આમ તો જન્મતાંની સાથે બાળક રડવાનું શીખે છે. એ ન રડે તો એને રડાવવામાં આવે છે, જેથી તેની જીવંતતાની પ્રતીતિ થાય. એ પછી એ બાળક સ્કૂલે અક્ષરજ્ઞાન ને અંકજ્ઞાન મેળવે છે ને એ પછી તે જુદા જુદા વિષયો શીખે છે. તેને ભાષા, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ જેવા વિષયો ભણાવવામાં આવે છે. પછી એ વિદ્યાર્થી કોઈ ચોક્કસ વિષયમાં રસ લેતો થાય છે ને એનો ઊંડો અભ્યાસ કરી સ્નાતક, અનુસ્નાતક કે પીએચ.ડી. જેવી ડિગ્રી મેળવે છે ને એમ તે જે તે ક્ષેત્રમાં પારંગત થાય છે.
કેટલાક વિદ્યાર્થીઓ ચિત્રકળા, સંગીત, નૃત્ય, નાટ્યની તાલીમ મેળવે છે તો કેટલાક અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી જેવી ભાષાનું જ્ઞાન મેળવી તેનું સાહિત્ય શીખે છે. સાહિત્યના ઇતિહાસ દ્વારા વિદ્યાર્થી જે તે સાહિત્યનો ક્રમિક વિકાસ જાણે છે ને તે સાથે જ તે સાહિત્ય સ્વરૂપોનું જ્ઞાન પણ મેળવે છે. ગુજરાતીની જ વાત કરીએ તો મધ્યકાળનું સાહિત્ય શીખવાની સાથે જ વિદ્યાર્થી જે તે કાળના પ્રચલિત સાહિત્ય સ્વરૂપો, જેવાં કે પદ્યવાર્તા, આખ્યાન વગેરેનું જ્ઞાન પણ મેળવે છે, તો અર્વાચીન સાહિત્યથી માંડીને આધુનિક કે અનુઆધુનિક યુગના સર્જકોનો ને તેમની કૃતિઓનો પરિચય પણ વિદ્યાર્થીઓ મેળવે છે. કૃતિઓની સાથે જ જે તે યુગમાં વિકસેલા સાહિત્ય સ્વરૂપોની જાણકારી પણ વિદ્યાર્થીઓને મળતી જતી હોય છે.
શાળા શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીઓ નિબંધ કે મુદ્દા પરથી વાર્તા લખવાનું શીખે છે. શિક્ષક જુદા જુદા વિષયો કે મુદ્દા આપીને નિબંધ કે વાર્તા લખવાનું કહે છે ને તેના માર્કસ આપે છે. ઘણા નિબંધો નિબંધમાળાના નિબંધોથી આગળ જતાં નથી. વર્ષાઋતુમાં 1947 પહેલાંનો વરસાદ જ પડ્યા કરતો હોય છે. 2021ના છાંટા પણ સંભળાય એવું ખાસ બનતું નથી. હાઇ સ્કૂલમાં શિક્ષક છંદ, અલંકારની ઓળખ વિદ્યાર્થીને આપે છે. એ પરથી પરીક્ષામાં શિખરિણી, મંદાક્રાંતા, વસંતતિલકા જેવા છંદો કે ઉપમા, ઉત્પ્રેક્ષા અલંકારો ઓળખીને વિદ્યાર્થી વ્યાકરણના માર્કસ અંકે કરી લે છે. કોલેજમાં આત્મકથા, નવલકથા, વાર્તા, કવિતાનાં પુસ્તકો વિદ્યાર્થી ભણે છે કે એરિસ્ટોટલ, લોન્જાઈનસની સૈદ્ધાંતિક સમજ સાથે રસસિદ્ધાન્ત કે વક્રોક્તિ અંગે પણ જાણી લે છે, પણ ખાટલે મોટી ખોડ એ કે કવિતા કે વાર્તા કે લલિત નિબંધ કેમ લખાય તે પીએચ.ડી. થવા છતાં જાણી શકતો નથી. વર્ગમાં સાહેબ કવિતાનો કે વાર્તાનો આસ્વાદ કરાવશે, પણ કવિતા કે વાર્તા કેમ લખાય તે શીખવી શકતા નથી, સિવાય કે અધ્યાપક કે શિક્ષક પોતે લખતા હશે તો તે થોડુંઘણું માર્ગદર્શન પૂરું પાડશે, પણ એ લખવાનું શીખવવા અંગેના કોઈ પિરિયડ હોતા નથી એટલે એ શિક્ષણ પણ વર્ગખંડની બહારથી જ મેળવવું પડે છે. ભણવાને કારણે કોઈ સર્જક થતું નથી ને છતાં સર્જન અટક્યું નથી એનો અર્થ એવો કરવાનો રહે કે સર્જન શિક્ષણનું મહોતાજ નથી. સારું છે કે નથી, નહિતર કેટલા ય કવિઓ આપણને મળ્યા જ ન હોત ! પણ, એ પણ વિચિત્ર છેને કે વર્ષો વિતાવવા છતાં યુનિવર્સિટી શિક્ષણ સર્જનાત્મક વિધાઓ માટે ઉપકારક નીવડતું નથી.
આવું કેમ?
કેમ અનુસ્નાતક થવા છતાં ગુજરાતીનો વિદ્યાર્થી એક કવિતા કે વાર્તા લખવા જેટલું કૌશલ્ય કેળવી શકતો નથી? કલાપીની ગઝલો એ ભણશે ખરો, પણ એણે પોતે ગઝલ લખવી હોય તો તેને યુનિવર્સિટી કોઈ મદદ કરી શકતી નથી. જેટલા પણ સર્જકો ગુજરાતીમાં થયા છે એમને સર્જન કરવામાં નથી તો સ્કૂલે મદદ કરી કે નથી તો કોલેજ કે યુનિવર્સિટીએ કોઈ મદદ કરી. મદદ એટલે નથી કરી, કારણ સર્જનાત્મક લેખનનું કોઈ આયોજન જ જે તે અભ્યાસક્રમમાં થયું નથી કે થતું નથી. યુનિવર્સિટીઓ આ અંગેની વ્યવસ્થાઓ કરી શકે, પણ તેવું ખાસ થતું નથી. આ ન થાય તેનું કારણ પણ છે. મોટે ભાગે કોલેજોમાં અધ્યાપકો સાહિત્ય ભણાવતા હોય છે. આ ભણાવવા કરતાં સર્જનાત્મક લેખન જુદી બાબત છે. એ કોઈ સજ્જ સર્જક જ સમજાવી શકે. બધા સર્જકો એ સમજાવી જ શકે એવું ન પણ બને. એમ પણ બને કે વાર્તાકાર ઉત્તમ વાર્તા લખી આપે, પણ તે કેમ લખાઈ એ રહસ્ય ખોલવામાં તે પોતાને અસમર્થ અનુભવે. એ જ કારણ છે કે વાર્તા સમજાવી શકાય, પણ તે બધાથી લખી જ શકાય એની ખાતરી કોઈ આપી ન શકે. એનો અર્થ એવો થયો કે સર્જન પૂરેપૂરું ઉકેલી શકાય એવું દરેક કૃતિ માટે શક્ય નથી.
– તો, એમ માનવું કે સર્જન શીખવી શકાતું નથી? ના, સાવ એવું તો નથી. એ સાચું કે સર્જન પૂરેપૂરું પકડમાં આવતું નથી, એ કૃતિ પરથી ને કેફિયત પરથી થોડુંઘણું હાથવગું થાય એમ બને. છતાં, એ પણ ખરું કે સર્જનનો અણસાર તો આવી જ શકે. આવું એટલે થયું છે, કારણ એ દિશામાં ગંભીર પ્રયત્નો પણ ખાસ થયા નથી, એટલે એ ખૂણો લગભગ વણસ્પર્શ્યો જ રહ્યો છે. આમ થવા પાછળ કેટલીક ગેરસમજોએ પણ ભાગ ભજવ્યો છે. એવું વર્ષોથી કહેવાતું આવ્યું છે કે સાહિત્ય એ કળા છે ને કળા શીખવી શકાતી નથી. એ સત્ય નથી એવું નથી, પણ તે અધૂરું સત્ય છે.
એમ કહેવાય છે કે પહેલી પંક્તિ ઈશ્વરદત્ત છે. એટલે કે કવિતાની પહેલી પંક્તિ ઈશ્વર આપે છે. આ માનવાનું ગમે, પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે પંક્તિ, ઈશ્વર આપે છે, આખી કવિતા આપતો નથી. બધું જો કુદરતે જ કરવાનું હોય તો કવિની જરૂર જ કેટલી રહે ! જેને કવિકર્મ કહી છીએ એનો કોઈ ફાળો સર્જનમાં ખરો કે કેમ? એ ખરું કે સર્જનની ક્ષણ કુદરત આપે છે ને કવિએ એને ઝડપવાની છે ને પોતાની સર્જનાત્મકતા કામે લગાડીને, અનુભવ અને અભ્યાસની મદદથી, સર્જનમાં પ્રવૃત્ત થવાનું છે. એટલે કળા ઈશ્વરદત્ત હોય તો પણ સર્જકે અભ્યાસ અને અનુભવથી એવું વિશ્વ સર્જવાનું છે જે અપૂર્વ આનંદનો અનુભવ ભાવકને કરાવે.
કહેવાનું તાત્પર્ય એ છે કે કળા કુદરતી હોય તો પણ તે શીખવી પડે છે. જાણવી પડે છે. લખાયું છે તે શું છે તે જો લખનાર જ ન જાણતો હોય તો બીજા તેને શું કામ જાણશે તે વિચારવાનું રહે. ગઝલ કુદરતી છે, તે સ્વીકારીએ તો પણ તેના છંદ, તેના પ્રાસ, અનુપ્રાસ જાણવા પડે, શીખવા પડે. આખેઆખી નખશિખ ગઝલ ઊતરી આવે એ શક્ય છે, પણ બધા ગઝલકાર માટે તે શક્ય છે એવી આગાહી કરી શકાય નહીં. કવિતા જાણવી જ પડે. જો શિક્ષક થવા બી.એડ. કરવું પડે, ડૉક્ટર થવા એમ.બી.બી.એસ. થવું પડે, પુલ કે મકાનો બાંધવા એન્જિનિયરિંગની ડિગ્રી મેળવવી પડે, તો કવિ થવા કૈં નહીં કરવાનું? ઘાસ બનવા પણ જો જમીનની ઉપર ફૂટવું પડતું હોય તો એવું કેવી રીતે બને કે કૈં પણ ઘસડી મારીએ એટલે વાર્તા કે નાટક થઈ જાય? સોશિયલ મીડિયામાં કવિતાનો જે રાફડો ફાટે છે તે અજ્ઞાનનો મહાસાગર છે. એનું સુખ એ છે કે સાચું, ન તો લખનાર માટે જાણવું જરૂરી છે કે નથી તો તે વાંચનાર માટે જરૂરી ! જે નથી જાણતો તે એવા જ અજાણ વાચકો દ્વારા બિરદાવાય છે ને એવાં પ્રમાણપત્રોથી કહેવાતો કવિ પોરસાય છે. જે નથી જાણતો તે લખે છે ને જે નથી જાણતો તે એને વખાણે છે. આમાં વખાણનાર વધારે જવાબદાર છે, કારણ વાંદરાને દારૂ તે પાય છે. એને બદલે લખનાર થોડું જાણી લે તો કમ સે કમ એ અકવિતા કરવાથી તો બચશે. પણ આ મિત્રો, એવા ભ્રમમાં છે કે કવિતા કરવા કૈં પણ જાણવું જરૂરી નથી. અજ્ઞાન, જ્ઞાન કેવી રીતે હોય એવો સાદો સવાલ પણ એમને થતો નથી તે દુ:ખદ છે.
એ સાચું નથી કે કળા શીખવી પડતી નથી. સર્જકમાં શક્તિ હશે તો તે ઉત્તમ પરિણામ આપશે, પણ કૈં ન શીખવાથી સર્જક થઈ જવાય એ અશક્ય છે. ચિત્રકળા શીખવી પડે છે, વાદ્ય શીખવું પડે છે, ગળું સારું હોય તો ગાઈ શકાય, પણ બાગેશ્રી કે આશાવરી કે ભૈરવીની તાલીમ તો લેવી જ પડે. પગ હલાવ્યા વગર ભરતનાટ્યમ્ કે મોહિનીઅટ્ટમ્ આવડી જાય એવું તો સ્વપ્નમાં પણ બનતું નથી. શિલ્પ શીખવું પડે. જે એમ માને છે કે કવિતા કૈં પણ કર્યા વગર આવડી જાય, એ બીજાને તો ઠીક, પોતાને પણ છેતરે છે. કળા કુદરતી હોય તો પણ, તેનું જતન, સંવર્ધન તો સર્જક માત્રનો ધર્મ છે.
એ પાકું છે કે કોઈ યુનિવર્સિટી સર્જનાત્મક લેખન અંગે ગુજરાતમાં ગંભીર પ્રયત્ન કરવાની નથી, છતાં આશા તો રહે જ છે કે કોઈ યુનિવર્સિટી વાર્તા, કવિતા, નવલકથા વગેરે લખવાનું શીખવે. તેનો કોર્સ દાખલ કરે. વીર નર્મદ યુનિવર્સિટીએ એ દિશામાં સાહસ કરેલું, પણ અત્યારની સ્થિતિ શું છે તે ખબર નથી. અપેક્ષા એટલી ચોક્કસ રહે કે સર્જનાત્મક લેખનનું એવું પરિણામ મળે જે અન્ય યુનિવર્સિટીને આ પ્રકારનું સાહસ કરવા પ્રેરે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 ઑક્ટોબર 2021