૨૦૨૧ની વસ્તીગણતરી કરતી વખતે વ્યક્તિઓની જ્ઞાતિ પણ નોંધવી, એવી માંગણી કેટલાક રાજકારણીઓએ કરી હતી. એમાં બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમાર મોખરે હતા. પછાત વર્ગના કમિશને પણ પછાતવર્ગોની જ્ઞાતિ નોંધવાનું સૂચન કર્યું હતું, પણ સરકારે પોતાની જ્ઞાતિ નહીં નોંધવાની નીતિ જાહેર કરીને એ વાત ઉપર પડદો પાડી દીધો છે. આનો ઇતિહાસ નોંધવા જેવો છે.
આપણે ત્યાં ૧૯મી સદીમાં વસ્તી ગણતરીનો આરંભ થયો ત્યારથી વ્યક્તિઓની જ્ઞાતિ નોંધવામાં આવતી હતી. ૧૯૩૧માં આ પ્રમાણે થયેલી વસ્તી ગણતરીમાં લોકોની જ્ઞાતિ નોંધવામાં આવી હતી અને તે પ્રગટ કરવામાં આવી હતી. ૧૯૪૧માં થયેલી વસ્તી ગણતરીમાં લોકોની જ્ઞાતિ નોંધવામાં તો આવી હતી, પણ તે પ્રગટ કરવામાં આવી ન હતી. એ પછી જ્ઞાતિવિહીન સમાજરચનાનો આપણો આદર્શ હોવાથી ૧૯૫૧થી શરૂ કરીને જે વસ્તી ગણતરી થઈ, તેમાં લોકોની જ્ઞાતિ નોંધવામાં આવી નથી. જો કે, દર વસ્તી ગણતરી વખતે લોકોની જ્ઞાતિ નોંધવાની માંગણી ઊઠી હતી, પણ સરકારે એ માંગણીનો સ્વીકાર કર્યો ન હતો. આમ, આજે આપણી પાસે દેશમાં વિવિધ જ્ઞાતિઓનું પ્રમાણ કેટલું છે, તે જાણવાનો એક માત્ર આધાર ૧૯૩૧ની વસ્તી ગણતરી છે. એના આધાર ઉપર ચાલીને વિવિધ પછાતવર્ગોની વસ્તી વિશે અંદાજો મૂકવામાં આવે છે. મુદ્દો એ છે કે, પછાત વર્ગો માટેની અનામત-નીતિ, પછાત વર્ગોનું પ્રમાણ કેટલું છે, તેનો કોઈ આધારભૂત અંદાજ ન હોવા છતાં ઘડવામાં આવી.
આગળ નોંધ્યું છે એમ, દર વસ્તી ગણતરી વખતે જ્ઞાતિની નોંધ કરવાની માંગણીઓ થતી રહી છે. એનો એક ઇતિહાસ પણ છે, પણ એ ઇતિહાસમાં આપણે નહીં જઈએ અને કાઁગ્રેસની સરકાર વખતે જે એક પ્રયાસ થયો તેની નોંધ લઈશું. કેન્દ્ર સરકારે સર્વગ્રાહી સામાજિક અને આર્થિક તથા જ્ઞાતિગત વસ્તીગણતરી કરવાનું નક્કી કર્યું હતું. એ માટેનો ખર્ચ રૂપિયા ૪,૮૯૩ કરોડ અંદાજ ગણવામાં આવ્યો હતો, પણ ૨૦૧૬માં જ્ઞાતિના આંકડા બાકાત રાખીને વિગતો બહાર પાડવામાં આવી હતી. જ્ઞાતિના આંકડા એક ખાતાને સોંપવામાં આવ્યા હતા. એ ખાતાએ નીતિ આયોગના એ વખતના ઉપાધ્યક્ષ અરવિંદ પાંગરિયાના અધ્યક્ષપદે એક સમિતિનું ગઠન કર્યું હતું. એ સમિતિએ આંકડાઓનું વર્ગીકરણ કર્યું હતું. પણ એ ક્યારે ય પ્રગટ કરવામાં આવ્યું નથી.
આમ, જ્ઞાતિ નોંધવાની વાત ૨૦૨૧ની વસ્તી ગણતરીમાં પણ ઊડી ગઈ છે. આપણે સત્તાવાર રીતે જ્ઞાતિ-પ્રથાનો સ્વીકાર કરવા માંગતા નથી, પણ વાસ્તવિકતા શું છે? થોડા દિવસ પહેલાં પાટીદારોનું એક સંમેલન મળ્યું હતું અને તેમાં જાહેર કરવામાં આવ્યું હતું કે ગુજરાતના આગામી મુખ્ય પ્રધાન પટેલ જ હશે. આપણે ન કલ્પી શકીએ એટલા દિવસોમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બની ગયા. આમ, રાજકારણમાં જ્ઞાતિનું ચલણ દેશમાં મોટા ભાગમાં પ્રવર્તે છે. ગુજરાતમાં પાટીદારોની વસ્તીનું પ્રમાણ ૧૨% જેટલું છે, છતાં ગુજરાતના રાજકારણમાં એ પ્રભુત્વ ભોગવે છે એમ કહી શકાય. માત્ર રાજકારણ નહીં પણ અર્થકારણ અને શિક્ષણના ક્ષેત્રે પટેલોએ જે કાઠું કાઢ્યું છે એ નોંધપાત્ર છે અને અભ્યાસ કરવા જેવી બાબત છે. આવું જ બીજા પ્રદેશોમાં પણ કેટલીક જ્ઞાતિઓએ પોતાનું વર્ચસ્વ જમાવ્યું છે.
જ્ઞાતિ પ્રથા એ ભારતની એક વિશિષ્ટ સામાજિક પ્રથા છે. દુનિયાના કોઈ પણ દેશમાં એને મળતી પ્રથા જોવા મળતી નથી. જ્ઞાતિપ્રથાને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. જ્ઞાતિપ્રથાનાં મૂળ આપણે પ્રાચીન પરંપરામાં જોઈએ છીએ. તેમાં સમાજને ચાર વર્ણોમાં વહેંચવામાં આવ્યો હતો, પણ જ્ઞાતિઓની જે સંખ્યા દેશમાં અસ્તિત્વ ધરાવે છે, તેને આ વર્ણવ્યવસ્થાના આધારે સમજાવી શકાય એમ નથી. દેશમાં લગભગ હજારો જ્ઞાતિઓ હોવાનું અનુમાન છે, જેને વણિક કોમ કહેવામાં આવે છે. તેમાં પણ અસંખ્ય જ્ઞાતિઓ જોવા મળે છે. એમાં પણ દશા અને વિસાના ભેદ જોવા મળે છે. પટેલોની જ્ઞાતિ પણ મોટી છે. એમ લાગે છે કે, આપણે એક બૃહદ્દ સમાજના સભ્ય તરીકે સલામતી અનુભવી શકતા નથી. એક નાના વર્તુળમાં જીવવાનું આપણે પસંદ કરીએ છીએ.
જ્ઞાતિપ્રથા એક જમાનામાં ઘણી શક્તિશાળી હતી. એ એના સભ્યોને જ્ઞાતિબહાર મૂકી શકતી હતી અને એ રીતે તેને પોતાના અંકુશમાં રાખતી હતી. દરેક જ્ઞાતિને કુળદેવી હોય છે અને એના સામાજિક પ્રસંગે આગવા રિવાજો હોય છે. એક જમાનામાં જ્ઞાતિ જ જીવનશૈલી નક્કી કરતી હતી. જ્ઞાતિના સભ્યોએ શું ખાવું અને શું પહેરવું એ પણ જ્ઞાતિના આધારે નક્કી થતું હતું. જો કે, આજે સામાજિક પરિવર્તનને કારણે જ્ઞાતિનો આ અંકુશ રહ્યો નથી પણ રીત-રિવાજોમાં જ્ઞાતિનું ચલણ ચાલુ છે.
આજે જ્ઞાતિગત અસમાનતા ઓછી થઈ છે. લગ્ન જેવા પ્રસંગોએ જુદી-જુદી જ્ઞાતિઓની પંગત પડતી હતી, એ ભેદ હવે રહ્યો નથી. આંતરજાતીય લગ્ન વધ્યાં છે, પણ જ્ઞાતિઓ વચ્ચેનું આર્થિક અંતર કેટલું ઘટ્યું છે, એ એક પ્રશ્ન છે. કહેવાતા પછાત વર્ગોને આર્થિક વિકાસના કેટલા લાભો મળ્યા છે એ તપાસવા જેવું છે. જ્ઞાતિના કારણે, જે વર્ગો પછાત રહ્યા એને આર્થિક વિકાસનો ઝાઝો લાભ મળ્યો નથી એવું દેખાઈ આવે છે. આમાં જ્ઞાતિવાદ કામ કરી રહ્યો છે. ઉપલી જ્ઞાતિના લોકો જે ઉદ્યોગ-ધંધા વિકસાવે, તેમાં ઊજળિયાત નોકરીમાં પોતાની જ્ઞાતિના કે પોતાની સમકક્ષ જ્ઞાતિના લોકોને પસંદ કરે એ સામાન્ય બાબત છે. પછાત જણાતી જ્ઞાતિના ભાગે તો મજૂરનું જ કામ આવે છે.
ભલે અત્યાર સુધીની વસ્તી ગણતરીમાં આપણે જ્ઞાતિ નોંધવાનું ટાળ્યું છે, પણ એક અધ્યાપક તરીકે ૨૦૩૧માં વસ્તી ગણતરી કરતી વખતે લોકોની જ્ઞાતિ નોંધવામાં આવે એમ હું ઇચ્છું છું. ૧૦૦ વર્ષમાં આપણે જ્ઞાતિવિહીન સમાજની દિશામાં કેટલા આગળ વધ્યા છે તે તપાસવા માટે એ જરૂરી છે.
જ્ઞાતિગત અસમાનતાઓ કેટલી દૂર થઈ છે, એ જાણવા માટે આ જરૂરી છે. વિવિધ જ્ઞાતિઓની વસ્તીમાં થયેલો વધારો પણ અભ્યાસનો રસપ્રદ મુદ્દો બની શકે છે. એ સાથે કઈ જ્ઞાતિઓએ કેટલો વિકાસ સાધ્યો છે, એ તપાસવાનું પણ ઉપયોગી થશે, તેથી રાજકારણને બાજુમાં મૂકીને આપણે અભ્યાસની દૃષ્ટિએ એટલે કે, શૈક્ષણિક દૃષ્ટિએે ૨૦૩૧માં લોકોની જ્ઞાતિ નોંધવી જોઈએ.
પાલડી, અમદાવાદ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2021; પૃ. 03