‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડ્વાન્સ સ્ટડી’(સિમલા)માં પ્રકાશની સાથે ત્રણ મહિના રહેવાનું થયું. રોજના રૂટિન કામની જંજાળભર્યા દિવસોની સરખામણીમાં સમયનો અવકાશ વિશેષ હતો. પહેલા મહિને સમૃદ્ધ પુસ્તકાલયમાં પુસ્તકો ફેંદવાની, કમ્પ્યૂટરમાં લાંબા વખતથી બાકી ખેંચાતી કૅસેટો સાંભળવાની, પેનડ્રાઇવનો ઉપયોગ કરી જુદી-જુદી વસ્તુ જોવા-વાંચવાની મજા માણી. કુદરતને ખોળે ભવ્ય સ્કૉટલેન્ડના બેરનની ઘાટીએ લૉર્ડ ડફરિનના વારામાં નિર્મિત સવાસો વરસ પરથી બ્રિટિશ ઇમારતમાં ગમતું કામ કરવાનો આનંદ જ.
એક વાર નજીકના બાલુગંજ બજારમાં જરૂરી ચીજો લેવા જતાં બાલુગંજના નાકે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં જવાનું ગોઠવ્યું. ઊંચે આવેલી સરકારી શાળામાં વચ્ચેના મોટા ચોકમાં કવાયત કરતાં બાળકોને વર્ગખંડમાં જતાં જોઈ અહીંના પહાડી પરિવેશના જુદા વાતાવરણને અનુભવ્યું.
શાળાનાં આચાર્યની પાસે ઘણી બધી હકીકતો જાણવા મળી. સિમલામાં સરકારી પ્રાથમિક શાળા છે. એમાં કુલ સંખ્યા અનુક્રમે ૩૨, ૪૩, ૬૫, ૨૨, ૩૫ અને ૧૩ વિદ્યાર્થીઓની માત્ર! એકથી પાંચ શ્રેણીનાં માત્ર ૩૨ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ એક વર્ગ જેટલાં. કારણ એ જ. અંગ્રેજી માધ્યમના મોહ અને પ્રાઇવેટાઇઝેશનના કારણે ધીરે-ધીરે સંખ્યા ઓછી થવી.
ઓછી સંખ્યાવાળા વિદ્યાર્થીઓ પર યોગ્ય ધ્યાન આપવાથી વાચન-ગણન-લેખન ને અન્ય લક્ષ્યાંકો પર ધ્યાન અપાતું હોય, પણ એ જ સાંભળવા મળ્યું કે મજૂરીએ જતાં માબાપનાં, પોતાના ભાઈભાંડુઓને સાચવતાં બાળકો અનિયમિત જ. ગેરહાજર બાળકોને ક્યાંથી આવડે? મધ્યાહ્નભોજન યોજનાનો લાભ ગરીબ બાળકોને મળે એટલું જ. થોડું ઘણું આવડે ન આવડે ને ઉપર ચઢાવાય. ઉચ્ચ પગારધોરણવાળા શિક્ષકોમાં નિષ્ઠા નહીં, સ્ટાફની રજા વગેરે તો વળી ચાલતું જ રહે.
મારે દશકસળીથી શીઘ્ર અક્ષરજ્ઞાનનો પ્રયોગ કરવો હતો. નબળા વિદ્યાર્થીને પ્રયોગથી શીખવતાં વ્યક્તિગત રીતે રસ પડ્યો. પણ આચાર્યાની હાજરીથી પ્રૉમ્પ્ટિંગ પણ ખરું. ખેર, બાલુગંજમાં સ્વૈચ્છિક (અવેતન) પ્રોજેક્ટ કરવાની તક મળી. સાથે પહેલા-બીજા ધોરણમાં ચાલતાં પાઠ્યપુસ્તકો પણ જોવા મળ્યાં. બીજા ધોરણમાં હિન્દી પાઠ્યપુસ્તક નવી દૃષ્ટિથી લખાયેલું હોવાથી સારું લાગ્યું.
એ પછી ઇન્સ્ટિટ્યૂટના મુખ્ય દરવાજા પાસે નવા નિવાસમાં રહેવાનું થતાં એને અડીને આવેલી ચૌડાબજારની પ્રાથમિક શાળામાં વ્યવસ્થિત રીતે પ્રયોગ કરવાનું વિચાર્યું. એ માટે સંબંધિત શિક્ષણાધિકારીની જરૂરી મંજૂરી પણ લઈ આવી. જે પ્રાથમિક શાળાની વિદ્યાર્થીસંખ્યા ૧થી ૫ ધોરણની કુલ મળીને હતી માત્ર બાવીસ.
સ્થાનિક આચાર્યાના કહેવાથી વર્ગશિક્ષિકાની ગેરહાજરીમાં પ્રયોગના બદલે ત્રણ-ચાર દિવસ માત્ર કલાક બે-કલાક આખા વર્ગને સાથે લેવાની વણમાગી જવાબદારી આવી. થોડું વાચનગણન જાણતાં કે બિલકુલ ના આવડતાં એવા અગિયારથી પંદર બાળકોને શિસ્ત સાથે સ્વતંત્રતા આપી યથાશક્ય શૈક્ષણિક વિકાસ કરતાં આનંદ આપવાનું લક્ષ્ય હતું. પણ પહેલા ધોરણનાં આઠ, બીજા-ત્રીજા ધોરણનાં ત્રણ-ત્રણ એમ ૧૪માંથી વધતી-ઓછી સંખ્યામાં હાજર એવાં બાળકોની શિસ્ત રાખવી અશક્ય જ.
મારે અદબ-પલાંઠી નહોતાં કરાવવાં. શિસ્ત લાદવી નહોતી. પછી શું થાય? દરેક બાળક કાંઈક-કાંઈક કરતું રહે. અંદર-અંદરની ગુસપુસ, પાટલી પછાડવી, ચોપડી કે નોટ ખોલી મોટેથી બોલવું. બીજાની ફરિયાદ કરવી. ‘ટૉયલેટ માટે જવું છે.’ની રજા માંગવી વગેરે-વગેરે. કલાક-બે કલાક રસ પડતો પણ પછી કંટાળી જવાતું. માત્ર, દસ દિવસમાં બાળકો સાથે જે દોસ્તી થઈ એ એક શૈક્ષણિક લબ્ધિ જ.
પહેલા જ દિવસે બાળકોને કાગળ આપતાં એમને ચિત્રપ્રવૃત્તિમાં રસ પડ્યો. પણ મૌલિકતાનો અભાવ. એકાદ-બેના ચિત્રમાં મૌલિકતા જોવા મળી. શાળાકીય વાતાવરણ ક્યાંથી મૌલિકતાને ખીલવે? વર્ગમાં વાર્તા સાંભળવાનો તો એમનો લગભગ પહેલો જ અનુભવ હતો. મેં ‘આનંદી કાગડા’ની વાર્તાનો હિન્દી અનુવાદ કરેલો. નાનકડા જૂથે એકાદ પહેલા વર્ગની એકાદ નાની છોકરીનો અપવાદ બાદ કરતા બધાંએ સાંભળી. ભાવમય વાતાવરણ થઈ ગયું. મૌલિક ચિત્ર દોરનાર તેજસ્વી પણ તોફાની ચંચળ રમતિયાળ અમિતે શબ્દેશબ્દ પીધો. એટલું જ નહીં, પોતાના બે વર્ષના ભાઈને ય યાદ કર્યો કે એ જે પણ કરે પણ હસતો જ રહે.
પહેલી શ્રેણીના પાઠ્યપુસ્તકની પહેલી કવિતા લગભગ બધાંને મોઢે જ. અટક્યા સિવાય સળંગ કવિતા સમૂહમાં કે વ્યક્તિગત રીતે કડકડાટ બોલી જાય. કવિતા બોલી જાણે સમગ્ર ભણતા આવડી ગયું હોય, એવો આનંદ મોં પર દેખાય. ફેબ્રુઆરીથી સત્ર શરૂ થાય, એટલે લગભગ છ મહિને આટલું મોટા ભાગનાને આવડે. કારણમાં વર્ગશિક્ષિકા અનિયમિત હાજરીવાળાને ધાકધમકીવાળી પરાણે લાવેલી શિસ્તથી સળંગ ત્રણ કલાક બેસાડી રાખી કૉપીબુકમાં બારાક્ષરી લખી આપી તેની કૉપી કરાવે. શિક્ષિકા પર્સનલ છે મોબાઇલમાં વાત કરવા વખતોવખત બહાર જાય, ત્યારે એ જ અંદરોઅંદરની અશાંતિ વચ્ચે-વચ્ચે ‘ટૉઇલેટ માટે જઉં’ની પરમિશન લઈ પગ કે કાન છૂટો કરવા કે ઓરડાથી મુક્ત થવાનું વ્યક્તિગત કે સમૂહમાં ચાલતું રહે.
રખે માનતા કે પહેલા-બીજા-ત્રીજા ધોરણના સરકારી વર્ગનું આ ચિત્ર કેવળ સિમલાનું છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં વધતી-ઓછી માત્રામાં અને અન્ય રાજ્યોમાં વધતી-ઓછી માત્રામાં આ જ વાસ્તવિકતા નોંધાતી રહી છે.
પ્રાથમિક શિક્ષણ મફત ને ફરજિયાત, પણ પ્રાથમિકનું પ્રથમ ધોરણ ગમે તેટલા સરકારી પ્રયાસો પછી ત્યાંનું ત્યાં. કક્કાની બારાક્ષરી જેવાં જુદાં-જુદાં કારણોમાં ઊતરતી નથી પણ આ સંદર્ભમાં પ્રાથમિક શિક્ષણને નઈ તાલીમના પ્રયોગવીર આંબલાના પૂર્વનિયામક અનિલભાઈ ભટ્ટની તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તકમાંથી ‘મુક્તશીલા કેળવણી’માંથી થોડુંક ઉતારું તો …
પણ આજની ચાલુ પદ્ધતિમાં પહેલા ધોરણમાં બાળકને વર્ગમાં શિક્ષણ લેતો કરવાનું કામ ખાસ્સું મુશ્કેલ છે. ઢોરને વાડામાં પૂરવા કે કેદીને બરાકમાં પૂરવા માટે જે ભય, દંડનો ઉપયોગ થાય છે, તે જ શક્તિ દ્વારા આ થાય છે. તેમાં વ્યક્તિ તાબે થાય છે, પણ તે લાદેલી શિસ્ત દ્વારા જ. લાદેલી શિસ્તથી જડતા જન્મે અને અનુકૂળતા મળતાં પ્રત્યાઘાત જન્મે.
પણ એ જ બાળક મુક્ત મને ગમતી પ્રવૃત્તિમાં જોડાય છે, જ્યારે કલાકોના કલાકો સુધી એકાગ્રતાથી સર્જનમાં લાગે છે, ત્યારે એ પ્રવૃત્તિમાં એનું હૈયું, બુદ્ધિ અને હાથ જોડાયેલાં હોય છે, ને હૈયે આનંદ-આનંદ હોય છે. તે સર્જનમાંથી ઉદ્ભવતો ગુંજારવ, સર્જનની કેળવણીની પ્રક્રિયા ચાલે છે, તેનું લક્ષણ છે…. (મુક્તશીલા કેળવણી, ૨૦૧૫ ને ગ્રામ દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ, પૃ. ૨૧) મુદ્દે, સર્જનનું શિક્ષણ આપતા પ્રયોગોની દિશામાં જવું આવશ્યક નહીં, અનિવાર્ય બન્યું છે. ૮૮ વર્ષ પહેલાં, ૧૯૨૮માં ‘નવજીવન’માં ગાંધીજીએ લખેલું,
ઘણાં વર્ષોનાં મનન પછી ને કંઈક પ્રયોગો કર્યા પછી હું એ નિર્ણય ઉપર આવ્યો છું કે પ્રાથમિક કેળવણી ઓછામાં ઓછા એક વર્ષ લગી પુસ્તક વિના જ અપાવી જોઈએ, ને ત્યાર બાદ પણ વિદ્યાર્થીઓમાં પુસ્તકોનો ઓછામાં ઓછો ઉપયોગ થવો જોઈએ.
આગળ જતાં તે કહે છે, આજકાલ પુસ્તકિયા જ્ઞાનનો પ્રચાર બહુ વધી ગયો છે. નિત્ય નવાં પુસ્તકો પ્રગટ થયાં જ કરે છે, જેની ભાષા જરાક પણ ખેડાયેલી છે, જેણે જરાક પણ વિચારો પ્રગટ કર્યા છે, તેઓ પોતાના વિચારો પ્રગટ કરવા અધીરા બને છે ને તે વિચારો પ્રગટ કરવામાં દેશસેવા થાય છે એમ માને છે. પરિણામે વિદ્યાર્થીઓનાં મગજ ઉપર ને તેમના વાલીઓનાં ખિસ્સાં ઉપર અસહ્ય બોજો પડે છે. વિદ્યાર્થીઓની બુદ્ધિ બહેર મારી જાય છે, તેમનાં મગજ અનેક પ્રકારની હકીકતોનું સંગ્રહસ્થાન બની જાય છે, તેથી તેમાં મૌલિક વિચારને સારુ સ્થાન નથી રહેતું.
પુસ્તકો ઉપર આધાર રાખવાને બદલે શિક્ષક જ એના વિદ્યાર્થીઓ આગળ જીવંત પુસ્તક થઈ બેસી જાય, તો હાલતાં-ચાલતાં વાતોમાં અને વ્યવસ્થિત રીતે વિદ્યાર્થીઓ થોડા સમયમાં એટલું બધું મેળવતા જાય છે કે, શિક્ષકની હોંશ અને વિદ્યાર્થીની જિજ્ઞાસાને પરિણામે એ જીવંત પુસ્તકમાં નિત્ય નવીન પ્રકરણો ઉમેરાતાં જ જાય છે અને આવા શ્રુતશિક્ષણમાં પુસ્તકોના ખર્ચનો લગભગ છેદ જ ઊડી જાય છે.
ગાંધીજીના ‘પાયાની કેળવણી’ (નવજીવન પ્રકાશન) પુસ્તકમાંના વિચારો આજે વાગોળવા જેવા મને લાગે છે.
સિમલાની પ્રાથમિક શાળામાં મેં જે જોયું, અનુભવ્યું ને મનમાં ખૂંચ્યું તે સમગ્ર ભારતની મોટા ભાગની પ્રાથમિક શાળાઓમાં જોવા મળે છે. નવી દૃષ્ટિથી લખાયેલાં બદલાતાં પાઠ્યપુસ્તકો છતાં એ જ કક્કાપદ્ધતિ ને બારાક્ષરીથી અર્થ વગરના એવા ૩૩x૧૧=૩૬૩ વ્યંજનો ને સ્વરો મોઢે કરાવી, ગોખાવી કુમળાં શિશુ પર જુલમ કરે, એટલું જ નહીં બારાક્ષરી લખવા આપી વર્ગખંડમાં લાદેલી શિસ્ત જાળવે. બિચારું બાળક જુદા-જુદા અક્ષરોના આકાર કરી ‘મને ભણતાં આવડી ગયું છે’ એવો ભળતો આત્મવિશ્વાસ કેળવે. અહીં ફરીથી ગાંધીજીને યાદ કરીએ. એમણે કહેલું,
મને બચપણમાં કક્કો શીખવવામાં આવેલો એ દિવસો મને યાદ છે. એ શીખતાં મને કેટલી મુસીબત પડેલી એ હું જાણું છું. મારી બુદ્ધિ કેમ કટાઈ જતી હતી, એ સમજવાની કોઈને પરવા નહોતી.
મારો તો દૃઢ અભિપ્રાય છે કે કક્કા અને વાંચન-લેખનથી બાળકના શિક્ષણનો આરંભ કરવાથી તેની બુદ્ધિનો વિકાસ કુંઠિત થાય છે.
અનિલભાઈ ભટ્ટે આજીવન પ્રયોગો થકી નિચોડરૂપ તારણ કાઢ્યું તે પ્રમાણે –
અક્ષરજ્ઞાન માટે ચાર પદ્ધતિનો પ્રયોગ થયો. અક્ષરપરિચય, ચિત્ર-અક્ષરપરિચય, વાક્યપરિચય, શબ્દપરિચય. અક્ષર એકલો અજ્ઞાત છે. તેના પરિચયથી કશું જ્ઞાત થતું નથી. આખરે શબ્દ જ નામ, ક્રિયા કે દૃશ્ય તેનો એક ભાગ છે, તેથી કશો બોધ કે પરિચય થતો નથી. એટલે એ પદ્ધતિ અધૂરી અનુભવાઈ છે.
ચિત્રપદ્ધતિમાં અમારો અનુભવ એવો છે કે કમળનો ‘ક’ શીખવવાથી વાચનમાં જ્યારે-જ્યારે ‘ક’ આવે છે, ત્યારે ‘કમળ’ પણ યાદ આવે છે. પણ અહીં તો ‘કલમ’ છે. કમળ-કલમ વાંચતી વખતે જે તરત જ ચિત્ર મનમાં ઊપસવું જોઈએ, તે ઊપસતું નથી એટલે એ પદ્ધતિ પણ અમે છોડી.
સામાન્ય રીતે જ્ઞાતમાંથી અજ્ઞાતને ઓખળવાનું સરળ પડે છે. એટલે ‘પગ’ કે ‘મગ’ શબ્દ જ્યારે બૉર્ડ પર મુકાયા, ત્યારે બાળકને કંઈક જાણીતું લાગ્યું. અને એટલે ‘મગ’ શીખવતી વખતે બૉર્ડ ઉપર પહેલા ‘મગ’ મુકાયો. પછી બે અક્ષરો જુદા છે તે દર્શાવવા મ… ગ… મુકાયા. આ અંતર વધારતાં બને જુદાં છે, તેની સમજ મુકાઈ.”
ભાષા આખરે અનુભવોનું પ્રતીક છે. બોલાતી ભાષા અનુભવાતી ભાષા પરિચિત છે. આપણી લાગે છે. અનુભવ ન હોય તેવો શબ્દ કે તેવી વાક્યરચના સમજાતી નથી. બોલચાલ, વાણી અનુભવાયેલી હોવાથી સમજાય છે.
વાક્યપદ્ધતિ પણ જ્ઞાતમાંથી અજ્ઞાતમાં લઈ જાય છે. બાળકો માટે અમને શબ્દપદ્ધતિ અને પ્રૌઢો માટે વાક્યપદ્ધતિ સારી લાગી.
અનિલભાઈના પ્રયોગો અને અનુભવોના નિષ્કર્ષ રૂપે તારવેલું આ તારણ અમલમાં મૂકવા જેવું છે. (હૃદયકોશે અનિલભાઈ, ગ્રામદક્ષિણા મૂર્તિ ટ્રસ્ટ, ૨૦૧૬, પો. ૨૩૯.)
કક્કાપદ્ધતિ વરસોથી નિર્મૂળ થઈ હોવા છતાં વ્યવહારમાં કક્કાપદ્ધતિમાં જાતભાતનાં રૂડાંરૂપાળાં રંગબેરંગી પુસ્તકો, કમળનો ક, ખડિયાનો ખ… વગેરે સરકારી પાઠ્યપુસ્તકોમાંથી ક્યારે જશે?
લેખનમાં પણ બાળકો અટપટા અઘરા અક્ષરના આકારો ચીતરવાને બદલે સરળથી અઘરું એ સિદ્ધાંત પર ભૂમિતિની રેખાઓ, પંખી, ફૂલનાં ચિત્રો વગેરે બાળકની કલ્પના મુજબનાં મુક્ત ચિત્રો પછી પરિચિત અક્ષરોના આકાર દોરતાં થાય છે. એ જ સરળ ને સહજ બાળભોગ્ય શૈલી છે. નહીં કે અક્ષરોના આકાર પાડવા પ્રયત્ન કરી અક્ષરોનો મરોડ બેઢંગો કરી, ખરાબ અક્ષરો લખતાં થાય. ફરીથી ગાંધીજીને યાદ કરીએ તે કહેતા કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
આઝાદીનાં બાસઠ વરસે આર.ટી.ઈ. વાટે ભારતમાં મફત ફરજિયાત પ્રાથમિક શિક્ષણના કાયદાનો અમલ થયો, ત્યારે આ દિશામાં ચુસ્ત અમલ કરવો આવશ્યક નહીં, અનિવાર્ય બન્યો છે.
નવરંગપુરા, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 17- 18