માન ગયે ઉસ્તાદ. આજે હવે જગતને ખબર પડી હશે કે મુઠ્ઠી હાડકાનાં માનવીને મારી નાખવાના અનેક પ્રયત્નો કરવા છતાં, છેવટે એક દિવસ મારી નાખવા છતાં અને પાછળ સંતાઈને રોજેરોજ ચારિત્ર્યહનન કરીને ખૂન કરવામાં આવતું હોવા છતાં, આ મોહનદાસ કરમચંદ ગાંધી મરતો કેમ નથી! જે લોકો એને કાયર અને બુઝદિલ તરીકે ઓળખાવતા હતા એ લોકોને તેમની પોતાની કાયરતા અને બુઝદિલી છૂપાવવા આ ગાંધીનો આશરો લેવો પડે છે. આનાથી મોટું માનવીની મહાનતાનું પ્રમાણ બીજું શું હોઈ શકે? શત્રુના નામનો ઉપયોગ જ્યારે પોતાના બચાવમાં કરવો પડે અને કરવામાં આવે ત્યારે સમજી લેવું જોઈએ કે શત્રુ સામાન્ય માનવી નથી. ગાંધી હિન્દુત્વવાદીઓનો આવો અસામાન્ય શત્રુ છે.
હમણાં કેન્દ્રના સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે વિનાયક દામોદર સાવરકરના જીવનચરિત્રનું વિમોચન કરતાં કહ્યું હતું કે સાવરકરે બ્રિટિશ સરકારની માફી ગાંધીજીના કહેવાથી માગી હતી.
ચાલો, એટલું તો આ જમાતે હવે કબૂલ કરી લીધું કે સાવરકરે માફી માગી હતી. અત્યાર સુધી તો સાવરકરભક્તો, હિન્દુત્વવાદીઓ અને સાવરકરના હિન્દુત્વવાદી ચરિત્રલેખકો આ હકીકત છૂપાવતા હતા. જો કોઈ ધ્યાન દોરે તો આંખ આડા કાન કરતા હતા અને મૂંગા રહેતા હતા. જો તમે સાવરકરની વાત કાઢો તો મોતીલાલ નેહરુ મુસલમાન હતા એનું શું એવી વાતો કરવા માંડશે. તેમની ટિપીકલ શૈલી મુજબ. પોતાને વિદ્વાન હિંદુ વિચારક કે રાષ્ટ્રવાદી ઇતિહાસકાર તરીકે ઓળખાવનારાઓ માફીનો ઇન્કાર નહોતા કરતા (કરે તો ભૂંડા લાગે), પરંતુ સાવરકરની માફીને રાષ્ટ્રહિત સાથે જોડતા હતા અને તેને સાવરકરની રણનીતિ તરીકે ખપાવતા હતા. નવાં તથ્યો સામે આવ્યાં પછી હવે તેમને માટે એ પણ શક્ય રહ્યું નથી.
એક સમય હતો જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સાવરકર એક હદથી વધારે પરવડતા નહોતા. સાવરકરની જલદ ભાષા, તેમનો હિંદુ ધર્મને જોવાનો બુદ્ધિપ્રામાણ્યવાદી અભિગમ, તેમનો આકરો ગાંધીવિરોધ, સ્ત્રીઓ વિશેના વિચારો, બૌદ્ધ અને જૈન ધર્મ વિશેના અભિપ્રાયો, શીખો વિશેના અભિપ્રાયો, ધીરજ અને વિવેકનો અભાવ વગેરે જોઇને સંઘના નેતાઓને ત્યારે એમ લાગતું હતું કે સાવરકરને બાથમાં લેવામાં ફાયદો કરતાં નુકસાન વધુ છે. સંઘે સાવરકરની હિંદુ અને હિન્દુત્વની વ્યાખ્યા કરતી થિસીસ અપનાવી હતી, સાવરકરનું રાજકારણ અને રાજકીય શૈલી નહોતા અપનાવ્યા. ટૂંકમાં સાવરકરનો આત્મા તેમણે સ્વીકાર્યો હતો, સદેહે જીવતાજાગતા અને જરૂર કરતાં વધારે બોલતા સાવરકરને નહોતા સ્વીકાર્યા. સાવરકરને પણ આ વાતનો ગુસ્સો હતો. તેઓ સંઘના સ્વયંસેવક વિષે વ્યગમાં કહેતા કે ‘સ્વયંસેવક જન્મે છે, સંઘની શાખામાં જાય અને અને એક દિવસ મૃત્યુ પામે છે.’
આમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સાવરકરથી એક ગજનું અંતર રાખ્યું હતું. હવે સમય બદલાયો છે. ભારતનો સરેરાશ હિંદુ વિવેકી મટીને તામસી બન્યો છે અને સોશ્યલ મીડિયા તેને તામસી બનાવવામાં અને બનાવી રાખવામાં ફાળો આપી રહ્યા છે ત્યારે હવે તેમને સાવરકર પરવડવા લાગ્યા છે. ‘તારક મહેતાનાં ઊલટાં ચશ્માં’ના નિર્મતાઓએ આત્મારામ ભીડેના ઘરની દીવાલ પર નજરે પડતી સાને ગુરુજીની તસ્વીરને હટાવીને સાવરકરની તસ્વીર ટીંગાડી દીધી એ બદલાયેલા હિંદુ માનસનું પ્રતિક છે. સરેરાશ હિંદુ ઘરમાં સાવરકર પ્રવેશી રહ્યા છે તો હવે તેમને શરમાયા વિના ખુલ્લે આમ અપનાવવામાં જોખમ નથી એમ સંઘના નેતાઓને લાગવા માંડ્યું છે. જોખમ લેવાની ભૂલ એ લોકોએ જિંદગીમાં ક્યારે ય કરી નથી. તેમની પાસે પ્રોપેગેન્ડાનાં પુષ્કળ સંસાધનો છે એટલે આઠ-નવ દાયકા સુધી સાવરકર-છોછ રાખ્યા પછી હવે તેમને ગાંધીજીની કક્ષાના આઇકન તરીકે સ્થાપવામાં આવી રહ્યા છે. જુઓ, આ ગાંધીનો ગજ અહીં પણ આવ્યો. જેને ઉથાપવાના છે એનો જ ગજ કોઈને થાપવા માટે વાપરવો પડે છે. આ ગાંધીનું કરવું શું? વો મરતા કયું નહીં હૈ, યાર!
પણ સમસ્યા એ છે કે જેને થાપવામાં આવી રહ્યા છે એની બિચારાની બેસણી પિત્તળની છે. જ્યાં સુધી વિરાટ પુરુષ તરીકે આયોજનપૂર્વક સાવરકરને સ્થાપવાના પ્રયાસ નહોતા કરવામાં આવતા ત્યાં સુધી સાવરકરની બીજી બાજુ વિષે જાણકારો ખાસ બોલતા નહોતા. ત્રણ કારણો હતાં. એક બૌદ્ધિક પ્રમાદ. બીજું ઉપેક્ષાવૃત્તિ. આ લોકો શેકેલો પાપડ પણ ભાંગી શકતા નથી ત્યાં ચિંતા શું કામ કરવી. સૌથી વધુ તો આ લખનાર જેવા લોકોની શ્રદ્ધા સરેરાશ હિંદુની વિવેકબુદ્ધિ ઉપર હતી. હિંદુ પ્રજા સ્વભાવત: સહઅસ્તિત્વમાં માનનારી ઉદારમતવાદી પ્રજા છે એટલે હિંદુ માનસમાં રોપવામાં આવતા ઝેરની ખાસ અસર થવાની નથી એમ તેઓ માનીને ચાલતા હતા. તેમની એ ધારણા ખોટી પડી એ જુદી વાત છે.
અને ત્રીજું કારણ હતું એક પ્રકારની ન્યાયબુદ્ધિ. ગમે તેમ તો ય એ માણસે સહન તો કર્યું છે ને! સાવ અનુદાર ન થવું જોઈએ. દરેક માણસને ગાંધીની કે ભગતસિંહની એરણે ન મપાય. એટલે તમે જોયું હશે કે દેશનાં કેટલાંક શહેરોમાં સાવરકરના નામે રોડ છે, સાવરકનાં સ્મારક છે, સાવરકરનાં યોગદાનને પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તેમાં કોઈ જગ્યાએ તેમણે માફી માગી હતી અને જેલમાંથી છુટ્યા પછી આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો, ઊલટું અંગ્રેજોને મદદ કરી હતી એવો ઉલ્લેખ સુદ્ધાં નથી. સાવરકર ગાંધીજીનાં ખૂનમાં એક આરોપી હતા અને જરાકમાં બચી ગયા હતા એ પણ પાઠ્યપુસ્તકમાં વાંચવા નહીં મળ્યું હોય. સાવરકરને ‘સ્વાતંત્ર્યવીર’ એવા વિશેષણથી ઓળખવામાં આવે છે એ પણ તમે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હશો. એ વિશેષણ સામે પણ કોઈએ વિરોધ નહોતો કર્યો.
અને યાદ રહે, આ બધું કાઁગ્રેસના દિવસોમાં થયું હતું અને કાઁગ્રેસી શાસકોએ કર્યું હતું. કારણ હતું, ન્યાયબુદ્ધિ. જો આજના જેવી કોઈને ઊગવા જ નહીં દેવાના અને જે ઊગ્યા છે એને બદનામ કરીને વાઢી નાખવાના એવી નીચતા ત્યારે હોત તો સાવરકર જેવાઓનાં ત્યારે બાળમરણ થયાં હોત. જો હિન્દુત્વવાદીઓ સાવરકરની નજીક જતા ડરતા હોય તો કલ્પના કરો કે એ યુગમાં સર્વસમાવેશક વિવેકી હિંદુની તાકાત કેટલી હશે! પણ સાવરકરોને ક્યારે ય તેમની સાચી જગ્યા બતાવવામાં નહોતી આવી, બદનામ કરવાની વાત તો બાજુએ રહી. સાવરકરના જીવન અને કાર્યથી સુપેરે પરિચિત લોકો પણ કહેતા હતા કે ગમે તેમ તો ય એણે સહન તો કર્યું હતું ને! સાવ નગુણા ન થવાય. બીજા શબ્દોમાં કહીએ તો હિન્દુત્વવાદીઓ ઉદારમતવાદી હિંદુઓની માણસાઈના લાભાર્થી છે.
આ લેખ અહીં પૂરો કરતાં પહેલાં અને અહીંથી આગળ વધતાં પહેલાં મારે બે વાત કરવી છે. પહેલી વાત એ કે હિંમત, ત્યાગ અને અત્યાચારો સહન કરવાની બાબતે વિનાયક દામોદર સાવરકર ચડે કે તેમના મોટાભાઈ ગણેશ દામોદર સાવરકર ચડે? કોઈ હિન્દુત્વવાદી માઈનો લાલ કહી બતાવે કે હિંમત, ત્યાગ અને સહન કરવામાં વિનાયક દામોદર સાવરકર તેમના મોટાભાઈ કરતાં ચાર ચાસણી ચડે. દસ્તુરખુદ મોહન ભાગવતને આ સવાલ પૂછી જુઓ. જો વિનાયક સાવરકરને સો માર્ક્સ આપો તો ગણેશ સાવરકરને ૧૧૦ માર્ક્સ આપવા પડે. આ સિવાય પરિવાર માટેનું અને નાનાભાઈ વિનાયક સાવરકર માટેનું તેમનું અને તેમનાં પત્નીનું સમર્પણ નતમસ્તક થઈ જવાય એવું અપ્રતિમ હતું. કોઈ હિન્દુત્વવાદી મારાં આ કથનનો અસ્વીકાર કરી બતાવે. પણ તેમને તો કોઈ ઓળખતું નથી! કારણ કે હિન્દુત્વવાદીઓને તેમનો ખપ નથી. ગણેશ સાવરકરમાં ચાલાકીનો અભાવ હતો.
હવે બીજી વાત. પ્રહ્લાદ કેશવ અત્રે નામના મરાઠી લેખકનું નામ તમે સાંભળ્યું હશે. વિલક્ષણ પ્રતિભા તેઓ ધરાવતા હતા. જકડી રાખે અને પ્રેમમાં પાડી દે એવી લેખનશૈલી અને એવા જ વક્તા. યશ તેમને એવો વર્યો હતો કે જેમાં હાથ નાખે એમાં સફળ થાય અને ટોચે પહોંચે. આ સિવાય મહત્ત્વકાંક્ષા પણ એટલી હતી કે ટોચે પહોંચવામાં જે જરૂરી હોય એ કરે. સાધનશુદ્ધિની ઝાઝી ચિંતા તેઓ નહોતા કરતા. આપણા ઇન્દુલાલ યાજ્ઞિકની જેમ તેમણે દળદાર છ ભાગમાં આત્મકથા લખી છે જેનું શીર્ષક છે; ‘કર્હે ચે પાણી’. કર્હે એ તેમનો જ્યાં જન્મ થયો હતો એ ગામમાંથી પસાર થતી સાવ નાની અને બિનમહત્ત્વની નદીનું નામ છે, પણ અત્રેની આત્મકથાને કારણે એ નદીનું નામ મહારાષ્ટ્રભરમાં જાણીતું થયું છે. અત્રેની આવી તાકાત હતી. તો હું વાત એ કહેવા માગું છું કે અત્રેએ તેમની આત્મકથામાં લખ્યું છે કે વિનાયક દામોદર સાવરકર અને મારી (અત્રે) વચ્ચે એક સમજૂતી થઈ હતી જેમાં મારે વિનાયક સાવરકરને ‘વીર સાવરકર’ તરીકે ખ્યાતનામ કરીને પ્રતિષ્ઠા આપવાની અને સામે તેઓ મને ‘આચાર્ય અત્રે’ તરીકે પ્રખ્યાત કરીને મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠિત કરે.
રહી વાત સાવરકરની માફી અને ગાંધીની સલાહની તો એ આવતા અઠવાડિયે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 ઑક્ટોબર 2021