ઇટ્સ ડિફરન્ટ ધીસ ટાઈમ, જિજ્ઞેશ મેવાણી પણ એ જૂની અને જાણીતી લીટીનું પુનરાવર્તન કરે છે કે ગુજરાતમાં આ બાબતની જે દલિત-ચળવળ છે તે અલગ જ છે. રાજ્યમાં તાજેતરનાં વર્ષોમાં અનેક નાગરિક-ચળવળો ચાલી અને અમુક એના હેતુ સાધવામાં સફળ પણ થઈ, છતાં લાંબા ગાળાની અસર છોડવામાં સહુ નિષ્ફળ ગઈ. જિજ્ઞેશ માને છે કે દલિત – આંદોલનનું ભવિષ્ય ઉજળું છે. “આ ટિપિકલ દલિત-આંદોલન નથી, અમે કાસ્ટ અને ક્લાસ બંનેને સાથે લાવ્યા છીએ. અમને અત્યાર સુધીમાં જેના પ્રતિસાદ મળ્યો છે, તેના પરથી પણ સ્પષ્ટ છે કે તમારે સામાજિક ન્યાયના પ્રશ્નોની સાથે-સાથે આર્થિક પ્રશ્નો પણ ઉઠાવવા પડશે. જિજ્ઞેશ જે વાત કરી રહ્યો છે તે, અલબત્ત, રાષ્ટ્રીય સ્તરે પણ આ વર્ષે આગળ આવી છે. ખાસ કરીને, હૈદરાબાદ યુનિવર્સિટીમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ડાબેરી વિદ્યાર્થી નેતા કન્હૈયાકુમારની આપવીતી પછી આંબેડકર અને માર્ક્સના અનુયાયીઓએ હાથ મિલાવ્યા છે અને સત્તાધારી ભાજપની હિન્દુત્વ વિચારધારા સામે સૌથી મોટો પડકાર ઊભો કર્યો છે.”
૨૦મી ઑગસ્ટે જિજ્ઞેશ દિલ્હી આવ્યો, બપોેરે પ્રેસક્લબમાં પત્રકારો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી, રાત્રે જે.એન.યુ.માં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને બીજો દિવસ પૂરો વિવિધ સંગઠનોને આપ્યો. પ્રેસક્લબમાં મીડિયા સ્ટડીઝ ગ્રૂપે એક જ દિવસમાં પત્રકારપરિષદનું આયોજન કર્યું હતું, પણ ઘણી મોટી સંખ્યામાં પત્રકારો આવ્યા હતા. એકાદ કલાકની વાતચીત પછી ઇન્ટરવ્યૂ ચાલ્યા. મારો વારો બે કલાક પછી આવ્યો.
૧૧મી જુલાઈએ ઉના પાસે મોટા સમઢિયાળામાં ચાર દલિતોને બની બેઠેલા ગૌરક્ષકોએ બેરહેમ માર માર્યો અને પછી એની વીડિયો ઉતાર્યો, એ પછી શરૂ થયેલું આંદોલન સવા-દોઢ મહિના પછી પણ ગુજરાતના ખૂણેખૂણે આગળ વધી રહ્યું છે, એનું કારણ શું? જિજ્ઞેશ કહે છે કે ઘણાં વર્ષોથી દબાયેલા અનેક પ્રશ્નો એકસાથે બહાર આવી રહ્યા છે. “નરેન્દ્ર મોદીનાં ૧૨ વર્ષનાં શાસન દરમિયાન દલિતો પર અત્યાચારીની ૧૪,૫૦૦ ઘટનાઓ બની. ૫૫,૦૦૦ લોકો હજુ માથે મેલું ઉપાડે છે. ૧૫૯૦ ગામોમાં હજુ દલિતો અસ્પૃશ્ય ગણાય છે. દલિત-અત્યાચારના કેસોમાંથી માત્ર ત્રણ ટકામાં જ સજા થઈ છે…” તે બીજા આંકડા, હકીકતો અને વિગતો ટાંકે જાય છે. આમ તો લાલકિલ્લાથી પણ સેળભેળવાળા દાવાઓ આવતા હોય છે, પણ જિજ્ઞેશ દરેક આંકડા માટે સરકારી અહેવાલ કે આર.ટી.આઈ. જવાબ કે નવસર્જન જેવી સંસ્થાના સર્વેક્ષણનો હવાલો આપે છે.
“હવે મોદી કહે છે કે ‘દલિતોને નહીં, પહેલાં મને ગોળીએ દો’, પણ સપ્ટેમ્બર, ૨૦૧૨માં થાનગઢમાં પોલીસે ત્રણ દલિતોને એકે-૪૭ થી ઠાર માર્યા હતા, ત્યારે મોદી વિવેકાનંદયાત્રામાં માત્ર ૧૭ કિ.મી. જ દૂર હતા, છતાં પીડિત પરિવારોને મળવા ગયા નહોતા. થાનગઢકાંડમાં સી.આઈ.ડી.એ ત્રણમાંથી બે એફ.આઈ.આર.ને ચાર્જશીટમાં બદલવાની ના પાડી છે. હવે ઉનાની ઘટનામાં આનંદીબહેન પટેલે સી.આઈ.ડી.ને તપાસ સોંપી છે, તો એનું શું પરિણામ આવશે તે વિચારી શકે છે.”
ઉના દલિત-અત્યાચાર લડતસમિતિના નેજા હેઠળ જિજ્ઞેશ અને બીજા નાગરિક નેતાઓએ અમદાવાદથી ઉના સુધીની પદયાત્રા કરી અને ૧૫મી ઑગસ્ટે સમાપનસભામાં રાજ્ય સરકાર સમક્ષ દસ માગણીઓ રજૂ કરી. એમાં સૌથી મહત્ત્વની છે દર દલિત-પરિવારને પાંચ એકર જમીનની ફાળવણીની માગણી. જિજ્ઞેશનું કહેવું છે કે ૧૫ સપ્ટેમ્બર સુધીમાં સરકાર તરફથી જવાબ નહીં મળે, તો રેલ રોકો આંદોલન કરવામાં આવશે. “અમે જેલમાં જવા તૈયાર છીએ.”
પણ દરેક દલિત-પરિવારને પાંચ એકર જમીન આપવી શક્ય છે? “શક્ય પણ છે અને વહેવારુ પણ છે. રેવન્યૂ લૉમાં એવી જોગવાઈ પણ છે. સરકાર પાસે ગામેગામ ઘણા મોટા પ્રમાણમાં ખરાબાની જમીન છે. સરકાર લૅન્ડસિલિંગ ઍક્ટની જોગવાઈ પણ લાગુ પાડી શકે છે. ભૂદાન ચળવળમાં મળેલી ૫૦,૦૦૦ ઍકર જમીનની વહેંચણી પણ બાકી છે. એ પછી પણ જરૂર પડે તો સરકાર જમીન ખરીદીને પણ આપી શકે છે, એસ.સી. સબ-પ્લાનમાં એની પણ જોગવાઈ છે. મુદ્દો એ છે કે સરકાર અંબાણી-અદાણીને જમીન આપી શકે છે, તો દલિતોને કેમ નહીં?”
સત્ય માગણીઓમાં તમામ સફાઈ-કર્મચારીઓને નોકરીમાં કાયમ કરવા અને તેમાં મહિલાઓને – ખાસ કરીને વિધવા અને અપંગ બહેનોને પ્રાથમિકતા આપવાની માંગ છે. અત્યાર સુધી તો સરકાર તરફથી કોઈ જવાબ આવ્યો નથી અને જિજ્ઞેશનું કહેવું છે કે “ગેરબંધારણીય માગણીઓ પર પણ સરકાર પટેલો સાથે વાતચીત કરી શકતી હોય, તો અમારી સાથે કેમ નહીં?”
જો સરકાર જવાબ જ ન આપે અને આંદોલન નિષ્ફળ જાય તો? જિજ્ઞેશ આ વાતને જરા જુદી રીતે જુએ છે : “આ આંદોલન નિષ્ફળ જઈ શકે જ નહીં. જુલાઈના મહાસંમેલનમાં ૫૦,૦૦૦ દલિતોએ મેલાં કામ નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી, એ કોઈ નાનીસૂની વાત છે? ઘણા પરિવારોને મૃત ગાયનું ચામડું ઉતારવામાં મહિને દોઢ-બે લાખની આવક હતી. તે લોકોએ પણ આ પ્રતિજ્ઞા લીધી. બાબાસાહેબ આંબેડકરે એક સમયે દલિતસમાજ માટે આ જ સલાહ આપી હતી, એ યાદ કરીએ તો લાગે કે ગુજરાતમાં જે બની રહ્યું છે, તે સામાજિક ક્રાંતિની શરૂઆત જેવું છે.
“ગામેગામ લોકોએ સૂત્ર ઉપાડી લીધું છે કે ‘ગાય કી દૂમ આપ રખો, હમેં હમારી જમીન દો’. મોદીએ ‘કર્મયોગ’ નામના એમના પુસ્તકમાં એવું લખ્યું છે કે દલિતોને મેલાં કામ કરવામાં આધ્યાત્મિક અનુભૂતિ થતી હોવી જોઈએ. હવે અમે તો મરેલાં જાનવર ઉઠાવવાનું બંધ કર્યું છે. હું મોદીજીને આધ્યાત્મિક અનુભવ કરવાનું આમંત્રણ આપું છું.” (પત્રકાર – પરિષદમાં જ્યારે જિજ્ઞેશે આ વાત કહી, ત્યારે ઠીકઠીક સંખ્યામાં પત્રકારોએ એમની નોટબુક ખોળામાં મૂકીને જોરજોરથી તાળીઓ પાડી હતી.)
જિજ્ઞેશ કહે છે કે જેમ આ આંદોલન ટિપિકલ દલિત-આંદોલન નથી તેમ તે પણ ટિપિકલ દલિતનેતા નથી. પાંત્રીસ વર્ષના આ યુવાનનું અત્યાર સુધીનું કામ દલિત સિવાયના અન્ય સમાજો અને સામાજિક સિવાયની અન્ય સમસ્યાઓ સાથે રહ્યું છે. અસારવાના એક નીચલા મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલા જિજ્ઞેશ માટે સમાજકારણ શીખવાની શરૂઆત હ.કા. ઉર્ફે એચ.કે. કૉલેજથી થઈ. ‘ખાસ કરીને (સંજય શ્રીપાદ) ભાવેસાહેબે વાંચવા-લખવામાં માર્ગદર્શન આપ્યું. પછી મહેન્દ્ર મેઘાણીના નામનો પરિચય થયો. ભાવેસાહેબના લીધે ‘નિરીક્ષક’, ‘ભૂમિપૂત્ર’, ‘નયામાર્ગ’ અને દલિત-પત્રિકાઓ વાંચતો થયો.” (સૌરાષ્ટ્રમાં ખેડૂતોની આત્મહત્યાના વિશે જિજ્ઞેશે સ્થળ પરથી તૈયાર કરેલા અહેવાલ ચારેક વર્ષ પહેલાં ‘નિરીક્ષક’માં પ્રસિદ્ધ થયા હતા.) એચ.કે. કૉલેજમાં બીજા પ્રાધ્યાપક હતા સૌમ્ય જોષી, જેમના નાટક, ‘દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસતું હતું’ – થી પણ જિજ્ઞેશ પર ઘણી અસર પડી. પછી વિવિધ સામાજિક સંસ્થાઓ અને નાગરિક અભિયાનો સાથે સંકળાવાનું બન્યું. જિજ્ઞેશે ચુનીભાઈ વૈદ્ય, ઇલાબહેન પાઠક અને ગિરીશ પટેલ સાથે કામ કર્યું છે. વચ્ચે ૨૦૦૪થી ત્રણેક વર્ષ માટે ‘અભિયાન’ સાપ્તાહિકમાં નોકરી માટે મુંબઈ જવાનું થયું, અમદાવાદ પરત આવ્યા પછી મુકુલ સિંહાના જનસંઘર્ષમંચ સાથે કામ કર્યું. મુકુલ સિંહા આમ તો ૨૦૦૨ના રમખાણપીડિતો માટે કોર્ટકેસો લડતા વધુ જાણીતા થયા. પણ મૂળે તેઓ ટ્રેડ યુનિયન ચળવળમાં હતા અને એમની પાસેથી પ્રેરણા લઈને જિજ્ઞેશે સફાઈ કર્મચારીઓનાં પણ યુનિયન બનાવ્યાં.
આ પશ્ચાદભૂમિકા આપવાનો હેતુ એ છે કે જિજ્ઞેશનું કાર્યક્ષેત્ર દલિત-વર્તુળની બહાર પણ રહ્યું છે અને માટે તે બહોળા પ્રશ્નોથી સારી રીતે વાકેફ છે. ‘હવે અમે દલિત-મુસ્લિમ એકતા પર કામ કરી રહ્યા છીએ. અમે આર્થિક પ્રશ્નો ઉપાડી રહ્યા છીએ. હું આ આંદોલનને ટિપિકલ દલિત – આંદોલનથી આગળ લઈ જઈને સર્વ સમાવેશી (ઇન્ક્લુઝિવ) બનાવવા માંગું છું. એટલે જ ગુજરાતમાં અમુક દલિતસંસ્થા-વર્તુળોમાં મારી ટીકા પણ થઈ રહી છે.’
એ રાહે ઉના-આંદોલનનો હવે તો પડાવ સ્પષ્ટ છે. ‘વિધાનસભાએ નવો જમીનસંપાદન કાયદો પસાર કર્યો છે, જેમાં ખેડૂતોની જમીન છીનવી લેવાનું સરળ બનાવાયું છે. અમે તેની સામે કિસાન-આંદોલન કરીશું. ભવિષ્યમાં અમે આને બધા વંચિતોનું આંદોલન બનાવીશું.’
e.mail : ashishupendramehta@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 03-04