લોકોને માત્ર પાંચ વર્ષે પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર આપી દેવાથી લોકશાહીના અચ્છે દિન આવી જતા નથી.
વીસમી સદીમાં લોકશાહીનો વ્યાપ મોટા પાયે વિસ્તર્યો હતો, લોકોને અભિવ્યક્તિની આઝાદીનો અધિકાર મળ્યો હતો, પરંતુ સામાન્ય લોકો પાસે જાહેરમાં પોતાની વાત રજૂ કરવા માટેનું ભાગ્યે જ કોઈ માધ્યમ હતું અને કમનસીબે એ વખતના નેતાઓને પણ તેની ઝાઝી દરકાર નહોતી. જો કે, એકવીસમી સદીમાં મોબાઇલ-ઇન્ટરનેટના વિકાસ પછી સામાન્ય લોકો પાસે પોતાની વાત, વિચારો અને મંતવ્યો રજૂ કરવાનાં માધ્યમો હાથવગાં બન્યાં છે. મોબાઇલના એસ.એમ.એસ. તથા ઇન્ટરનેટ પર બ્લોગ કે સોશિયલ નેટર્વિંકગ સાઇટ્સના પ્રતાપે સામાન્ય લોકોનો અવાજ બુલંદ થયો છે. લોકોને અભિવ્યક્તિની આઝાદી ભોગવવાની તક મળી છે અને આ તકને કારણે અનેક દેશોમાં સ્વરાજ્યની વસંતના વાયરા ફુંકાયા છે તથા સત્તા પરિવર્તન શક્ય બન્યું છે.
નવી પેઢી ખુલીને ચર્ચા કરવા લાગી છે, જાહેરમાં વિચારો વ્યક્ત કરી રહી છે, એનાથી સમાજના અને સત્તાના ઠેકેદારોના પેટમાં તેલ રેડાયું છે. આ 'ગાદી'પતિઓ યેનકેનપ્રકારેણ આ અવાજોને દબાવી દેવા તલપાપડ બન્યા છે. અમુક દેશમાં તો આવા અવાજોને કાયમ માટે બંધ કરી દેવા ક્રુરતાની હદ પણ વટાવાતી હોય છે, જેનું તાજું ઉદાહરણ આપણા પાડોશી બાંગ્લાદેશમાં જોવા મળ્યું. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ગુરુવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં બ્લોગર અવિજીત રોય પોતાની પત્ની રફિદા અહમદ સાથે પુસ્તક મેળામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમના પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો અને અવિજીતનું મોં કાયમ માટે બંધ કરી દેવાયું. બાંગ્લાદેશના વતની, પણ અમેરિકાના નાગરિક એવા અવિજીત રોયનો વાંક એટલો જ હતો કે તેઓ કહેવાતી ધાર્મિક બાબતોને તર્કની કસોટીએ મૂલવતા હતા અને ઇસ્લામિક કટ્ટરવાદ વિરુદ્ધ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા. અભ્યાસે એન્જિનિયર અને પી.એચડી. સુધીની ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત અવિજીતનો બ્લોગ 'મુક્તો મોન' (મુક્ત મન) બંધિયાર દિમાગના લોકોને ખટકતો હતો અને અવિજીતને ઘણા સમયથી ધમકીઓ મળતી જ હતી. બાંગ્લાદેશના કટ્ટરવાદી જૂથો રાહ જોઈને જ બેઠા હતા કે અવિજીત સ્વદેશ આવે અને તેને સ્વધામ પહોંચાડી દઈએ. ઢાકા યુનિર્વિસટીમાં આયોજિત પુસ્તક મેળામાં અવિજીત પોતાનાં બે પુસ્તકોના વિમોચન માટે આવ્યા અને કટ્ટરવાદીઓને દાઝ કાઢવાનો મોકો મળી ગયો.
બાંગ્લાદેશમાં અવિજીત પહેલાં ૨૦૧૩માં અહમદ રજીબ હૈદર નામના બ્લોગરનું પણ કાસળ કાઢી નાખવામાં આવ્યું હતું. તો પ્રોફેસર હુમાયુ આઝાદ નામના લેખકની પણ ૨૦૦૪માં હત્યા કરવામાં આવી હતી. અન્ય બ્લોગર આસિફ મોહિનુદ્દીન પર પણ ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જાણીતા લેખિકા તસલીમા નસરીન પણ બાંગ્લાદેશમાં જઈ શકતાં નથી. આમ, બાંગ્લાદેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કટ્ટરવાદ ફરી ફુંફાડા મારી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે.
માત્ર બાંગ્લાદેશમાં જ નહિ, દુનિયાના અનેક દેશોમાં બ્લોગ થકી સત્ય બોલનારા, ભ્રષ્ટ નેતાઓ અને પાખંડી ધર્મગુરુઓનો ભાંડો ફોડનારા બ્લોગર્સ પર સીતમ ગુજારાય છે. પાકિસ્તાનની મલાલા પણ બી.બી.સી.માં બ્લોગ લખતી હોવાથી તેના પર ગોળીબાર થયો હતો. સાઉદી અરબમાં ધર્મ બાબતે મુક્ત ચર્ચા કરનારા બ્લોગર રૈફ બદાવી પર ૨૦૧૨માં હુમલો થયેલો અને ૨૦૧૩માં ઇસ્લામના અપમાન અને સાઇબર અપરાધના ઓઠા હેઠળ તેને ૧૦ વર્ષની જેલ અને ૧,૦૦૦ કોરડા ફટકારવાની સજા અપાઈ હતી. રૈફને દર અઠવાડિયે ૫૦ કોરડા મારવામાં આવે છે! તો ગયા ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં હોસ્ની મુબારક વિરુદ્ધ અને લોકશાહીની સ્થાપના માટે અવાજ ઉઠાવનારા ઇજિપ્તના બ્લોગર અલા અબ્દેલ ફતહને બળવા દરમિયાન કાયદા તોડવાના આરોપસર પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. લિબિયા, ગ્રીસ, મેક્સિકો, ઈરાન વગેરે દેશોમાં પણ બ્લોગરની હત્યાના કિસ્સા બન્યા છે. રશિયામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર એલેક્સે નવાલ્ની નામના બ્લોગરે પુતિનના નાકમાં દમ લાવી દીધો છે, એને પણ ગોટાળો કર્યાના ખોટા આરોપસર જેલમાં ધકેલવામાં આવ્યો છે. પુતિન તો ઇન્ટરનેટને સી.આઈ.એ.નો પ્રોજેક્ટ ગણાવે છે!
હકીકત એ છે કે રાજ્ય કે ધર્મના ગાદીપતિઓથી સત્ય સાંખી શકાતું નથી.
આપણા દેશમાં અભિવ્યક્તિની આઝાદીની શું સ્થિતિ છે, એ જાણવું હોય તો લેખક તરીકે પોતાના નામનું નાહી નાખનારા તામિલનાડુના પેરુમલ મુરુગનને જઈને પૂછો !
e.mail : divyeshvyas.amd@gmail.com
સૌજન્ય : ‘સમય સંકેત’ નામે લેખકની કટાર, “સંદેશ”, 08 માર્ચ 2015