આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઢુંકડો આવવા લાગ્યો અને દર વર્ષની માફક આ વર્ષે કયા મુદ્દાને લઈને દુનિયા આખીની મહિલાઓ કોઈ ને કોઈ કાર્યક્રમો કરશે એની ઇન્તેજારી રહે.
ખરું પૂછો તો માનવ જાતના ઇતિહાસની હજારો વર્ષની તવારીખ તપાસીએ તો સવાલ જરૂર થાય કે સ્ત્રી-પુરુષ સમાનતા કયા યુગમાં હતી? વેદિક સમયમાં વેદની ઋચાઓ રચતી અને ધર્મ કે અધ્યાત્મ ક્ષેત્રે ચર્ચાઓ કરતી વિદુષીઓ શિક્ષણ અને સામાજિક દાયરામાં સમાનાધિકાર ભોગવતી હશે તેમ અનુમાન કરી શકાય. એવી જ રીતે પશ્ચિમી જગતમાં પણ ક્યાંક ને ક્યાંક રથનાં બે પૈડાં સમાન ધરી પર ચાલ્યાં જ હશે તેવી દસ્તાવેજી નોંધ જરૂર હાથ લાગી હશે. એ વિશ્વાસને પગલે બીજો સવાલ એ ઊઠે કે તો પછી કયા યુગથી સ્ત્રીને શિક્ષા મેળવવા, આજીવિકા મેળવવા, રાજકારણમાં પ્રવેશવા, અર્થકારણમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા અને સામાજિક જીવનની ધુરા ખભ્ભે ખભ્ભા મિલાવીને સંભાળતા રોકવામાં આવી હશે? સ્ત્રીઓને ભાગે દરેક પ્રકારના અધિકારોથી વંચિત રહેવાની સ્થિતિ એ કોઈ એક અકસ્માત કે અણધારી ઘટનાનું પરિણામ નથી, એ તો જાણ્યે અજાણ્યે ધાર્મિક માન્યતાઓ, સામાજિક મૂલ્યો, આર્થિક પરિવર્તનો અને રાજકીય ઉથલપાથલોનાં સંયુક્ત આક્રમણના ફળસ્વરૂપ ધીમે ધીમે ઘર કરી ગયેલ દૂષિત પરિસ્થિતિ છે. જ્યાં સુધી પુરુષ વર્ગનું સ્વહિત જળવાઈ રહેતું હતું અને સ્ત્રી વર્ગને પોતાના માનવ અધિકારો ઝુંટવાતા જતા હતા તેનું કાં તો ભાન નહોતું અથવા તેને માટે લડવાની તાકાત નહોતી ત્યાં સુધી બધું સુપેરે ચાલતું હતું.
ભલું થજો ઔદ્યોગિક ક્રાંતિનું, મૂડીવાદી અર્થવ્યવસ્થાનું, અને લોકશાહી રાજ્ય વ્યસ્થાનું કે જેને પગલે પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાનો મૃત્યુઘંટ વાગ્યો અને એ પરિવર્તિત વ્યવસ્થાઓની આડ અસર રૂપે સ્ત્રીઓ પણ જાણે પડદામાંથી બહાર આવી. બબ્બે વિશ્વ્યુદ્ધોમાં રણમોરચે લડતા પુરુષોની અવેજીમાં ઘર આંગણે જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમ જ યુદ્ધને લગતા સરંજામના ઉત્પાદન માટે સ્ત્રીઓને ઘરની બહાર કામ કરવાની ‘છૂટ’ આપવી પડી એ જ સ્ત્રીઓ આજે સમાન વેતન અને ઉચ્ચ પદ માટેની સમાન તકોની માગણી કરતી થઇ ગઈ છે. પુરુષ સમાજને માટે તો મેરી બિલ્લી મુઝકો મ્યાઉં જેવી હાલત થઈ.
હજુ ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓને જન્મજાત માનવ અધિકારો માટે સંઘર્ષ કરવા પડે છે એ હકીકત જાણીએ છે. છતાં ક્યારેક એવો પણ અહેસાસ થયા વિના નથી રહેતો કે મહિલાઓએ અધિકારો બહુ માગ્યા, હવે પોતાના કુટુંબ, સમાજ અને દેશ માટે ફરજ બજાવીએ છીએ કે નહીં તે પણ તપાસીએ. જ્યારે ઔપચારિક શિક્ષણની તકથી બાળાઓને વંચિત રાખવામાં આવતી હતી ત્યારે તે ઉત્પાદક શ્રમ કરીને પતિને ધનોપાર્જનમાં ભાગ પડાવવા તાલીમ લેતી હતી, તેમ જ બાળ ઉછેર, કુટુંબીઓની સંભાળ, ગૃહ સંચાલન અને સાંસ્કૃિતક બાબતોમાં કુશળતા મેળવી લેતી હતી. આજે હવે કન્યા શિક્ષણનું પ્રમાણ વધ્યું છે તો શિક્ષિત યુવતીઓ પોતાનાં માતા-પિતા અને પતિને કોઈને કોઈ ઉદ્યોગ-ધંધો કરીને, નોકરી કરીને કે ઘરની આવકને સુચારુ રીતે વાપરીને શું પરિવારને આર્થિક રીતે મદદરૂપ થાય છે? જો એ પોતાની ફરજો સમજપૂર્વક બજાવે તો ઘણાં કુટુંબોમાં ટાળી શકાય તેવી આર્થિક વિટંબણાઓ જોવા ન મળે એ શક્ય છે. અશિક્ષિત નારીઓ આપસૂઝ અને અનુભવને આધારે સુંદર રીતે બાળ ઉછેર કરતી. માની મહત્તા એક ઉત્તમ નાગરિક, તંદુરસ્ત યુવક-યુવતી અને સંસ્કારી પ્રજાજન ઘડવામાં છે. આજની માતાઓએ પોતાની જાતને ઢંઢોળીને પૂછવું રહ્યું કે અમે ઉત્તમ સંસ્કારી નાગરિકો પેદા કરતાં હોઈએ તો આજે લાંચ-રુશ્વત, બેઈમાની અને સ્વાર્થપટુતા જેવાં દૂષણો કેમ સમાજને કોરીને ખાઈ જવા લાગ્યાં છે? એમાં અમ માતાઓના ઉછેર અને સંસ્કારની ખામી તો ક્યાંક નહીં હોય ને?
ભારતની વાત કરીએ તો પ્રાથમિક કક્ષાનું અને ઉચ્ચ શિક્ષણ પામેલાં યુવાન નર-નારીઓ ક્યાં છે એમ પૂછવાનું મન થાય. ભણી ગણીને નોકરી કરવી છે, સ્કુટર ચલાવીને ઇચ્છા થાય ત્યાં જવાની સ્વતંત્રતા કુટુંબ અને સમાજ આપે તેવી એમની અપેક્ષા છે પરંતુ એ જ સમાજના કુરિવાજોનો વિરોધ કાં ન કરો? શહેરી બહેનો, તમે જીન્સ પહેરો, પાર્ટીઓમાં જાઓ, રેસ્ટોરાંમાં જમો, પણ ગંદકી અને અવ્યવસ્થા માટે અવાજ કેમ ન ઊઠાવો? આવી બાબતો માટે મૌન સેવીને અને નિષ્ક્રિય રહીને બહેનો નાગરિક તરીકેની અને સમાજના મહત્ત્વના અંગ તરીકેની ફરજ ચૂકે છે એમ જરૂર લાગે. ઝાંસીની રાણી અને ઇન્દિરા ગાંધી મહિલાઓ માટે ઉચ્ચ આદર્શ પૂરો પાડે છે તો અહિંસક માર્ગે ચાલેલી મણિબહેન પટેલ (સરદાર પટેલનાં પુત્રી), મીરાં બહેન (ગાંધીજીનાં નિકટનાં અંતેવાસી) વગેરે પણ જીવનનો અનુકરણીય રસ્તો કંડારી ગયાં છે. આજે તો જાણે બહેનો કુટુંબ અને સમાજ પાસેથી માત્ર ‘લાવ લાવ ને લાવ’નો જ તકાજો કરે છે.
સદીઓ સુધી સ્ત્રી જાતિનું એક કરતાં વધુ દિશાએથી શોષણ થતું રહ્યું અને તેને બેસુમાર સામાજિક, આર્થિક, ધાર્મિક અને શૈક્ષણિક અન્યાયો સહન કરવા પડ્યા. અઢારમી સદીના અંત ભાગમાં અને ખાસ કરીને ઓગણીસમી સદીમાં નારી સમાજનો સૂતેલો અજગર સળવળ્યો. એ સમય એવો હતો જ્યારે પશ્ચિમના કહેવાતા શિક્ષિત અને સુધરેલા સમાજમાં પણ સ્ત્રીને પુરુષની મિલકત ગણવામાં આવતી, તેને પુરુષના સાથ વિના ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવવામાં આવતી, પિતા કે પતિની મિલકતમાં ભાગ ન મળતો કે પોતાનું ભવિષ્ય ઘડવાનો પણ તેને કોઈ અધિકાર નહોતો. પરિણામે સ્ત્રી આત્મવિશ્વાસ વિનાની અને તમામ રીતે અશક્ત એવી એક હસ્તી માત્ર બની રહી જેની ગુલામીયુક્ત સેવાઓ વિના સમાજ ટકી ન શકે પણ બીજી બાજુ થોડા અપવાદો બાદ કરતાં મોટા ભાગની સ્ત્રીઓ અત્યંત પરવશ જીવન જીવતી થઈ ગયેલી. એવામાં રાજકીય ચળવળોને વાંસે વાંસે સામાજિક પરિવર્તનનો જુવાળ આવ્યો. તાજેતરમાં વાંચેલ ગાંધીજીની નારીશક્તિ વિશેનું લખાણ ટાંકીને મારો મત વધુ સ્પષ્ટ કરી શકીશ.
‘સ્ત્રીમાં જેમ બુરું કરવાની, લોકક્ષયકારી શક્તિ છે તેમ ભલું કરવાની, લોકહિતકારી શક્તિ પણ સૂતેલી પડી છે, એ ભાન સ્ત્રીને થાય તો કેવું સારું? તે પોતે અબળા છે ને કેવળ પુરુષને રમવાની ઢીંગલી થવાને લાયક છે એવો વિચાર છોડી દે તો પોતાનો તેમ જ પુરુષનો – પછી તે પિતા, પુત્ર કે પતિ હોય – ભવ સુધારી શકે, ને બંનેને સારુ આ જગતને વધારે સુખમય બનાવી શકે. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના ઘેલછાભર્યાં યુદ્ધોથી સમાજને પોતાનો સંહાર ન થઈ જવા દેવો હોય તો સ્ત્રીએ, કેટલીક સ્ત્રીઓ કરે છે તેમ પુરુષની પેઠે નહીં, પણ સ્ત્રીની પેઠે પોતાનો ભાગ ભજવવો પડશે. મોટે ભાગે હેતુ વિના માનવીઓનો સંહાર કરવાની જે શક્તિ પુરુષમાં છે તે શક્તિમાં તેની હરીફાઈ કરવાથી સ્ત્રી માનવજાતિને સુધારી શકવાની નથી. પુરુષની જે ભૂલથી પુરુષની સાથે સ્ત્રીનો પણ વિનાશ થવાનો છે તે ભૂલમાંથી પુરુષને ઉગારવો એ પોતાનું પરમ અને પવિત્ર કર્તવ્ય છે એમ સ્ત્રીએ સમજવું જોઈએ.’
ઉપરોક્ત અવતરણ વાંચીને એવો વિચાર જરૂર આવે કે જો મહાપુરુષોની સફળતા માટે તેમની માતાઓ અને પત્નીઓને યશ અપાય છે તો આતંકવાદીઓની માતા/બહેન/પુત્રી/પત્નીને કેમ દોષિત નથી ગણવામાં આવતી? સમય પાકી ગયો છે કે જો ‘પુરુષ સમોવડી’ બનવા રાજકીય તખ્ત પર બેસવું હોય, ઉચ્ચ હોદ્દાઓ ધારણ કરવા હોય તો જ્યાં પણ સશસ્ત્ર સંઘર્ષ થાય છે, દુનિયામાં જ્યાં પણ અન્યાય થાય છે, અત્યાચાર-અનાચાર થાય છે, ધર્માન્ધતાને કારણે કત્લેઆમ થાય છે એ માટે મૌન રહીને અથવા એ બધાં દુષ્કૃત્યો કરવા સીધી કે આડકતરી રીતે સગવડ પૂરી પાડવા માટે પણ સ્ત્રીઓ પોતાનો દોષ કબૂલ કરે. પુરુષ જાત ઘણા સદ્દગુણોથી ભરી છે. તેમની બરોબરી કરવા સ્ત્રીઓએ શરીરને કસીને મજબૂત બનાવવું જોઈએ, તેમના જેવી બુદ્ધિની કસોટીએ પાર ઉતરનારી હકીકતોનો સ્વીકાર કરવો જોઈએ, કોઈ પણ પરિસ્થિતિનો હિંમત અને વેગથી સામનો કરતાં શીખવું જોઈએ. નહીં કે પુરુષની લોકક્ષયકારી વૃત્તિઓને અપનાવીને તેના સમોવડિયા બન્યાનું ગૌરવ લેવું જોઈએ.
હજુ સુધી સત્તાનાં સૂત્રો અને વેપાર-ધંધાની લગામ મહદ અંશે પુરુષોના જ હાથમાં રહી છે. લાગે છે કે આર્થિક અને સામાજિક રીતે સમાન અને ન્યાયી સમાજ રચવામાં પુરુષો ક્યાંક ગફલત ખાઈ ગયા છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિને સ્ત્રીઓને થતા અન્યાયો, તેમના પર આચરવામાં આવતા અત્યાચારો અને એમને ભોગવવી પડતી પારંપરિક અસમાનતાને સૂત્રો બોલીને, બેનર્સ લઈને સરઘસો કાઢીને, ભાષણો કરીને જોરશોરથી જાહેરમાં પ્રજ્વલિત રાખવા માત્રથી જ નારી જગતનું સ્વમાન પાછું નહીં મેળવી શકાય તેમ ભાસે છે. તેણે એક ઉત્તમ પુત્રી તરીકે શિક્ષણ અને સંસ્કાર મેળવવાનું, એક વિચારવંત ભગિની તરીકે ભાઈઓને ખરા માર્ગ પર ચાલવા બળ પૂરું પાડવાનું, એક દ્રષ્ટિવાન સહધર્મચારિણી તરીકે પતિને સાચા રસ્તે દોરવાનું અને પ્રથમ શિક્ષક તથા સંસ્કાર ઘડતર કરનારી માતા તરીકે પોતાનાં સંતાનોને ઉત્તમ નાગરિક બનાવવાનું કર્તવ્ય બજાવવું રહ્યું. એક પુત્રી-બહેન-પત્ની-માતા કે સહકાર્યકર તરીકે હું મારા પિતા-ભાઈ-પતિ-પુત્ર કે સહકાર્યકરને જેહાદી બનતો કે ‘ઘર વાપસી’ની ચળવળમાં જોડાતો અટકાવી ન શકું તો મને સમાન શિક્ષણ, સમાન વ્યવસાય અને સમાન આવકનો કે સમાન તકનો અધિકાર છે ખરો? વિનોબાજીએ ખરું જ કહેલું કે સ્ત્રીઓએ પોતાનામાં બ્રહ્મવિદ્યા મેળવવાની શક્તિ ઊભી કરવી જોઈએ અને તો જ એ સ્ત્રી તરીકે પૂર્ણ રીતે વિકસી શકશે અને પુરુષ સમોવડી જ માત્ર નહીં, તેનાથી સવાઈ શક્તિ ધરાવનારી બની શકશે.
આગામી આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સહુ મહિલાઓ માત્ર અધિકારોની માંગ કરવાને બદલે પોતાનાં કર્તવ્યોથી પણ સજાગ થઈને એ બજાવવા કટિબદ્ધ થશે એવી અપેક્ષા.
e.mail : 71abuch@gmail.com