સંઘર્ષ સમતાનો : સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વની લડતનાં પર્યાયરૂપ નારીવાદી કર્મશીલનું તેમના 84ના જ્ન્મદિને સ્મરણ
ગુજરાતના અસાધારણ નારીવાદી કર્મશીલ ઇલાબહેન પાઠક(1933-2014)ના ચ્યોર્યાંશીમા જન્મદિવસ નિમિત્તે આવતીકાલે એક કાર્યક્રમમાં ‘સંઘર્ષ સમતાનો’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવશે. નારીઅભ્યાસ ક્ષેત્રના વરિષ્ઠ અધ્યાપક-સંશોધક કલ્પના શાહે લખેલા આ પુસ્તકમાં, ઇલાબહેને સ્થાપેલી ‘અમદાવાદ વિમેન્સ અૅક્શન ગ્રુપ – અવાજ’ સંસ્થાની કામગીરીનું વિહંગાવલોકન છે.
‘અવાજ’ની સ્થાપના ઇલાબહેને 1981માં કરી. જોતજોતામાં તો આ સંગઠન સ્ત્રીઓ પરના અન્યાય-અત્યાચાર વિરુદ્ધની ચળવળ અને સ્ત્રીના સ્વતંત્ર અસ્તિત્વ-વ્યક્તિત્વ માટેની મથામણના પર્યાય સમું બની ગયું. અલબત્ત તે પહેલાં પણ ઈલાબહેન નારીગરિમા અંગે જાગૃત હતાં. ‘ગૉડેસ ફિગર્સ ઇન ઇન્ડિયન મિથોલૉજિ : અ ફેમિનિન પર્સ્પેક્ટિવ’ વિષય પર સંશોધન કરીને ડૉક્ટરેટ મેળવનારાં ઇલાબહેન અમદાવાદની શ્રી એચ.કે. આર્ટસ્ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક હતાં. પહેલેથી જ વિદ્યાર્થીઓને જુદા પ્રકારે વિચાર કરવા, સ્ત્રીઓના દૃષ્ટિકોણથી બાબતોને તપાસવા પ્રેરતાં.
સિત્તેરના દાયકાના પાછલાં વર્ષોમાં ઇલાબહેને અશ્લિલ કે દ્વિઅર્થી સંવાદોથી સ્ત્રીઓનું અભદ્ર નિરૂપણ કરતાં ગુજરાતી નાટકો સામે ઝુંબેશ ઉપાડી. વિદ્યાર્થિનીઓ અને સમવિચારી નાગરિકો સાથે શરૂ કરેલ ‘અવાજ’એ પ્રારંભિક તબક્કામાં જાહેરખબરો, મીડિયા અને પાઠ્યપુસ્તકોમાં સ્ત્રીના હીનચિત્રણ સામે ચળવળો કરી. અશ્લિલ પોસ્ટરો પર કાળો રંગ ચોપડાયો, ‘પુત્રકામેષ્ટિયજ્ઞ’ નામના નાટકનું આકાશવાણી પરનું પ્રસારણ બંધ રહ્યું. સતત રજૂઆતોનાં પરિણામે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકોનાં સ્ત્રીવિરોધી વલણોનાં અભ્યાસ અને નિવારણ માટે ઈલાબહેનના જ વડપણ હેઠળ સમિતી નીમી.
ઇલાબહેને 1982માં અમદાવાદના કાંકરિયાના કોલસા યાર્ડમાં મજૂરી કરતી આદિવાસી બહેનોની દુર્દશાનો અભ્યાસ કરી તેમના ધોરણસરના વેતન અને વર્કિન્ગ કન્ડિશન માટે સફળ લડત ચલાવી. એટલું જ નહીં પણ આ બહેનોને આદિવાસી કલાકારીગરીના ઉપયોગથી આવક મેળવવાની વ્યવસ્થા પણ ‘અવાજે’ ઊભી કરી આપી. આવા પ્રકારની કામગીરી તેમણે 1989માં ગુજરાતમાં તમાકુનાં કારખાનાંની મહિલા કામદારો માટે પણ બજાવી. આ અંગેની અભ્યાસ સમિતિના અધ્યક્ષ તરીકે વડી અદાલતે તેમની નિમણૂક કરી હતી.
એ જ વર્ષે દક્ષિણ ગુજરાતના સાગબારા જિલ્લાની એક આદિવાસી મહિલા પર બે પોલીસોએ કરેલા બળાત્કાર સામે ન્યાયની લડત ઇલાબહેન ઍમ્નેસ્ટી ઇન્ટરનૅશનલ સુધી લઈ ગયાં. સર્વોચ્ચ અદાલતે આ કેસની તપાસમાં ઇલાબહેનની સહાય લીધી અને ગુનેગારોને સજા થઈ. દ્વારકાના કેશવાનંદ દુરાચાર પ્રકરણમાં ત્યાંની સંસ્થાઓને ‘અવાજ’ નો બળુકો ટેકો મળ્યો હતો. સાતેક વર્ષ પૂર્વે પાટણની એક કૉલેજની વિદ્યાર્થિની પર અત્યાચાર કરનાર અધ્યાપકોને ઓછા સમયમાં સજા અપાવી શકેલી સફળ ઝુંબેશમાં ઇલાબહેને અન્યો સાથે મોટો ફાળો આપ્યો હતો.
નેવુના દાયકામાં ઇલાબહેનનાં કામનો વિસ્તાર વધ્યો. સ્ત્રીઓ પર હિંસા, તેમનાં અપમૃત્યુ અને આત્મહત્યા અંગેનાં અભ્યાસ સાથે તે બધાંનાં નિવારણ માટે મોટા પાયે કામ શરૂ થયું. તદુપરાંત ‘અવાજ’ એ સ્ત્રીભ્રૂણહત્યા અંગે રાજ્યભરમાં જાગૃતિ જન્માવી. તેના માટે માહિતી, સંશોધન, જાતતપાસ, સતત સજગતા, સમૂહ માધ્યમો જેવાં અનેક માર્ગે વ્યૂહરચના કરી. દારૂબંધીના કાયદાના કડક અમલીકરણની બાબતમાં પણ ‘અવાજ’ ખૂબ સક્રિય રહ્યું છે. ગરીબ વસ્તીઓમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા માટે તેની કાર્યકર બહેનોએ ખૂબ જોખમો ઊઠાવીને પ્રયત્નો કર્યા છે. તદુપરાંત દારૂબંધીનો કાયદો હળવો કરવાની કોઈ પણ હિલચાલના અણસાર મળે એટલે ઇલાબહેન અચૂક સક્ષમ રજૂઆત કરતાં. પોલીસ અને તંત્રવાહકો સ્ત્રીઓ સામેના ગુનામાં સંવેદનશીલતાથી કામ લે તે માટે ‘અવાજ’એ પોલીસ સાથે કાર્યશાળાઓ પણ કરી હતી.
ન્યાય અને શાંતિપૂર્ણ સમાજની રચનામાં નગરિકની રાજકીય સામેલગીરીની અનિવાર્યતા જાણીને, રાજકારણનો છોછ નહીં રાખનાર ઇલાબહેન 1987માં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પણ લડ્યાં હતાં. કોમવાદની સામે લડત આપવા માટે ગુજરાતમાં નવમા દાયકાના આરંભે શરૂ થયેલા સેક્યુલર લોકશાહી આંદોલન (મૂવ્હમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી- એમ.એસ.ડી.) મંચના સ્થાપકોમાંના એક ઇલાબહેન બાબરી મસ્જિદ ધ્વંસ પછી વધુ સક્રિય બન્યાં હતાં. મંચના કાર્યક્રમોમાં તેમણે ‘અવાજ’ને પણ સાંકળી લીધી. જો કે સંસ્થાનું બાપુનગરનું સંકુલ તો 1986 ના કોમી રમખાણોમાં મુસ્લિમ બહેનોને વેઠવી પડેલી હાડમારીને પરિણામે શરૂ થયું હતું. હિંસાચારના ત્યાર પછીના બધા તબક્કામાં તે બહેનો માટેનો મોટો આધાર બન્યું. ગોધરાકાંડને પગલે ફાટી નીકળેલ સંહારનો ભોગ બનેલી મહિલાઓ માટે ‘અવાજ’ એ કરેલાં કામનાં પાંચ પાસાં છે − રાહત, રોજગાર, રજૂઆત, બાળશિક્ષણ અને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન. એ વખત ભૂકંપગ્રસ્તોના પુનર્વસનનું કામ પણ ચાલુ હતું. રાધનપુર તાલુકાના છેવાડાના ગામોમાં સાડા ચારસોથી વધુ ઘરો ‘અવાજ’ થકી બંધાયાં હતાં. રાપર અને સમીમાં પણ ‘અવાજ’ની શાખાઓ છે.
અલબત્ત, ઇલાબહેનનું કામ એ માત્ર ‘અવાજ’ પૂરતું મર્યાદિત ન હતું. વડોદરાના બેસ્ટ બેકરી કેસને રિ-ઓપન કરાવવામાંધારાશાસ્ત્રી ગિરીશ પટેલ, પ્રકાશ ન. શાહ અને અન્યોની સાથેના એમ.એસ.ડી.ના એક ટેકીલા લડવૈયા ઇલાબહેન હતાં. એમ.એસ.ડી.ના અને માનવ અધિકાર દિન માટેનાં ધરણાં, દેખાવ, સંમેલન, માનવસાંકળ જેવા દરેક કાર્યક્રમમાં એ પૂરો સમય જોડાયેલાં રહેતાં. એવાં જ એક કાર્યક્રમની મંજૂરી નહીં હોવા છતાં તે કરવા માટે નવમી માર્ચ 2012 ના રોજ ઇલાબહેને અટકાયત વહોરી હતી – ઓગણ્યાસી વર્ષની ઉંમરે. તેના પહેલાંના વર્ષે દિવાળીમાં પોલીસે તેમને મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં પકડ્યાં હતાં. ત્યાં ઇલાબહેન બાર વર્ષથી ઉપવાસ પર ઊતરેલાં સત્યાગ્રહી ઇરોમ શર્મિલાને મળવા માટે નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટસ (એન.એ.પી.એમ.) સંગઠનની ઝુંબેશમાં દુર્ગમ રસ્તે ચાલતાં ગયાં હતાં.
આવું ચાલવાનું ઇલાબહેને માર્ચ 2011માં મહુવા આંદોલન દરમિયાન પણ કર્યું હતું. શરૂઆતના તબક્કાની એક રેલીમાં પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો ત્યારે ઇલાબહેને વિરોધ ઉપરાંત અનેક સ્તરે કરેલી અસરકારક રજૂઆત કરી. તે પછી આંદોલન દરમિયાન પોલીસનું મહિલાઓ સાથેનું વર્તન બની શકે તેટલું ધોરણસરનું બન્યું. ઇલાબહેને ગાંધીઆશ્રમ પાસે ધરપકડ વહોરી હતી. ગાંધીજીના સ્ત્રીઓ વિશેના વિચાર તેમ જ સાદગી અને સ્વાશ્રયનાં મૂલ્યોમાં તેમને ઊંડી શ્રદ્ધા હતી. ગાંધી વિચાર અને સર્વોદય વિચારને વરેલી ગુજરાત લોકસમિતિમાં ચુનીભાઈ વૈદ્ય સાથે વીસેક વર્ષથી પૂરી નિષ્ઠાથી કાર્યરત હતાં. સમિતિએ ઊપાડેલી જળ-જંગલ-જમીન માટેની લડતોમાં તે પોતાની બુદ્ધિશક્તિ કામે લગાડતાં.
વિમેન્સ ઇન્ટરનૅશનલ લીગ ફૉર પીસ ઍન્ડ ફ્રીડમ(વિલ્ફ) થકી ઇલાબહેને ભારતની મહિલાઓની સમસ્યાઓની વિશ્વસ્તરે રજૂઆત કરવાનું કામ કર્યું હતું. વિલ્ફના નેજા હેઠળ ઓરિસ્સાના કંધમાલની કોમી હિંસાનો ભોગ બનેલી મહિલાઓની દુર્દશાનો અભ્યાસ કરીને સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. જિંદગીના છેલ્લા મહિનામાં કેમુથેરાપિની પીડા વચ્ચે પણ તેમણે ‘પૌરુષેય સમાજ’ના દુરાગ્રહો અને પકડ વિશે તેમ જ લઠ્ઠાકાંડ સંદર્ભે જાહેર હિતની અરજી પરના ‘કેવળ નિરાશા’ આપનારા ચુકાદા વિશે લેખો કર્યા હતા.
ખૂબ ઊર્જા અને ધૃતિ ધરાવતાં નેત્રી ઇલાબહેન જીવનને ચાહનાર, માણનાર પ્રેમાળ વ્યક્તિ હતાં. ચિત્રો, ચૉકલેટ, આઇસ્ક્રીમ, ચટાકેદાર વાનગીઓ, રસોઈ, હિંચકો, ઊંધિયું વગેરેના તે શોખીન હતાં. લુણાવાડા રાજ્યના દિવાન પિતાના પુત્રી ઈલા એક જમાનામાં ઘોડેસવારી કરતાં, અને પછીનાં વર્ષોમાં જીપ પણ ચલાવી લેતાં. સ્ત્રીની એક વ્યક્તિ હોવાની – પુરુષસમોવડીના સાપેક્ષ માપદંડ અને માનદંડથી નિરપેક્ષ વ્યક્તિ હોવાની – સમજ સમાજમાં સર્વત્ર લઈ જવાની ઇલાબહેનની મથામણ હતી. તેનો સાચો ખ્યાલ તેમનાં પુસ્તકો અને ‘અવાજ’ના કામના અભ્યાસ પરથી જ મળી શકે. પાર્શ્વ પ્રકાશને બહાર પાડેલાં તેમનાં ‘નારીવાદીની કલમે’, ‘નારીવાદીની નજરે’, ‘નારીવાદીનું આકલન’ અને ‘નારીવાદીનું મનોમંથન’ પુસ્તકોમાં હજારેક પાનાંનું અભ્યાસ અને કર્મસિદ્ધ વાચન છે.
ઈલાબહેન હતાં ત્યારે ક્યાં ય મહિલાઓને અન્યાય-અત્યાચારનો સામનો કરવો પડે તો ગુજરાતને ‘અવાજ’ યાદ આવે. અત્યારે ભાગ્યે કોઈ છે કે જે – વાસનાભૂખ્યા પુરુષો, દારુડિયા પતિ, લોભી સાસરિયા, તેમની માગ મુજબ માના પેટમાંની દીકરીને પાડી નાખતા દાક્તરો, કામાંધ આસારામો, ધર્માંધ હુમલાખોરો, નારીદેહને વિપણન-વેચાણ માટે મૂકતું બજાર – આ બધાંથી બચવા માટે લડવા માગતી બહેનોને સાથ આપે.
25 મે 2016
++++++
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની કોલમ, “નવગુજરાત સમય”, 27 મે 2016