બ્રિટનમાં ગુજરાતી સુગમસંગીતને ગાતું-સંભળાતું રાખવામાં ચંદુભાઈ મટાણીનો ફાળો મોટો છે
ગુજરાતીઓ પરદેશ જઈ વસ્યા તો પણ ગુજરાતી સંસ્કાર સાથે તો બંધાઈને રહ્યા જ છે – હા, હવેની એ પેઢી કે જે ત્યાં જ જન્મી અને ઉછરી તેના વિશે કહેવું મુશ્કેલ છે. (મા-બાપના મૂળ ગુજરાત-ભારતમાં હોય તેટલા માત્રથી તો તેઓ ગુજરાતી ન જ બની શકે, સાંસ્કૃિતક ઉછેર સાવ જુદી બાબત છે.) હજી ગુજરાતના ગરબા અમેરિકા, યુરોપમાં ગુજરાતીઓની ઓળખમુદ્રાના હિસ્સા છે. તેમને ગુજરાતી વાનગીઓ વિના પણ ચાલતું નથી અને ગુજરાતી ગીત-સંગીત પણ તેમને હૈયે વળગેલાં છે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા આપણા સર્જકતાથી ભરેલા સુગમ સંગીતકાર – ગાયક સતત વિદેશપ્રવાસો કરતા રહ્યા તેનું કારણ પણ એ જ છે. પછી તો બીજા સુગમ સંગીતકારો અને ગાયકો જ નહીં, ડાયરાવાળા પણ પરદેશમાં સ્થાન પામ્યા છે. ગુજરાતી ભાષાની ઓળખ માત્ર તેના લિખિત-મુદ્રિત રૂપમાં જ તો નથી. તેની વાણી અનેક રૂપે પ્રગટી છે. અમેરિકા, બ્રિટનમાં વસેલા ગુજરાતીઓમાંથી હવે તો કેટલાક કવિ અને વાર્તાકાર પણ છે. નાટકો પણ લખે છે. ચંદુભાઈ મટાણીને યાદ કરીએ તો એવું ઉમેરી શકાય કે સુગમ સંગીત અને ગાયનમાં પણ તેઓ સક્રિય છે.
ચંદુભાઈ મટાણી મૂળ માંડવી – કચ્છના. ૧૯૩૪માં જન્મેલા. ચંદુભાઈ માંડવીમાં જ ભણેલા. તેમના પિતા ગોરધનદાસની માંડવીમાં કાપડની દુકાન, પણ ચંદુભાઈને તેમાં રસ નહીં. તેમના મોટાભાઈ ઝામ્બિયા જઈ વસ્યા હતા અને ૧૯ વર્ષની ઉંમરે આ નાનાભાઈ પણ ત્યાં જઈ પહોંચ્યા. ભાઈને વેપારમાં મદદ તો કરે, પણ તેમનો રસ સંગીત અને ફોટોગ્રાફીમાં. તે વેળા શાસ્ત્રીય સંગીતના અગ્રહરોળના ગુજરાતી ગાયક ઓમકારનાથ ઠાકુર જેવા મોટા કળાકાર ઝામ્બિયામાં કાર્યક્રમ માટે આવ્યા હોય, તો તેમને ય સાંભળવા પહોંચે. પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા પહોંચ્યા હોય, તો તેમની પાછળ પાછળ રહેવા ય પ્રયત્ન કરે. એમને વૈષ્ણવોનું હવેલી સંગીત પણ એવું જ ગમે. ભજનો – સાંભળવા – ગાવામાં ય એવો જ રસ.
આફ્રિકાના દેશોથી ગુજરાતીઓએ બ્રિટન જવું શરૂ કર્યું ત્યારે તેઓ પણ ૧૯૭૦માં બ્રિટન પહોંચ્યા. શરૂમાં પગ જમાવવામાં સમય ગયો, પણ ૧૯૭૭માં લંડનથી લેસ્ટર ગયા ત્યાં ‘સોનલ’ નામે સાડીની દુકાન કરી. ભાગીદારીમાં કરેલી એ દુકાન પછી ૧૯૮૩માં ‘સોના-રૂપા’ નામે સ્વતંત્ર શો-રૂમ શરૂ કર્યો. ગુજરાતીઓ જ નહીં ભારતનાં અન્ય રાજ્યના લોકો પણ ત્યાં વસતા હતા એટલે તેઓ સફળતાથી ગોઠવાઈ ગયા. પોતે એક વિશિષ્ટ રુચિવાળા હતા તે પણ ‘સોના-રૂપા’માં ભળી હતી. તેમને સુગમસંગીતમાં વિશેષ રુચિ હતી તેથી પુરુષોત્તમ ઉપાધ્યાય સહિતના સુગમસંગીતકારોના કાર્યક્રમો પણ પ્રયોજતા થયા. આમ કરવાથી તેઓ એ બધાની વધુ નિકટ આવ્યા અને તાલીમ પણ પામતા ગયા. તેમના ઘરે લતા મંગેશકર, જગજીતસિંહ, ગુલામઅલી જેવાના ઉતારા પણ હોય. પોતાને સુગમ સંગીતના ગાયક તરીકે સ્થાપવાની ઉતાવળને બદલે આ બધા વચ્ચે પોતાને સજ્જ કરતા રહ્યા. ગુજરાતના સાહિત્યકારો પણ બ્રિટન પ્રવાસે હોય તો તેમને ત્યાં ઉતારો કરે જ. નિરંજન ભગત, ચન્દ્રકાંત બક્ષી, સુરેશ દલાલ વગેરે વગેરે.
તેમણે સ્વયં ‘ગીત ગુલાલ’ અને ‘આંખડિયું અણિયાણી’ જેવાં આલબમ પણ પ્રગટ કર્યાં, જેમાં તેમના ઉપરાંત બીજલ અને વિરાજ ઉપાધ્યાય અને હંસા દવેના ય સ્વર છે. સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાયનું છે. પુરુષોત્તમભાઈએ ઘણા સુગમ સંગીત ગાયકોનો પ્રવેશ કરાવ્યો છે તેમાં ચંદુભાઈ મટાણી જરા વિશેષ છે. એટલા માટે કે તેઓ કેસેટ યુગમાં ‘ટાઈમ્સ મ્યુિઝક’ વતી માભોમ ગુર્જરી, સૂર વૈભવ, ભવતારણ્યમ્, શાંતાકારામ્, શ્રદ્ધા, ટ્રાન્ક્વિલિટી, પરમશ્રદ્ધા અને સેરિનિટી જેવી આઠ કેસેટોનું નિર્માણ પણ કરી ચૂક્યા છે. પોતાને સાહિત્યમાં ઊંડો રસ અને કાવ્યમાં રહેલા ગેયતત્ત્વોની પિછાણ. એ કારણે ઉત્તમ રચનાની પસંદગીનું ધ્યાન પણ રાખ્યું. પોતે ભાટિયા કોમના એટલે વૈષ્ણવ સંસ્કાર, સંગીતનો ય સ્પર્શ પામેલા. તેથી ‘જય જય શ્રીનાથજી’ની સી.ડી. પણ બજારમાં મૂકી.
એવું કહી શકાય કે બ્રિટનમાં વસતા ગુજરાતીઓને ગુજરાતી સંગીત સાથે જોડી રાખવાનું કાર્ય પણ તેમણે કર્યું છે. તેમની શોપમાં સાડી પણ મળે અને સી.ડી. પણ મળે. વેપારની સમાંતર તેઓ સંગીત ક્ષેત્રે વિકસ્યા અને તેના પરિણામે લેસ્ટરમાં શ્રુતિ આર્ટ્સ સેન્ટર પણ સ્થાપ્યું. તેઓ પોતાના સંતાનોને પણ તે તરફ ઢાળતા ગયા. ચંદુભાઈ મટાણીની ઓળખમાં સંગીતનાં તત્ત્વો એવાં ભળી ગયાં છે કે તમે તેમને તેનાથી અલગ ઓળખી ન શકો. હિન્દી ફિલ્મના અનેક ગાયક-ગાયિકાઓ કે સંગીતકારો યા ગુજરાતી સુગમ સંગીતકાર – ગાયકો બ્રિટન કાર્યક્રમ યોજવાના ન હોય તો ચંદુભાઈનો સંપર્ક પહેલો કરે. બ્રિટનમાં વસતા ગુજરાતીઓને ગાતા – સાંભળતા રાખવામાં તેમનો મોટો હાથ છે.
સૌજન્ય : લેખકની 'દેશી-પરદેશી ગુજરાતી' કટાર, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 June 2013