ધ્રુવ ભટ્ટ મારા પ્રિય લેખકોમાંના એક છે. એમની લેખનશૈલીની એક લાક્ષણિકતા એ છે કે એ બૂમ-બરાડા પાડીને, ભારપૂર્વક કે તાર સ્વરે ગાઈવગાડીને ક્યારે ય, કશું ય કહેતા નથી. એ હંમેશાં સામેની વ્યક્તિને સહમત કે અસહમત થવાની મોકળાશ રહે એ રીતે, હળવા, સંયમિત સ્વરે પોતાની વાત મૂકે છે.
એમની નવલકથા ‘તત્ત્વમસિ’ના પ્રાણ સમો આ સ્વર ‘રેવા’ની લેખક-દિગ્દર્શક જોડી રાહુલ ભોળે અને વિનીત કનોજિયાએ બરાબર પકડ્યો છે, એ એમની પ્રથમ અને સૌથી મોટી ઉપલબ્ધિ. ગંભીરમાં ગંભીર વાત હળવી શૈલીમાં, રમૂજી પ્રસંગો અને અસરકારક સંવાદો દ્વારા પ્રેક્ષકો સુધી પહોચાડવામાં દિગ્દર્શકો સફળ થયા છે. ફિલ્મને મનોરંજક બનાવવા માટે જરૂર પૂરતી નાટ્યાત્મકતા ઉમેરી છે, પણ ધ્રુવ ભટ્ટના મૂળ સ્વરને હાનિ પહોંચાડ્યા વિના.
જાગતિકીકરણ (Globalization) અને વ્યવસાય નિમિત્તે કે રોજીરોટી માટે માનવના સામૂહિક સ્થળાંતરને (Mass Migration) કારણે મનુષ્ય મૂળ સોતો ઉખડીને બીજા પ્રદેશ કે વિદેશની માટીમાં રોપાય છે અને પોતાની ઓળખ ગુમાવી બેસે છે. આપણે સૌ આજે ઓળખ-સંકટના (Identity Crisis) યુગમાં જીવી રહ્યા છીએ. ‘રેવા’ આવા ઓળખ-સંકટ સાથે ઝઝુમતા એક યુવાનની, શરૂઆતથી અંત સુધી આપણને જકડી રાખતી કથા છે.
અમેરિકામાં બાળપણથી જ દાદા સાથે ઉછરેલા યુવાનને દાદાના મૃત્યુ પછી જ્યારે ખબર પડે છે કે દાદાએ એમની millions of Dollarsની મિલકત ભારતમાં નર્મદા કિનારાના કોઈ આશ્રમને દાનમાં આપી દીધી છે, ત્યારે એના પર વીજળી તૂટી પડે છે. છતાં, દાદાના મૃત્યુપત્રમાં કરણ (ચેતન ધનાની) માટે એક આશાનું કિરણ છે. એ જો ત્રણ મહિનાની અંદર, નર્મદા કિનારાના પેલા આશ્રમમાં જઈ, ‘મિલકત કરણને મળે એમાં અમને કોઈ વાંધો નથી’ એવા પત્ર પર તમામ ટ્રસ્ટીઓની સહી મેળવી લાવે તો દાદાની સંપત્તિ એને મળી શકે. એશો-આરામ અને અય્યાશીમાં જીવવા ટેવાયેલો કરણ (ચેતન ધનાની) અમેરિકામાં ૩ million dollarsનું દેવું કરી બેઠો છે, એટલે એની પાસે નર્મદા કિનારાના આશ્રમમાં જઈને ટ્રસ્ટીઓની સહી લાવવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. આવી અટપટી અને વિચિત્ર વ્યવસ્થા ગોઠવવા પાછળ દાદાજીનો શું હેતુ છે, એ ફિલ્મમાં આગળ જતાં ધીરેધીરે ખૂલે છે.
અમેરિકામાં વેસ્ટર્ન વિચારધારામાં ઉછરેલા કરણના મનમાં ભારત વિશેની એક કાલ્પનિક છબી છે. એ નર્મદા કિનારાના અંતરિયાળ ભારતમાં આવીને જે જુએ છે એ તંતોતંત એના મનમાંની છબીને અનુરૂપ છે – વિચિત્ર માન્યતાઓ, અંધશ્રદ્ધા, મૂળભૂત સુવિધાઓનો અભાવ, હાડમારીભર્યું જીવન વગેરે. પણ મઝાની વાત એ છે કે આ જ બધી વાતો પાછળનાં ખરાં કારણો, આપણી સનાતન સંસ્કૃિતનાં પોત ઉપર અંકિત નર્મદા કિનારાના ભોળા નિષ્પાપ આદિવાસીઓની માન્યતાઓ, શ્રદ્ધા-અંધશ્રદ્ધા અને આ બધા સાથે સહિષ્ણુતાથી, કળપૂર્વક કામ લેતાં લેતાં એમના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી રહેલા આશ્રમના હોદ્દેદારો, આ બધું કરણ સામે પરત-દર-પરત ખૂલતું જાય છે અને એમાંથી એને એની પોતાની ઓળખ જે રીતે ક્રમે ક્રમે સાંપડતી જાય છે એનો એક જકડી રાખતો આલેખ એટલે ‘રેવા’. પોતે અહીં એક બે દિવસથી વધુ રહી નહીં શકે એટલે બધા ટ્રસ્ટીઓની સહી મેળવીને ત્વરિત અમેરિકા પાછા ફરવાની કરણની યોજના કેવી રીતે વેરવિખેર થતી જાય છે અને એ આશ્રમમાં જ કેમ રહી પડે છે એ રસપ્રદ ઘટનાક્રમ માણવા માટે ‘રેવા’ ફિલ્મ જોવી જ રહી.
પ્રેમ એ મનુષ્યનો સ્થાયી ભાવ છે. ‘રેવા’માં પણ એક પ્રેમકથા છે, પણ એ પ્રેમકથા ખેંચીતાણીને લવાયેલી નથી. ફિલ્મના મૂળ આશય અને કથાનાં મૂળ પોત પર કલાત્મકતાથી ભરાયેલા બુટ્ટા જેવી આ પૂરક પ્રેમકથા છે અને માટે જ એ વધુ ચિત્તાકર્ષક લાગે છે. ધ્રુવ ભટ્ટના લેખનની આ વિશેષતાને પણ ફિલ્મ-સર્જકોએ યોગ્ય ન્યાય આપ્યો છે, એ માટે પણ એ અભિનંદનના અધિકારી છે.
રાહુલ ભોળે (દિગ્દર્શક), ચેતન ધનાની (નાયક), અપર્ણા તથા આ લેખના લેખક વિવેક કાણે ‘સહજ’
કરણના પાત્રમાં અભિનય મુખર (loud) થઇ જાય એવી પૂરે પૂરી શક્યતા હતી, પણ એમ ન થાય એનું બરાબર ધ્યાન રાખીને ચેતન ધનાનીએ પોતાના સંયમિત અભિનય દ્વારા એની અભિનય ક્ષમતા પુરવાર કરી છે, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. મોનલ ગજ્જરે અભિવ્યક્તિ માટે સંવાદો કરતાં પોતાની આંખો પાસેથી ધાર્યું કામ લઈને સુંદર અભિનય કર્યો છે. આ બધું સિનેમેટોગ્રાફર સૂરજ કુરાડે અને દિગ્દર્શકો સુપેરે સમજ્યા હોય અને આ એમની યોજનાનો ભાગ હોય એમ જણાઈ આવે છે, કારણકે મોનલની આંખોના ક્લોસપ વિપુલ માત્રામાં છે. ફિલ્મના અન્ય પાત્રોનો અભિનય પણ એકંદરે સારો થયો છે.
મધ્યપ્રદેશમાં વ્યાપક પ્રવાસ કરીને ડ્રોનથી કરાયેલી ફોટોગ્રાફી પણ નયનરમ્ય છે. એ દ્રશ્યોનો ઉપયોગ અને એકંદરે આખી ફિલ્મનું એડિટીંગ દિગ્દર્શકોની સૂઝનું પ્રમાણ આપે છે.
ફિલ્મનાં ગીતો અને સંગીત એકંદરે સરસ છે. પરંતુ ફિલ્મમાં સંગીતજલસાનો એક પ્રસંગ છે, જે ઉતાવળે, ટૂંકમાં આટોપી લેવાયો હોવાની છાપ પડે છે. ફિલ્મના સાંગીતિક પાસા માટે આ એક સોનેરી તક હતી, જેનો વધુ અસરકારક ઉપયોગ જો દિગ્દર્શકો કરી શક્યા હોત તો ફિલ્મને વધુ ઊંચાઈ મળી હોત.
આવી જુદા વિષયની આશય-સંપન્ન ફિલ્મની નીર્મિતીમાં પૈસા રોકવા માટે જીગર જોઈએ. પરેશ વોરાએ આ હિંમત કરીને દડો ગુજરાતી પ્રેક્ષકોના કોર્ટમાં ફંગોળ્યો છે. આવી ફિલ્મો માટે પોતે સજ્જ છે એ પુરવાર કરવાની જવાબદારી હવે ગુજરાતી પ્રેક્ષકની છે. ગુજરાતી પ્રેક્ષક એમાં ઊણો નહીં ઊતરે એવો પરેશની જેમ જ મને પણ વિશ્વાસ છે.
‘રેવા’ ગુજરાતી સિનેમાનો એક નવો, નયનરમ્ય વળાંક છે જે આગળના પ્રવાસની અનેક શક્યતાઓ ખોલી આપે છે.
ગુજરાતી સિનેમાને આગળના પ્રવાસ માટે અનેક શુભેચ્છાઓ.
સૌજન્ય :http://https://www.facebook.com/visahaj/posts/10213589588067650