બંધારણની સફળતા-નિષ્ફળતાનો આધાર તેનો અમલ કરનાર કેવા છે તેના પરથી જ કરી શકાશે તેવી કસોટીએ જ બંધારણની સફળતા મૂલવી શકાશે.
ઓક્સર્ફ્ડ યુનિવર્સિટી પ્રેસે ૨૦૧૯ના વરસના સૌથી ચર્ચાસ્પદ શબ્દ તરીકે ‘સંવિધાન’ની પસંદગી કરી છે. સંવિધાન શબ્દે ગયા વરસે વ્યાપક સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ૩૭૦મી કલમની નાબૂદીથી જ સંવિધાન શબ્દ જનમાનસમાં વ્યાપી ગયો છે. સંવિધાનની કસોટીએ લોકતંત્ર, બિનસાંપ્રદાયિકતા, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યોની પરખ થઈ રહી છે. નાગરિકતા સંશોધન કાનૂન વિરોધી આંદોલનોમાં ભારતના બંધારણનો અને તેના કાવ્યમય આમુખનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો છે. તેથી બંધારણ જડ કાયદાપોથી મટી લોકવિરોધ અને લોકમિજાજનું પ્રતીક બની ગયું છે. દેશમાં જમણેરી બળો બળવત્તર બની રહ્યાં છે ત્યારથી કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો અને નાગરિક ચળવળો સંવિધાન તેમના નિશાના પર હોવાનું કહે છે.
ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ બંધારણ સમીક્ષાના નામે બંધારણ બદલી નાંખવાનો ગુપ્ત એજન્ડાનો, પક્ષની રાજકીય-સાંસ્કૃતિક વિચારધારાને અનુરૂપ ફેરફરોનો અને વર્તમાન સંસદીય લોકશાહીને બદલે પ્રમુખ પદ્ધતિનું શાસન દાખલ કરવાનો પ્રચાર લાંબા સમયથી થતો રહ્યો છે. ‘બંધારણ બચાવો’ની આ બૂમરાણ કોઈ રાજકીય પ્રચારબાજી જ માત્ર છે કે તેમાં કોઈ તથ્ય પણ છે તે જાણવાનો એક પ્રયાસ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને પક્ષના સિદ્ધાંતકોવિદ લાલકૃષ્ણ અડવાણીની આત્મકથાના વાચનની સાખે કરવા જેવો છે. એકાદ દાયકા પૂર્વે લખાયેલી દળદાર, વિગત અને સંદર્ભખચિત એવી અડવાણીની આત્મકથા ‘માય કન્ટ્રી, માય લાઈફ’નો ગુજરાતી અનુવાદ તાજેતરમાં જ સુલભ થયો છે. ૮૪૦ પૃષ્ઠોની આત્મકથાના ખંડ-૫ના ચોથા પ્રકરણ ‘ભારતીય બંધારણની કાર્ય સમીક્ષા’માં અડવાણીએ, ‘બંધારણ સમીક્ષા સમિતિની રચનાનો વિચાર મૂળભૂત રીતે મારો હતો’, એવા દાવા સાથે લખ્યું છે કે ‘શપથગ્રહણ(૧૩મી ઓક્ટોબર, ૧૯૯૯)ના પંદર દિવસની અંદર જ વાજપેયી સરકારે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કરાયેલું એક વચન પૂરું કર્યું. એ વચન હતું બંધારણની સમીક્ષા કરવા માટે એક રાષ્ટ્રીય પંચની રચના કરવી.’ (પૃષ્ઠ-૫૨૫) ભારતીય બંધારણના સુવર્ણજયંતી વરસે રચાયેલા આ પંચનો ઉદ્દેશ બંધારણના અમલના પચાસ વરસના અનુભવોની સમીક્ષા કરી ભવિષ્યના પડકારો મુજબના સંશોધનનો હતો. એ સમયે પ્રવર્તતી રાજકીય અસ્થિરતાને કારણે તેને રોકવાના ઉપાયો ચીંધવા, અવિશ્વાસ પ્રસ્તાવના સ્થાને રચનાત્મક વિશ્વાસ મતની વ્યવસ્થા વિચારવી અને સોનિયા ગાંધીના વિદેશી મૂળને ધ્યાનમાં લઈને વિદેશમાં જન્મેલી વ્યક્તિ ભારતના વડાપ્રધાન થઈ શકે કે કેમ તે અંગેની ભલામણનો પણ હેતુ હતો.
લગભગ બે દાયકા પૂર્વે ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૦ના રોજ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહના અધ્યક્ષસ્થાને રચાયેલા બંધારણ સમીક્ષા પંચના સભ્યોમાં ત્રણ નિવૃત્ત ન્યાયાધીશો (બી.જી. જીવન રેડ્ડી, કે. પુનૈયા અને આર.એસ. સરકારિયા,) બે કાયદાવિદ્ ( કે.પારાશરન અને સોલી સોરાબજી), બંધારણવિદ્ (સુભાષ કશ્યપ), પત્રકાર (સી.આર. ઈરાની), પૂર્વ રાજદૂત (આબિદ હુસૈન) પૂર્વ લોકસભા સ્પીકર (પી.એ. સંગમા) અને સાંસદ તથા મહાત્મા ગાંધીનાં પૌત્રી સુમિત્રા કુલકર્ણીની નિમણૂક કરવામાં આવી હતી. ૨૨ પરામર્શ પત્રો, દેશભરમાંથી મળેલાં ૨૬ હજાર સૂચનો અને ૧૦ નિષ્ણાત જૂથો દ્વારા પંચે પોતાની કાર્યવાહી હાથ ધરી હતી. પંચની રચના સામે વિરોધ વંટોળ ઊઠતાં સરકારને વિષયક્ષેત્ર સીમિત કરવાની ફરજ પડી હતી. સંસદીય લોકતંત્રની મર્યાદામાં રહીને, બંધારણના મૂળભૂત સ્વરૂપ કે વિશિષ્ટતાને હાનિ પહોંચાડ્યા વિના જ બે વરસ પછી ૧૧મી માર્ચ, ૨૦૦૨ના રોજ ૨૪૯ ભલામણો સાથેનો અહેવાલ પંચે સરકારને સુપરત કર્યો હતો.
કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણના મૂળ માળખામાં ફેરફર કરવાનો સંસદને પણ અધિકાર નથી તેવો સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો. અનુચ્છેદ ૩૬૮ હેઠળ સંસદ બંધારણમાં સુધારો કરી શકે છે, સમીક્ષા નહીં તે હકીકતથી વાકેફ બંધારણ સમીક્ષા પંચના અધ્યક્ષ જસ્ટિસ વેંકટ ચૈલ્લેયાહે કાર્યવાહીના આરંભે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે “પંચનું કામ બંધારણના કામકાજની સમીક્ષા કરવાનું છે. તેના પુનર્લેખનનું નથી.” પંચે જે ભલામણો કરી હતી તેનાથી સરકારને પોતાનો ઈરાદો બર આવતો ન લાગતાં તેણે અહેવાલ અભરાઈએ ચડાવી દીધો. પંચે કરેલી ભલામણોનો જો અમલ કરવો હોય તો ૫૮ બંધારણ સુધારા, ૮૬ કાયદામાં સુધારા અને ૧૦૫ વહીવટી સુધારા કરવા પડે તેમ હતા, પરંતુ તે માટે, તત્કાલીન એન.ડી.એ. સરકાર પાસે ન તો બહુમતી હતી કે ન તો રાજકીય ઈચ્છાશક્તિ. વ્યાપક ચૂંટણી સુધારાની ભલામણો છતાં પંચે, ઉમેદવારોને ચૂંટણી માટે સરકારી ફ્ંડ આપવા કોઈ ભલામણ ન કરી, તેને ‘નિરાશાજનક’ લેખી, તો વિદેશી મૂળના નાગરિકોના મુદ્દે રાષ્ટ્રીય વિમર્શની આવશ્યકતાના પંચના વલણને ‘પલાયનવાદી’ ગણી આત્મકથામાં અડવાણી વખોડે છે.(પૃષ્ઠ-૫૩૦).
બંધારણ સમીક્ષાપંચની અનેક દુરોગામી ભલામણો અને કટુ આલોચનાનો બે દાયકે પણ અમલ થઈ શક્યો નથી. યુ.પી.એ. સરકારે માહિતીનો અધિકાર અને શિક્ષણના અધિકારના જે કાયદા ઘડ્યા તેની ભલામણ મૂળે તો પંચના રિપોર્ટમાં હતી. મૂળભૂત અધિકારોમાં નવા મૂળભૂત અધિકારો સામેલ કરવા સંદર્ભે પંચે જન્મ અને જાતિના આધારે રાજકીય અને અન્ય વિચારધારા તથા સંપત્તિના આધારે ભેદ કરી શકાશે નહીં તથા સ્વતંત્રતાના અધિકારમાં પ્રેસની આઝાદી અને માહિતીના અધિકારને સામેલ કરવાની ભલામણ કરી હતી. અદાલતી અવમાનના કેસમાં બચાવની તક, નિર્દયતાપૂર્વક, અમાનવીય અને હીન વ્યવહાર કરવામાં આવે તો જીવન કે દૈહિક સ્વતંત્રતાથી વંચિત વ્યક્તિને પ્રતિકારનો હક, પાંચ વરસમાં રોજગારના તમામ અવસર ઉપલબ્ધ કરાવવાની રાજ્યની બાંયધરી, મતદાન અને કર ચુકવણીની નાગરિકની ફરજ, કોઈપણ વિધેયકને રાજ્યપાલ ૬ મહિનામાં અને રાષ્ટ્રપ્રમુખનો પરામર્શ જરૂરી હોય તો વધારાના ૩ મહિનામાં મંજૂરી આપવી, આંતરજ્ઞાતિય લગ્ન કરનાર દંપતીનાં સંતાનને શિક્ષણ અને નોકરીમાં અડધો ટકો અનામત, જ્ઞાતિમુક્ત થનાર વ્યક્તિને ખાસ સવલતોની પણ પંચની ભલામણ હતી.
બી.જે.પી.એ જ નહીં પૂર્વેની કૉન્ગ્રેસ સરકારોએ પણ બંધારણ સમીક્ષાના પ્રયાસો કર્યા હતા. ૧૯૫૧, ૧૯૫૪, ૧૯૬૭, ૧૯૭૬ અને ૧૯૮૦માં થયેલા બંધારણ સુધારા આ પ્રકારના જ હતા. કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધીએ કરેલો બેતાળીસમો બંધારણ સુધારો તો બંધારણના મૂળમાં ઘા કરનારો હતો. આ સુધારા દ્વારા જ આમુખમાં બિનસાંપ્રદાયિકતા, સમાજવાદ અને અખંડતા જેવા શબ્દો ઉમેરાયા, મૂળભૂત ફરજો દાખલ કરવામાં આવી અને લોકસભા અને વિધાનગૃહોની મુદ્દત વધારાઈ હતી, તે પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ૪૩ અને ૪૪મા બંધારણ સુધારા મારફ્ત ૪૨મા સુધારાની ઘણી બાબતો રદ્દ કરી હતી. ભા.જ.પે. ૧૯૯૯ની ચૂંટણીઓ પછી તેના ચૂંટણીઢંઢેરાઓમાંથી બંધારણ સમીક્ષાનો મુદ્દો પડતો મૂક્યો અને વર્તમાન કેન્દ્ર સરકાર ‘બંધારણ દિવસ’ મનાવે છે છતાં તેની સામેનો બંધારણ વિરોધીનો પ્રચાર ઓસરતો નથી. બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરે બંધારણની સફ્ળતાનો આધાર તેનો અમલ કરનાર પર રહેલો છે, તેમ કહ્યું હતું તે કસોટીએ જ બંધારણની સફ્ળતા મૂલવવી જોઈએ.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 26 ફેબ્રુઆરી 2020