– પહેલ પછીના પડકારો : BRICS દેશોએ ભારતના અધ્યક્ષપદે સ્થાપવા ધારેલી નવી આંતરરાષ્ટ્રીય બેંક સફળ થશે?
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા એમ વિશ્વના પાંચ રાષ્ટ્રોના બનેલા ‘BRICS’ રાષ્ટ્ર સમૂહની બેઠક થોડા દિવસો પહેલાં બ્રાઝિલના ફોર્તાલેઝા નગરમાં મળી હતી. આ પાંચ રાષ્ટ્રો એક અર્થમાં અલગ વિચારસરણી અને અલગ શાસન પદ્ધતિવાળા વિકાસશીલ રાષ્ટ્રો છે. અલબત્ત ચીન અને રશિયાને વિકસિત રાષ્ટ્રો ગણી શકાય, પણ બ્રીકસની રચના એવા સમયે થયેલી જ્યારે એ બધા, ઊંચા વિકાસદર તરફ ઝડપથી આગળ વધી રહ્યા હતા. એક અર્થમાં આ પાંચેય રાષ્ટ્રો એંગ્લો અમેરિકન રાષ્ટ્રોથી અલગ રાષ્ટ્રો છે. જનસંખ્યાની દ્રષ્ટિએ એમની કુલ જનસંખ્યા ત્રણસો કરોડ છે અને એમાં ચીન અને ભારત જેવા વસ્તીની દ્રષ્ટિએ વિશ્વના બે મોટા રાષ્ટ્રો છે. એ અર્થમાં એનું મહત્ત્વ વધી જાય છે.
બાયપોલર વિશ્વ એટલે કે સામ્યવાદી અને મૂડીવાદી બે જૂથવાળી દુનિયાનો અંત આવ્યો. સાથોસાથ સામ્યવાદી શાસનનો રશિયા અને એની સાથે જોડાયેલા રાષ્ટ્રોમાં અંત આવ્યો એટલે દ્વિપોલર વિશ્વનો અંત આવ્યા પછી ઘણા રાષ્ટ્રસમૂહો અમલમાં આવ્યા છે. બ્રીકસની બેઠક ભારતના શાસન પરિવર્તન પછીની બેઠક હતી. વળી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આંતરરાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં પ્રથમ હાજરી હતી એટલે ઘણાનું ધ્યાન આ બેઠક પર હતું. આ બેઠકમાં આ દેશોએ સર્વાનુમતે એક નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા – ન્યૂ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ બેંક રચવાનો નિર્ણય લીધો છે અને એના પ્રથમ અધ્યક્ષ નીમવાનો ભારતને અધિકાર મળ્યો છે. એટલે ભારતમાં એનું મહત્ત્વ વધી ગયું છે.
આંતરરાષ્ટૃીયની આ સંસ્થાએ સ્થાપના સાથે જ એવી જાહેરાત કરી છે કે, વિકાસશીલ રાષ્ટ્રોની બજારોને એમના અર્થતંત્રને ઉપર નીચે કરી નાંખે એવા બહાર આઘાત સમયે એમના અર્થતંત્રને રક્ષણ આપવા ન્યૂ આંતરરાષ્ટ્રીય બેંક ૧૦૦ બિલિયન ડોલરની નાણાકીય સહાયની વ્યવસ્થા કરશે. એનું નામકરણ અને આવડી મોટી સહાય આપવાની જાહેરાત નવી સંસ્થાને, અત્યારે આવી વ્યવસ્થા કરનાર, વિશ્વ બેંક; એશિયન ડેવલપમેન્ટ બેંક અને આઇએમએફ(ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ)ની લાઇનમાં મૂકી દીધી છે. ચીને, જ્યારથી વિશ્વની આર્થિક મહાસત્તા તરીકે અર્ધવિકસિત રાષ્ટ્રોને સીધી નાણાકીય સહાય કરવાનું શરૂ કર્યું ત્યારથી વિકાસશીલ રાષ્ટ્રો આવું કંઇક કરવાની ગડમથલમાં હતા. ચીને આવી સહાય શરૂ કરી, વિશ્વ બેંક, IMF અને એંગ્લો અમેરિકન રાષ્ટ્રોને મોટો આંચકો આપ્યો હતો અને વિશ્વમાં ‘વોશિંગ્ટન સમજૂતી’ની જેમ ‘પેકિંગ સમજૂતી’નો યુગ શરૂ થશે એવી આલોચના થયેલી. પણ, પછી કોઇક કારણોસર ચીને સીધી સહાય આપવાનું ચાલુ રાખવા છતાં એને માળખાકીય સ્વરૂપ આપ્યું નહીં.
જો કે, બ્રીકસે, બેંકની સ્થાપનાની જાહેરાત કરી એમાં આથી આઇ.એમ.એફ.ની હરીફ સંસ્થા છે કે બનશે, એવો અણસાર આપ્યો નથી. એણે તો, આંતરરાષ્ટ્રીયક્ષેત્રે ઝડપથી આગળ વધેલા અને વધી રહેલા બ્રીકસ દેશોની એકતાના નિરાધાર તરીકે બેંકની સ્થાપનાને ગણવી છે. આ નવી નાણાકીય સંસ્થા સ્થાપવા પાછળનું એક કારણ એ પણ છે કે, બ્રિટનવુડની સમજૂતી પછી, આજ સુધી વિશ્વબેંક અને આઇ.એમ.એફ. પર એંગ્લો અમેરિકન રાષ્ટ્રોને જ વર્ચસ્વ રહ્યું છે. વિશ્વબેંક કરતા આઇ.એમ.એફ. માટે હવે લગભગ બધા રાષ્ટ્રોમાં ઘેરો અસંતોષ છે કારણ, આર્થિક સહાય આપતી સમયે, આઇ.એમ.એફ. હવે નવી નવી શરતો લાદે છે. આર્થિક સંકટમાં સપડાયેલા દેશોની સામે જબરજસ્ત વિરોધ કર્યો છે અને પરિણામે આ પછી આવેલી ચૂંટણીમાં કેટલા ય દેશોની સરકારો ઉથલી પડી છે. નવી આંતરરાષ્ટ્રીય બેંકે સંકટ સમયે આપવા ધારેલી રકમ અને સહાયનો હેતુ જ હજુ જાહેર કર્યા છે. નવી બેંકને શરતો તો રાખવી પડશે પણ આ સહાયની શરતો કેવી હશે એ તો ભવિષ્યમાં જ જાણ થશે.
૧૯૯૭-૯૮માં પહેલી એશિયન નાણાકીય કટોકટી જન્મી ત્યારે એશિયાના વ્યાઘ્ર (Tiger) બનેલા પૂર્વ એશિયાના દેશોએ સહાય માટે આઇ.એમ.એફ.ના દરવાજા ખટખટાવ્યા ત્યારે એણે જે શરતો અને માર્ગ સૂચવેલો એણે એ દેશોના મોવડીઓમાં ભારે રોષ ફેલાવેલો. આવું બન્યું એટલી વિદેશી રોકાણકારોએ વ્યાઘ્ર દેશોમાંથી મૂડી પાછી ખેંચી એના જ કારણે આ દેશો રોજગારી અને જી.ડી.પી.ની દ્રષ્ટિએ નારાજ થઈ ગયેલા.
સહાયનું ગણિત સીધુંસાદુ નથી હોતું. સમૃદ્ધ દેશો પણ પોતાના મિત્રદેશને સરળતાથી સહાય પણ સંકટ સમયે આપતા નથી. દાખલા તરીકે ૨૦૦૮માં વૈશ્વિક આર્થિકમંદી સમયે મંદીમાંથી બચવા પાકિસ્તાને ચીન પાસે નાણાકીય સહાય માંગી હતી. ત્યારે પાકિસ્તાન, ચીનનું મિત્રદેશ હોવા છતાં, આવા સંકટ સમયે ચીને પોતે શક્તિશાળી હોવા છતાં સહાય માટે પાકિસ્તાનને આઇ.એમ.એફ.માં જવાની શાણી સલાહ આપેલી. માત્ર શસ્ત્રો વિકસાવવા સહાય કરેલી એ સમજવા જેવું છે. આજે પણ ચીન જે રીતે, પોતાની બનાવટો બીજા દેશોની બજારમાં ઘુસાડવા મથે છે એને કારણે વિકાસશીલ દેશની બજારોને ઘણું સહન કરવું પડે છે.
એનું નિવારણ આ નવી બેંકમાંથી થોડું મળવાનું છે? WTO વિશ્વવ્યાપાર સંસ્થા બની ત્યારે પોતાના બજારોને વિશ્વના બજારમાં વાતાવરણ મળશે એવી આશાથી વિકસિત રાષ્ટ્રોએ હોંશે હોંશે એની સાથેના જોડાણના દસ્તખત કરેલા. પણ આજે વરસો થયાં છતાં સમૃદ્ધ દેશો પોતાના ઉત્પાદકોને નિકાસ વધારવા મોટી મસ સબસિડી આપતા આવ્યા છે એમાં ક્યાં ઘટાડો થાય છે ? બીજી તરફ વિશ્વબેંક કે આઇ.એમ.એફ.ની નવી વ્યાપક માળખાકીય સગવડ કે એટલી તકનીકી કે બીજી કાબેલિયત નવી આંતરરાષ્ટ્રીય બેંક રાતોરાત ઊભી કરી શકે કે કેમ એ શંકાસ્પદ છે એને ઠીક એવા સમય લાગશે. વિશ્વની પડકારરૂપ બનેલી આર્થિક સ્થિતિમાં સહાય પહોંચાડવાનો ઇરાદો ગમે તેટલો ઉમદા હોય પણ સરળ નથી.આમે ય મલેશિયન નાગરિક સંસ્થાના વિમાનને તોડી પાડ્યા પછી વિશ્વમાં પુતિન સામે જે પ્રવાહો આકાર લઈ રહ્યા છે એ પણ આડે આવે તો નવાઈ નથી.
સમગ્ર રીતે એવી છાપ ઉપસે છે કે, બ્રીકસે પોતે કંઇક કરી બતાવ્યું છે. એવી છાપ વિશ્વમાં ઊભી કરવા આવું કર્યું હોય પણ, આ પગલાંમાં ચીને કે રશિયાને કશું ગુમાવવાનું નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની આશાઓ ફળી નથી અને બ્રાઝિલની આર્થિક શક્તિ પણ બ્રીકસની સ્થાપના સમયે હતી એવી રહી નથી. આ સંજોગોમાં નવી આંતરરાષ્ટૃીય બેંક વિશ્વમાં નવું નાણાકીય સ્થાપત્ય ઊભી કરશે કે કેમ એ પ્રશ્ન છે.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 31જુલાઈ 2014