લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને તેની પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે અઠવાડિયાંમાં તેમને ઘણાં કામ પતાવવાનાં છે. બેન્ક, પોસ્ટ, શેર બજાર, ઇન્સ્યોરન્સ કંપની જ્યાં જ્યાં તેમણે પૈસા રોક્યા હોય ત્યાં જવાનું છે. સગાં, સમ્બન્ધીઓ અને મિત્રોને મળવાનું છે. સુલય અને ઋતુજા અમદાવાદમાં જનમ્યાં અને અમદાવાદની સ્કૂલ, કૉલેજોમાં અભ્યાસ કર્યો છે. તેથી એમનું મિત્રમંડળ પણ અમદાવાદમાં જ છે. જે મિત્રો સાથે સમ્પર્ક ચાલુ રહ્યો હોય તેમને ખાસ મળવાનું છે.
સવારથી સુલય અને ઋતુજા દીકરા હેતને લઈને બહાર નીકળી પડે છે. બહાર જતી વખતે ઋતુજા એનાં સાસુ લતાબહેનને કહે છે, ‘મમ્મી, તમે રસોઈમાં કંઈ બનાવશો નહીં, બહારથી અમે લેતાં આવીશું.’ પુત્રવધૂની સૂચના સાંભળીને લતાબહેન કંઈ બોલતાં નથી; પણ તેઓ એમની રીતે દાળ, ભાત, રોટલી અને શાક બનાવે છે.
સુલય અને ઋતુજા બહારથી જે ખાવાનું લાવે તે માત્ર ચાખે જ. સુલય કહે,
‘પપ્પા, તમે કેમ અમારું લાવેલું કંઈ ખાતાં નથી? મમ્મીને અમે કહીને જઈએ છીએ કે તું રસોડામાં કંઈ બનાવીશ નહીં; પરંતુ મમ્મી રોજ રસોઈ બનાવે છે અને તમે એનું બનાવેલું જ ખાઓ છો.’
‘બેટા, બહારનું ચટાકેદાર, તળેલું ખાવાનું અમને માફક ન આવે. તેથી મમ્મી જે સાદું અને ઝટ પચી જાય એવું ખાવાનું બનાવે છે તે હું ખાઉં છું. બહારનું હું ખાતો નથી.’
‘પણ તમારે રોજ ક્યાં ખાવાનું છે ? અમે અહીં છીએ તો લાવીએ છીએ અને પપ્પા તમે તો ખાવાના શોખીન છો. પપ્પા, તમને તો બધું પચી જાય છે. ખોટો વહેમ ન રાખશો. તમારી ઉંમરના બીજા લોકો ખાતા જ હોય છે ને !’ ઋતુજા બોલી.
‘બધાં ખાતા હોય છે અને પછી ડૉક્ટરને ત્યાં દોડતાં રહે છે, મારે ડૉક્ટરને ત્યાં નથી દોડવું. મારે તો પૂરાં સો વર્ષ જીવવું છે અને તંદુરસ્ત રહેવું છે.’
‘પપ્પા, તમે સો નહીં; પણ સવાસો વર્ષ જીવશો. તમે પંચ્યાશીના થયા; પણ જ્યારે જુઓ ત્યારે કેટલા ફ્રેશ હો છો ! તમે કદી થાકવાની કે કંટાળવાની ફરિયાદ નથી કરતા, અમે કંટાળી જઈએ છીએ; પણ તમે કદી નથી થાકતા કે કંટાળતા !’
‘બેટા, હું કદી થાકતો નથી; કારણ કે હું કુદરતના નિયમો ચીવટાઈથી પાળું છું. આપણા શરીરમાં સાત પ્રવેશદ્વાર છે, જ્યાંથી રોગનાં જંતુઓ આપણા શરીરમાં પ્રવેશે. માટે હું બહુ સાવધ રહું છું. એક પળના આનંદ માટે કોઈ રોગને શરીરમાં ન પેસવા દેવાય. ઊતરતી અવસ્થાએ રોગ હેરાન કરી મૂકે. અને બેટા, કાયમ હું ફ્રેશ હોઉં છું; કારણ કે હું કદી ચિંતા નથી કરતો, કદી તનાવ નથી અનુભવતો. નાનપણથી મારો સ્વભાવ જ આનંદી છે.’
‘પપ્પા, તમે ક્યારેય તનાવમાં નથી આવી જતા, ક્રોધ નથી કરતા, એ તો હું જોઉં છું; પણ અમને પ્રશ્ન એ થાય કે તમારા જીવનમાં એવી પળો તો આવતી જ હશે જ્યારે ચિંતા થાય, લાચારી અનુભવાય, અકળામણ થાય, ગુસ્સો આવે – ’
ઋતુજાએ અજયભાઈને પૂછ્યું. અજયભાઈ ઋતુજાના સસરા છે પણ તેઓ એક પિતાની જેમ જ ઋતુજા સાથે નિખાલસપણે વાત કરે છે, તેથી ઋતુજા તેના મનમાં ઊઠતી શંકા, કુશંકાઓનું સમાધાન સસરાને પ્રશ્નો પૂછીને મેળવે છે.
‘ઋતુજા, મેં મારા બાપુજીના મોંએ સાંભળ્યું કે, ‘Ageing is a natural process.’ જીવનમાં ઉમ્મર વધે તેમ અવસ્થા બદલાવાની છે, તેથી આપણે અગાઉની જ દરેક અવસ્થામાં આનંદપૂર્વક સ્વસ્થતાથી રહી શકીએ માટે એની તૈયારી અગાઉથી જ કરવી જોઈએ. વૃદ્ધ થઈએ ત્યારે શારીરિક ક્ષમતા ઘટે; પણ અનુભવ વધે. તેથી જ માણસ વધુ સક્ષમ અને સમ્પન્ન બને છે. વળી ત્યારે સંસારની જવાબદારી ઓછી થઈ હોય છે. સન્તાનો વિકાસ પામીને એમનું જીવન જીવતા થઈ ગયા હોય છે. તેથી તેમની ચિન્તા હોતી નથી. બેટા, શરીરનું આરોગ્ય સાચવીએ તો આપોઆપ આપણું મન તંદુરસ્ત રહે અને જીવનમાં આવતાં પરિવર્તનોને સહર્ષ સ્વીકારાય અને પ્રસન્નતાથી જીવી શકાય.’
‘પણ વૃદ્ધાવસ્થામાં શરીર અને મનની શક્તિ ઓછી થઈ જાય છે, એવું આપણે જોઈએ છીએ.’ સુલયે કહ્યું.
અજયભાઈએ હેતથી કહ્યું, ‘બેટા, આપણું શરીર એક અદ્દભુત યંત્ર છે. અંદરનો બગાડ જાતે જ સાફ કરીને આપોઆપ નરવા થઈ જવાની કળા એ જાણે છે. અને આપણે આપણા શરીરને બરાબર સંભાળીએ તો જરાય વાંધો નથી આવતો. દરેક માણસ નિયમીતપણે કસરત કરે, યોગ અને પ્રાણાયામ કરે તો રોગ દૂર રહે છે. જીવનશક્તિ જળવાઈ રહે છે. ઉંમર વધે તેમ વૃદ્ધાવસ્થા તો આવે; પણ તમારે વૃદ્ધ થવું કે યુવાન રહેવું છે એ તમારે નક્કી કરવાનું છે.’
‘પપ્પા, તમે નિવૃત્ત થયા છો છતાં કંઈ ને કંઈ કામ તો કર્યા જ કરો છો. તમને કામ કરવામાં આટલો બધો રસ પડે છે? શી રીતે રસ ટકી રહ્યો છે ?’
‘બેટા, નિવૃત્તિ એટલે નિષ્ક્રિયતા નહીં. માટે આપણને ગમતી કોઈ ને કોઈ પ્રવૃત્તિ કરતા જ રહેવાનું, જેથી આપણી જિન્દગી આપણને બોજ ન લાગે. જિન્દગી નિરસ ન બની જાય.’
‘પણ, પપ્પા, તમે તો સમાજકલ્યાણની પ્રવૃત્તિ કરો છો, કેટલી જવાબદારવાળી આ પ્રવૃત્તિ છે તમારી ! સીધો પૈસા સાથે જ સમ્બન્ધ !’
‘દીકરા, જે સમાજ આપણને સલામતી આપે છે, આપણને સમૃદ્ધ રાખે છે, એ સમાજ માટે હું જે કંઈ કરું છું, એ કરવું જ જોઈએ. મારી આવડત અને અનુભવનો લાભ સમાજને મળે એ જ મારો સન્તોષ છે. સમાજ પાસેથી હું કોઈ લાભ કે નફાની અપેક્ષા નથી રાખતો. નિવૃત્તિકાળનો આ શ્રેષ્ઠ ઉપયોગ છે. તું જાણે છે કે વૃદ્ધાવસ્થા તો જિન્દગીનું સ્વર્ણીમ શીખર મનાય છે. એ સુવર્ણકળશની જેમ હમ્મેશાં ઝગમગવું જોઈએ.’
‘પપ્પા, અત્યારે અમારા વૃદ્ધત્વ માટે અમારે શી તૈયારી કરવી જોઈએ ?’ ઋતુજાએ પૂછ્યું.
‘બેટા, શરીર અને મનને જાળવવાં. સૌથી પહેલાં તો તમે નકારાત્મકતાથી દૂર રહો. શરીર કે મનમાં કચરો ન નાખો. કોઈ પણ પ્રકારના ક્લેશ, અસંતોષ, નિરાશા, ઉદાસીનતા, હતાશાને મનમાં ઊગવા જ ન દો. આપણા રોજિન્દા જીવનમાં ક્યારેક એવી ઘટના ઘટે છે કે આપણને નુકસાન પણ થાય; પણ એ નુકસાનનો વિચાર જ નહીં કરવાનો. નુકસાન કે વિષાદની પળોમાંય સ્વસ્થ રહો. વૃદ્ધત્વ આવ્યું એટલે હાર નહીં માની લેવાની. આપણે આપણી જાતમાં ભરોસો રાખવાનો, આપણા અનુભવોએ આપણને જે જ્ઞાન અને પરિપક્વતા આપી છે એનો પૂરો લાભ લેવાનો. આપણા સમગ્ર લાગણીતંત્રને હકારાત્મકતાથી ભરી દેવાનું, નિર્ભય રહેવાનું, મક્કમ રહેવાનું અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની. વિશ્વના શુભ–મંગલ તત્ત્વમાં વિશ્વાસ રાખવાનો અને પ્રસન્નતાથી જીવવાનું.’
ઋતુજાએ પૂછ્યું, ‘પપ્પા મારી મમ્મી આનંદમાં રહે છે; પણ હમણાં હમણાં એની યાદશક્તિ ક્ષીણ થતી જાય છે. તેથી એ મુંઝાય છે, તો એના માટે શું કરવું ?’
‘બેટા, ઉંમર વધે તેમ મગજ નાનું થતું જાય છે. બ્રેઈન સેલ્સ ઘટી જાય છે, ક્યારેક લોહી બરાબર પહોંચતું નથી. તેથી યાદશક્તિ ક્ષીણ થતી લાગે; પણ એના માટે ઉપાય કરવાના. યોગ કરો, પ્રાણાયામ કરો, બ્રેઈન ટૉનીક જેવા કે શંખપુષ્પી ચૂર્ણ, આમળાં વગેરે લો. દવાને ખોરાક ન બનાવો; પણ ખોરાકને દવા બનાવો. આહાર–વિહારમાં તકેદારી રાખીએ તો શરીરનો ઘસારો પુરાઈ શકે છે. દૂધ, દૂધની બનાવટ, તાજાં ફળો, લીલાં શાકભાજી, બદામ, પીસ્તા, કાજુ, અખરોટ, તલ, મગફળી લેવાથી શરીરને થતો ઘસારો અને ઈજાને પહોંચી વળાય છે. હૃદયના સ્નાયુને સંકોચન કે પહોળા થવાની ક્રિયામાં વિટામીન ડી મદદ કરે છે. વિટામીન ડી હાડકાંને મજબૂત કરે છે. આપણાં હાડકાં મજબૂત હોય એ જરૂરી છે. આપણી રોગપ્રતિકારક શક્તિ અકબંધ રાખવામાં વિટામીન ડી મદદ કરે છે. પરન્તુ જેમ ઉમ્મર વધે તેમ શરીરમાં વિટામીન ડી ઓછું બને છે. માટે બહાર સૂર્યપ્રકાશમાં ફરવું જોઈએ, કુમળા તડકામાં બેસવું જોઈએ. તડકો મળતાં શરીર આપોઆપ જરૂરી વિટામીન ડી બનાવી લેશે. આપણા શરીરની ઉણપો વિશે સમજીને તે પૂરવા પ્રયત્ન કરવો જોઈએ.’
ઋતુજા બોલી, ‘પપ્પા, હું ભણતી હતી ત્યારે આ બધું ભણવામાં આવતું હતું; પણ એ તો હું પરીક્ષાની દૃષ્ટિએ યાદ રાખતી હતી. આ બધી જાણકારી જીવનમાં ઉતારવાની સૂઝ ન હતી. પરન્તુ અત્યારે સમજાય છે કે શું ખાવું ને શું ન ખાવું, કયો ખોરાક લેવાથી ક્યા અંગને પોષણ મળે છે, એ વખતથી જ જો એક સમજ કેળવાઈ હોત તો શરીર કેવું તંદુરસ્ત હોત !’
‘અરે બેટા, તમે નાનપણમાં ખુલ્લી હવામાં, કુમળા તડકામાં દોડાદોડ કરી હોત, મેદાનમાં રમતો રમ્યાં હોત તો તમારા શરીરનો બાંધો સુદૃઢ હોત. જુઓ, હું પંચ્યાશી વર્ષનો થયો; પણ બાગકામ બધું કરી શકું છું ને ! પણ કોઈ વાતનો અફસોસ નહીં કરવાનો, જાગ્યા ત્યારથી સવાર. હવે આજથી, આ ક્ષણથી તબિયતની કાળજી લો, અને પ્રસન્નતાથી જીવો. આપણને જે મળ્યું છે એને સ્વીકારો અને ખુશ રહો.’
‘પપ્પા, હવે અમે વૃદ્ધત્વથી ગભરાઈશું નહીં; પણ જાગ્રત થઈને પૂરા મનથી વૃદ્ધત્વને વધાવીશું.’ ઋતુજા બોલી. સુલયે હસીને મૌનપણે પપ્પાની વાત પર મહોર મારી.
જુલાઈ, 2014ના ‘અખંડ આનંદ’ માસીકમાંથી સાભાર
‘શાશ્વત’ – કે. એમ. જૈન ઉપાશ્રય સામે, ઓપેરા સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ–380 007 — ઈ–મેઈલ – avantika.gunvant@yahoo.com
સૌજન્ય : ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષ : બારમું – અંક : 356 – 04 September, 2016