન હતી, એટલે કોર્પોરેશનની નોકરી મેળવવા ધોરણ સાતનું સર્ટિફિકેટ બતાવી આઠ વર્ષ સફાઇ કામદારની નોકરી કરી.
નોકરી મેળવવાનું એક કારણ, તેનો 19,000થી 35,000 સુધીનો પગાર પણ ખરો. બીજું, નોકરી સરકારી એટલે ખાનગીમાં કુટાવા કરતાં, સફાઇકર્મીની હોય તો પણ, નોકરી કરવા સ્વાભાવિક જ મન લલચાય. આટલો પગાર તો કદાચ પ્રવાસી શિક્ષક કે જ્ઞાન સહાયકને પણ મળતો નથી. તેને વધુમાં વધુ 26,000 મળે, તેની સામે સફાઇ કામદારને 35,000 મળે તો માસ્તર થવા કરતાં સફાઇ કામદાર થવાનું કોઈ પણ પસંદ કરે. આપણાં તંત્રોની એ બલિહારી છે કે માસ્તર કરતાં મજૂર વધારે કમાય એ રીતે વિકાસને કોઠે પડવા દીધો છે. એ જ કારણે યોગ્ય વ્યક્તિ અયોગ્ય જગ્યાએ અને અયોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યાએ છે.
એ ખરું કે ઓછી લાયકાતવાળી જગ્યાઓ પર વધુ લાયકાતવાળા ગોઠવાઈ જાય તો નક્કી કરેલી લઘુત્તમ લાયકાતવાળાને નોકરી ન મળે ને એને કુટુંબ વળગેલું હોય તો તે જવાબદારીઓ ન નિભાવી શકે. એટલે પીએચ.ડી. ડિગ્રીધારીએ પટાવાળાની જગ્યાએ અરજી ન જ કરવી જોઈએ, પણ પીએચ.ડી. થયેલાને યોગ્ય નોકરી મળતી હોય તો તે સ્વેચ્છાએ પટાવાળો થવા માંગે છે એવું ક્યાં છે? સૌથી મોટી તકલીફ જ એ છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત લાયક ઉમેદવારને યોગ્ય નોકરીઓ મળતી નથી. એવું નથી કે જગ્યાઓ નથી. જગ્યાઓ છે, પણ સરકાર ભરતી કરવા ઇચ્છતી નથી. શિક્ષકની નોકરીની જ વાત કરીએ તો ગુજરાતમાં 32,000થી વધુ જગ્યાઓ કાયમી શિક્ષકોની, 2017થી ભરાતી જ નથી. કેમ ભરાતી નથી, તેનો જવાબ એ કે સરકાર શિક્ષણનું ખાનગીકરણ કરવા માંગે છે. એમાં સુરત મોખરે છે. માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકની 988 શાળાઓમાંથી 731 ખાનગી છે. અમદાવાદમાં 1,305માંથી 648 ખાનગી છે. મતલબ કે સુરતમાં 74 ટકા ખાનગી સ્કૂલો છે, જ્યારે અમદાવાદમાં ખાનગીની ટકાવારી 47ની છે. ખાનગીકરણ થાય તો સરકારને માથેથી શિક્ષણની જવાબદારી જાય ને શિક્ષણ કર ઉઘરાવીને નફો રળવાનું સહેલું પડે. છેલ્લાં ત્રણ વર્ષમાં 537 પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 526 શાળાઓ એટલે કે 98 ટકા શાળાઓ ખાનગી છે. ખાનગી શાળાઓમાં શિક્ષકોની લઘત્તમ લાયકાત પણ ન હોય એવા તાલીમ વગરના શિક્ષકોથી કામ લેવાય છે, તે એટલે કે તેમને પૂરો પગાર ચૂકવવો ન પડે. એ કેવું વિચિત્ર છે કે શિક્ષણમાં લાયકાત વગરના ભણાવે છે ને કોર્પોરેશનમાં વધુ લાયકાતવાળા સફાઈ કામદાર થવા લાચાર છે. ગુજરાતમાં 1,657 શાળાઓ એવી છે જે એક જ શિક્ષકને ભરોસે ચાલે છે. ગુજરાત વિધાનસભાની અંદાજ સમિતિના રિપોર્ટમાં કેટલીક ખામીઓ બતાવવામાં આવી છે, તેમાંની એક છે, શિક્ષકો નથી, ત્યાં પૂર્ણ સમયના શિક્ષકોની ભરતી કરો. પ્રવાસી શિક્ષકોની ભરતી બંધ કરી દેવાઈ ને અંદાજ સમિતિ કહે છે કે પ્રવાસી શિક્ષકોની ચોક્કસ નીતિ ઘડો. બીજાની વાતો ભલે સરકાર કાને ન ધરે, પણ વિધાનસભાની અંદાજ સમિતિની વાત તો સાંભળેને ! પણ, 2017થી સરકારને એ સંભળાતું નથી. શિક્ષકોની ઘટને કારણે જૂનાગઢની નરસિંહ વિદ્યામંદિરના ધોરણ 11-12ના વર્ગો બંધ કરવાનો વારો આવ્યો છે. એ વર્ગો બંધ થવાને કારણે ગરીબ વિદ્યાર્થીઓએ સેલ્ફ ફાઇનાન્સમાં જવું પડે એમ બને. આ બધું શિક્ષકોના અભાવમાં થાય છે. સરકાર બધી જ કરકસર શિક્ષકો રાખવામાં જ કેમ કરે છે તે નથી સમજાતું.
તાજો જ ફતવો એવો આવ્યો છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શિક્ષકોને એક પખવાડિયાની તાલીમ આવી છે, જેમાં 50 ટકા શિક્ષકોએ હાજર રહેવાનું ફરજિયાત છે. વારુ, જ્યાં એક જ શિક્ષકથી સ્કૂલ ચાલતી હોય ત્યાં અડધા શિક્ષકે તાલીમમાં ને અડધાએ સ્કૂલમાં રહેવાનું થશે. કહેવાનું તાત્પર્ય એ છે કે 1,100 શિક્ષકોની ઘટ ઓલરેડી હોય જ, તેમાં 50 ટકાએ જો તાલીમમાં જવાનું હોય, તો બેત્રણ શિક્ષકો ત્રણ ચાર વર્ગો એક સાથે લે તો ય ઠેકાણું ન પડે. પરીક્ષાઓ મોં ફાડીને સામે ઊભી હોય ત્યારે જ તાલીમનું ભૂત ધૂણાવવાની જરૂર ખરી? અક્કલ જોડે સમિતિને આટલી શત્રુતા કેમ છે તે કળાતું નથી.
આ બધું પૂરતા શિક્ષકો હોય તો લેખેય લાગે, પણ પૂરતા શિક્ષકો હોવા છતાં તેમને નોકરી નથી જ અપાતી ને એ લોકો વગર નોકરીએ ફાજલ પડે છે, એટલે જે નોકરી આવી મળે તે કરી લેવા લાચાર બને છે. પીએચ.ડી.ની ડિગ્રી હોય ને અધ્યાપનનું કાર્ય મળતું ન હોય, તો પેટ પાળવા પટાવાળાની નોકરીમાં ગોઠવાઈ જવું પડે એ પણ વિધિની વક્રતા છે. ડિગ્રી એમ.બી.બી.એસની હોય ને દાક્તરી થાય એમ ન હોય ને કમ્પાઉન્ડરી કરવી પડે એના જેવું છે આ –
– અને વધુ લાયકાતવાળા જ સફાઇ કામદાર થાય છે એવું ક્યાં છે? કેટલા ય પ્રાથમિક શિક્ષકો એમ.એ., બી.એડ્. હોવા છતાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે જ છે, ત્યાં કોઈ સવાલ ઉઠાવતું નથી કે પ્રાથમિક શિક્ષક કરતાં વધુ લાયકાત ધરાવે છે તે માધ્યમિક કે કોલેજમાં કેમ નથી જતાં? તો, 12મું પાસ સાતમાં સુધી નીચે ઊતરી આવીને સફાઈ કામદારની નોકરી મેળવે તેના પર આટલી તવાઈ કેમ? એ ખરું કે એ નોકરિયાતોએ 12માંની લાયકાત છુપાવી. એટલો ગુનો તો ખરો જ, પણ જરા એમને પસંદ કરનાર અધિકારીને પૂછીએ કે નોકરી મેળવતી વખતે 12માંની લાયકાત જાહેર કરી હોત તો નોકરી મળી હોત ખરી? એમ.એ., બી.એડ્. પ્રાઈમરીમાં ચાલે, પણ બારમું પાસ સફાઇ કામદારમાં ન ચાલે ને તેની સામે પોલીસ ફરિયાદ થાય એ યોગ્ય છે? છેલ્લે, એમ કહેવાનું મન થાય છે કે વધુ લાયકાત છુપાવનારને નોકરીએ ન રાખાય તો ભલે, પણ કાનૂની કાર્યવાહી કરીને કોર્પોરેશન, તેમને એવી સ્થિતિમાં ન મૂકે કે બીજે એમની લાયકાત મુજબની નોકરી પણ ન મળે. સંતાડવું ગુનો હોઈ શકે, પણ વધુ શિક્ષણ તો અપરાધ ન હોયને ! ન જ હોય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 ફેબ્રુઆરી 2024