તું આ ગલીમાં થઈને ના જતી, ત્યાં ઝૂંપડાં સળગે છે મુસલમાનોનાં. તારા શરીર પરના પાતળાં પોત તો જો – ખાખ થઇ જશે પળવારમાં અને આ બાજુના મહોલ્લામાં થઈને ય જવાની જરૂર નથી ત્યાં એ બધા મસ્જિદ તોડવામાં પડ્યા છે. એકાદો પથ્થરો માથે પડશે ને ખલાસ થઇ જઈશ ત્યાં ને ત્યાં. પેલા દરવાજા પાસે ટોળાંઓ પર લાઠીચાર્જ ને ગોળીબારો થાય છે ત્યાંથી ય આઘી જ રહેજે. એકાદી આંખમાં ઘૂસી ગઈને ગોળી તો આ જે ઝાંખું ઝાંખું દેખાય છે બધું હપૂચું બંધ થઇ જશે. નોંધ લેનારા, લખનારા બધા ઘણા બેઠા છે. તું તારે ચૂપચાપ પાછળના રસ્તે જા, ત્યાં તને કોઈ હેરાન નહિ કરે. એકદમ શાંત રસ્તો છે. હસતી રમતી ફૂલની ક્યારીઓ વચ્ચેથી નીકળી જઈશ. પવન, પાણી, ફળફળાદિ બધું મળી રહેશે ને તારો વાળેય વાંકો નહીં થાય
એ લોકોને કવિતાની ચિંતા છે
હોય જ ને. વખત કેવો છે જુઓ છો ને? માણસ ગાંડો થઇ ગયો છે ત્યાં કવિતાએ આટલી બહાદુરી બતાવાની શી જરૂર છે? અલા, દેખાવો તો બધીય ગલીને નાકે થાય એમાં આપણે જોડાયા વગર શું રહી ગયા છે? આ તારા માથે આખી સંસ્કૃતિનો બોજો છે. એ બધાંયનો એ કંઈ વિચાર સરખો કરતી નથી. કઈ જાતની બાઈ છો? તું તો મા છો – ભાષાની મા. તારે તો સાચવવાની હોય આપણી ભાષાને. સમયથી ઉપર ઊઠતાં શીખવાનું હોય તારે લોકોને અને તું જ આ રીતે નારાબાજી કરશે તો આપણી ભાષાના ભવિષ્યનું શું? આ કોના વાદે થઈને સાહિત્યદ્રોહ કરવા બેઠી છો, સમજાતું નથી. દેશ ભડકે બળતો હોય; માનવતા જેવું કંઈ રહ્યું ના હોય, ધર્મને નામે લોકો ખંજર ચલાવતા હોય — આપણને દુ:ખ થાય એ બરાબર છે. પણ આ વસન્ત, વરસાદ, આકાશ, રાધાના કાહ્ન બધા મરી પરવાર્યા છે, તે એક્નીએક રાજકારણની વાતો લઈને માથા ફૂટે છે? એક કામ કર — તું થોડો બ્રેક લઇ લે. ક્યાંક દૂર પહાડ પર, દરિયા કિનારે, એમ ક્યાંક જઈ આવ થોડા દિવસ. તને થોડો હવાફેર થાય. નહિ તો આમને આમ તો તારી તબિયત ખલાસ થઇ જવાની.
સમજે છ ને શું કહું છું?
જા તો ….