કાયદા તોડવા માટે જ છે એવું ઘણાં માને છે ને એવું માનનારાઓમાંથી કાયદાનું પાલન કરાવનારા પણ બાકાત નથી. ઘણાં પોતાનાં કામને બહુ વફાદાર હોય છે, તો ઘણાં અધિકારીઓ કાયદાને જ ગજવામાં ઘાલીને ફરતાં હોય છે. મોટે ભાગે તો કાયદાનું પાલન કરાય એટલે પાલન કરાવનારા તંત્રો સક્રિય રહે છે, પણ કાયદાને નામે કેટલાક અધિકારીઓ લોકોને લૂંટે પણ છે. આ લૂંટનો અનુભવ ઘણાંને છે, હશે. પટાવાળાથી માંડીને ઉપરી અધિકારીઓ સહિતના ઘણાં આ લૂંટમાં સામેલ હોય છે. ઘણાં, પોલીસનું ગુજરાતી, હપ્તો, એવું પણ કરે છે તે સાવ ખોટું નથી લાગતું.
આજના જ સમાચાર છે કે ટ્રાફિક પોલીસ કોમર્શિયલ વાહનો પાસેથી હપ્તા વસૂલે છે. જુદાં જુદાં વાહનોના ભાવ નક્કી થયેલાં છે. જેમ કે સ્કૂલ ઓટો કે વાન હોય તો તેનો ભાવ 500 કે 1,000 રૂપિયા છે. ટેમ્પાના 1,000થી 1,500, ટ્રક, ટ્રેક્ટરના 2,000, લક્ઝરી બસના 2,500 ને હાઈવા ટ્રકના 3,500 એમ ભાવ નક્કી થયા છે. આ ગેરકાયદે છે, પણ કાયદેસર હોય તેમ સૌ સરવાળો કરતા જાય છે. ટ્રાફિક શાખાના જ એ.સી.પી.ના એક અંગત રિક્ષાવાળાએ આવાં ઉઘરાણાંના વીડિયો જાહેર કર્યા છે તેના પરથી ટ્રાફિક વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો ખ્યાલ આવે છે. આ ઉઘરાણી કેમ થાય છે તેનો ખુલાસો નથી, પણ થાય છે એ જગજાહેર છે. એક સમયે ભ્રષ્ટ માણસ શરમાતો, હવે ભ્રષ્ટતા એટલી વધી છે કે શરમ માટે જગ્યા જ બચી નથી.
આર.ટી.ઓ.માં પણ ટેસ્ટ લીધા વિના ડ્રાઇવિંગ લાઇસન્સ કાઢી આપનારા આસપાસ ભમતા હોય છે. ગોળના ઢેફા પર પણ આટલો બણબણાટ નથી હોતો. એક તરફ ટ્રેનિંગ લીધી હોય તેને નાપાસ કરવામાં આવે છે ને બીજી તરફ વગર ટેસ્ટે લાઇસન્સ કાઢી આપવાનું પણ ચાલે છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે એ માટે જે ધોરણો કે કાયદા ઘડાયાં હોય એમાં જ મનસ્વી રીતે અધિકારીઓ પોતાની રીતિ(અ)નીતિ દાખલ કરી લૂંટ ચલાવે છે ને એમાં માલેતુજારો ઉપરાંત સાધારણ વાહન ચાલકોને ય લૂંટવામાં આવે છે ને એને કોઈ પડકારી શકે એમ નથી, કારણ ફરિયાદ કોને કરવાની? જેમને કરવાની હોય એ જ આરોપી હોય તો રડવાનું કોને ને રડવાનું કોનું?
આજ સ્થિતિ વેપારીઓ અને જી.એસ.ટી. વસૂલતા અધિકારીઓ સંદર્ભે પણ છે. ભૂતપૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીએ જે મૂરતમાં જી.એસ.ટી.નું ભૂંગળ વગાડ્યું છે તે એટલી મૂંઝવણો ઊભી કરે છે કે એનો આજીવન નિકાલ આવે એમ લાગતું નથી. આમ તો જી.એસ.ટી.ની વાત આવેલી ત્યારે બીજા ટેક્સ નહીં લાગે એવી મજાક પણ થયેલી, પણ રમત એવી થઈ છે કે બીજા ટેક્સ વધ્યા છે ને જી.એસ.ટી. તો કરમે ચોંટેલો જ છે. સરકાર જી.એસ.ટી.માંથી કેટલો ટેક્સ કમાઈ છે એના અબજો અબજોના આંકડા જાહેર કરતી રહે છે ને એનું ટેક્સનું માળખું આજે પણ એટલું મૂંઝવનારું છે કે સરકાર સિવાય કોઈને રાહત થતી નથી. એમાં વળી કોઈએ રિફંડ લેવાના થતાં હોય તો આ ટેક્સના કેટલાક કન્સલ્ટંટ્સ કે સી.એ. પણ પોતાની હોજરી ભરી લે છે. રિફંડ પચાસ લાખથી ઓછી રકમનું હોય તો આ લોકો 5 ટકાનું ને 50 લાખથી વધુનું હોય તો 3 ટકાનું ઉઘરાણું વેપારીઓ પાસેથી કરતાં હોય છે. એમાં અધિકારીને નામે દોઢ બે ટકા જુદા કઢાય છે. જો આ માંગ સંતોષાય તો કલાકોમાં વેપારીને રિફંડ મળી જાય છે ને એમાં જો કોઈ સિદ્ધાન્ત કે કાયદાની વાત કરવા ગયું તો રિફંડ ને દંડ વચ્ચે ઝાઝો ફરક રહેતો નથી. આ અધિકારીઓ, સી.એ. કે ટેક્સ કન્સલ્ટંટ્સ પર તપાસ મૂકાય તો જ વેપારીઓની કનડગત અટકે તેમ છે. વેપારીઓ આવા કેસમાં ફરિયાદ કરી શકે, પણ પછી એમના કાન માથા સાથે જડેલા છે ને ભવિષ્યમાં આ જ નમૂનાઓ જોડે પાણીમાં રહેવાનુ હોય તો વેર કરીને ક્યાં જવું? ટૂંકમાં, વધારે હેરાનગતિ ન થાય એટલે લૂંટાઈને પણ સૌ ચૂપ રહે છે.
એમ લાગે છે કે ભ્રષ્ટ લોકો કે અધિકારીઓ મળી સમજીને તોડ પાડી લે છે ને ભાગે પડતું હક વગરનું લઈને કમાણી કરી લે છે. એમાં કોઈને જરા પણ ઓછું આવ્યું તો હેરાનગતિ શરૂ થઈ જાય છે. આમાં કોઈ પ્રમાણિક કે સિદ્ધાન્તવાદી ભૂલેચૂકે અડફેટે ચડ્યો તો એનું એટલું લોહી પીવાય છે કે તેણે મરવા સુધી જવું પડે અથવા તો આ કહેવાતાં તંત્રનું શરણું સ્વીકારી લેવું પડે. ભ્રષ્ટતા જાણે કે લોહીમાં વણાઈ ગઈ છે. આ એવો રાષ્ટ્રીય પ્રવાહ છે કે એનાથી જુદો પડીને કોઈ સામા પૂરે તરવા ઇચ્છે તો તેણે આત્મહત્યા કે શહીદી જ વહોરવી પડે. કેવું છે આ? સત્યમેવ જયતે-નું સૂત્ર બોલતાં જઈને અસત્યનો મહિમા કરનારી ભીડમાં તણાતાં જવાનું ભાગ્ય લઈને આવ્યાં હોઈએ એવી સ્થિતિ છે. આમાં કેટલાક અધિકારીઓ પ્રમાણિક અને સત્યનિષ્ઠ છે જ, એ જ રીતે કેટલાક પ્રજાજનો પણ સત્યનિષ્ઠ સાત્વિકતાને સ્વીકારે છે, પણ મોટો ભાગ પ્રજાનો અને તંત્રનો પૈસા વેરીને કામ કઢાવી કે કાઢી લેવામાં માને છે. આ બધામાં ઘણુંખરું તો હેતુ વધુને વધુ પૈસા ભેગા કરવાનો જ હોય છે. એટલા પૈસા કે અનેક પેઢીઓ સુધી ખાતાં ખૂટે નહીં, જ્યારે વાસ્તવિકતા તો એ જ છે કે જીવવાનું અનેક પેઢીઓ સુધી કોઈનું નથી ચાલતું, ભલે પછી એ સાધુ હોય કે શેતાન જ કેમ ન હોય !
આજે એવું છે કે કેમ તે ખબર નથી, પણ એક સમય હતો જ્યારે પોલીસ અધિકારીઓ સુરત કે ગુજરાતમાં બદલી માંગતા ને એને માટે લાખોની લાંચ પણ આપતા. એમને વિશ્વાસ હતો કે લાખો રૂપિયા પછી તો મળી જ રહેવાના છે ને એમાં એ ખોટા ન પડતા એ પણ ખરું. તે એટલા માટે કે એ સૌ જાણતા હતા કે ગુજરાતમાં દારૂબંધી છે. ગાંધીજી ગુજરાતનાં હતા એટલે અહીં તો દારૂબંધી જ હોય ને ! એમ કરીને આપણે ગાંધીજીને ગુજરાત પૂરતા જ સીમિત કરી દીધા કે પછી ગુજરાતમાં જ દારૂબંધી રાખીને એમાંથી વધુ કમાવાની સગવડ ઊભી કરી તે નથી ખબર, પણ દારૂને કારણે થતી અન્ય રાજયોની કમાણી કરતાં ગુજરાતની કમાણી ઓછી છે કે વધારે એની તપાસ કરવા જેવી છે. બને કે ગુજરાતની કમાણી વધારે હોય. આ દારૂબંધી આમ તો નામની છે, બાકી દારૂને નામે વધુ કમાણી અહીં છે તે તંત્રો જાણે છે, એટલે અહીં બે નંબરની આવક સરળ છે, એ ગણતરીએ અહીં અધિકારીઓ બદલી માંગી લે છે ને બીજે બદલી ન થાય એની કાળજી પણ રાખે છે. અગેઇન, આમાં પણ કેટલાક ખરેખર સેવા કરનારા લોકો છે જ, પણ મોટો ભાગ મેવા લૂંટનારો છે તેની ના પાડી શકાશે નહીં. દારૂબંધીને કારણે કેટલા અધિકારીઓ ગાડી બંગલાવાળા થયા છે તે આસપાસ નજર નાખીએ તો પણ સમજાય એમ છે. એ ઈમાનદારીનું પરિણામ નથી, બેઇમાનીનું હોય તો હોય, આ કમાણી પગારમાંથી કદી શક્ય નથી ને કોઈ વારસો ન મળ્યો હોય તો, આટલો વૈભવ ધરાવનારા અધિકારીઓ કેવી રીતે બધું પામ્યા હશે તે કહ્યા વગર પણ સમજાય એમ છે.
આમ તો આ અરણ્યરુદન જ છે. એવું પણ માની લેવાયું છે કે ભ્રષ્ટ થયા વગર હવે ચાલે એમ જ નથી. નાનો, નાની ચોરી કરે ને મોટો, મોટી ચોરી કરે એવું ઘણાંએ સ્વીકારી લીધું છે. આમ કરવું જ પડે એવું પણ માની લેવાયું છે. કોણ નથી કરતું આવું, એવું કહીને તેની પાછળ પોતાની જાત પણ સંતાડાય છે, તો ભલે તેમ ! સ્વીકારી લઈએ આ ભ્રષ્ટતા, પણ પછી આપણાં બાળકોને એ શીખવવું પડશે કે ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. એને કહેવું પડશે કે લુચ્ચાઈ જ સચ્ચાઈ છે. એને ભણાવવું પડશે કે ચંદ્ર એની ચાંદની વેરે છે તેમાં એનો કોઈ સ્વાર્થ છે, કારણ સ્વાર્થ વગર તો દુનિયા ચાલતી જ નથીને ! એને કહેવું પડશે કે સૂર્ય અજવાળું કરવાનું બિલ મોકલે છે ને પેલાં મૂરખ ફૂલો એટલાં સ્વાર્થી છે કે તમને હસાવવા ન હોત તો એણે કદી સ્મિત વેર્યું ન હોત ! શું કહીશું એ નદીને જેનો સ્વાર્થ જ તમને તૃપ્ત કરવાનો છે. આ સમુદ્રો એટલે જળ સંઘરી બેઠા છે જેથી સૂર્ય એને શોષે અને એક એક ટીપું ભેગું કરીને વરસતી ઋતુ બનાવે. હવે તો પંખીને જોવાનો જ સમય નથી, ત્યાં એના ટહુકાના એ કેટલા લે છે તે પૂછવું પડે. સ્વાર્થ વગર તો પંખી પણ શું કામ ગાય? આ ને આવનારી પેઢીને એ કહેવું પડશે કે કુદરત જો આટલી સ્વાર્થી હોય તો આપણે પહેલો એકડો તો અબજોનો જ પાડવો જોઈએ. કહી શકાશે, આવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ઑક્ટોબર 2021