ભાઈ ઈશ્વર પેટલીકર ડાયરામાંથી અચાનક ઊઠી ગયા. ત્રણ-ચાર દિવસમાં એમણે માયા સંકેલી લીધી. બહુ જ જીવનથી તરવરતા હતા અને એમનામાં ભૂમિના પુત્રનું એક કૌવત હતું. બળકટતા હતી, ખડતલપણું હતું. શહેરમાં રહ્યા છતાં એ કદી ગામડાના મટ્યા નહીં.
મને યાદ આવે છે પેટલીનો એક નાનકડો તરુણ. ‘ગ્રામચિત્રો’ની હસ્તપ્રત લઈ એ મારી પાસે આવે છે. ‘આને વિશે કંઈ લખી આપો.’ મેં કહ્યું, ‘લખે એવા તો રામનારાયણ પાઠક છે.’ કહે કે એમની પાસે ગયો હતો, પણ તેઓની તબિયત ઠીક નથી. મહિના સુધી એ લખી શકે એમ નથી. મારે તો ચોપડી મહિનામાં બહાર પાડવી છે. ચોપડી થોડીક જોઈ, મેં એમને કહ્યું, આ ચોપડી તમે એવી સુંદર લખી છે કે હું તમારે ઠેકાણે હોઉં તો મહિનો નહીં પણ વરસ રાહ જોઉં ને રામનારાયણ પાઠકના જ બે શબ્દ આશીર્વાદના મેળવું. એમણે મારી વાત માની. એમની નવલકથા ‘જન્મટીપ’ બહાર પડી અને મેઘાણીભાઈ એને વિષે આંખમાં ચમક સાથે અને ઉમળકાથી જે વાત કરતા એ બધાનું પણ સ્મરણ થાય છે. ‘લોહીની સગાઈ’ વાર્તા એમણે લખી. પોતાના જીવનની, – પોતાની બાની, પોતાની બહેનની. એ તો એમણે કાળજું જ કાપીને જાણે રજૂ કર્યું હતું, પણ એક વાર્તા તરીકે મૂક્યું હતું. એક આંતરરાષ્ટ્રીય વાર્તા-હરીફાઈમાં તે વાર્તા પોંખાઈ.
પેટલીકરે કળાકાર તરીકે આગળ વધવાનો બલકે કોઈ જાતનો મનસૂબો ન રાખ્યો. એ મહત્ત્વાકાંક્ષી માણસ હતા જ નહીં. રાજકારણમાં ઠેઠ ઉંબર સુધી ગયા હતા, ધાર્યું હોત તો એ એમાં પણ દાખલ થઈ શકત. પણ એમને ગામડું રગરગમાં વ્યાપેલું હતું. એ સમાજને ઉઘાડી આંખે, ઉઘાડા કાને, ઉઘાડા હૃદયે નીરખતા અને એમનામાં સહાનુકંપા હતી. બધાંના પ્રશ્નો જાણે પોતાના ન હોય. એનો કોઈ દેખાડો ન હતો. એમના સ્વભાવની ઉદારતા જ એમાં જોવા મળતી હતી. એમનું કાઠું આ જાતનું હતું, – અંદરનું કાઠું. અને ગુજરાતને બહુ ઉપયોગી સેવક તરીકે એ નીવડી આવ્યા. હું પેટલીકરને વિશાળ અર્થમાં ગુજરાતના એક શિક્ષક કહું, એક સંસ્કાર ઘડનારા કહું. એમણે લોકોના અંગત જીવનના, ખાસ કરીને યુવકોના જે સળગતા પ્રશ્નો હોય છે, તે ઉકેલવામાં, સંસારની હોળીઓ હોલવવામાં સારો એવો સમય આપ્યો. પેટલીકર જ એ કરી શકે. સમાજમાં આવી મૂર્તિઓ હોવી જોઈએ. આ એક જાતની મંગલમૂર્તિઓ છે. એવી મંગલમૂર્તિનો પેટલીકરે સારો એવો નમૂનો આપણા સમાજમાં આપણા સમયમાં પૂરો પાડ્યો છે.
રાજકીય-વિશાળ અર્થમાં રાજકીય ઘટનાઓ કે ઉત્પાતો થતાં હોય, જેને વિશે વખતે ગેરસમજો પણ ચાલતી હોય, તે પેટલીકર છૂટથી ચર્ચતા. સામાન્ય માણસ આખી વસ્તુ સમજી શકે, એવી ભાષામાં એનો એ આલેખ આપતા. મને યાદ આવે છે એક વખતે એક ઘણા ઊંચા સ્થાને બિરાજનાર વ્યક્તિ સાથે એકાએક જ કંઈ વાતવાતમાં એ દિવસે છાપામાં આવેલા પેટલીકરના લેખનો નિર્દેશ થયો. કોઈ પ્રશ્ન અંગે ઉલ્લેખ થયો, એટલે મેં કહ્યું, તમે આ જુઓ, આની રજૂઆત, આની છણાવટ જુઓ. એ સાંભળીને એમણે કહ્યું. મારી ભાષામાં આવું કોઈ છણાવટ કરનારું નથી. આવાં પૃથક્કરણ અમને વાંચવા મળતાં નથી.
તો, પેટલીકરમાં આ એક મોટી સૂઝ હતી, કોઠાસૂઝ હતી. કેળવણી એમણે બહુ લીધી ન હતી, શાસ્ત્રો એમણે બહુ વાંચ્યાં ન હતાં, જેવાં કે સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર. એ તો મૂંઝાઈ જ જાય, તમે કંઈ કહો તો. પણ એમણે સંસારશાળામાં શિક્ષણ લીધું. એમણે નાના ગામડાના એક અદના શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી, ગુજરાતના સદ્ભાગ્યે એ એક ઊંચી જાતના શિક્ષક તરીકે નીવડી આવ્યા અને પોતાના જમાનામાં એક સમાજભેરુએ જે ભાગ ભજવવો જોઈએ, એ જાતનો ભાગ એમણે ભજવ્યો, મારી પેઠે ઘણાંને સ્વજન ગુમાવ્યાનું દુઃખ આજે થયું હશે. આ સ્વજનને હું મારી હૃદયપૂર્વક અંજલિ આપું છું.
હવે તો એ જીવશે એમણે જે લીલી વાડીઓ નિર્માણ કરવામાં ફાળો આપ્યો હશે, તે લોકોના જીવનની સુવાસ દ્વારા. અને જીવશે એમનાં લખાણોથી, ‘ગ્રામચિત્રો’, ‘જન્મટીપ’, ‘ભવસાગર’, દ્વારા ‘લોહીની સગાઈ’ અને બીજી કેટલીક વાર્તાઓ લાંબાકાળ સુધી વંચાશે. હું આશા રાખું છું કે કોઈ કુશળ સંપાદક છાપાંઓમાં આવેલા પેટલીકરના સંખ્યાબંધ લેખોમાંથી એક માતબર સંચયન વેળાસર તૈયાર કરશે.
(અમદાવાદ આકાશવાણી પર અંજલી)
ઇશ્વર પેટલીકરના જન્મ શતાબ્દી વર્ષ (જન્મ તારીખ : 09-09-1916) નિમિત્તે “સંસ્કૃિત”, અૉક્ટોબર-ડિસેમ્બર 1983માંથી સાભાર
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 01-02