courtesy : "The Hindu", 16 August 2014
courtesy : "The Hindu", 16 August 2014
જેનો ઇતિહાસ મજબૂત નથી એની આવતીકાલ ઝળાહળાં ન હોઈ શકે એ સામ્રાજ્યવાદી વલણ ધરાવતા યુરોપિયનોએ બહુ પહેલાં જ સમજી લીધું.
ઇંગ્લેન્ડના કેન્ટમાં આવેલું કેન્ટરબરી કથીડ્રલ જૂનામાં જૂનું ક્રીશ્ચ્યન ચર્ચ છે. એની ભવ્યતા શબ્દોમાં વર્ણવવી સહેલી નથી. સાંકડી, ચોખ્ખી ગલીઓમાંથી કથીડ્રલ તરફ આગળ વધીએ એ દરમિયાન કલ્પના પણ ન થઈ શકે સ્થાપત્યની કઈ ચમત્કૃિત જોવાની છે. બહારથી તેનું કદ આભા બનાવી દે, સમય સાથે સ્થાપત્યની શૈલી જે રીતે બદલાઈ એ દક્ષિણેથી જોતાં કળી શકાય છે, રોમનમાંથી ગોથિક શૈલીનું સ્થાપત્ય આબાદ રીતે ગોઠવાયું છે એ જોવાની મજા છે. જમણે ગોળાકાર કમાનો, કમાનોના સમૂહનાં બ્લાઇન્ડ આર્કેડ્ઝ અને કરકરી સપાટી છે જે રોમન સ્થાપત્યના નમૂના છે તો ડાબે ગોથિક શૈલીની ખૂબ ધારદાર કમાનો છે. વળી ચર્ચની છતના મધ્યભાગની ગોથિક નેવની રચના આ માળખાને જુદો જ ઓપ આપે છે. એક તરફ ઓર્ગન પ્લેયરના સ્વરો રેલાતા હોય સાથે સ્ટેઇન ગ્લાસીઝ પરની કલાકારીમાં દેખાતી કિંવદંતીઓ અને બાઇબલના પાત્રોના રંગ તમને કોઈ બીજી જ દુનિયામાં લઈ જાય છે. ધર્મમાં રહેલી શુદ્ધિની પરાકાષ્ઠા આ કથીડ્રલના માહોલમાં શ્વાસ લે છે. કોઇ બેન્ચ પર બેસી આ ઇમારતની ભવ્યતા નજરમાંથી સીધી હ્રદય સોંસરવી ઉતરી જાય એવી છે. માણસ હોવાની ક્ષુલ્લકતાનું ભાન થતા અહીં જરીકેય વાર નથી લાગતી. 597 એ.ડી.માં ખડા થયેલા કથીડ્રલ પર હુમલા પણ થયા અને ત્યાં આવેલી ડાયનેસ્ટીઝે પોતાને માફક આવે એ પ્રમાણે મૂળ ઇમારતમાં વધારા પણ કર્યા પણ આજે પણ ધર્મની પરાકાષ્ઠાના દ્રષ્ટાંતની માફક એ અડીખમ ઊભું છે. 1170માં અહીં સેઇન્ટ થોમસ બેકેટની હત્યા થઈ જે ચોસરની કેન્ટરબરી ટેલ્સનો ખાસ વિષય હતી, જેણે આ કથીડ્રલને સહેલાણીઓ માટેના અનેક આકર્ષણોમાંનું એક બનાવ્યું.
ઇંગ્લેંન્ડની વાત જ નિરાળી છે, અહીં દરેક શહેરમાં ઇતિહાસ ધબકે છે. લંડનના વેસ્ટમિનીસ્ટર વિસ્તારમાં આવેલી પ્રાચીન ઇમારતનું સમારકામ થતું હતું તો ત્યાં આર્ટવર્ક્સવાળા ફસાડ્ઝ ઊભા કરી એ ભાગને ઢાંકી દેવાયા હતા. રસપ્રદ ગ્રાફિક્સ સાથે ત્યાં લખ્યું હતું, ‘સો પાસ્ટ કેન હેવ અ ફ્યુચર’. વિશ્વના જોવા જેવા શહેરમાં ટોચના ગણાતા લંડનનું ટ્રફલગાર સ્ક્વેર હોય કે પિકાડેલી સર્કસ હોય કે પછી શોપિંગના મેગા સ્ટોર્સથી ધગધગતી ઓક્સફર્ડ સ્ટ્રીટ હોય બધા વિસ્તારોમાં ઇતિહાસ મઘમઘે છે. અહીં જેટલો ઇતિહાસ છે એનાથી અનેક ગણી એની જાળવણી છે. ટાવર બ્રિજ વિસ્તારમાં બંધાઈ રહેલાં આધુનિક મકાનો આસપાસના કેસલ કે પાર્કમાં મુકાયેલા રોમન શિલ્પોને ઓવરપાવર નથી કરતા. આધુનિકીકરણથી લંડન જેવું શહેર બાકાત ન હોય તે સ્વભાવિક છે પણ કોંક્રિટ જંગલનો ઓળો શહેરના પ્રાચીન વારસાને ઢાંકી નથી દેતો, બલકે એની સાથે મેળ ખાય એ રીતે જ બધી કામગીરી કરવામાં આવે છે. આ પરિસ્થિતિ માત્ર લંડનમાં જ છે એમ નથી, પણ આસપાસના નાના ટાઉન્સમાં પણ હેરીટેજ પ્રત્યેનો અભિગમ કાબિલ-એ-તારીફ છે.
લંડનથી 118 માઇલ દૂર આવેલા બ્રિસ્ટોલ શહેરની તાસીર શૈક્ષણિક અને સાંસ્કૃિતક પાસામાં વણાયેલી છે. 1864માં ખુલ્લો મુકાયેલો ક્લિફ્ટન સસ્પેન્શન બ્રિજ, કથીડ્રલ, ટાઉન હોલ, લાઇબ્રેરીઝ, ફ્લોટિંગ હાર્બર જેવું કેટલું ય આ શહેરની ઓળખ છે. બેન્સ્કી જેવા અતિપ્રતિષ્ઠિત સ્ટ્રીટ આર્ટીસ્ટે બ્રિસ્ટોલથી શરૂઆત કરી હતી. આજે પણ બ્રિસ્ટોલની ગલીઓમાં ચાલતા માઇલ્ડ માઇલ્ડ વેસ્ટ અને ધ હેંગિંગ મેન જેવા ખૂબ જ પોપ્યુલર આર્ટવર્ક્સ નજરે ચઢે છે. યંગ જનરેશનના સહિયારા પ્રયાસથી ચાલતા કિનો કાફેની નજીકની સ્ટ્રીટમાં યંગ આર્ટિસ્ટને ગ્રાફિટી વોલ્સ પર પોતાનું આર્ટ વર્ક કરતાં જોવાની મજા જ જુદી છે. રાજા રામ મોહન રોયની નવ ફૂટ ઊંચી પ્રતિમા શહેરના ધમધમતા વિસ્તાર કોલેજ ગ્રીનમાં બ્રિસ્ટોલ કથીડ્રલની બહાર જ મુકાયેલી છે. નવાઈ લાગે એવી વાત છે પણ રાજા રોમ મોહન રોય 1833માં બ્રિસ્ટોલ પહોંચ્યા, માંડ એકાદ મહિના જેટલા સમયમાં એ ત્યાં ઘણાં અગ્રણીઓને મળ્યા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. ભારતમાં કોલકાતા સિવાય રાજા રામમોહન રોયના બાવલાં કે પ્રતિમાઓ શોધવા અઘરા પડે પણ બ્રિસ્ટોલના તેમના ટૂંકા નિવાસ છતાં અહીં શહેર આખામાં એમનાં પગલાં આજે આટલા વર્ષે પણ વર્તાય છે. અહીં તેમની એક જ પ્રતિમા નથી, કાઉન્સિલ હોલમાં તેમનું બસ્ટ છે. શહેરની બહાર જતાં બાથ શહેર જવાના રસ્તે રાજા રામ મોહન રોયનો ટોમ્બ પણ અહીં છે જેને વિલિયમ પ્રિન્સેપે 1843માં આકાર આપ્યો હતો.
તમે કલ્પી શકશો કે જે શહેરમાં એક પ્રગલભ્ભ ભારતીય નાગરિકની સ્મૃિતઓ આ હદે સચવાતી હોય ત્યાં એ શહેરમાં અને એ દેશમાં ઇતિહાસની મહત્તા કઈ હદ સુધી હશે. આ શહેરના મેયર આર્કિટેક્ટ છે અને શહેરના આર્કિટેક્ચરનું મૂળ સ્વરૂપ બદલાય નહીં અને છતાં નવા પરિમાણો તેમાં ઉમેરાય તે માટેની પહેલને દર્શાવતું વિસ્તૃત પ્રદર્શન પણ અહીં ચાલી રહ્યું હતું. આ પ્રદર્શનમાં શહેર અને ત્યાંના રહેવાસીઓ વચ્ચેનો સંવાદ સ્થાપિત કરવાની પ્રક્રિયા પર ફોકસ હતું. કયા એલિમેન્ટ શહેર ઘડી કાઢે છેના મુદ્દા પર આ પ્રદર્શન યોજાયું હતું. આવું કશું શું આપણા શહેરના મેયરો પાસેથી ઇચ્છી શકાય ખરું? બ્રિસ્ટોલથી પાછા લંડન ભણી જઈએ તો ખૂટે નહીં એટલું ભાથું છે.
અહીં લોકોને પોતાના ઇતિહાસનો ગર્વ છે, વારસાને તેઓ ઘોળીને પી ગયા છે. અધધધ આર્ટ ગેલેરીઝ, વિશાળ મ્યુિઝયમ્સ, થેમ્સનો કાંઠો, ગ્લોબ થિયેટર, બિગ બેન, અંડર ગ્રાઉન્ડને મ્યુિઝકથી રણકાવતા કલાકારો, લંડન આઇમાંથી નજરે ચઢતો નજારો, સમરસેટ હાઉસમાં થતી ઇવેન્ટ્સ, બકિંગહામ પેલેસમાંથી છલકાતો રાજ વૈભવ, તોતિંગ શિપ્સ માટે ઉઘાડ બંધ થતો ટાવર બ્રિજ, સાઉથ બેંક્સ પર થતો ફેસ્ટિવલ ઓફ લવ, ઉત્સુક ટુરિસ્ટોનાં ધાડાં અને ડર્યા વગર તમારી સામે ચાલી આવતાં કબૂતરો બધું જ કોઈ પરીકથાથી ઓછું નથી. છતાં ય, આ એ શહેરની એ દેશની હકીકત છે. આ ઇતિહાસ, આ સમૃદ્ધ વારસા સાથે હાઇ હિલ્સ, શોર્ટ ડ્રેસિઝ, બ્લુ કલર્ડ હેર, આઇલાઇનરના ભપકામાં ચકળવકળ થતી આંખો, કોવેન્ટ ગાર્ડનનું માર્કેટ, ક્યારેક ક્યારેક રાહ જોવડાતી રૂપકડી ટ્યુબ્ઝ, સાયકલ પર સડસડાટ નીકળી જતા સાયકલસવારો, લાલચટક ડબલડેકર બસીઝ, રાતાં ટેલિફોન બુથ્સ, હેરી પોટરે ફેસમ કરી દીધેલી નાઇટ બસ અને કિંગક્રોસ સ્ટેશન બધું જ આપમેળે બંધબેસતું હોય એમ ગોઠવાઈ ગયું છે. કુદરતી સૌંદર્યને મામલે યુરોપિયન કન્ટ્રી સાઇડને કોઈ ન પહોંચી વળે. ડોવરની વ્હાઇટ ક્લિફ્સ હોય કે સ્કોટલેન્ડ હોય આ બધું જોતા ન ધરાઈએ એવાં સ્થળો છે. ડોવરની ક્લિફ્સ પર ઊભા ઊભા સામે કાંઠે દેખાતું ફ્રાંસ, ટેલ ઓફ ટૂ સિટીઝ જેવા સાહિત્ય સર્જનો અને ડોવર બિચ જેવી કવિતા યાદ કરાવી દે, એ ચોક્કસ.
આપણે ત્યાં ઘણીવાર મહેણું મારવામાં આવે છે કે અંગ્રેજો સોરી અને થેંક્યુ મુકતા ગયા પણ એ મેનર્સ ત્યાં ડગલેને પગલે જોવા મળે ત્યારે સમજાય કે આ બે શબ્દોનું મૂલ્ય શું છે. અંગ્રેજો બીજું ઘણું ય મુકતા ગયા છે પણ કદાચ આપણને ભ્રષ્ટ રાજકારણીઓની કુથલી કરવામાંથી સમય ન મળ્યો એ તરફ નજર કરવાનો. આપણું મુંબઈ શહેર જ્યારે પહેલવહેલું પ્લાન થયું ત્યારે લંડનની માફક એનો પ્લાન ઘડાયો હતો. આજે હકીકતનો ચહેરો બદલાઈ ગયો છે પણ ટાઉનમાં જઈએ ત્યારે વિક્ટોરિયન, ગોથિક શૈલીની ઇમારતોમાંથી લંડન તો ડોકિયું ચોક્કસ કરી લે છે. મુંબઈ પૂરતું જ આ સીમિત નથી પણ આપણા ગુજરાતના સૌરાષ્ટ્રનાં જૂનાગઢ અને જામનગર જેવા શહેરોમાં ઇંગ્લેન્ડના બાથમાં આવેલા પ્રતિષ્ઠિત રોયલ ક્રેસન્ટ જેવા બાંધકામની છાપ જોવા મળે છે. પાટનગર દિલ્હી તો અંગ્રેજોના આયોજન પ્રમાણે બનેલું શહેર છે. આ વારસો તો આપણને સામ્રાજ્યવાદના સમયમાં મળ્યો હતો પણ આપણી પાસે આપનો પોતાનો પણ ખૂટે નહીં એટલો આગવો ઇતિહાસ છે. જે રીતે યુરોપિયન્સ પોતાના વારસા પ્રત્યે સજાગ છે એ અભિગમ આપણે ત્યાં જવલ્લે જ જોવા મળે છે.
યુરોપિયન સંસ્કૃિતમાં પોતાના ઇતિહાસ, સાહિત્ય, કલાકારો પ્રત્યેની સજાગતા અન્ય સંસ્કૃિતઓની સરખામણીએ ઘણી વહેલી આવી. આનું સીધું કારણ એ કે તેમણે ઘણાં પ્રદેશો સર કર્યા, એક્સપોઝરને નામે જે પણ કહી શકાય એ બધું જ તેમણે નાણી અને માણી લીધું. જેનો ઇતિહાસ મજબૂત નથી એની આવતીકાલ ઝળાહળાં ન હોઇ શકે એ સામ્રાજ્યવાદી વલણ ધરાવતા યુરોપિયનોએ બહુ પહેલાં જ સમજી લીધું. યુરોપમાં પરદેશી સંસ્કૃિતઓ પણ આવી અને તેઓ પોતે જેને કોલોનાઈઝ કર્યા હતા એ રાષ્ટ્રોમાંથી પણ ઘણું લાવ્યા, આ બધાને અહીં વિકસવાનો મોકો મળ્યો, તેનું જતન થયું. યુરોપિયન રાષ્ટ્રો પરસ્પર એક સમાન અને વધુ સ્પષ્ટ ઓળખ કેળવવામાં અને સ્થાપિત કરવામાં કોઈ કચાશ નથી છોડતા અને હેરીટેજ, સાંસ્કૃિતક વારસો, ઇતિહાસમાં જળવાતી ગરિમા આ તમામ માટે સૌથી અગત્યનું કામ કરે છે. આ જ કારણોસર આજે પણ ટાઇટ અપર લિપ ધરાવતા બ્રિટશરો તેમના ભૂતકાળને સન્માને છે. તેઓ જાણે છે કે અમે જો આમ નહીં કરીએ તો બીજાઓ પણ તેને હળવાશથી લેશે અને રાષ્ટ્રવાદી બ્રિટીશરોને તો એ ક્યાંથી પોસાય. પોતાનું છે તો ગર્વ કરીએ અને સન્માન મેળવીએની ભાવનામાં લંડન અને અન્ય યુરોપિયન શહેરોમાં ઇતિહાસ ઉન્નત મસ્તકે ઊભો છે, અને માટે જ મૂળ કેલેડોનિયન મરક્યુરીએ લખેલા શબ્દોમાંથી જન્મેલો રૂઢિ પ્રયોગ, ‘ધી એમ્પાયર ઓન વિચ ધ સન નેવર સેટ્સ’ આજે પણ એટલો જ પ્રસ્તુત છે.
બાય ધ વે ઃ
ગયા વર્ષે ભારતની મુલાકાતે આવેલા બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમેરુને કહ્યું હતું કે બ્રિટીશરોએ તેમના ઇમ્પિરિયલ ભૂતકાળની માફી માગવાનું બંધ કરીને ભૂતકાળ પર ગર્વ લેવો જોઈએ. આને ભારતના સંદર્ભે કઈ હદે સરખાવી શકાય એ તો નથી ખબર પણ ભૂતકાળને બદલી નાખવા કૂદતા રાજકારણીઓ અથવા રાજકારણને રંગે રંગાયેલા તમામ શિક્ષણવિદે સમજવું કે ત્યાંના બુદ્ધિજીવી ભારતીયો કેમેરુનને મોદીથી જુદા નથી આંકતા. સાનમાં સમજવું, ટાઇટ અપર લિપ બ્રિટીશરોનો કટાક્ષ આકરો હોય છે પણ અવાસ્તવિક નથી હોતો.
e.mail : chirantana@gmail.com
વિપુલ કલ્યાણી : બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમીના માજી મહામંત્રી સાથેની ખાસ મુલાકાત
• દીપક બારડોલીકર
વિપુલ કલ્યાણી એક સારા, સોજ્જા પત્રકાર, સાહિત્યકાર અને વિશેષ તો યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકે જાણીતા છે. તેમના ખભે લટકતા ખલતામાં અન્ય કંઈ નહીં તો અકાદમીનાં પરિપત્રો, ઉપરાંત સામયિકો કે પુસ્તકો જરૂર હોવાનાં. − વાતો પણ સાહિત્યની, સાહિત્યકારોની, સાહિત્ય અકાદમીની. જાણે એ જ એમનું ઓઢણું – પાથરણું.
ખાસ કરીને બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર તેઓ આજ પર્યંત કાર્યશીલ રહ્યા છે. તેમણે સાહિત્યની મહેફિલો કે માત્ર મુશાયરા નથી યોજ્યાં. બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે ને પાઠ્યપુસ્તકો તૈયાર કરવા – કરાવવા તથા શિક્ષકો પેદા કરવા જેવાં નક્કર કાર્યો પણ કર્યાં છે. ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે.
વિશેષમાં સાહિત્યકારો જે કંઈ લખે તે છપાતું રહે અને તેમને પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ તેઓ છેલ્લાં 17 વર્ષથી “ઓપિનિયન” માસિક પ્રગટ કરી રહ્યા છે – એક પણ જાહેરખબર લીધા વિના.
એમની પાસે ત્રણ દેશોના અનુભવો છે – ભારત, ટાન્ઝાનિયા અને બ્રિટન. વળી ગાંધીવાદી છે. એટલે વાતો પણ મજાની કરે છે. ચાલો, આપણે એમની સાથે થોડી ગપસપ કરીએ અને જાણીએ કે અકાદમી દ્વારા તેમણે બ્રિટનમાં શું શું સિધ્ધ કર્યું છે.
•
દીપક બારડોલીકર : વિપુલજી, તમને ગુજરાતી ભાષાની ઘણી ચિંતા હોય એમ લાગે છે. ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકેની તમારી કામગીરી તથા તમારું સામયિક “ઓપિનિયન” એના બોલતા પુરાવા છે. પણ અહીં સવાલ આ છે કે ગુજરાતી, અહીં બ્રિટનમાં – યુરપમાં જીવશે કે કેમ એની ચિંતા તમે શા માટે કરો છો ? ક્યા કારણો છે ?
વિપુલ કલ્યાણી : દીપક સાહેબ, આદાબ ! … દોસ્ત, ‘ચિંતા’ શબ્દ અહીં અસ્થાને છે. તળ ગુજરાતમાં જ જ્યાં ડામાડોળ હાલત હોય, ત્યારે અહીં પરિઘે ઝાઝું શું કરી શકાય ? કેટલું કરી શકાય ? હા, ગુજરાતી સાહિત્ય, ભાષા તથા સંસ્કૃિતનો વ્યાપ અહીં થાય અને તેનાં વિધવિધ સંવર્ધન માટે નાનાંમોટાં જે કામો થાય તે કરીએ. બ્રિટનમાં અંગ્રેજીનો જ પરચમ પૂરી કાઠીએ છે. યુરપમાં, વળી, જે તે દેશની ભાષાનું રાજ કેન્દ્રવર્તી છે. પરિણામે, આ સમૂહમાં જે ગુજરાતી કોમ વસી છે, તે માંહે ગુજરાતી પ્રત્યેની સમજણ અને લગાવ આવે તેવી સમજણ કેળવી છે અને તે અનુસારનાં કામો કરતો રહ્યો છું.
દી.બા. : તમે દર્શાવેલાં કારણો સાથે અહીંનો ગુજરાતી ડાયસ્પોરા સંમત હોય એમ તમને લાગે છે ? અગર સંમત હોય તો સક્રિય સહકાર કેટલો ? જબાની જમા-ખરચ જેવું કે સભામાં તાળીઓ પડાવવા પૂરતું તો નથી ને ?
વિ. ક. : મને લાગે છે કે વત્તેઓછે સંમતિ વર્તાય છે. મર્યાદિત અને સીમિત સહકાર સતત રહેલો જ છે. આ ‘જબાની જમા-ખરચ’ દરેક જગ્યાએ અને દરેક બાબતે ચપટીમુઠ્ઠી જોવા મળી શકે. આરંભથી તેવો તેવો અનુભવ ચોક્કસપણે થતો રહ્યો હતો. જ્યારે જ્યારે સાતત્ય અને નિષ્ઠા દેખા દે છે, ત્યારે ત્યારે સમાજ થાય તેટલું કરી છૂટે છે. અને સમાજમાં સૌ પ્રથમ નીચલી પાયરીએ બેઠેલી જમાત અગ્રસૂરિ છે. ઇતિહાસ પણ આવી આવી સાહેદી પૂરે છે. સદ્દનસીબે, આ કામોને ય નાનોમોટો સામાજિક હૂંફટેકો મળ્યાના પોરસાવતા અનુભવ છે.
દી.બા. : ગુજરાતીને સારો એવો તાજો પ્રાણવાયુ મળે અને તે ઝડપભેર ચાલવા, દોડવા લાગે એ વિશે અકાદમીએ કયાં પગલાં લીધાં છે ? ઇતિહાસ ઉખેડવાની જરૂરત નથી. મુખ્ય મુદ્દા દર્શાવશો તો ચાલશે.
વિ. ક. : અકાદમીએ, સતત તેમ જ સાર્વત્રિક, વિચારવિમર્શ કરી, ગુજરાતી ભાષાશિક્ષણ માટેની પીઠિકા તૈયાર કરી. તેમાં દિવંગત પોપટલાલ જરીવાળાની ભૂમિકા અગ્રગામી રહી. એમણે ડાયસ્પોરાની જમાતમાં ગુજરાતી શીખવવા માટેનો એક અભ્યાસક્રમ ઘડીને આપ્યો. તદુપરાંત, તેને આધારે પાઠ્યક્રમ તૈયાર કરી આપ્યો. તેની આધારશીલા પર, પોપટલાલ જરીવાળા સરીખા ભાષાવિદ્દની સક્રિય દેખભાળ મુજબ, છ પાઠયપુસ્તકોની શ્રેણી ઊભી થઈ. સંપાદક જગદીશ દવેના સહકારમાં આ પુસ્તકો પ્રગટ થયાં. શિક્ષકોને તાલીમ આપવાની યોજના ઘડાઈ અને તેને આધારે ૪૦૦/૫૦૦ જેટલાં ગુજરાતી શિક્ષકોને તાલીમ અપાઈ. અને પાંચપાંચ સ્તરની પરીક્ષાઓનું નક્કર, જોમવાન આયોજન થયું. આ સઘળું અઢાર અઢાર વરસ લગી સુપેરે ચાલતું રહ્યું. અકાદમીની પરીક્ષાઓ યુનાઇટેડ કિંગ્ડમ ઉપરાંત, યુરોપના બે’ક દેશોમાં તેમ જ પૂર્વ આફ્રિકાના કેન્યા દેશમાં ય લેવાતી હતી. અકાદમીએ આપ્યાં પુસ્તકો આજે ય ભારત સમેતના વિધવિધ મુલકોમાં ચાલે છે, તે તેની લબ્ધિ છે.
દી.બા. : અકાદમીનાં એ પગલાંને ગુજરાતી સમાજ તરફથી પ્રતિભાવ કેવો મળ્યો ? પરિણામ વિશે કંઈક કહેશો ?
વિ. ક. : સારો. એક તબક્કે ગ્લાસગોથી બ્રાઇટન, અને કાર્ડિફથી નૉરિચ વચ્ચેના ગામોમાં, નગરોમાં અકાદમીનું આ આંદોલન પલોંઠ લગાવીને બેઠું હતું. આ અઢારેક સાલમાં ઓછામાં ઓછી પરીક્ષાર્થીઓની સંખ્યા છસ્સો ઉપરાંતની હતી, અને વધારેમાં વધારેનો આંક બારસો ઉપરાંતનો થયેલો. આટઆટલાં પરીક્ષાર્થીઓ, તેમનાં વાલીઓ તેમ જ જે તે સંસ્થાઓના આગેવાનો સાથેનો તે જીવંત સંપર્ક, તે હૂંફાળો ઘરોબો તે મોટી મિરાત છે. હકીકતમાં તો વિરાસત પણ. આજે ય તે દિવસોની વાત કરનારાઓ ચોમેર જડી આવે છે. સંસ્કૃત ઉક્તિ ટાંકીને કહી શકાય − તે હિ નો દિવસા: … …
દી. બા. : અકાદમીની આ પ્રવૃત્તિ સાથે બ્રિટનમાંનો હિન્દુ ગુજરાતી સમાજ બરોબર સંકળાયેલો રહ્યો લાગે છે. મુસ્લિમ ગુજરાતી સમાજ અલિપ્ત રહ્યો હોય એમ મને લાગે છે. તમે શું માનો છો ? કયાં કારણો હોઈ શકે ?
વિ. ક. : અકાદમીની પ્રવૃત્તિઓને ક્યારે ય ‘હિન્દુ’, ‘મુસ્લિમ’, ખ્રિસ્તી’, કે પછી એવા તેવા ધાર્મિક વાડાવાળા ચોકઠામાં મૂકેલી નહીં. અકાદમીનું બંધારણ જ, સહજ સ્વાભાવિક, આથી પર ઊઠીને સમગ્ર ગુજરાતી સમાજને આવરતું આવ્યું છે. સમાજનું કોઈ કોઈ અંગ, કદાચ, અલિપ્ત રહ્યું હોય, તો કારણે જે તે અંગોની કોઈક મર્યાદાઓ હોય તેમ પણ બને.
દી. બા. : અહીંનો મુસ્લિમ ગુજરાતી સમાજ અકાદમીની ધમધોકાર પ્રવૃત્તિઓથી ઘણું કરીને અલિપ્ત રહ્યો છે એમ તમને લાગે છે ખરું ?
વિ. ક. : અકાદમીની બંધારણમંડિત પ્રવૃત્તિઓમાં સમગ્રનો પીંડ હોવા છતાં, તે આદર્શ ઘણી બધી વખત વ્યવહારમાં ઊણો ઉતર્યો છે. સ્થાનિક ગુજરાતી કોમના દરેક અંગને આવરવાનું શક્ય બન્યું નથી. અને તેને સારુ અનેક પ્રકારના નિગ્રહો રહ્યા. અવસરે અવસરે મુસ્લિમ ગુજરાતી સમાજનું પ્રતિનિધિત્વ રહ્યું છે પણ ટકાવારી પોરસાવે તેવી નથી.
ઉત્તર ઇંગ્લૅન્ડમાંની સાંપ્રત સાહિત્યિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું બન્યું. એ જૂથ પણ અકાદમીના એવા તેવા દરેક અવસરે પૂરેવચ્ચ સામેલ. બસ, તેથી વિશેષ નહીં. મુશાયરા પ્રવૃત્તિ સિવાયનાં બીજાંત્રીજાં કામોથી આ જૂથ પર હોય તેવો અનુભવ સતત રહ્યો.
દી.બા. : અકાદમીની સ્થાપના ક્યારે, કેવા સંજોગોમાં થઈ હતી ? એના મુખ્ય સ્થાપક સભ્યોનાં નામ આપશો ?
વિ. ક. : ૧૨ ફેબ્રુઆરી ૧૯૭૭. તેને આજે ૩૫ વર્ષ થઈને રહ્યાં. આ દેશમાં, તે વેળા, છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થયાં કરે. લેંકેશર વિસ્તારમાં ‘ગુજરાતી રાઈટર્સ ગિલ્ડ’ તે દિવસોમાં ય અસ્તિત્વમાં અને તેની નિશ્રામાં મુશાયરા પ્રવૃત્તિ થયા કરે. “ગરવી ગુજરાત”, “ગુજરાત સમાચાર”, “નવ બ્રિટન” અને “અમે ગુજરાતી” જેવાં ગુજરાતી સામયિકો પોતાની ગતે હીંડ્યાં કરે. લંડનના પરિસરમાં તે દિવસોમાં, ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ ક્રિયાશીલ. પણ ક્યાં ય સંધાણ નહીં. કવિઓ, લેખકો અને લહિયાઓની જમાત ચોમેર. ગુજરાતી ભાષા શીખવવાના અનેક જગ્યાએ વર્ગો ચાલે. 1964થી તો લેસ્ટર ખાતે ‘ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી’ હેઠળ ત્રણેક નિશાળો સપ્તાહઅંતે ધમધમ્યા કરતી. તેવું જ કૉવેન્ટૃી મધ્યે પણ. લંડનનાં વિવિધ પરાંઓમાં કેટકેટલી સંસ્થાઓ ગુજરાતી શિક્ષણનું કામ કરતી. પરંતુ તે વચ્ચે એકવાક્યતા ભાસે નહીં. આવાં આવાં વાતવરણ વચ્ચે, ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃિતના પ્રસાર પ્રચારને સારુ, ‘ગુજરાતી સાહિત્ય અકાદમીની સ્થાપના કરવામાં આવી. ટૂંકામાં કહીએ તો ‘ગુજરાતી સાહિત્યકારો અને સાહિત્યરસિકોને સંકલિત તેમ જ સંગઠિત કરતું મંડળ’ એટલે ગુજરાતી સાહિત્ય અકાદમી.
દિવંગત ડાહ્યાભાઈ પટેલ, દિવંગત કુસુમબહેન શાહ, નિરંજનાબહેન દેસાઈ, પંકજભાઈ વોરા, કાન્તિભાઈ નાગડા, યોગેશભાઈ પટેલ અને વિપુલ કલ્યાણી અકાદમીનાં મુખ્ય સ્થાપકો છે.
દી.બા. : અકાદમીનાં બંધારણને ક્યારે, કોના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભાએ મંજૂરી આપી હતી ? − આ પ્રશ્ન એટલા માટે કે અહીં ઘણી ગુજરાતી સંસ્થાઓ ક્યાં તો કાયદેસરના બંધારણ વિના યા ‘હું – તું ને મકનિયા’એ ઘડી માન્ય રાખેલા એકહથ્થુ બંધારણ હેઠળ કામ કરી રહી છે. પાટિયા સંસ્થા ! જો કે અકાદમી એવી લેભાગુ સંસ્થા નથી જ. પણ એના બંધારણની હકીકત વિશે ફોડ પાડો તો તે અમને ગમશે.
વિ. ક. : સન 1984ના અરસામાં અકાદમીનું બંધારણ સ્વીકારાયું અને તેને ચેરિટી કમિશનને ચોપડે નોંધી દેવાયું. ત્યારે યોગેશભાઈ પટેલ પ્રમુખસ્થાને હતા. યોગેશ પટેલના વડપણ હેઠળ મળેલી અકાદમીની સામાન્ય સભાએ તેને સર્વાનુમતે સ્વીકાર કરેલો. દિવંગત પોપટલાલ જરીવાળા, દિવંગત જીતેન્દ્ર ધ્રુવ, વિપુલ કલ્યાણીની પેટા સમિતિએ તૈયાર કરેલું આ બંધારણ, વધુ એક વાર, નજીવા સુધારાવધારા પામ્યું હતું. ત્યારે પોપટલાલભાઈ પ્રમુખસ્થાને હતા. જ્યારે એમના ઉપરાંત લાલજીભાઈ ભંડેરી તથા વિપુલ કલ્યાણીની પેટા સમિતિએ તેને આખરી સ્વરૂપ આપેલું, જે ઇંગ્લૅન્ડના કમ્પની રજિસ્ટરમાં પણ હવે દાયકા, દોઢ દાયકાથી વિધિવત્ સ્થાન પામ્યું છે.
દી.બા. : વિપુલજી, અકાદમીનું મહામંત્રીપદ તમે ક્યારે – કઈ સાલમાં સંભાળ્યું હતું ? નિવૃત્ત ક્યારે થયા ?
વિ. ક. : સન 1978ના અરસામાં. આરંભે તે પદને ‘મંત્રી’ નામ હતું, 1984થી તેને ‘મહામંત્રી’ નામ અપાવું શરૂ થયું. અને સન 2010ના માર્ચ અંતે હું નિવૃત્ત થયો.
દી.બા. : તેંત્રીસ વર્ષ ?! આ તો અડધી જિંદગી કહેવાય ! આટલી પ્રલંબ સેવા ?! થાકી ગયા હશો, ખરું ને ?
વિ. ક. : થાક ? શેનો થાક ? … મનમગતી પ્રવૃત્તિ કરવા સારુ થાક ન હોય, તેનો આનંદ હોય. હા, ક્યારેક તેનો ભાર અનુભવાય, પણ એટલું વિચારીએ કે ધૂંસરી સ્વીકારી, તે વેળા હું 37નો હતો; નિવૃત્ત થયો ત્યારે 70નો ! તેથી ફેર તો પડે ને ? યુવાનીની સામે જૈફ વય તો હાંફી જ જાય ને ?
દી. બા. : વાહ ! અરધી જિંદગી અકાદમી પાછળ ગુજાર્યા પછી પણ તમે હકડેઠઠ લાગો છો. “ઓપિનિયન”નાં પાનાં પર પાનાં ભર્યે રાખો છો ! ક્યાંક કોઈક પહાડી પ્રદેશમાં શાંતિથી પલાંઠી વાળીને બેસવાની ઇચ્છા નથી થાતી ?
વિ. ક. : આપણા સાંઈ કવિ મકરન્દ દવે ગાય છે ને :
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાંનો કરીએ ગુલાલ.
બસ … કાંઈક આવું જ ! … હૅરોના ટીંબા હેઠળ, ખીણપ્રદેશમાં, વનરાઈ વચ્ચે, પલોંઠ લગાવી જ છે, દોસ્ત ! અને મારી ચોપાસ, ચોગરદમ, નગર વિસ્તર્યું દેખું છે. આ નગરસંસ્કૃિતમાં ખરડાયા વિના, મારું કામ કર્યા કરું છું. અને લાગે છે કે કોઈ પહાડી ઈલાકામાં સ્થળાંતર કરી જવાની નોબત હજુ સુધી બજતી નથી, બજવાની ય નથી !
હવે તો સાંજ પડી છે, સૂરજ આથમવા તરફ જઈ રહ્યો છે. પશુપંખી પોતાના પરિચિત સ્થાને વળી રહ્યાં છે. અંધારપટ વિસ્તરી જવામાં છે. અને જાત સાથેની જાતરાની નિશાની દેખાડતી કેડીએ આનંદે, સંતોષે પડવાની નેમ રાખી છે.
દી.બા. : અકાદમીના ઉપક્રમે, અત્યાર સુધીમાં પરિષદો કેટલી યોજવામાં આવી ? ક્યાં – ક્યાં અને કોના – કોના અધ્યક્ષપદે ? સાલ પણ દર્શાવશો ?
વિ. ક. : આજ પર્યન્ત આઠ ‘ભાષા – સાહિત્ય પરિષદો’ યોજાઈ છે.
પહેલી વેમ્બલીમાં, સન 1979માં, બળવંત નાયક અધ્યક્ષસ્થાને હતા. બીજી પરિષદ લેસ્ટર ખાતે મળેલી, 1983માં, જ્યારે દિવંગત ભાનુશંકર ઓધવજી વ્યાસ અધ્યક્ષસ્થાને હતા. ત્રીજી પરિષદ મળી વેમ્બલી ખાતે 1988 દરમિયાન જ્યારે ડાહ્યાભાઈ પટેલ અધ્યક્ષસ્થાને હતા. ચોથી બર્મંિગમમાં સન 1991 વેળા મળેલી અને અધ્યક્ષસ્થાને હતા દિવંગત પ્રાણલાલ શેઠ. પાંચમી પરિષદ ફરી પાછી વેમ્બલીમાં સન 1994માં મળેલી અને ભીખુ પારેખ અધ્યક્ષસ્થાને હતા. બ્રેડફર્ડમાં સન 2000 વેળા મેઘનાદ દેસાઈના અધ્યસ્થાને પરિષદ બેઠી હતી. લંડનના ઉત્તરીય પરાં ફિન્ચલી ખાતે, સન 2005માં દીપક બારડોલીકરના અધ્યક્ષસ્થાને સાતમી પરિષદ બેઠી હતી. અને તે પછી, છેલ્લી અને આઠમી પરિષદ સન 2009માં દક્ષિણ ઇંગ્લૅન્ડના ક્રૉયડનમાં નિરંજના દેસાઈની અધ્યક્ષતામાં સમ્પન્ન થઈ હતી.
દી.બા. : અકાદમીના ઉપક્રમે મુશાયરા, નાટક, કૃતિવાંચનસભા, વગેરે પણ યોજાતાં રહ્યાં હશે. અને પ્રકાશનો ? નોંધવા યોગ્ય વિગતો આપશો ?
વિ. ક. : બેલાશક. ગુજરાતી સાહિત્ય અકાદમીએ છ પાઠ્યપુસ્તકો પ્રગટ કર્યાં છે. વેલિંગબરૉસ્થિત ‘બીદ એન્ટરપ્રાઇઝીઝ’ના સાથમાં, મુંબઈસ્થિત ‘નવભારત સાહિત્ય મંદિરે’ આ પાઠ્યપુસ્તકો પ્રકાશિત કરેલાં. અને ‘આચમન’ નામે ડાયસ્પોરિક સાહિત્યસંગ્રહની ચોપડી પણ અકાદમીએ આ પ્રકાશન સંસ્થા વાટે પ્રકાશિત કરી છે. આ સંગ્રહનું સંપાદન અનિલભાઈ વ્યાસ તથા રમણભાઈ પટેલે કરેલું.
દી.બા. : અહીંના સાહિત્યકારો વિશે તમારો ‘ઓપિનિયન‘ શો છે ? એ લોકો ગુજરાતી સમાજ અને ગુજરાતી ભાષાને એકમેક સાથે સાંકળી રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકશે એમ તમને લાગે છે ?
વિ. ક. : હૂંફાળો. પરંતુ દરેક લેખક, કવિ અને લહિયો સાહિત્યકાર ન હોઈ શકે. કેટલાકને પોતાની મર્યાદાઓ પણ હોવાની. તેમ છતાં, ભાનુશંકર ઓધવજી વ્યાસ, બળવંત નાયક, અંજુમ વાલોડી, ડાહ્યાભાઈ પટેલ, યોગેશ પટેલ, નિરંજના દેસાઈ, વિનય કવિ, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, ‘ખય્યામ’, મહેક ટંકારવી, સૂફી મનુબરી, અહમદ ગુલ, વલ્લભ નાંઢા, કુસુમ પોપટ, અનિલ વ્યાસ, પંચમ શુક્લ જેવાં જેવાં સાહિત્યકારોની કલમે વિલાયતી ઢોળ આવી મળ્યો છે. જ્યારે બીજાં અનેકોએ ચાનક દર્શાવી છે અને તેમાં જગદીશ દવે, ધીરજ શુક્લ, શાંતશીલા ગજ્જર, રજનીકાન્ત ભટ્ટ, ટી. પી. સૂચક, ભાનુબહેન કોટેચા, રજનીકાન્ત જે. મહેતા, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, રમણભાઈ પટેલ, કદમ ટંકારવી, ફારૂક ઘાંચી, વનુ જીવરાજ, સિરાજ પટેલ, જિગર નબીપુરી, પ્રેમી દયાદરવી, મુલ્લા હથુરણી, ઉપેન્દ્ર ગોર, પ્રફુલ્લ અમીન, પંકજ વોરા અને ભારતી વોરા જેવાં જેવાં સોહે છે. વળી, ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, ભદ્રા વડગામા, આશા બુચ જેવાં જેવાં ઝડપે આ જૂથમાં સહજ સામેલ થવાને થનગની રહ્યાં છે.
એ લોકો ગુજરાતી સમાજ અને ગુજરાતી ભાષાને એકમેક સાથે સાંકળી રાખવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી શકશે એમ સ્પષ્ટ દેખાતું નથી. હું બહુ આશાવાદી નથી. ગુજરાતી સમાજની વાત છાંડીએ, ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યને ક્ષેત્રે એ દરેકનું તપ ઉમેરાય તો ય લાંબા અરસા સુધી, નાચ્યા કરવાનું જ મન થાય. આમાંનાં ઘણાંએ હજુ તે તરફની શક્તિ ખીલવવાની બાકી છે. તે દરેકને ઇચ્છાશક્તિનું આવું બળ મળજો !
દી. બા. : મેદાનમાં ઊતરેલા ઘણા સાહિત્યકારોનાં નામ તમે આપ્યાં, એમનામાંના કેટલાક ગ્રંથકાર પણ ખરા. આ ડાયસ્પોરિક ગ્રંથકારોના ગ્રંથો – પુસ્તકોની કોઈ યાદી તમે રાખી છે ખરી ? − કેટલાક નોંધપાત્ર ગ્રંથોનાં નામ આપશો?
વિ. ક. : હા. મોટા ભાગનાં પુસ્તકો વસાવ્યાં છે. ભાનુશંકર ઓધવજી વ્યાસ, બળવંત નાયક, યોગેશ પટેલ, દીપક બારડોલીકર, અદમ ટંકારવી, પન્ના નાયક, આદિલ મન્સૂરી, મધુ રાય, આનંદરાવ લિંગાયત, હરનિશ જાની સરીખાં તપેશરીઓનાં પુસ્તકો છે. આ સૌ મારા માટે અગત્યના ઓજારો છે. આ ગ્રહમાળાનાં મણકા. તે દરેકનું તેજ પ્રકાશ પાથરતું રહ્યું છે.
દી. બા. : તમારા ઘરમાં, અકાદમીના ઉપક્રમે ગુજરાતથી વિદ્વાનોની અવરજવર રહેતી હતી. તેમનું માર્ગદર્શન અકાદમીની પ્રવૃત્તિમાં ઉપયોગી થયું હશે અને તેના પ્રકાશમાં તમે આયોજનો કર્યાં હશે એમ હું માનું છું. આ સંદર્ભે તમે શું કહેશો ?
વિ. ક. : હા. આ દરેકનું માર્ગદર્શન ઉપયોગમાં લેવાયું છે. જ્યાં જ્યાં બન્યું ત્યાં ત્યાં તેને કાર્યાન્વિત પણ કરેલું છે. આથી અકાદમી, અકાદમીની પ્રવૃત્તિ તેમ જ વ્યક્તિ તરીકે હું રસકસે રસાયા, સમૃદ્ધ બન્યા અને વિકસ્યા.
દી. બા. : તમે એક વાર અકાદમીભવન બનાવવાની જાહેરાત કરી હતી. ફંડફાળા પણ થયેલા. એ મહત્ત્વાકાંક્ષી યોજના હાલ શી સ્થિતિમાં છે ?
વિ. ક. : સુપ્તાવસ્થાએ. ખેતર ખેડાયેલું પડયું છે, પરંતુ આ અનાવૃષ્ટિના દિવસો છે. ચાસમાં જો ખાતર પૂરાય, પાણીનો સ્રોત જો આવી મળે, તો સોળ વલ્લી પાક ઊતરે તેમ છે ! … ખેર ! … તે દિવસના ઓરતામાં ય વીંટળાયેલો ભાળું !!
દી. બા. : તમે કોઈક આફ્રિકન દેશમાં અને મુંબઈમાં પણ હતા. છેલ્લાં પાંત્રીસેક વર્ષથી લંડનમાં છો. આ ત્રણ દેશોના અનુભવો અને પત્રકારત્વ – સાહિત્ય તરફ ક્યારે કેવા સંજોગોમાં વળ્યા એ વિશે કશું લખવા ધાર્યું છે ? ક્યારે લખશો?
વિ. ક. : આફ્રિકે ટાન્ઝાનિયા હતો. થોડોક મુંબઈ રહ્યો. હાલ વિલાયત. આસામી સાહિત્યસ્વામી ભૂપેન હઝારિકાનું આ ગીત, અહીં, બંધબેસતું આવે :
આમી એક જાજાબૉર, આમી એક જાજાબૉર,
પૃથિબિ અમાકે અપૉન કોરેચય,
ભૂલયચી નિજેર ઘર …
આમી એક જાજાબૉર, આમી એક જાજાબૉર.
(આવાર હું, હાં, આવાર હું / જમીન પે ચલતે, છલકતે, બહેતે / દરિયા કી ધારા હું / આવાર હું, હાં, આવારા હું …)
વણજારાની જેમ જીવન વીત્યું છે. તેની રઝળપાટ જેમ બીજાને થઈ હોય તેમ હું ય તેનો માર્ગી. કાંઈ નવું નહીં. અને છતાં તેમાં નકરો મારો નિજી અનુભવ દેખા દે; ક્યાંક અલાયદા નિરીક્ષણો ય હોય … આથી તો, ક્યારેક મેળ પડે તો લખવાનો મનસૂબો જરૂર. આંખ મીંચાય તે પહેલાં અક્ષરો માંડવાના મનોરથ !!
દી.બા. : અહીંના સાહિત્યકારોની કલમ અમદાવાદી ખડિયામાં બોળાઈને લેખન કરી રહી છે એમ તમે નથી લાગતું?
વિ. ક. : ક્યારેક લાગે છે કે તમે સાચા હશો કેમ કે હજુ એક પ્રધાન વર્ગ અહીં લખે કે ગુજરાતના પરિસરમાં, કોઈ ફેર પડતો હોય તેમ લગીર લાગતું જ નથી.
દી.બા. : ગમે એમ પણ અકાદમીએ નક્કર કાર્યો ઘણાં કર્યાં છે. વળી, તમારા સાથી સાહિત્યકારોની સર્જન પ્રવૃત્તિ પછી તમને શું લાગે છે ? બ્રિટનમાં આજે ગુજરાતી ક્યાં ઊભી છે ? શું તે અહીં યુરપમાં જીવી શકશે ? કેમ કે આજે તો છોકરાં આવું ગુજરાતી બોલે છે : ‘ભજિયાં રેડી છે. ટૃાય ઇટ, બહુ નાઇસ છે.’
વિ. ક. : એવા એક ચોખંભે કે જ્યાંથી ગુજરાતીનો કેડો ધૂંધળો થતો લાગે છે. કોઈક રળ્યાખળ્યા ઓલિયા ગુજરાતી લિપિ વાટે લખતા જરૂર હશે કેમ કે તેની કુમકે કમ્પ્યૂટર તથા ઇન્ટરનેટની સહાય હશે. ઘડીના છઠ્ઠા ભાગે જ તળ ગુજરાત સાથે, જગતમાં અહીંતહીં તે ઘૂમી વળતા હશે. આમ, મારી માદરી જબાનમાં લખનારા કોઈક વીરલા, એકલવીર, અહીં પણ હોવાના તેની ખાતરી.
ગુજરાતી શિક્ષણ માટે મને રળિયાત ચિત્ર વર્તાતું નથી.
દી.બા. : તમને નથી લાગતું કે આ પ્રલંબ પ્રવાસમાં એક અગત્યનું પગથિયું ચૂકી જવાયું છે ?
વિ.ક. : કયું પગથિયું ?
દી.બા. : બ્રિટનમાંના ગુજરાતી ડાયસ્પોરાની ભાષાકીય વાસ્તવિક જરૂરિયાતનું પગથિયું. ભાષાનાં સ્વરૂપ પ્રદેશની આબોહવા, માહોલ અને મુખ્ય ભાષાપ્રવાહનો સ્પર્શ ઘડે છે એ હકીકત અહીંની ભાષાકીય પ્રવૃત્તિમાં ભૂલી જવામાં આવી છે. અહીંનો આવતી કાલનો ગુજરાતી અમદાવાદની ગુજરાતી નહીં બોલી શકે, લખી-વાંચી શકે. તમારું શું માનવું છે ?
વિ. ક. : આ પગથિયું જ હાંફ ચડાવી જાય તેવું છે ! તળ ગુજરાતમાં બોલાતું આજનું ગુજરાતી પણ અહીં બહોળા વર્ગને આજે અઘરું પડતું હોય તેમ લાગે છે. ત્યાં પણ પાતળી પરિસ્થિતિ દેખા દે છે; અને જોડાજોડ અહીં પણ. છેવટે, ભાષામાં ય પરિવર્તન આવવાનું છે. આપણે નવનવ સૈકાથી આ જોતા, વાંચતા રહ્યા છીએ જ ને ? દોસ્ત, અહીં પરિઘે તો ભારે ઘસાતું ચિત્ર રહેવાનું છે. અને તે કુદરતનો સહજ ક્રમ છે. આફ્રિકાના મુલકોનો આવો અનુભવ મેં દીઠો છે. પાકિસ્તાનનો અનુભવ તમે જાણો છો. વિલાયત સમેત યુરપ અને અમેરિકામાં હળવે હળવે સૂરજ આથમતો જવાનો છે તે વાત નક્કી.
ભાષાને વેપારવણજનો, સાંસ્કૃિતક અવસરોનો સક્રિય હૂંફટેકો રહ્યો હોત, તો કદાચ પરિસ્થિતિ પોરસાવનારી બની શકી હોત. તમારા અને મારા મિત્ર ચંદ્રકાન્ત બક્ષીને આ એક અરસાથી વર્તાતું રહેલું અને તે મિષે એમણે હયાતી વેળા લખ્યા કરેલું. … ખેર !
દી. બા. : ગાંધીવાદમાં ફક્ત માનો છો કે શ્રદ્ધા ધરાવો છો ? − ગાંધીવાદમાં જીવનસાફલ્ય જેવું કશું લાગે છે ખરું ?
વિ. ક. : દોસ્ત, મને ‘વાદ’માં રસ નથી, ‘વિચાર’માં રસ છે, શ્રદ્ધા છે. ગાંધીવિચારનું મને બચપણથી આકર્ષણ રહ્યું છે. વય સાથે તેની પાકટતા વિકસી છે અને વિસ્તરી પણ છે. અહીં ‘છંદ’ની પણ વાત કરતો નથી, પરંતુ નકરા ‘વિચાર’ની જ તરફદારી માંડી છે.
આ ‘જીવનસાફલ્ય’, ભાઈ, બહુ મોટી વાત છે. ‘વિચાર’ની એરણે મારી સોય ટીપાયા કરે, તેવો રાગ છેડયા કરું છું. થાય એટલું કરવું. ટૂંકામાં, મારે તો એક ડગલું બસ થાય !
દી. બા. : હવે એક અંગત પ્રશ્ન. તમે વિપ્ર છો. અમારાં કુંજબહેન જૈન છે. તમારો આ મેળમિલાપ શી રીતે થયો ? સાંસારિક જીવન સુખી તો છે ને ?
વિ. ક. : અમારું પ્રથમ મિલન કૉલેજમાં થયું. બંને એક જ કૉલેજમાં – મુંબઈની વિલ્સન કૉલેજ. એ પરિચય ફોર્યો અને પરિણયમાં પરિણમ્યો. આ જીવન સુખને જ માર્ગે છે. હવે સંધ્યાકાળે, પાછળ નેજવું કરી લઉં છું તો રાજીપાના ઓડકાર આવ્યા વિના રહેતા નથી. હા, ક્યારેક ઝાંખરાં, ડાળાં, રાની પશુઓના રંજાડ નડયા – અડ્યા, પરંતુ હિમ્મતે મરદા તો મદદે ખુદાનો ઘાટ અનુભવતા આવ્યાં છીએ. આવું બહુધા દરેકને અનુભવવા મળ્યું જ હોય, તો અમે ક્યાંથી પર હોઈએ ?
દી. બા. : ગુજરાતી ડાયસ્પોરાને કંઈક સૂચન કરવાનું પસંદ કરશો
વિ. ક. : બે-અદબી માફ કરજો, પણ અબીહાલ વાંચ્યું એક કથાનક અવતરણરૂપે ટાંકવાની ધૃષ્ટતા કરું છું :
તક્ષશિલા વિદ્યાપીઠના ઉત્તમ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યએ ત્રણ શિષ્યોનું ગુરૂકુળનું સત્ર પૂર્ણ થતાં પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ નામના રાજનીતિવિષયક ગ્રંથના રચયિતા કૌટિલ્ય વ્યવહારિક જ્ઞાનને વિશેષ મહત્ત્વ આપતા હતા. જીવનભર અકંિચન બ્રાહ્મણ રહેલા કૌટિલ્યએ પોતાના શિષ્યો વ્યક્તિત્વને આગવી રીતે ઘડવાનો પ્રયાસ કર્યો.
આચાર્ય વિષ્ણુગુપ્તે પોતાના ત્રણે શિષ્યોને વાંસની ટોપલી આપી અને કહ્યું કે આમાં પાણી ભરીને લઈ આવો. એ પાણીથી મારે ગુરુકૂળમાં સફાઈ કરવી છે.
આચાર્યની આજ્ઞા સાંભળીને શિષ્યો વિચારમાં પડી ગયા. વાંસની ટોપલીમાં પાણી ભરીને લાવવું એ તો અસંભવ હતું. ગમે તેટલું પાણી ભર્યું હોય, તો પણ એનાં છિદ્રોમાંથી નીકળી જાય. ગુરુની આજ્ઞા શિરોધાર્ય માનીને શિષ્યો નદીને કિનારે ગયા ખરા, વાંસની ટોપલીમાં પાણી ભરીને લાવ્યા, પણ પાણી તો બઘું એ ટોપલીમાંથી બહાર નીકળી ગયું.
એક શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે અગાધ નિષ્ઠા હતી અને તેથી જ એ વારંવાર ટોપલીમાં પાણી નાખવા લાગ્યો. એ મનમાં વિચારતો હતો કે ગુરુદેવે આપેલી આજ્ઞાની પાછળ કોઈ મર્મ હશે. એ મર્મ પામવો જોઈએ. માત્ર નિરાશ થયે કશું ન વળે.
આ રીતે સવારથી સાંજ સુધી એ વાંસની ટોપલીમાં પાણી ભરતો રહ્યો અને ધીરે ધીરે એ વાંસ ફૂલતાં ટોપલીમાંનાં છિદ્રો બંધ થઈ ગયાં. પરિણામે સાંજે એ ટોપલીમાં પાણી ભરીને આચાર્ય વિષ્ણુગુપ્ત પાસે આવ્યો. આ મહાન આચાર્યએ આ જોઈને પોતાના અન્ય શિષ્યોને કહ્યું, ‘મેં તમને અશક્ય લાગે તેવું કાર્ય સોંપ્યું હતું, પરંતુ એને શક્ય કરવા માટે વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસની જરૂર હતી. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળથી અશક્ય લાગતું કાર્ય પણ શક્ય બને છે અને તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હંિમત હારવી જોઈએ નહીં.’
ગુજરાતી ડાયસ્પોરાના બંકાઓને આથી વિશેષ શું કહી શકાય ? લહિયાઓ પોતાની કલમ સતત ઘસ્યા કરે; તેમ જો બને તો તેને પરિણામે કલમીનો ફાલ મોહરશે તેવી શ્રદ્ધા છે. આવા આવા કલમીઓ વિવેક, ધૈર્ય, લગની અને અવિરત પ્રયાસ કર્યા કરે તો તે લેખક, કવિ થાય પણ ખરા. સખત પરિશ્રમ અને દ્રઢ સંકલ્પબળ હોય, અભ્યાસ અને અધ્યાસ પણ હોય તો તે સાહિત્યકાર પણ બની જાય. અને પછી તળને અને બૃહદ્દને ઝળાંહળાં કરી જાય તેમ પણ બને.
હેરૉ, 10 એપ્રિલ 2012; 14 મે 2012