થોડાં વર્ષો પહેલાં ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ વિશે બોલવાનું હતું ત્યારે કોઈએ પૂછેલું, ‘વર્તમાન સમયમાં ગાંધીજીની પ્રસ્તુતતા કેટલી ?’ એ વખતે જવાબ આપેલો કે ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ને દિવસે લાલકિલ્લા પર ઝંડો ફરકાવવાને બદલે જે માણસ સરહદી વિસ્તારમાં લોકોનાં આંસુ લૂછવા ફરતો હોય, માથે મોત ભમતું હોય, છતાં અર્ધે ઉઘાડે શરીરે કોઈ પણ કક્ષાની સુરક્ષાવ્યવસ્થાની જેને જરૂર ન હોય, પત્નીએ લોકફાળાના પૈસામાંથી એક જ રૂપિયો ઊછીનો લીધો હોય, તેના પ્રાયશ્ચિત્ત રૂપે જે ત્રણ અપવાસ કરતો હોય, તેનાથી વધારે પ્રસ્તુતતા બીજા કયા માણસની હોઈ શકે.
આ વાત એટલા માટે યાદ આવી કે જ્યારે પણ નારીવાદ, સ્ત્રીનું સમાજમાં સ્થાન, સ્ત્રીની સમસ્યાઓ એવા કોઈ વિષય પર વાત નીકળે કે મોટા ભાગનાં લોકો, બહેનો પણ તેમાં ખરી – કહેવાનાં, હવે બહેનોને વળી સમસ્યાઓ કેવી. કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. નગરપાલિકાના પ્રમુખ, મુખ્યમંત્રી જ્યાં નજર નાખો, ત્યાં બહેનો દેખાય છે. વાત ખોટી પણ નથી. બધે જ બહેનો દેખાય છે, તો નારીવાદની ચર્ચા શાને : આ પ્રશ્નનો જવાબ નીચેની ઘટનામાંથી મળશે.
એક વ્યવસાયી – કામ કરતી મહિલા એ દિવસે ઘેર મોડી પહોંચી પતિ ડ્રૉઇંગરૂમમાં સોફા પર લંબાવી ટીવી જોતા હતા. મહિલાએ પોતાને મળેલા પ્રમોશનની ગૌરવભેર જાહેરાત કરી. પ્રતિભાવ શું હતો ? ‘તારા પ્રમોશનને ભંડકિયામાં નાખ. નોકર વહેલો જતો રહ્યો છે અને ઘરમાં દૂધ નથી.’ મહિલા પાછે પગે બહાર જઈ દૂધ લઈ આવ્યાં. એમનું પ્રમોશન કંઈ નાનુંસૂનું ન હતું. એક આંતરરાષ્ટ્રીય કંપનીના સી.ઈ.ઓ. એવાં તે મહિલા એ દિવસે કંપનીના પ્રેસિડેન્ટ બન્યાં હતાં. આ મહિલાને દુનિયા ઇન્દ્રા નુયીને નામે ઓળખે છે. એમણે સ્વયં આ વાત એક ઇન્ટરવ્યૂમાં કરી હતી. આ ઘટના સાંભળ્યા પછી ‘નારીવાદની ચર્ચા શાને’નો જવાબ મળી જ જાય.
મારું આ વક્તવ્ય ન તો વિદ્વજ્જનો માટે છે, ન નારીવાદના ઊંડા અભ્યાસીઓ માટે. મારે તો સામે બેઠેલી નવી પેઢી સામે પશ્ચિમમાં અને ભારતમાં નારીવાદ આરંભાયો ત્યારની સામાજિક સ્થિતિ, ગાંધીજીનો ભારતીય સ્ત્રીજીવન પર પડેલો પ્રભાવ તથા સાંપ્રત સમયના પડકારોની થોડી ઝલક મૂકી આપવી છે. મારી રજૂઆત જરા પણ અધ્યાપકીય કે શિષ્ટ ન બની જાય, તે અંગે હું સભાન રહીશ.
એ બાબતની પણ સ્પષ્ટતા કરી લઉં કે મારે માટે નારીવાદ એટલે સ્ત્રીનો સ્ત્રી તરીકેનો, એના અસ્તિત્વનો, એના ગૌરવનો, એની ઓળખનો સમાજ દ્વારા સ્વીકાર થવો. અહીં ન તો એણે પુરુષ બનવા દોટ મૂકવાની છે, ન પુરુષથી ચડિયાતી થવા હોડ લગાવવાની છે, ન આધિપત્ય સ્થાપવાનું છે, ન ગુલામી સ્વીકારવાની છે.
પશ્ચિમમાં જૉન સ્ટુઅર્ટ મિલ દ્વારા સ્ત્રી હક્ક માટેની ચળવળ શરૂ થઈ, ત્યાંથી નારીવાદનાં બીજ નખાયાં, એવું આપણે માનીએ છીએ. પરંતુ અંગ્રેજી સાહિત્યના અભ્યાસીઓને એક નવલકથા ‘પમેલા’ સ્મરણમાં આવવી જોઈએ. રિચડ્ર્સનની આ નવલકથાની નાયિકા મધ્યકાલીન સામંતી સમાજમાં, જ્યાં દાસત્વ પણ વારસામાં મળતું હતું ત્યાં પોતાના યુવાન માલિકને તાબે થવાને બદલે એની સામે જંગે ચડે છે. જ્યાં સુધી માલિક – મિસ્ટર બી – પોતાને પરણે નહીં, ત્યાં સુધી એ દેહસ્પર્શની પરવાનગી આપવા તૈયાર નથી. લાંબા સંઘર્ષ પછી પમેલા પોતાની માગણી સ્વીકારવામાં સફળ રહે છે. મને લાગે છે, પોતાના હક્કની લડાઈ લડતી પમેલા અંગ્રેજી સાહિત્યની પ્રથમ નારીવાદી નાયિકા છે.
ઇબ્સનના નાયક ‘ધી ડૉલ્સ હાઉસ’ની નાયિકા નોરાએ નાટકને અંતે પછાડેલાં બારણાંના પડઘા આખા યુરોપમાં પડ્યા હતા. વીસમી સદીના પ્રારંભે સ્ત્રી-કામદારોએ સમાન વેતન માટે કરેલી માગણીમાંથી જન્મેલી ચળવળ સમાન અધિકારની લડાઈ બની ગઈ. વર્જિનિયા વુલ્ફ અને સિમોં દ બુવાર જેવી લેખિકાઓનાં ધગધગતાં તેજાબ જેવાં લખાણોએ તે લડાઈને આગળ ધપાવી. બે વિશ્વયુદ્ધો દરમિયાન દેશ ચલાવવા સ્ત્રીઓએ ઘરની બહાર નીકળવું પડવું. ટ્રામથી માંડીને ટ્રક અને કારથી માંડીને કારખાનાં તેમણે ચલાવ્યાં. સાથે ઘર તથા બાળકોની જવાબદારી પણ સુપેરે સંભાળી. પંરતુ જેવા સૈનિકો યુદ્ધમાંથી પરત ફર્યા કે સ્ત્રીને પાછા ઘરના દરવાજા બતાવવામાં આવ્યા. એને કારણે સ્ત્રીવર્ગમાં આક્રોશ જન્મ્યો. નારીવાદનો પ્રથમ તબક્કો અનુકરણનો હતો, બીજો તબક્કો આક્રોશનો. અને ત્રીજા તબક્કામાં ‘સ્વ’ની શોધ શરૂ થઈ.
પશ્ચિમની આ પરિસ્થિતિની પડછે ભારતીય સમાજની સ્થિતિ મૂકીને જોવા જેવું છે. ઇબ્સનના નાટકની નોરાએ ઘર છોડ્યું, તેના ત્રણ શતક પહેલાં એક ભારતીય સ્ત્રી સુરક્ષા, સંપત્તિ, વૈભવ, રાજરાણીપદ, મહેલની આરામભરી જિંદગી ફગાવીને રસ્તા પર નીકળી ચૂકી હતી. ભૌતિક વૈભવ કરતાં પોતાની અસ્મિતા, પોતાની સંવેદના અને પોતાનાં મૂલ્યોની રખાવટ એને માટે અનેક ગણી કીમતી હતી. ઇતિહાસ એને ભક્ત કવયિત્રી ગણાવે છે. મારે મન એક રીતે એ પ્રથમ નારીવાદી સ્ત્રી હતી. એ મીરાં હતી.
ભારતીય બંધારણમાં સ્ત્રીને સમાન અધિકાર મળ્યા, તે પહેલાં પોતાના હક્ક માટે ઝૂઝનારી સ્ત્રીઓનાં ચિત્રો આપણને કેટલીક આત્મકથાઓ તથા જીવનકથામાં મળે છે. નંદશંકર મહેતા – આપણી પ્રથમ નવલકથા ‘કરણઘેલો’ના રચયિતા – ની જીવનકથામાં એમના પુત્ર વિનાયક મહેતાએ ટાંકેલી બે ઘટનાઓ જોવા જેવી છે. નંદશંકરના દાદા ઇ.સ. ૧૮૦૧માં મૃત્યુ પામ્યા, ત્યારે દાદી નવજાત પુત્ર સાથે સાસરે હતાં. આસપાસના રૂઢિચુસ્ત વાતાવરણમાં યુવાન વિધવા તરીકે રહેવાનું કામ ઘણું કપરું હતું. દાદીએ વહેલી સવારે પુત્રને લઈને ઘર છોડ્યું. ઘરની ભીંત પર પોતે પિયર જઈ રહ્યાં છે એ કોલસાથી લખ્યું, અને તાપી નદી તરીને સામે કાંઠે ઓલપાડ પિતાને ત્યાં જઈ પહોંચ્યાં. બે સદી પહેલાંનાં સમાજે અને સ્વજનોએ એમને કેવી રીતે આવકાર્યાં હશે ? પણ દાદી તો હિંમતભેર પિયર જ રહ્યાં !
બીજી ઘટના કોઈ પરિચિત કુટુંબમાં બનેલી. ઘરનો પુરુષ રોજ સાંજ પડે બનીઠનીને બહાર જાય. મોંમાં પાન, અત્તરફુલેલથી મહેક – મહેક. પણ પત્નીથી પૂછાય નહીં કે ક્યાં જાવ છો. પૂછે તો ઉડાઉ જવાબ મળે, ‘અમને મન ફાવે ત્યાં જઈએ, અમને પૂછનાર તું કોણ ?’ આમ, લાંબો સમય ચાલ્યું. એક સાંજે આ મહાશય તૈયાર થઈને નીકળ્યા. જરાક આગળ ચાલ્યા, ત્યાં પોતાના ઘરનો દરવાજો વસાતો હોય એવો અવાજ સંભળાયો. જોયું તો પત્ની પણ બહાર નીકળેલી ! એણે ડઘાઈ જઈને પૂછ્યું, ‘કેમ, તું ક્યાં ચાલી ?’ જવાબ મળ્યો, ‘અમને મન ફાવે ત્યાં જઈએ. અમને પૂછનાર તમે કોણ ?’ કહેવાની જરૂર નથી કે એ પતિ મહાશય પછી ક્યારે ય સાંજ પડ્યે બહાર નહીં ગયા હોય !
કનૈયાલાલ માણેકલાલ મુનશીની આત્મકથા ‘અડધે રસ્તે’માં એમનાં દાદીના જીવનનો એક પ્રસંગ અત્યંત સંક્ષિપ્તમાં એમણે નોંધ્યો છે. મુનશીના દાદા રોનકી જીવ હતા. પત્ની સિવાય વિવિધ જાતિ અને ધર્મની સ્ત્રીઓ સાથે એમને નિકટના સંબંધો હતા. મુનશીનાં દાદી આ કારણે દુઃખ અનુભવતાં. પતિ નહીં જ માને એવું લાગતાં એક વખત તો પુરુષવેશ ધારણ કરી એ બધી સ્ત્રીઓનાં ઘર પર પથરા નાખી આવ્યાં ! પતિ સુધર્યા નહીં. એટલે પતિની પથારીનો આજીવન ત્યાગ કર્યો. પતિની આણ આગળના ઓરડા પૂરતી જ રહી. અંદરના ઓરડામાં એમનો પ્રવેશ આજીવન વર્જિત હતો. આર્થિક રીતે પરાવલંબી, પાંચ-સાત સંતાનોની જવાબદારી અને તેમ છતાં પતિના જ ઘરમાં રહીને પતિનો પ્રતિકાર કરવાનું સાહસ કરતી વેળાએ એ સ્ત્રીએ કેવી માનસિક તાકાત કેળવી હશે ? ગુજરાતી સાહિત્યના દુર્ભાગ્યે ક.મા. મુનશી પોતાનાં દાદીના ગોત્રની સ્ત્રીઓ સર્જી શક્યા નથી. એમની પ્રખ્યાત નારીઓ મંજરી, મીનળ, મૃણાલ, ચૌલા – આખરે તો પુરુષ આધિપત્ય સ્વીકારવામાં જ પોતાનું સદ્દભાગ્ય સમજે છે !
મહારાષ્ટ્રમાં સ્ત્રી-શિક્ષણને પ્રોત્સાહિત કરનારા, અનાથ બાળકો તથા વિધવાઓ માટે આશ્રય શરૂ કરનારા જ્યોતિબા ફુલેનાં પત્ની સાવિત્રીબાઈનું મને આ પળે સ્મરણ થાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં શિક્ષણ માટે મથનારા જ્યોતિબાને સમજાયું કે સમાજનો અડધોઅડધ હિસ્સો અભણ હશે, તો શિક્ષણ અર્થહીન બની રહેશે. આથી કન્યાશિક્ષણ આપવા પત્ની સાવિત્રીબાઈને શિક્ષિત કર્યાં. પહેલવહેલી વાર ભણાવવા માટે બહાર જનારાં સાવિત્રીબાઈને માથે કચરો, એંઠવાડ અને મોરીના પાણીની વૃષ્ટિ થઈ ! સાવિત્રીબાઈ ગભરાયાં, પરંતુ જ્યોતિબાએ ભવિષ્યની સ્ત્રીઓ માટે દરવાજા ઉઘાડવા સાવિત્રીબાઈને સમજાવી લીધાં. ‘રખાત’ જેવાં વિશેષણોથી એમને નવાજવામાં આવ્યાં. પરંતુ એમણે ભણાવવાનું ચાલુ રાખ્યું. આ સમય દરમિયાન સવર્ણ વિધવાઓ સાથે ઘરમાં જ દુરાચાર થતો. એ વિધવા બને તો એના બાળકને ફેંકી દેવાતું. પણ વિધવાએ તો વગર પૈસાની ગુલામી કરવા ઘરમાં જ રહેવું પડતું. સાવિત્રીબાઈએ પતિને આ સ્થિતિની જાણ કરી. જ્યોતિબાએ પંઢરપુર-કોલ્હાપુર જેવાં ધર્મસ્થાનોમાં જાહેરાતો છપાવી આવી વિધવા સ્ત્રીઓને કામચાઉ કે કાયમી આશ્રય આપવાની જાહેરાત કરી. એમનાં બાળકો માટે આશ્રમ સ્થાપી, કાયમી નિવાસની વ્યવસ્થા કરી. એટલું જ નહીં, એવા જ એક બાળક-યશવંતને એમણે દત્તક લીધો. સાવિત્રીબાઈ અહીં આવતી બધી સ્ત્રીઓની માતા બન્યાં. કેટલીય સ્ત્રીઓ અહીં જ રોકાઈ ગઈ. કેટલીક બાળકોને જન્મ આપીને પાછી જતી. સાવિત્રીબાઈએ દરેકની કાળજી રાખી. જોતીબાના મૃત્યુ વખતે જ્ઞાતિજનોએ હોબાળો કર્યો, ‘યશવંતને હાથે અગ્નિદાહ નહીં દેવાય. ખબર નહીં, કોનું ય સંતાન હશે એ. અગ્નિદાહ તો નાતવાળો જ દે.’ સાવિત્રીબાઈ થોડી વાર તો આ વિવાદ સાંભળતાં રહ્યાં. પછી શાંતિથી ઊઠ્યાં. ‘જો કોઈ જ્ઞાતિની વ્યક્તિ અગ્નિદાહ આપે, તો તમને વાંધો નથીને ? તો મારાં પતિને અગ્નિદાહ હું આપીશ’ – ને આજથી લગભગ દોઢસો વર્ષ પહેલાં એ સ્ત્રી પતિની નનામી આગળ દોણી લઈને ચાલી અને પતિને અગ્નિદાહ આપ્યો ! આ સ્ત્રીઓને નારીવાદ કે અધિકારનો કક્કો પણ આવડતો ન હતો, તેમ છતાં પોતાનાં ગૌરવ, સ્વત્વ વિશેની સભાનતા તો એમનામાં હતી જ. આ લખતી વેળાએ સ્વામી આનંદે અમર કરી દીધેલા ‘મોનજી રૂદર’નાં પત્ની ભીખીબાઈ અને લગ્ન પછી પતિની મનાઈ છતાં હવેલીને દર્શને જવાનું ચાલુ રાખીને પતિને સત્યાગ્રહનું પહેલું દર્શન કરાવનારાં કસ્તૂરબાઈ મોહનદાસ ગાંધી પણ સ્મરણપટ પર ડોકાઈ રહ્યાં છે !
ભારતીય સ્ત્રીઓને રાજકીય અધિકાર માટે ઝાઝી લડત લડવી પડી નથી. દુનિયાના ઘણા દેશોની પહેલાં એને મતાધિકારનો હક્ક મળી ગયો હતો. ભારતીય સમાજમાં સ્ત્રીની લડત પોતાની અસ્મિતા કે ગૌરવ માટેની રહી છે. ગાંધીજી આ સમસ્યા સમજી શક્યા હતા. એટલે એમણે જ્યારે ભારતમાં સ્વતંત્રતા માટેની લડાઈ આરંભી, ત્યારે એ સ્વતંત્રતા માત્ર રાજકીય ન હતી. એમને તો સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃિતક, વૈચારિક એમ દરેક મોરચે સ્વાતંત્ર્ય જોઈતું હતું. આથી તો એમણે સ્ત્રીઓને પણ સ્વાતંત્ર્યની ચળવળ સાથે સાંકળી લીધી. જેમણે કદી રસોડાની બહાર પગ મૂક્યો ન હતો, એ સ્ત્રીઓ જેલમાં જવા લાગી. પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ’માં નોંધ્યું છે તેમ એમનાં મા પહેલી વખત જેલમાં જવાનાં હતાં ત્યારે પ્રભુદાસની વય ૮-૯ વર્ષની હશે, માએ એમને નાનાં ભાંડુઓની જવાબદારી સોંપેલી ! નાનાં સંતાનોને અન્ય ભરોસે મૂકીને જેલમાં જવાની સાહસિકતા દર્શાવતી આ સ્ત્રીઓ કંઈ ઝાઝું ભણેલી ન હતી. મેઘાણીની વાર્તા ‘અનંતની બહેન’ યાદ છે ? લગ્ન પછી થોડા જ સમયમાં બહેનને સાસરેથી કાઢી મુકાઈ છે. સુરતની કૉલેજમાં ઇબ્સનનું ડૉલ્સહાઉસ ભણાવતા અને સ્ત્રી-મુક્તિના નારા ગજવતા પ્રોફેસર અનંતને વિધવા થયેલી બહેનનો પત્ર મળે છે. જ્યાં વર્ષોથી ગઈ જ નથી, એ સાસરે એણે જવું પડશે, તથા જેણે કાઢી મૂકેલી એ મૃત પતિના શોકમાં માથાનો ચોટલો ઉતરાવવો પડશે. બહેન ભાઈની મદદ માંગે છે. જોશભર્યો અનંત બહેનની વહારે ચડવા માતા-પિતા સાથે વિવાદ કરે છે, પરંતુ વડીલોની આત્મહત્યાની ધમકી તથા સમાજના ભયથી અનંત બહેનને સાસરે મોકલવા સંમત થઈ જાય છે. બહેન ભદ્રા પાસે હવે કોઈ આધાર નથી. અને એક દિવસ એ ઘરમાંથી અદૃશ્ય થઈ જાય છે. ચોટલો કપાવવાનો જ છે, વાળ ઉતરાવવાના જ છે, તો જેણે તરછોડી છે, તેની પાછળ ઉતરાવવાને બદલે દેશ માટે ન ઊતરાવું ? ધોળો ખાદીનો સાડલો અને માથે વાળ વિનાની ભદ્રાને જીવતાં રહેવાનો માર્ગ ગાંધીને રસ્તે જડ્યો. આવી તો કેટલી ય ભદ્રાઓને ગાંધીએ જીવતરનો રાહ ચીંધ્યો હશે. પુરુષ સમોવડી નહીં, મુનશીની ભાષામાં ‘પુત્ર સમોવડી’ નહીં, પરંતુ પોતાનું આગવું વ્યક્તિત્વ સર્જવાની દિશા ભારતીય સ્ત્રીને ગાંધીએ ચીંધી. શોભાની પૂતળી પણ નહીં અને રિવાજના કૂવામાં ડૂબી મરવાનું પણ નહીં. સ્વતંત્રતાની લડતની સમાંતરે સ્ત્રીની નિજી ઓળખની આ પ્રક્રિયા ચાલી છે. ‘ડોસી કુંવારી ન મરે’ની માન્યતાને ખોટી ઠેરવતી અનેક સ્ત્રીઓ દેશ માટે, સામાજિક કાર્ય માટે, ગ્રામસેવા અને બાળકેળવણી માટે આજીવન અપરિણીત રહી અને માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું, પોતાની સ્વતંત્ર ઓળખ ઊભી કરી.
વીસમી સદીના આઠમા દાયકામાં આંતરરાષ્ટ્રીય મહિલાવર્ષ ઉજવાયું અને હવે પશ્ચિમ પ્રેરિત નારીવાદી આંદોલનની અસર ભારતીય સમાજમાં દેખાવા લાગી. તમે ઝીણી આંખે જોશો તો જણાશે કે ભારતીય સમાજમાં અનુકરણનો તબક્કો અત્યંત ધૂંધળો છે. આક્રોશ અને ‘સ્વ’ની શોધ એ જ નારીવાદની મુખ્ય ઓળખ છે. જો આપણી પાસે અગાઉ જે ઘટનાઓ દર્શાવી, તેવી સ્ત્રીઓના આદર્શ હતા, ગાંધીપ્રેરિત મોકળાશ હતી, તો પછી સમાજના સ્ત્રીવર્ગે આજે પણ પોતાના અસ્તિત્વ સામે શા માટે ઝઝૂમવું પડે છે ? શા માટે એને મોકળાશ અનુભવાતી નથી ? કેમ એને ગૂંગળામણનો અનુભવ થાય છે ? કયા અવરોધો એને પડકારે છે ? એનો જવાબ આપણને આપણો પરિવેશ જ આપે છે. સામાજિક પરિસ્થિતિ જાહેર માધ્યમો, ધર્મ તથા રાજકીય અભિગમો સ્ત્રીની વર્તમાન દશા માટે મોટામાં મોટાં વિઘ્નો છે.
સામાજિક પરિસ્થિતિની વાત કરીએ, તો કૌટુંબિક વાતાવરણ, દીકરા-દીકરી વચ્ચેનો ભેદભાવ, આજે પણ બોજારૂપ લાગતું સ્ત્રીનું અસ્તિત્વ અને સ્ત્રીને જોવાનું આપણું દૃષ્ટિબિંદુ મુખ્ય બાધાઓ છે. સ્વતંત્રતાના સાડા છ દાયકા પછી, લોકશાહી હવામાનમાં જીવતાં હોવા છતાં આપણાં કૌટુંબિક વાતાવરણમાં ખાસ ફેર પડ્યો નથી. પહેરવેશ-ખોરાક, જીવનશૈલી વગેરેમાં આવેલાં પરિવર્તન સંદર્ભે હું આ વાત નથી કરતી. એ તો ઉપરછલ્લા ફેરફારો છે. આંતરિક સંરચના લગીરે બદલાઈ નથી. કુટુંબનો વડો પુરુષ જ ગણાય, નિર્ણય એણે લેવાના, અમલ સ્ત્રીએ કરવાનો. રસોઈ, ઘરની સ્વચ્છતા, સંચાલન અને અન્ય ગૃહકાર્યો આજે પણ સ્ત્રીને નામે જ લખાયેલાં છે. આગળ જે ઉદાહરણ જોયું તે અતિશિક્ષિત ઇન્દ્રા નુયી હોય કે ઘેર કામ કરવા આવતી ઇન્દિરાબાઈ હોય : આ પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નથી. સ્ત્રીની ફરજ પુરુષો બજાવે – ગૃહકાર્યમાં મદદ કે રસોઈ કરવી – તો આજે પણ એ ‘બાયલા’જ કહેવાય અને સ્ત્રી ઘરબહારના ક્ષેત્રની જવાબદારી સંભાળે, નોકરી-વ્યવસાય કરે, બૅન્ક, પોસ્ટનાં કામ પતાવે, બાળકોને લેવા-મૂકવા જાય, એમને ભણાવે, ઘરનાં સાજાં-માંદાં સ્વજનોને દવાખાને લઈ જાય, વાહન ચલાવે. તો શું કહેવાશે ? ‘આટલું તો આવડે જને ! ભણાવી છે કોને માટે ?’ ત્યારે બધું શ્રેય ભણતરને જાય.
આજે પણ સુપેરે ઘર ચલાવતી સ્ત્રીને આર્થિક નિર્ણય લેવાનો કે સ્વતંત્ર રીતે વ્યવહાર કરવાનો અધિકાર નથી. વ્યવસાયી સ્ત્રીને નામે આવતી આમંત્રણ-પત્રિકાઓમાં પતિનું નામ ન હોય અથવા પત્નીના નામની પાછળ હોય, તો મોટે ભાગે સ્ત્રીઓ એવા પ્રસંગો કે કાર્યક્રમોમાં જઈ શકતી નથી અથવા કેટલા ય કચવાટ સાથે એને જવા મળે છે. ગમે ત્યારે મિત્રો કે સગાંવહાલાંને લઈને ઘેર આવી પહોંચતો પુરુષ પત્નીનાં સ્વજનોને ક્યારે ય એ રીતે સ્વીકારી શકતો નથી. હરીશ નાગ્રેચાની વાર્તા ‘કૂબો’થી નાયિકા કુંજ પોતાની મિત્ર નિયતિને મુશ્કેલીના સમયમાં પોતાને ત્યાં રાત પસાર કરવા આમંત્રે છે અને બાજુમાં ઊભેલો પતિ વિરમ જોરથી પગ પછાડે છે, ‘એને બોલાવતાં પહેલાં મને પૂછ્યું પણ નહીં ?’ ત્યારે ઘર પુરુષનું થઈ જાય, પરંતુ કામના ઢગલા ઉકેલવાના હોય, બાળકો સાચવવાનાં હોય ત્યારે – ‘તું જાણે, તારું ઘર જાણે અને તારાં છોકરાં જાણે !’ આ સંવાદ તો મોટા ભાગની સ્ત્રીઓએ સાંભળ્યો હશે !
દીકરી-દીકરાના ઉછેરમાં નાનપણથી જ ભેદભાવ જોવા મળે છે. આજે પણ જ્યાં સંતાનમાં માત્ર એક જ દીકરી હશે, ત્યાં પ્રારંભનાં વર્ષોમાં એ નહીં બનતું હોય, પરંતુ કિશોરાવસ્થા પછી તો સતત ‘એ સ્ત્રી છે’ એ વાતનો એને અહેસાસ કરાવાય છે જ. દીકરાને નાનપણથી રૂપાળી રાજકુમારી અને પરીનાં સપનાં બતાવીને ઉછેરવામાં આવે છે. ગજાબહાર જઈને પણ એની ઇચ્છાઓ પૂરી કરાય છે. પરિણામે એના મનમાં ‘સારું તે બધું મારું’ની વૃત્તિ સ્થાયી થઈ જાય છે. એટલે મોટા થયે જે પણ ‘સારું’ દેખાય, તે યેનકેનપ્રકારેણ મેળવવાની લાલસા વકરતી જાય છે, જે ‘નિર્ભયા’કાંડ જેવી ઘટનાને જન્મ આપે છે. કુટુંબમાં દીકરીઓને જાત જાળવવાની તાલીમ અપાય છે, પરંતુ દીકરાઓને દીકરીની આમન્યા જાળવવાની શિખામણ અપાતી નથી. રસ્તે ચાલતી બધી છોકરીઓ ભલે એની બહેન ન હોય, પણ એની માલિકીની વસ્તુ નથી, એવું ક્યારે ય કોઈ માબાપે શીખવ્યું નથી. કોઈ પણ છોકરીને પરી માનીને એને જોઈને સિસોટી વગાડતો કે એની છેડતી કરતો યુવાન પેલીના મન પર શું વીતતું હશે, તે વિચારતો નથી, ન જ વિચાર શકે, કારણ કે કુટુંબમાં એ રીતે વિચારાતાં એને શિખવાયું જ નથી. પરિણામે સ્ત્રી માટેનો આદર કે સ્ત્રી ગૌરવ એ ચોપડીનાં બે પૂંઠાંની બાબત બની જાય છે.
ઉછેરમાં થતો આ ભેદભાવ જ સ્ત્રીને ચીજવસ્તુમાં રૂપાંતરિત કરી દે છે. પરાપૂર્વથી સ્ત્રીને વસ્તુ-ઉપભોગનું સાધન-ગણવામાં આવે છે, તે માન્યતામાં આજે પણ કોઈ ફેર પડ્યો નથી. પુરુષની જોહુકમીનો ભોગ બનવા છતાં સહન કરવાનું તો સ્ત્રીને જ આવે છે. હરીશ નાગ્રેચાની વાર્તા ‘કુલડી’ આ વાતની સાક્ષી પૂરે છે. માલિકીની વસ્તુનું હસ્તાંતર થાય છે. પિતાની વસ્તુ ‘દાન’ દ્વારા પતિની બને છે, અને પતિને ત્યાં ગયા પછી એ જ આખા કુટુંબની વસ્તુ બની જાય છે. સ્ત્રીની છબિને આપણે પરંપરિત ઢાંચામાંથી બહાર આવવા દેવા તૈયાર જ નથી. મા-ભાભી-વહુ સાથે આપણે રસોડાને જ જોડી દીધું છે. કોઈ પણ સફળ વ્યક્તિની મુલાકાત વાંચો-સાંભળો તો એમાં માની સ્મૃિત સાથે એના હાથની વાનગી જ જોડાયેલી હશે. મા હાથમાં કડછીને બદલે કલમ ઝાલીને બેઠી હોય એ ન કુટુંબને મંજૂર છે, ન સંતાનોને, ન સમાજને. ઇન્દ્રા નુયીએ પેલી મુલાકાતમાં કહેલું જ કે ‘મારી દીકરીઓને મારે માટે ગૌરવ ખૂબ છે, પરંતુ તેઓને મા તરીકે મારી સામે પુષ્કળ ફરિયાદો છે, કારણ કે હું પરંપરાગત મા નથી.’ પ્રશ્ન થાય કે ગાંધીયુગમાં સ્ત્રીની આ પરંપરિત છબિ બદલાઈ હતી, તો પછી એવું શું થયું કે આપણે સ્ત્રીને પાછી એના જૂના માળખામાં જ ધકેલી દીધી ? એનો જવાબ જાહેરમાધ્યમો આપી શકે.
જાહેરખબરો, સિનેમા, ટેલિવિઝનની વિવિધ ચૅનલો પર આવતાં કાર્યક્રમો તથા મનોરંજન-શ્રેણીઓ સ્ત્રીનાં બે જ રૂપ બતાવે છે, ક્યાં તો પરંપરાગત અથવા ખલનાયિકાનું. વર્તમાન સંઘર્ષરત સ્ત્રી જાહેર માધ્યમોને વિષય બની નથી. જાહેરખબરોએ સ્ત્રીદેહનો જેવો વરવો ઉપયોગ કર્યો છે, તેટલો ભાગ્યે જ કોઈએ કર્યો હશે. ભૌતિક વસ્તુ વેચવી હોય કે કોઈ સેવા વેચવી હોય, સ્ત્રીદેહનાં અનેકવિધ રૂપ ખપમાં લેવાય. કારના ટાયરથી માંડીને વીજળીના વાયર લગીની કોઈ પણ વસ્તુની જાહેરખબરમાં સ્ત્રી અને એના રૂપકડા દેહને જ પ્રકાશિત કરાય, કેટલીક વખત તો કઈ વસ્તુની જાહેરાત છે, તે પણ ખબર ન પડે તે રીતે સ્ત્રીદેહને રજૂ કરાયો હોય. સિનેમામાં તો સશક્ત ભૂમિકા ભાગ્યે જ સ્ત્રીએ ભજવવાની હોય. પરિણામે રૂપાળા દેખાવાનો મહિમા સિનેમાના પડદેથી ઘરની અંદર પણ ગવાવા લાગે. ‘કન્યા જોઈએ છે’ની જાહેરાત જરા વાંચી લેજો. ગોરી, નમણી, ઘરરખ્ખુ, શિક્ષિત કેટકેટલાં વિશેષણ ધરાવતી કન્યાની અપેક્ષા રહે, પણ એની આંતરસમૃદ્ધિની ક્યાં ય નોંધ પણ ન લેવાય.
એકવીસમી સદીના બીજા દાયકામાં પણ સ્ત્રીના ઘરેલુ રૂપને જ કેન્દ્રમાં રાખીને જીવતો આપણો સમાજ એના સ્વતંત્ર વિચારોને સ્વીકારી શકતો નથી. સ્ત્રી માટે રાજકીય ક્ષેત્રે અનામત બેઠકોની વાત લોકસભામાં હજી હવામાં જ ગાજે છે. ગ્રામીણ ક્ષેત્રે સરપંચ મહિલા હોય પણ નિર્ણય પતિદેવ લેતા હોય એ સાવ સામાન્ય ઘટના છે. ધર્મ, જ્ઞાતિ વગેરેના આધાર પર પક્ષો રચાય છે, પરંતુ માત્ર સ્ત્રીઓના બનેલા રાજકીય પક્ષની તો આપણે કલ્પના પણ ન કરી શકીએ. સ્ત્રીને તો રાજકીય મત હોતો હશે ? પતિ-પુત્ર-પિતા કહે તેને મત આપવાનો અને વાત પૂરી કરી દેવાની. આ વાત નેતાઓ પણ જાણે છે. એટલે સ્ત્રીને ધ્યાનમાં રાખીને ભાગ્યે જ કોઈ યોજનાઓ બને છે. સ્ત્રી-સુરક્ષા ધારો કે દહેજ પ્રતિબંધ ધારો કે જાતીય સતામણી વિરોધી કાયદાઓ સાંભળવામાં જેટલા રૂપાળા લાગે છે, તેનો અમલ તેટલો જ વરવો થાય છે. કાયદાએ તો સ્ત્રીને પ્રત્યેક સપ્તાહે એક રજાનો અધિકાર આપ્યો છે. ક્યાં ય આ રજા આપાતી-લેવાતી સાંભળી છે ખરી ?
અને ધર્મ શી રીતે અવરોધક છે, એ વિશે તો બોલતાં પણ ડર લાગે. કોને ખબર-કોની ધાર્મિક લાગણી દુભાઈ જાય ? પણ ઇ.સ. ૧૮૬૧માં જુવાન કરસનદાસ મૂળજી તથા નર્મદે જે મહારાજ જદુનાથ લાયબલ કેસનો સામનો કરેલો, તે જદુનાથ મહારાજો આજે ગલીએ – ગલીએ મળે છે. સ્ત્રીને પતનને માર્ગે દોરનારી ગણનારા ધર્મગુરુઓની સંખ્યા વધી હશે, ઘટી તો નથી જ. સ્ત્રીદર્શન માત્રથી અપવિત્ર થઈ જનારા કે સ્ત્રીને માટે સ્વર્ગના દરવાજા બંધ કરી દેનારા ધર્માધિકારીઓ ક્યારે ય સ્ત્રીને, એના સ્ત્રીત્વને, એના ગૌરવને, એના મનુષ્યત્વને પામી શક્યા છે કે કેમ તે એક પ્રશ્ન છે.
આથી માત્ર શિક્ષણ આપવાથી કે કાનૂની અધિકારો આપી દેવાથી સ્ત્રીને મનુષ્ય તરીકેનું ગૌરવ પ્રાપ્ત થઈ જતું નથી. એ તો ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણે સ્ત્રીને ન જાતિ, ન દેહને ધોરણે જોઈશું, પરંતુ માનવ તરીકે જ સ્વીકારીશું. એને પોતાનું ગગન, પોતાની ધરતી, પોતાનું અવકાશ રચવાની મોકળાશ મળશે ત્યારે નારીવાદ ‘શબ્દ’ શબ્દકોશમાંથી પણ ભૂંસાઈ જશે.
પન્ના નાયકની આ રચના સાથે મારી વાત સમેટું :
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઇચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું, ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય, પોતાની પાંખ હોય
પોતાનું આભ હોય, પોતાનું ગીત હોય;
મનની માલિક હું,
મારે તે બીક શી ?
હું તો મૌલિક છું,
‘હા’માં ‘હા’ કહી ને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું, માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું, માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું, માપસર ભળવાનું.
આવું હળવાનું ભળવાનું, માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.
* * *
ઇલા પાઠક સ્મૃિત વ્યાખ્યાનમાળા(અવાજ, ૯-૧-૨૦૧૫)માં કરેલી મૌખિક રજૂઆતનું લેખાન્તર (મીનલ દવે, એ-૧/૮, હરિધામ સોસાયટી, તુલસીધામ પાસે, ઝાડેશ્વર રોડ, ભરૂચ)
સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2015, પૂ. 05 – 08