કોઈ વ્યક્તિને રોલમોડેલ બનાવી લેવાની બ્રહ્મચર્ય-વૃત્તિ એ ચિત્તનું દમન છે. વ્યક્તિ સાથે પરિસ્થિતિ અને સ્થાનનું સંયોજન વ્યક્તિએ-વ્યક્તિએ અલગ-અલગ પરિણામ લાવે છે. ગાંધીજી જેવું આચરણ કરવાથી ગાંધીજી નથી બનાતું, માત્ર નકલચી બનાય છે. જીવનચર્યા અને વિચારો એ આંતરિક સૂક્ષ્મ ગતિનાં માત્ર દ્રશ્યમાન પરિણામો છે. તેથી, બાહ્ય સ્વરૂપની ઉઠાંતરીમાં મૂળ સત્ત્વ હંમેશાં બાકાત રહી જતું હોય છે. મહાત્માઓની જીવનશૈલીની નકલખોરીથી જીવનને ઉન્નત બનાવવાનાં લોજિક બતાવતા દંભીઓથી ચેતવું રહ્યું. લોજિક એ આપણે બનાવેલાં ગણિતનાં આપણે જ બેસાડેલાં જવાબો જેવું પૂર્ણાનુમાન છે. જગત બે-ને-બે-ચાર-નાં હિસાબે ચાલતું નથી. સમય સાથે હિસાબો બદલાય છે અને વિચારોની ધારની તીવ્રતા બદલાય છે. બીજાનાં વિચારો સાથે સહમત થવું એ એક વાત છે, અને બીજાનાં વિચારોમાંથી સિદ્ધાંતો ઉપજાવી કાઢવાં, અને તેના નશામાં આજીવન ડૂબેલાં રહી, રેડીમેઇડ માસ્ક પહેરીને જીવનભર પેરોડીઓ કર્યા કરવી, એ ઘસાયા વગરની અક્કલની કેસેટ ચોટી જવા જેવી વાત છે.
અધ્યાત્મ-ખોજની પ્રબળ ઝંખનાને કારણે ગાંધીજી જીવનભર વિવિધ ધર્મોને સમજવાના યથાર્થ પ્રયત્નો કરતા રહ્યા અને તેમાંથી પોતાને ગમતી બાબતોને જીવનમાં વણી લેવાના પ્રયોગો કર્યા. આમ છતાં એમણે જે કર્યું એ એમની મતિ પ્રમાણે કર્યું. પોતે ઘણું વેઠીને પોતે નક્કી કરેલા રસ્તે ચાલતા રહ્યા. સત્યની શોધ, સત્યાગ્રહ અને અહિંસા એ એમની આંતરિક અધ્યાત્મિક તૃષ્ણાનાં પરિણામ સ્વરૂપે ખીલેલાં ફૂલ હતાં. તેથી તેમના ઉપરછલ્લા વિચારો ને ગ્રહણ કરી લેવાથી એક્ચ્યુલી કશું ગ્રહણ થતું નથી … ! પરંતુ આવી બાબતની ખાદીની કેદમાં આજીવન કારાવાસ ભોગવતાં ચંપક ટાઈપ ફન્ની ‘ગાંધીવાદીઓ’ને સમજ ન જ હોય એ સમજી શકાય .. !
ગાંધીજી હયાત હોય તો તેઓ ટેકનોલોજીનો કેટલાં પ્રમાણમાં ઉપયોગ કરે ? સ્માર્ટફોનનાં જમાનામાં પહેલાં તો આવો કોઇ પ્રશ્ન મનમાં ઉદ્દભવે એ જ અલ્પબુદ્ધિની નિશાની છે. પણ એકવીસમી સદીમાં પણ આ પ્રશ્ન અમુક ‘ગાંધીવાદીઓ’ને ગલોટિયા ખવરાવી દે છે … ! જો ગરીબ લોકો કમ્પ્યુટર ચલાવવા લાગે તો ગાંધીજીના વિચારોની કરુણ હત્યા થઈ જાય કેમ કે રેંટિયાથી જ જીવનને ઉમદા બનાવી શકાય, એ જાતની તેમની સમજ હોય છે. રેંટિયા-ગતિથી ચાલતી તેમની માઈક્રો-મતિ ભૌતિકવાદને લગતી કોઈ પણ બાબતથી કલ્પિત અસમંજસમાં ડૂબી જાય છે.
ગાંધીજી બિહારનાં ચંપારણમાં થોડો સમય રહેલાં, અને ત્યાંના લોકોની ગરીબી જોઈને વ્યાકુળ બનેલા. ત્યાની કોઈ સ્ત્રી પાસે એક જ સાડી હતી અને તેથી તેના માટે નહાવાનું મુશ્કેલ થઈ પડતું. રેંટિયાનાં આવિષ્કારનાં વિચારનું આ હતું ઉદ્દભવ બિંદુ. અને કારણ એ હતું કે ગરીબ લોકો જો વસ્ત્રો ખરીદી ન શકે તો એમણે એમની જરૂરિયાત પુરતા સ્વાવલંબી બની જવું જોઇએ. પણ અત્યારનાં સમયમાં રેંટિયો સંપૂર્ણ અસ્થાને છે, કારણ કે બજારમાં તૈયાર કપડાંના અનેક સોંઘા વિકલ્પો ઉપલબ્ધ થઈ ગયા છે. આ જ રીતે, ખાદી જ પહેરવી એ પ્રકારની જડસુ-વૃત્તિ પણ ‘ગાંધીવાદીઓ’ની નાદાનિયત બતાવે છે.
ભાવનગર ખાતે ધૂળ ખાતા ગાંધી-સ્મૃિત મ્યુિઝયમ અને બાર્ટન મ્યુિઝયમને ખંડેર હાલત ભોગવતા જોઇએ ત્યારે એમના ટ્રસ્ટીઓની ગતિ અને મતિ બંને અંગે શંકા જન્મી આવે છે. નાની-નાની વાતોમાં સિદ્ધાંતના હાકલા-પડકારા કરનારા ગાંધીવાદીઓ ખાદીનો ચૂસ્ત બંદોબસ્ત ઠોકવા સિવાયની બધી જ બાબતોમાં નીરસ જણાય છે. થોડા વખત પહેલા મારા પિતાશ્રીએ આ મ્યુિઝયમની મુલાકાત દરમ્યાન બીડીનાં અસંખ્ય ઠુંઠા મ્યુિઝયમની ફ્લોર પર પડેલા જોયા, અને સદ્દભાવનાથી તેને વીણી, બહાર ચોકીદારને શરમાવવા ખાતર જઈને પૂછ્યું કે આ બીડીનાં ઠુંઠા ક્યાં નાખવા ? (મીન્ઝ કે કચરા-પેટી ક્યાં છે ?) પરંતુ ‘ગાંધીવાદ’ના તાવમાં ખંડેર બનેલા તંત્રનાં સિપાહીભાઈએ શરમાવા ને બદલે ટટ્ટાર અને તીખી મુદ્રા ધારણ કરી કહ્યું કે ગમે ત્યાં બહાર નાખી દ્યો ને, સાહેબ … ! વ્યાકુળ મનને ઉધારી ઉપર આંચકી લીધેલાં અને કાટ ખાઈ ગયેલાં સિદ્ધાંતોનાં રેંટિયા ઉપર ગમે તેટલું ધમરોળી લ્યો, પણ યોગ્ય ઉકેલ તો આવા ઘનચક્કરો પાસે ક્યાંથી અપેક્ષિત હોય જ .. !
*તા.ક.
આ માત્ર ‘અમુક’ ગાંધીવાદી વર્ગની વાત છે. બાકી ગાંધીવાદના ઓજસ હેઠળ ઉછરેલી લોકભારતી (સણોસરા) જેવી સ્માર્ટ સંસ્થાઓ તેમની શિક્ષણ-પદ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે અચૂક આદર જન્માવે એવી છે. તેથી આ અંગે કોઈ ગેરસમજણને સ્થાન ન આપવું.
https://www.facebook.com/nihar.meghani?ref=ts&fref=ts