સેલેબ્રિટીઝને પોતાની અંગત જિંદગી ખાનગી રહે તેમાં રસ હોય તે સ્વાભાવિક છે અને તેઓ હંમેશાં કરચોરી કરે જ છે તેવું જરૂરી પણ નથી હોતું
પેન્ડોરા પેપર્સની ચર્ચા હવે લાંબી ચાલશે. આ પહેલાં પનામા પેપર્સ વિશે પણ ખાસ્સો હોબાળો થયો અને પછી કાગળિયાનો અવાજ બંધ થઇ ગયો. પેન્ડોરા નામ જે ગ્રીક દંતકથા પરથી આવ્યું છે તેને વિશે મોટા ભાગનાંને જાણ હશે. પેન્ડોરાઝ બૉક્સમાં પેન્ડોરા જ્યારે એપિમેથિયસને પરણી, ત્યારે ઝિયસે લગ્નમાં ભેટ તરીકે એક પેટી આપીને તેને ક્યારે ય ન ખોલવાની શરત મૂકી, ઉત્સુક પેન્ડોરાથી રહેવાયું નહીં. આખરે એક દિવસ તેણે એ પેટી ખોલી નાખી. એ પેટીમાંથી ઇર્ષ્યા, ધિક્કાર, નિરાશા, યુદ્ધ, ગરીબી, ભૂખ, રોગચાળો જેવી વ્યથા અને પીડાઓ જગતમાં ફેલાઇ ગઇ અને ત્યારથી માણસ જાત આ બધાંયનો ભોગ બનીને તે પીડતી રહે છે. અત્યારે જે પેન્ડોરા પેપર્સ ચર્ચામાં છે તેમાં જે રીતે મોટાં માથાંઓનાં પૈસા ખદબદે છે તે જોતાં આ બધી દુન્યવી પીડાઓની ટીસ હ્રદયના કોઇને કોઇ ખૂણે તો આકરી બને જ. માળા, રહી ગયાની લાગણી થાય, કોઇને એમ થાય કે એટલું કમાઇએ કે એક વખત આવા કોઇ કાંડમાં આપણું ય નામ આવે. આ તો સ્વભાવગત સપાટી પર આવી જતી લાગણીઓ છે. શકીરાથી માંડીને જેકી શ્રોફ અને સચિન તેંડુલકરનું જેમાં નામ ઉછળ્યું તે પેન્ડોરા પેપર્સની પાછળનો તર્ક સમજવાનો પ્રયાસ કરીએ.
પનામા પેપર્સને પાંચ વર્ષ થયા અને ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (આઇ.સી.આઇ.જે.) દ્વારા પેન્ડોરા પેપર્સનો ધડાકો કરાયો. રાજકારણીઓ, સેલિબ્રિટીઝ, સ્પોર્ટ સ્ટાર્સ, વર્લ્ડ લીડર્સ, ધર્મગુરુઓ જેવા કેટલાં ય લોકોએ ખરબો ડોલર્સની તેમની મિલકત ઓફશોર એકાઉન્ટ્સમાં સલામત મૂકી હોવાની વાત બહાર આવી. કોઇનાં રોકાણો મોટાં મેન્શન્સમાં છે તો કોઇએ બીચફ્રન્ટવાળી પ્રોપર્ટીઝમાં રોકાણ કર્યું છે, તો વળી યૉટ્સમાં રોકાણ છે. દુનિયા આખીમાં ફેલાયેલી થયેલી હોય તેવી ૧૪ પેઢીઓ પાસેથી ૧૨ મિલિયન ફાઇલ્સ મેળવીને તેનો રિવ્યુ કરાયો, ત્યારે આ ‘ગુપ્ત ધન’ની વિગતો બહાર આવી છે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા હોય કે ચેકના વડા પ્રધાન અન્દ્રેજ બેબિસ હોય કે પછી રશિયન પ્રેસિડન્ટ અને પાકિસ્તાની વડા પ્રધાનના એસોસિએટ્સ હોય – આ બધાંના નામ આઇ.સી.આઇ.જે.ના રડારમાં આવી ગયાં છે.
ટેક્સ બચત માટે આ નાણાં ભંડાર છુપાવાયો છે અને કાળું ધન તો આર્થિક અસમાનતાની સૌથી મોટી નિશાની છે. સ્વાભાવિક છે કે આપણા જેવા વિકાસશીલ દેશમાં ટેક્સ રેવન્યુ હેલ્થકેરથી માંડીને શિક્ષણ અને ખેતી જેવા ક્ષેત્રે કામ લાગી શકે પણ ટેક્સ બચાવવા માગતા તવંગરોએ આ બધી પરવા નથી કરી. પેન્ડોરા પેપર્સ તેની જ સાબિતી છે.
આ ખૂંચે તેવી વાત ચોક્કસ છે, પણ જે લોકો મબલખ કમાય છે તેમને પણ ઘેર બેઠાં તો કલદાર મળતા નથી અને માટે જ તેમને આ પૈસા ટેક્સમાં ચાલ્યા ન જાય તેવી તરકીબ પસંદ આવે છે. તેઓ યેનકેન પ્રકારણે જે પૈસા કમાય છે તેની પર અધધધ ટેક્સ આપવાને બદલે તેઓ પસંદ કરે છે ઑફશોર કંપની અને ટ્રસ્ટ શરૂ કરવાનું જે તેમને માટે એક સસ્તો વિકલ્પ છે. લંડનમાં કે લૉસ એન્જલસમાં રહેતી સેલિબ્રિટી માટે ‘સિક્રસી જ્યુરિસ્ડિક્શન’માં કોઇ કંપની ખડી કરીને રોકાણ કરી આપતી ફાઇન્શિયલ સર્વિસ બહુ કિંમતી સેવા પૂરી પાડે છે. આ રીતે પોતે કરચોરીમાંથી બચીને સામાન્ય નાગરિકોના ખભે ટેક્સનો બોજ નાખી દેવાનો રસ્તો તવંગરોને વર્ષોથી માફક આવેલો છે. ખરેખર આમ કરવાથી આ ધનિકોને શું ફાયદો થાય છે અને શું કરચોરી એક માત્ર કારણ છે કે તેઓ ઑફશોર રોકાણો કરવાનું પસંદ કરે છે? અને શું આ બધું ખરેખર સાવ ગેરકાયદે કહેવાય?
એક અહેવાલ અનુસાર સતત લાઇમ લાઇટમાં રહેનારાઓને બેનામી શેલ કંપનીઝમાં પૈસા રોકવાનું માફક આવે છે. શેલ કંપનીઝ માત્ર પેપર પર હોય છે તેનું કોઇ વાસ્તવિક અસ્તિત્વ નથી હોતું. જેની માલિકીની છાની રાખી શકાય તેવી આ કંપનીઓ ખડી કરવાનું સસ્તું હોય છે અને વિશેષજ્ઞો તેને મની લોન્ડરિંગનો લેયરિંગ ફેઝ કહે છે. સેલેબ્રિટીઝને પોતાની અંગત જિંદગી ખાનગી રહે તેમાં રસ હોય તે સ્વાભાવિક છે અને તેઓ હંમેશાં કરચોરી કરે જ છે તેવું જરૂરી પણ નથી હોતું. ઘણા કિસ્સાઓમાં તેમના ટેક્સ રિટર્ન્સ જોઇને જાણી શકાય કે તેઓ પોતાની જવાબદારીઓમાંથી સાવ નથી છૂટી જતા, પણ મોકો મળે તો મિલકતના તોતિંગ તગડા હિસ્સાને ઑફશોર કંપનીઝમાં રોકી દેવાનું તેમને માફક આવે છે. જેમ કે યુ.એસ.એ.ના નાગરિક ન હોય પણ ત્યાં પ્રોપર્ટી લેવી હોય તો ઑફશોર કંપની થકી તેઓ એ ખરીદી કરી શકે અને તેમને તેનો જ ફાયદો મળે કારણ કે જો તે સીધી ખરીદી કરે તો એસ્ટેટ ટેક્સમાંથી તેઓ છૂટી ન શકે. યુ.એસ.ના રહેવાસી ન હોય અને ત્યાં ઑફશોર કંપનીની મદદથી રિયલ એસ્ટેટમાં રોકાણ કરે તો તે મિલકત યુ.એસ.નું એસેટ ન ગણાય અને તેની પર એસ્ટેટ ટેક્સ ન લાગે. વળી યુ.કે.માં બિઝનેસ કરવા માટે ઑફશોર કંપની શરૂ કરાય તો તેને યુ.કે.નો કોર્પોરેટ ટેક્સ ભરવો તો પડે જ પણ છતાં ય સેલેબ્રિટીઝ આ પ્રિફર કરે કારણ.કે તેમાં ગુપ્તતા જળવાય, તેમનું નામ બહાર ન આવે. જાણીતા ચહેરાઓ તેમની ઇમેજ રાઇટ્સથી મળતા પૈસા ઑફશોર કંપનીમાં રોકવાનું પસંદ કરે છે અને તેમાંથી મળતા પૈસા પોતાની જ આ ભેદી કંપનીઓ સુધી પહોંચે એટલે ઇમેજ રાઇટ્સ પણ આ કંપનીઓને વેચે છે.
શું આ કાયદેસર ગણાય?
ધનિકો પાસે ઑફશોર ફાઇનાન્શિયલ સેન્ટર વાપરવાનાં વાજબી કારણો હોય છે જેમ કે યુ.એસ. હેજ ફંડ અને બીજા મની મેનેજર્સ કેમેન આઇલેન્ડ પર એસેસ્ટમાં રોકાણ કરીને નાણાંકીય અને વહીવટી ખર્ચ ઘટાડે છે. ઑફશોર હેવન્સનો બીજો મોટો ફાયદો એ કે પૈસા રોકનાર જે દેશની વ્યક્તિ હોય ત્યાં રાજકીય ઊથલપાથલ થાય તો તેના પૈસા સુરક્ષિત રહે. જો કે ઑફશોર ઇન્વેસ્ટમેન્ટ માટે જે સ્થળો પસંદ થાય છે તે મામલે પારદર્શિતા ન હોવાને કારણે ડ્રગ ટ્રાફિકિંગ અને મની લૉન્ડરિંગ કરનારાઓને આ સ્થળો પર પોતાના કાળાં કરતૂત કરવાનો મોકો મળી જાય છે. જેમ કે પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે કે એક ઇટાલિયન માફિયાએ સ્પેનમાં જગ્યા ખરીદવા માટે આવી એક ઑફશોર કંપનીનો ઉપયોગ કર્યો.
આ રીતે રોકાણ કરનારાઓ ટેક્સ ભરતાં જ નથી એવું નથી હોતું. તેઓ ટેક્સ તો ભરે જ છે પણ જ્યારે અધધધ કમાણી હોય ત્યારે અમુક હિસ્સા પર ટેક્સ બચાવવા માટે તેઓ આવા રસ્તા અપનાવે છે.
બાય ધી વેઃ
લખીમપુર ખેરીમાં જે થઇ રહ્યું છે તેનાથી મગજ બહેર મારી જાય તેવું છે. આ લખવાનો હેતુ એટલો જ કે ધનિકોને માથે માછલાં ધોવામાં આપણે કૃષિ પ્રધાન દેશ હોવાને નાતે ધરતીનાં નક્કર પ્રશ્નો ભૂલી જઇએ છીએ. એક તરફ ડ્રગ પાર્ટીઝની હોહા છે તો બીજી તરફ કિલોના જથ્થામાં મળેલા ડ્રગ્ઝની ચર્ચા લાંબી છેડાય તેમાં કોઇને રસ નથી. પનામા, પેંડોરા જેવું તો ઘણું ય હશે પણ આ બધા ઊહાપોહ પછી થશે શું? ફેર કોની જિંદગીમાં પડશે? આ સવાલોનો બોજ વેઠવો રહ્યો અને જાતને ઢંઢોળવી રહી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 10 ઑક્ટોબર 2021