પચાસ વરસ પહેલાં રમા રવિ દેવી નામની એક મહિલાએ ન્યાય મેળવવા માટે અદાલતનો આશરો લીધો હતો. એ એ સમય હતો જ્યારે દેશ તેની આઝાદીની રજતજયંતી ઉજવતો હતો અને એ વરસના ડિસેમ્બર મહિનામાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ જીતીને બંગલાદેશને આઝાદી અપાવી હતી. એક બાજુએ પચીસ વરસે આપણે ક્યાં છીએ એનાં લેખાજોખાં કરવામાં આવી રહ્યાં હતાં અને બીજી બાજુએ પાકિસ્તાન સામેના વિજય પછી પ્રજાનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાતમાં આસમાને હતો. એ સમયે આ લખનારની ઉંમર ૧૭ વરસની હતી, આ લખનાર સામાજિક-રાજકીય પ્રશ્નોમાં રસ લેતો થયો હતો અને એને એટલું બરાબર યાદ છે કે ત્યારે લેખાજોખાંનો કેન્દ્રવર્તી વિષય કાયદાનું રાજ, આમ આદમીને ન્યાય, મુક્ત ન્યાયતંત્ર અને લોકભાગીદારીવાળું સાચું ટકોરાબંધ લોકતંત્ર હતાં. એનું કારણ એ હતું કે તેની સામેના ખતરા નજરે પડવા લાગ્યા હતા. સ્થાપિત હિતો વિકસવા લાગ્યા હતા જેને કાયદાનું રાજ, આમ આદમીને ન્યાય, મુક્ત ન્યાયતંત્ર અને પ્રજાકીય ભાગીદારીવાળું લોકતંત્ર પરવડતું નહોતું.
એ સમયનાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ ત્યારે ‘ગરીબી હટાઓ’નો નારો આપ્યો હતો. પ્રજાનું ધ્યાન જ્યારે બીજે દોરવું હોય ત્યારે અર્થતંત્રનો આશરો લેવામાં આવે છે. કાં ડરાવીને અને કાં પોરસાવીને. જુઓ સ્થાપિત હિતો તમને આગળ વધવા દેતા નથી અને તમારા હકનું ઝૂંટવી જાય છે. તમે ગરીબના ગરીબ એટલા માટે છો કે કેટલાક લોકો વ્યવસ્થાને ગરીબલક્ષી બનવા દેતા નથી. હું એ વ્યવસ્થાને ગરીબલક્ષી બનાવવા માગું છું તો વિરોધપક્ષો તેનો વિરોધ કરે છે. અત્યારે પ્રજાને પોરસાવામાં આવી રહી છે. મોટીમોટી યોજનાઓ જાહેર કરવાની, પ્રચંડ મોટા આંકડા ફગાવવાના, લોકોને નજરે પડે એવાં ભવ્ય બાંધકામ કરવાનાં, વગેરે. પોતાનાં ખિસ્સામાં ભલે દમડી ન આવે, પણ લોકોને એમ લાગવું જોઈએ કે મહાન યોજનાઓ આકાર લઈ રહી છે અને આપણને પણ દમડી નહીં, દલ્લો મળવાનો છે. ભાટાઈ કરનારાં મીડિયા ત્યારે પણ હતા અને આજે પણ છે, ફરક એ છે કે અત્યારે તેનું પ્રમાણ હજાર ગણું છે અને પહોંચ હજારો ગણી છે. બીકાઉ જજ અત્યારે પણ હતા; પણ ત્યારે તેનું પ્રમાણ ઘણું ઓછું હતું, જે હતું એ નીચલી અદાલતોમાં વધારે હતું. ૧૯૭૧ પછી બહુ જલદી વડી અને સર્વોચ્ચ અદાલતમાં પણ બીકાઉ જજો પ્રવેશવાના હતા.
આઝાદીની રજતજયંતી પ્રસંગે કાંઈક આ પ્રકારની સ્થિતિ હતી. અમંગળ ઓળાઓનું એક વર્તુળ દેશના જાહેરજીવન ફરતે ક્ષિતિજે રચાઈ ગયું હતું. એ સમયે પશ્ચિમ બંગાળનાં બોનગાંવ જિલ્લાના એક ગામમાં રહેતી રમા રવિ દેવી નામની એક મહિલાએ ત્રણ હજાર રૂપિયા પાછા મેળવવા શશધર બિશ્વાસ નામના માણસ સામે સ્થાનિક મુનસફની અદાલતમાં દીવાની કેસ કર્યો હતો. ૧૯૭૪માં મુનસફની અદાલતે રમા રવિ દેવીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને શશધર બિશ્વાસને છ હપ્તામાં ધીરેધીરે પૈસા ચુકવવાનો આદેશ આપ્યો હતો. આપેલી મુદ્દતમાં બિશ્વાસે જ્યારે પૈસા ચૂકવ્યા નહીં, ત્યારે રમા દેવીએ શશધર બિશ્વાસની ૭૫૦૦ ચોરસફૂટની જગ્યા કબજે કરીને તેની લીલામી કરીને પૈસા વસૂલ કરવાની અરજી કરી હતી, જે અદાલતે માન્ય રાખી હતી. ૧૯૭૫માં શશધર બિશ્વાસની મિલકતની લીલામી થઈ હતી જેમાં સચિન્દ્રનાથ મુખર્જી અને દુલાલ કાંતિ મુખર્જીએ ૫,૫૦૦ રૂપિયામાં એ મિલકત ખરીદી લીધી હતી.
શશધર બિશ્વાસે ૧૯૭૯માં લીલામીમાં ગેરવ્યવહાર થયો છે એમ કહીને તેને પડકારી હતી. ૧૯૮૦માં તેની મિલકત ખરીદનાર મુખર્જી બંધુઓ સાથે તેણે સમજૂતિ કરી હતી કે તે તેમના પૈસા પાછા આપશે અને સાટામાં મુખર્જીઓ શશધરની મિલકત પાછી કરશે. શશધરે મુખર્જીબંધુઓને તેમના ૫.૫૦૦ રૂપિયા પાછા આપવાની જગ્યાએ રમા દેવીને આપવાના નીકળતા ૩,૭૦૦ રૂપિયા જ આપ્યા હતા અને દાવો કર્યો હતો કે હિસાબ ચૂકતે કરવામાં આવ્યો છે એટલે મુખર્જીઓએ મિલકત પાછી કરવી જોઈએ. કોઈ લેવાદેવા વિના મુખર્જી બંધુઓ આમાં પક્ષકાર બની ગયા હતા. આ દેખીતી રીતે જૂઠ અને છેતરપિંડીનો કેસ હતો અને નીચલી અદાલતે એ રીતનો ચુકાદો પણ આપ્યો હતો, પણ એ પછી અદાલતમાં એક રહસ્યમય ઘટના બની. એ જ અદાલતના એ જ જજે મહિના પછી મુખર્જીઓને જાણ પણ કર્યા વિના પોતાના ચુકાદાને પાછો લીધો અને લીલામીની પ્રક્રિયાને શંકાસ્પદ ગણાવી. ન રમા દેવીને પૈસા મળ્યા કે ન મુખર્જીઓને મિલકત મળી.
આમાં એક દાયકો વીતી ગયો. ૧૯૮૧માં મુખર્જી બંધુઓએ પટનાની વડી અદાલતમાં અપીલ કરી. ત્રણ વરસ પછી ૧૯૮૩ વડી અદાલતે આદેશ આપ્યો કે નીચલી અદાલતમાં આ ખટલો નવેસરથી સાંભળવામાં આવે. ચાર વરસ પછી ૧૯૮૭માં નીચલી અદાલતે મુખર્જીઓની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો. મુખર્જીઓ પાછા વડી અદાલતમાં ગયા અને ૧૯૯૦માં વડી અદાલતે લીલામીમાં કરવામાં આવેલા વેચાણને કાયદેસરનું ઠરાવ્યું હતું. ૧૯૯૧માં શશધરે પટનાની વડી અદાલતના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો. બે દાયકા પૂરા થયા. ૧૯૯૨માં સર્વોચ્ચ અદાલતે શશધર બિશ્વાસની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો.
હવે શશધર બિશ્વાસ પાસે કોઈ ઉપાય નહીં બચ્યો હોય એમ જો તમારું અનુમાન હોય તો એ ખોટું છે. બે દાયકે કેસ જીત્યા પછી મુખર્જી બંધુઓએ લીલામમાં ખરીદેલી મિલકતનાં શેર સર્ટિફિકેટ માટે જ્યારે અરજી કરી ત્યારે શશધરે તેને દીવાની અદાલતમાં પડકારી હતી. જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાંથી એકડે એકથી પાછી શરૂઆત થઈ. અઢી દાયકા વીતી ગયા અને ત્રીજી વાર એકડે એકથી શરૂઆત થઈ. એ જ દીવાની અદાલતથી સર્વોચ્ચ અદાલતની યાત્રા. ૨૦૦૧માં બિશ્વાસના હાથ હેઠા પડ્યા અને તેને મુખર્જીની તરફેણમાં શેર સર્ટિફિકેટ ટ્રાન્સફર કરી આપવાનો આદેશ આપવામાં આવ્યો. વર્ષ ૨૦૦૧. ત્રણ દાયકા પૂરા થયા.
ના, હજુ બે દાયકાની કાનૂની યાત્રા બાકી છે. એ મિલકત મુખર્જીઓને મળે એ પહેલાં શશધરના છોકરાઓએ એ મિલકત ઉપર નવું મકાન બાંધી દીધું અને દાવો કર્યો કે મિલકતનું સ્વરૂપ બદલાઈ ગયું છે માટે મિલકતનો કબજો ન મળી શકે, માત્ર તેઓ મુખર્જીઓનાં લેણાં નીકળતા રૂપિયા આપી દેશે. વિવાદાસ્પદ મિલકત હોય, અદાલતમાં કેસ ચાલતો હોય અને ઉપરથી મિલકતનો કબજાધારી અદાલતમાં કેસ હારી ગયો હોય અને એ છતાં તેને મકાન બાંધવાની મંજૂરી મળી ગઈ હતી. મુખર્જી બંધુઓએ હવે કરવામાં આવેલાં બાંધકામને પડકારવાનું હતું. ફરી એક વાર, એટલે કે ચોથી વાર દીવાની અદાલતથી સર્વોચ્ચ અદાલતની યાત્રા શરૂ થઈ. ૨૦૦૬ની સાલમાં સર્વોચ્ચ અદાલતે એ મિલકત ઉપર બાંધવામાં આવેલા મકાનને તોડી નાખવાના નીચલી અદાલતના આદેશને માન્ય રાખ્યો.
હવે? હજુ મજલ બાકી છે અને ૨૦૨૧ સુધી આવવાનું છે. શશધરના છોકરાઓએ મકાનની વેલ્યુએશનની અરજી કરીને નીચલી અદાલતને કહ્યું કે તેઓ મુખર્જીઓના જેટલા પૈસા નિકળે છે એટલી રકમની મિલકત મકાનમાં આપવા તૈયાર છે અને બાકીની મિલકત શશધર પરિવારને આપવામાં આવે. ફરી વાર નીચલી અદાલતથી યાત્રા શરૂ થઈ અને સર્વોચ્ચ અદાલત સુધી પહોંચી. આ ન્યાય મેળવવા માટેની પાંચમી કાનૂની પરિક્રમા હતી. આઠમી ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલતે મુખર્જીઓની તરફેણમાં ચુકાદો તો આપ્યો પણ એ સાથે શશધર બિશ્વાસના વારસોને પણ આદેશ આપ્યો છે કે હવે તેઓ નવી કાનૂની પરિક્રમા શરૂ નહીં કરે. આવું જગતમાં ક્યાં ય કોઈ અદાલતમાં નહીં બન્યું હોય જેમાં ઠગને કહેવામાં આવ્યું હોય કે હવે નવેસરથી ઠગાઈ કરવાની નથી.
અરે ભાઈ, કાનૂનનો અને ન્યાયતંત્રનો દુરુપયોગ કરવો, વિવિધ અદાલતોના હજારો કલાકો બગાડવા, જેને ઝઘડા સાથે કોઈ લેવાદેવા નહોતી એ મુખર્જીઓને કારણ વિના હેરાન કરવા એ જેલની સજા કરી શકાય એવો ફોઝદારી ગુનો ન કહેવાય? એની જગ્યાએ સર્વોચ્ચ અદાલતે શશધર બિશ્વાસના વારસોને માત્ર એટલી જ તાકીદ કરી છે કે હવે ફરી એક વાર નવેસરથી અદાલતી પરિક્રમા કરવાની નથી. હકીકત તો એ છે કે કોઈને કાનૂન અને ન્યાયતંત્ર આશરો લેતો રોકવો એ ખોટું છે. અદાલતનો આદેશ સ્વાભાવિક ન્યાય(નેચરલ જસ્ટીસ)ની વિરુદ્ધ છે. કાનૂન અને ન્યાયતંત્રનો કોઈ દુરુપયોગ ન કરે એ જોવાનું કામ ન્યાયતંત્રનું છે. તમારો દુરુપયોગ કરી શકાય છે માટે લોકો દુરુપયોગ કરે છે અને નિર્લજ્જપણે આટલી હદે દુરુપયોગ કોઈ કરી શકે એ ન્યાયતંત્ર માટે કલંકરૂપ ઘટના છે. સર્વોચ્ચ અદાલત આત્મનિરીક્ષણ કરતી જોવા મળતી નથી.
૧૯૭૧-૨૦૨૧. પચાસ વરસ થયાં. ત્યારે આઝાદીની રજતજયંતી હતી અત્યારે પ્લેટીનમ જ્યુબિલી છે. જો શશધર બિશ્વાસ જેવો મામુલી માણસ ન્યાયતંત્રનો આટલી હદે દુરપયોગ કરી શકે તો કલ્પના કરો કે તમારી આજુબાજુ જે શાર્ક નજરે પડી રહ્યા છે એ શું નહીં કરતા હોય? કરલો દુનિયા મુઠ્ઠી મેં. બધા જ અને બધું જ તેમની મુઠ્ઠીમાં છે.
ઉદાસી માટેનાં કારણો ૧૯૭૧ કરતાં અનેકગણા વધુ છે, પણ બહુ ઉદાસ ન થવું હોય તો ચાલો, દેશપ્રેમી બની જઈએ! રાષ્ટ્રધ્વજને હજુ બે મીટર લાંબો કરી નાખો અને હજુ સો ફૂટ ઊંચે લહેરાવો. અનેરા આનંદનો અનુભવ થશે! ગેરંટી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 21 ઑક્ટોબર 2021