જાતિગત વિભાજનના સ્થાને ધર્મના મુદ્દે ભાજપે સત્તા મેળવી પણ આજે જાતિવાદી સમીકરણો ફરી બદલાઇ રહ્યાં છે.
ભારતીય મતદારોમાં મુસ્લિમો માત્ર 15 ટકા છે. તેઓ ભા.જ.પ.ને મત નથી આપતા. 1989 પછીના રાજકારણમાં જ્યારે કૉંગ્રેસે હિંદી પ્રદેશોમાંથી પોતાની મત બેન્ક ગુમાવી, તો મુસ્લિમો યાદવોની સાથે થઈ ગયા અને અમુક તબક્કે માયાવતીના દલિતોની સાથે. આનાથી કુંઠિત વિચારધારાવાળા ભારતીય નેતાઓ કહેતા હતો કે દેશ પર કોણ સત્તા સંભાળશે, તેનો વીટો મુસ્લિમોની પાસે છે. નરેન્દ્ર મોદીએ 2014માં આ વિચારધારાને બદલી નાખી. તેમની દલીલ હતી કે જો મુસ્લિમો આપણને મત નથી આપતા તો ઠીક છે, બીજી અનેક જગ્યાએ પૂરતા મતો છે જ.
મુસ્લિમોએ તેમને મત ન આપ્યા, છતાં તેમણે વિરોધ પક્ષને સાફ કરી નાખ્યો. એક પણ મુસ્લિમ સાંસદ વગર તેમણે 282 બેઠક જીતી લીધી. ત્યાર પછી ભા.જ.પે. 19 ટકા મુસ્લિમ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ઊભો રાખ્યા વિના 77 ટકા બેઠકો જીતી લીધી. તેમણે અને ભા.જ.પે. મુસ્લિમ વ્યક્તિઓને બીજી કોઈ રીતે પણ જગ્યા આપવાનો પ્રયત્ન નથી કર્યો. તમે અમને મત નથી આપતા, તો અમારી પાસેથી સત્તામાં ભાગીદારી કરવાની આશા પણ ન રાખશો. આવું એટલા માટે શક્ય બન્યું કારણ કે તેમનું આકર્ષણ તમામ હિંદુ સામાજિક સમૂહો પર છવાયું જેઓ ત્યાં સુધી ભા.જ.પ.થી દૂર ભાગતા હતા અને પોતાના જાતિગત નેતાઓ પ્રત્યે વફાદાર હતા. 2014માં મોટા પાયે બિનયાદવ ઓ.બી.સી. ભા.જ.પ.ની સાથે જોડાઈ ગયા. અામ છતાં, જો માયાવતી 2014ની લોકસભા ચૂંટણીમાં 80માંથી એક પણ બેઠક ન જીતી શક્યાં અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં 19 બેઠકો જ જીતી શક્યાં, તો તેનો સીધો તર્કસંગત અર્થ એ થાય કે ખાસ્સી સંખ્યામાં દલિત મતદારો ભા.જ.પ.ની સાથે જોડાઈ ગયા છે. લોકસભામાં ભા.જ.પ.ના 282 સાંસદોમાંથી 40 દલિતો પણ છે, જેઓ અનામત બેઠકો પરથી જીત્યા છે. છ બીજા એલ.જે.પી. અને ટી.ડી.પી. જેવા સહયોગી પક્ષોના હતા.
છેલ્લા કેટલાક મહિનાઓમાં નવા સવાલો ઊભા થયા છે, કારણ કે દેશભરમાં દલિતોનો ગુસ્સો અને ઊભાર વધી રહ્યો છે. આ બધું જમીની રાજકારણમાંથી ઊભરી આવેલા યુવાનો અને પોતાની વાત મૂકવામાં કુશળ દલિત નેતાઓના ઊભારની સાથે સ્થિતિ બદલાઈ ચૂકી છે. ભામા-કોરેગાંવ પછી અનુસૂચિત જાતિ-જનજાતિ અધિનિયમ પર સુપ્રીમ કોર્ટના તાજા નિર્ણયના વિરોધ પછી 85 ટકા મતોમાં જ ચૂંટણી લડવાની રીતી જોખમી છે. દલિત ગુસ્સાના કારણે મતોની આ ટકાવારી ઘટીને 70 ટકા થવાનો ખતરો ઊભો થયો છે. ડેક્કન ક્રોનિકલમાં એક લેખમાં એવું લખ્યું છે કે સી.એસ.ડી.એસ.ના અગ્રણી સેફોલૉજિસ્ટ સંજય કુમારે એ ખરાઈ કરી છે કે પહેલાંની સરખામણીએ ભા.જ.પે. 2014માં સૌથી વધારે દલિત મતો મળ્યા.
તેમણે લખ્યું છે કે, ‘છેલ્લી અનેક લોકસભા ચૂંટણીઓમાં મોટા પાયે 12થી 14 ટકા દલિતોએ ભા.જ.પ.ની તરફેણમાં મતદાન કર્યું’ પણ 2014માં આ આંકડો બમણો થઈને 24 ટકા થઈ ગયો અને ભા.જ.પ.ના દલિત મતો કૉંગ્રેસ (19) અને બસપા (14) કરતાં વધારે થઈ ગયા. દલિતોમાં તાજેતરમાં વધેલી ચિંતાથી આ ફાયદાઓ સામે ખતરો ઊભો થયો છે. સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષની વચ્ચે જોડાણથી આ સમીકરણો વધારે જટિલ થયાં છે. આ બાબત ગોરખપુર અને ફૂલપુરની પેટાચૂંટણીઓ પરથી સ્પષ્ટ થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશના જે ત્રણ સાંસદોએ ફરિયાદ કરી છે, તે આ નવી અસુરક્ષાને રજૂ કરે છે. હકીકતમાં અનુસૂચિત જાતિ-જનજાતિને લગતા કાયદા પર સુપ્રીમ કોર્ટના આદેશના મુદ્દે સરકાર કદાચ જ કોઈ ભૂમિકા નિભાવી શકે છે. ચુકાદાને ધ્યાનથી વાંચતા એવું નથી લાગતું કે સારા કાયદાને નબળો પાડી દેવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી વિરોધ દર્શાવે છે કે અંદર દબાયેલો ગુસ્સો બહાર આવી રહ્યો છે. વડાપ્રધાન અને અમિત શાહ તેની સામે આંખ આડા કાન કરી શકે તેમ નથી કે 2019 આવવા દો ‘મોદી મેજિક’ બધું સાફ કરી નાખશે. તેઓ 2014ના 24 ટકા મતોમાંથી થોડા મતો પણ ગુમાવવાની સ્થિતિમાં નથી. તેમના પક્ષને મળેલા કુલ મતોની ટકાવારી 31 ટકા હતી અને ચોથા ભાગના દલિત મતો વિના આ ટકાવારી જાળવી રાખવી અશક્ય હશે.
દલિતોનો આ ઊભાર પહેલાંની સરખામણીએ અલગ છે. હવે અનેક ગણા વધારે દલિત યુવાનો સ્કૂલ-કૉલેજમાં જઈ રહ્યા છે અને ઇન્ટરનેટની ઉપલબ્ધતા સરળ હોવાના કારણે આ વધારે જાગરૂક પેઢી બની છે. યુવાન નેતાઓ પહેલી વખત ધારાસભ્ય બનેલા જિજ્ઞેશ મેવાણી જેવા નેતાઓ ઉત્તર, મધ્યમ અને પશ્ચિમ ભારતમાં લગભગ કોઈ પણ જગ્યાએ સારી એવી ભીડ એકઠી કરી શકે છે. ઉપરાંત તે પૂર્વની સરખામણીએ વધારે વૈચારિક પણ છે. તેની હાલચાલ ખાસ કરીને ડાબેરી છે અને એટલા માટે ભા.જ.પ.વિરોધી છે. 1989 સુધી ભા.જ.પ. અેવું માનતો હતો કે હિંદુ સમાજમાં જાતિગત વિભાજનના કારણે તે જીતી નથી શકતો. અડવાણીએ પહેલી વખત તેને ઓળખીને ધર્મ સાથે (અયોધ્યાના માધ્યમથી) જોડવાનું શરૂ કર્યું, જેને જાતિઓએ વહેંચી રાખ્યા હતા. જો કે, જાતિ પ્રત્યેની વફાદારી વધારે સમય સુધી દબાયેલી રહી શકે તેમ નથી. ઉત્તર પ્રદેશમાં જ્યાં એક સમયે આની બહુમતી હતી માયાવતી અને મુલાયમ-અખિલેશ આઠ વખત વારાફરતી મુખ્યમંત્રી બન્યાં. મોદી-શાહે 2014માં જે બાબતનું મિશ્ર સ્વરૂપ સામે મૂક્યું, તે પા સદી પહેલા અડવાણી કરતાં વધારે શક્તિશાળી હતું. તેઓ ખુલ્લા હિંદુ રાષ્ટ્રવાદની સાથે આગળ આવ્યા, જેની સાથે હતું મોદીનું આકર્ષણ અને ‘અચ્છે દિન’નું વચન, જે ગુજરાતના રેકૉર્ડના કારણે વિશ્વસનીય લાગતું હતું. આ તમામ જાતિ આધારિત પક્ષો પર હાવી થઈ ગયું અને ભા.જ.પે. હિંદી પ્રદેશોમાં સારી એવી જીત હાંસલ કરી.
હવે દલિત સમર્થન ખતરામાં છે, કારણ કે જાતિવાદી સમીકરણો ફરીથી બદલાઈ રહ્યાં છે. સત્તાવિરોધી વલણના કારણે ઉપજેલો અસંતોષ, બેકારી, ઉત્તર પ્રદેશમાં ઊંચી જાતિના શક્તિશાળી મુખ્યમંત્રીનો ઉદય (15 વર્ષમાં ઊંચી જાતિના પ્રથમ) એ બધી બાબતોએ સાથે મળીને જાતિગત સમીકરણોને મહત્ત્વનાં બનાવી દીધાં છે. ભા.જ.પે. ઝડપથી આને ઓળખ બનાવી લીધી છે અને મોદી-શાહ આ મુદ્દે બોલી પણ રહ્યા છે. આમ છતાં, તેમની સામે ત્રણ સમસ્યાઓ છે – એક, તેમની પાસે કોઈ મુખ્ય અને ભરોસો અપાવી શકે તેવો દલિત અવાજ નથી. બીજું એ કે, ભૂતકાળમાં ભા.જ.પે. મોદી અને શિવરાજસિંહ ચૌહાણ જેવા સ્ટાર ઓ.બી.સી. નેતા આપ્યા હતા, 2014 પછી ઉચ્ચ જાતિનો ઉપદય દેખાઈ રહ્યો છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવાં મોટાં રાજ્યોમાં. ત્રીજી, બનવા જોગ છે કે આ પરિસ્થિતિને ઓળખવામાં મોડું થઈ ગયું છે. પક્ષ અને ખાનગી મશીનરી દલિતોમાં વધતા અસંતોષને યોગ્ય સમયે પકડી શકવામાં નિષ્ફળ ગઈ છે. જો કે, હવે પક્ષે આ મુદ્દાને હાથમાં લીધો છે અને તે નુકસાનની કેટલા અંશે ભરપાઈ કરી શકે છે, 2019ના આંકડાઓ પર તેની મહત્ત્વની અસર પડશે.
સૌજન્ય : ‘સમાજકારણ’, “દિવ્ય ભાસ્કર”, 11 અૅપ્રિલ 2018