સોનલ શુક્લ જીવંત વ્યક્તિત્વનાં સ્વામિની. એમની હાજરીથી ઉત્સવનો માહોલ આપોઆપ સર્જાય. એમની સાથેની સામાન્ય વાતચીત કે ગપસપ ક્યારે શિક્ષણકાર્યમાં બદલાઈ ગઈ એનો ખ્યાલ ન રહે એટલી સામગ્રી એમને મોંવગી હોય. એમની યાદદાસ્ત ધારદાર, સિત્તેર-એંસીના દાયકાથી એમની પાસે નારીવાદનો સંપૂર્ણ આલેખ વૈશ્વિકથી તૃણમૂળ સુધી મળી રહે એવું લખું તો એમાં અતિશયોક્તિ નથી. શરૂઆતનાં વર્ષોમાં તો એમણે ગાંધીસંસ્થાનમાં શૈક્ષણિક કાર્ય કર્યું, પરંતુ આંતરરાષ્ટ્રીય મહિલાવર્ષ પછી તો તેઓ નારીવાદી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને સ્ત્રીઓ પરની હિંસાના ઉકેલ માટે કાર્યરત રહ્યાં. વિમેન-સેન્ટર – સ્ત્રીકેન્દ્રની પ્રવૃત્તિઓ માટે એમનું ઘર શરૂઆતમાં ધમધમતું રહેતું.
હું એમને પહેલી વાર એમના ઘરે શ્રી અમૃતલાલ યાજ્ઞિકની ભલામણથી મળેલી. સ્ત્રીઓના દરજ્જા માટે અભ્યાસ થઈ રહ્યો હોય, સૈદ્ધાંતિક રીતે તમામ વર્ગ, વર્ણ, જાતિ, વયની સ્ત્રીઓની સમસ્યાઓ પર સંશોધન થતું હોય, એના ઉકેલ માટે સ્ત્રી-સંગઠનો સક્રિય હોય એ અંગે મને વધારે જાણ ન હતી. મને તો લાગતું હતું કે સામાજિક રીતરિવાજો સ્ત્રીઓની જિંદગીને કુંઠિત કરે છે, એટલે હું એના પર જ ધ્યાન કેન્દ્રિત કરી પુસ્તક લખી રહી હતી. કુન્દનિકાબહેનની નવલકથા ‘સાત પગલાં આકાશમાં’ પ્રભાવક બની રહી હતી. પહેલી મુલાકાતમાં એ વિશે ખાસ્સી વાતો થઈ. વલસાડમાં અસ્તિત્વની સ્થાપના વિશે પણ વાતો થયેલી અને એમણે એને નારીવાદી સંગઠન તરીકે ઓળખાવેલું એવું યાદ આવે છે.
ત્યાર પછી તો એમનો ખાસ્સો પરિચય થતો રહ્યો અને વલસાડમાં એમની સાથે પ્રવૃત્તિઓનો એક દોર શરૂ થયો. અમૃતા શોધન સાથે તીથલ અમૂલકાકાના બંગલે ‘ઇતિહાસમાં ડોકિયું’ કાર્યશાળા, સ્ત્રીઓની અભિવ્યક્તિ પર સેન્સરશિપ અંતર્ગત લેખિકા-સંમેલન, રાજુલબહેન સાથે નારીવાદી ગીતોની કાર્યશાળા, વાચા-વર્તુળ અંતર્ગત બૌદ્ધિક ચર્ચા અંગે વર્ષો પર કરેલા કાર્યક્રમો યાદ છે, તેમાં એક વાર એમનાં બહેન મીનળ પટેલ પણ આવેલાં. અચ્યુતભાઈ યાજ્ઞિક, ઉત્કર્ષ મજુમદાર, ડૉ. નીરા દેસાઈ, કુમુદ શાનબાગ, વિભૂતિ પટેલ જેવાં અનેક વિદ્વાનોનો વલસાડને પરિચય થયો. તેમાં સોનલબહેનની નિસબત અને સંપર્ક ક્યાંક ને ક્યાંક હોય જ. નારીમુક્તિની મિટિંગો અલગ-અલગ સ્થળે હોય અને જ્યારે વલસાડ થાય, ત્યારે એ મારા ઘરે હોય, સોનલબહેનનું જેટલું ધ્યાન મિટિંગની ચર્ચામાં હોય, તેટલું રસોડાની ગતિવિધિ પર પણ હોય અને પૂછપરછ કરતાં હોય. મને એમની આ લાગણી ખૂબ સ્પર્શતી. જ્યારે એમણે ‘વાચા’ની પ્રવૃત્તિઓ સાતત્યપૂર્વક વેગવંત બનાવી, ત્યારે વલસાડમાં ‘વાચા કિશોરી પ્રકલ્પ’ અંતર્ગત વિદ્યાર્થિનીઓ સાથે અને કિશોરો સાથે પણ કામ કર્યું. હિમાંશી શેલત, આશા વીરેન્દ્ર, હું, જિજ્ઞેશ પટેલ પણ સામેલ હોઈએ. સુમન બાલી, અંજુ શીંગાલા અને મુંબઈથી વાચા ટીમમાં યજ્ઞા, દર્શના, નિશ્ચિત અને અન્ય સક્રિય. વલસાડ એમનું પ્રિય સ્થળ, પરંતુ એમણે વડોદરા, અમદાવાદ, સુરત ખાતે પણ કાર્યક્રમો કરેલા અને તૃપ્તિ શેઠ સાથે બનાસકાંઠા, સુરેન્દ્રનગર જેવાં સ્થળોએ પણ પહોંચ રાખેલી.
મુંબઈ તો એમનું મુખ્ય મથક, એટલે અહીં તો વાચાની પ્રવૃત્તિઓ અઢાર જેટલી બસ્તીમાં ધમધમતી જ રહી. એમની કૉલમ ‘ઘટના અને અર્થઘટન – સ્ત્રીની દૃષ્ટિએ’ ખાસ્સી લોકપ્રિય રહી. સાંપ્રત મુદ્દા પર એમનું લખાણ અભ્યાસુ તરીકે હોય. કિશોરીઓ અને ખાસ કરીને બાલકિશોરીઓ જેમની ઉંમર આઠથી બાર વર્ષમાં આવે એમને ધ્યાનમાં રાખીને માનવીય મૂલ્યોનું સિંચન અને નારીકેન્દ્રિત વિભાવનાની રોપણી એ એમનું જીવનલક્ષ્ય અને ધ્યેય બની ગયું હતું. બાલિકાઓને નેતૃત્વ માટે તૈયાર કરવી, વિવિધ કૌશલ્ય માટે તાલીમ આપવી જેવા અભિક્રમમાં પત્રિકા કાઢવી, ફોટોગ્રાફી તાલીમ, શેરીનાટકો, કેફિયત, કલેક્ટર – ડી.એસ.પી. કક્ષાના અધિકારીશ્રીની મુલાકાત જેવી નાનાવિધ પ્રવૃત્તિ એ તાલીમનો ભાગ હોય. પોતે જ્યારે તાલીમ માટે આવે, ત્યારે બુલંદ સ્વરે ગવાતાં નારીમુક્તિનાં ગીતો અગત્યનો હિસ્સો હોય. ૧૯૭૮થી એમનું નારીવાદી કાર્ય શરૂ થયેલું તે ૨૦૨૧ સપ્ટેમ્બર સુધી અવિરત ચાલ્યું. એક વાર એમણે વૃદ્ધા સ્ત્રીઓના પ્રશ્નો પર પ્રકાશ પાડતી કાર્યશાળા કરેલી ત્યારે હું પણ મુંબઈ ગયેલી. એમણે વયસ્ક સ્ત્રીઓ માટે નહીં, પરંતુ ‘વર્ધના’ નામે ઓળખ સૂચવેલી. પોતાનાં વિવિધ કાર્યક્ષેત્રનાં વિસ્તૃત ફલકમાં એમણે અ.. ધ.. ધ.. ધ લેખો લખ્યા, સેમિનાર કર્યા, મિટિંગો કરી, ગૃહિણીથી લઈ વિદ્વાનો સાથે સંપર્કો જાળવી રાખ્યા. એમના સમૃદ્ધ પુસ્તકાલયનો ઉપયોગ પણ થતો રહ્યો. એમની પ્રવૃત્તિઓનાં સહયાત્રી ડૉ. વિભૂતિ પટેલે સોનલબહેનને ભાવાંજલિ આપતો લેખ લખ્યો છે. એમાં એમની વિશદ કારકિર્દી, નારીવાદી સૂઝ-સમજ, પ્રવૃત્તિઓના વ્યાપની નોંધ લીધી છે, એના પરથી ખ્યાલ આવે છે કે એમનું વ્યક્તિત્વ કેવું ભાતીગળ અને વિવિધ ક્ષેત્રે પ્રદાન કેટલું માતબર રહ્યું છે.
થોડા દિવસ પર સોનલબહેને મને ફોન પર કહેલું કે વલસાડમાં ફરીથી કામ શરૂ કરીએ. જો કે એ ન થઈ શક્યું, પરંતુ એમનાં મનમાં વલસાડ હતું, અમે હતાં એ નક્કી. બીજી પણ એક વાત રહી ગઈ. હિમાંશુભાઈ હતા, ત્યારે એમની સાથે વલસાડ આવવાનો એમનો વિચાર પણ શક્ય ન બન્યો. પાંચેક વરસ પર વાચાના કાર્યક્રમમાં સામેલ થવાનું બનેલું ત્યારે સોનલબહેન માટે આ રચના સ્ફુરેલી.
સોનલબહેન તમે એટલે
ખુશમિજાજ
વાસંતી સદાબહાર
માંહ્યલાની સ્વામિની.
સોનલબહેન તમે એટલે
સંવેદનાત્મક
સંચેતનાયુક્ત
સંવાદસભર
સંતર્પક શીતળસખ્ય.
સોનલબહેન તમે એટલે
નારીવાદી ચિંતનનાં આરાધક
નારીવાદી અક્ષર, આલેખક
નારીવાદી ચળવળ-સમર્થક
અમારા વાચાસ્થંભ.
તમારું હોવું એટલે અમારું
આશ્વસ્ત રહેવું
નિશ્ચિંત બનવું
સહજ થવું
ઝળહળવું
કારણ તમે એટલે અમારી વાચા
વાચા એટલે તમારાં અમે અને
અમારાં તમે, ખરું કે નહીં ?
હજી પણ તમારો અવાજ પડઘો બનીને કાને રણકે છે કે આ ડિસેમ્બરમાં વલસાડ મળીએ, ત્યારે ઉંબાડિયા પાર્ટી નક્કી … પરંતુ !
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 15