પાછા જતાં મોજાં સાથે ખેંચાઈ ગયેલી રેતીમાં ખૂંપી ગયેલા પગને બહાર ખેંચતા વિમર્શથી બોલી પડાયું, ‘આ કવિઓ લખી નથી ગયા કે આ મૃત્યુ એ અંતિમ પ્રેયસી છે ? કોઈ કહેશે કે આ જમાનો હવે કાયમ જીવતા રહેવાનો છે, તો આ કવિઓ ફેરવી તોળશે ને અનંત રતિની સોડમાં પેસી જશે, ને તો ય બધું એમ જ રહેવાનું, ગોળ, ગોળ, એ તો મને ય ખબર છે પણ હું શું કામ ?’
બાજુમાં સાંભળી રહેલા આકારે, વિમર્શને એક સાવ ત્રાંસુ પણ આરપાર ઉતરી જાય એવું સ્મિત, આપતા કંઈ જ કીધું નહીં.
(વાચક, આ આકાર, કોઈ ચોક્કસ જાતિ કે નામનો મોહતાજ નથી, આખી ય વાત દરમિયાન એ મૂક છે છતાં ય વાર્તાલાપ કરી રહ્યો છે.)
‘ના, ના, ના, હું શું કામ ? હું નહીં, મારે હજી ઘણું ય બાકી છે, મારે હજી આ આખી ય કાગળની દુનિયા ઊંધી કરી નાખવી બાકી છે, આ વાંચનારનાં દરેકે દરેક ચેતનના તંતુઓને તાણી તાણી એટલાં તીક્ષ્ણ કરી નાખવા છે કે ‘ક’ બોલતાં ય જીભ કપાઈ મરે, મારે હજી તો આ દરિયાનો ઉલ્લેખે ય નથી કર્યો ને આખો દરિયો ઉલેચવો બાકી છે, આ રાત હજી ય રાત છે ને ચંદ્ર હજી ય સીધો છે, એનાં ત્રાંસા થઈ ગયે જ તો નવું પ્રતિક મળશે અને સૂર્ય ઊગ્યે પણ ઊગશે નહીં, તું સમજ, મારે હજી આ હાથ લંબાવો બાકી છે, હજી આ હરફ ઉચરવો બાકી છે, ના હું નહીં આવું. એક કારણ આપ. આ બધું એક સંતોલન પર ચાલે છે, હું ય સાચવીને ઊભો છું, બોલ ક્યાં નમી ગયું, એક કારણ આપ.’
આકારે, કંઈ નહીં ને વિમર્શનાં ખિસ્સા પર હાથ મૂક્યો. વિમર્શે ખિસ્સામાંથી સાવ ડૂચો વળી ગયેલો કાગળ અને એક પેન, અણી પર પડી જવાને કારણે બગડી ગયેલી, હમણાં ન ચાલતી પેન કાઢી. વિમર્શ એકાએક હસી પડ્યો, ખડખડાટ.
‘આ ? આ ? આ નમતી બાજું છે ? આની ભરપાઈ કરવાની છે મારે ? આ શું ખોટું કર્યું છે મેં ? મેં તો એની આ અધૂરી વાર્તા પૂરી કરી છે. એ જ કહેતો હતો કે આ મડદું કોનું હશે ? તો મેં એને જ બનાવી દીધો, મૂકી દીધો બસમાં.’ હળવેથી, આકારની એકદમ નજીક જઈને, ‘સાંભળ્યું છે, ચિંતનનું મડદું હમણાં બેંગ્લોરની બસોમાં દેખાય છે.’ એકદમ, આનંદથી ઉછળી જતાં વિમર્શે આગળ કહ્યું, ’આને, આને કહેવાય વાર્તા, એ તો આ મડદાંને અમદાવાદની ય બહાર જવાની ના પાડતો હતો, આ જો મેં પહોંચાડી દીધું ને ક્યાંનું ક્યાં ? આમ, આમ મર્યાદા તોડાય, આમ વાર્તા લખાય, આમ કવિતા થાય, હવે જોજે એ બીજે ક્યાં ક્યાં પહોંચે છે !’, ‘આમાં મેં ગુનો શું કર્યો છે ? હેં, ઉપરથી આખી ય વાર્તા પૂરી કરી આપી, એકદમ ઓરિજિનલ વાર્તા.’ હાથમાં કાગળનો ડૂચો અને પેન બતાવીને, આંખો તો ભૂત દેખ્યા જેવી અને જીભ પણ થોથવાય ને હજી ય વિમર્શને તો સાવ ગૂઢ વાત કહેવાની બાકી છે એમ આખું ય હૃદય મૂકી દેતાં કહ્યું, ‘આ લખતાં લખતાં, પેન પડી જાય અને બગડી જાય એવાં કવિ શું લખવાનાં હતાં ?’ ને વળી પાછું સાવ અસ્થિર હસતાં હસતાં કહી આપ્યું, ‘તે મૂકી આપ્યો બસમાં, એનું ય ભલું ને એની વાર્તાનું ય ભલું.’
આકારનો હાથ હજીય વિમર્શનાં ખિસ્સા પર છે, સહેજ દબાવે છે, વિમર્શની જાંઘ. ને આખે આખું વિમર્શનુ હોવું કડડભૂસ, તૂટી પડે છે.
‘ને તું, તું ય ના સમજી શકે ? તારા માટે તો હું ઝગડી રહ્યો છું, આ મારી અભિજ્ઞા અને સંવેદન જોડે.’, આટલું બોલતા વિમર્શ સાવ રડી પડે છે. આકારનો હાથ લઈ દાબી, પોતાનાં ખોળામાં મૂકે છે. ‘બંને સાવ સાવ મીઢ્ઢા છે, એકબીજા જોડે વાંકુ પડે છે તો મને આવીને કહે છે, તો હું કાયમ લખીને ભૂંડો થાઉં ને એકબીજા સામે તો કેવો અભિનય ? જાણે અમારા ત્રણને કાંઈ થયું જ નથી.’
આંખો લૂછતો વિમર્શ સહેજ દૂર જતો રહે છે, દરિયા તરફ, આકાર ત્યાં જ છે, હવે તો એકદમ સ્થિર પલાંઠી વાળીને દ્રઢ બેઠો છે, આ જોઈ વિમર્શ એની તમામ તાકાત ભેગી કરી ને, એક એકદમ સબળ તર્ક કરવા ધારે છે, સામે આવી, આકારનાં ગોઠણ થી ગોઠણ ટકરાવી બેસી જાય છે.
જમણાં હાથની ચારેય આંગળીઓ યત્નથી કચકચાવીને, આકારની ડાબી જાંઘમાં ખોસી દેતા, ‘તને જ, આ તને જ તો મારે આઝાદ કરી દેવો છે, કેદમાંથી છોડી મૂકવો છે. આ અભિજ્ઞા અને સંવેદનાને સાવ તોડી તોડી ભેળવી દેવા છે એકબીજામાં, અને છેવટે તારામાં, તો કેવું સુંદર ત્રિક થશે? તું સમજ કે આ વાંચવાવાળા બધાંય હવે પ્રશ્નો પોછવા માંડશે કે આ અભિજ્ઞા/સંવેદન શું છે? તો શું સમજી શકશે કે આ પ્રશ્ન પૂછવાની તાકાત જ અભિજ્ઞા, અને આ ઉપર ઉપર ચિંતનનું નામ વાંચતા, અરે! કે વાહ! નીકળી ગયું હશે એ જ એમનું સંવેદન?’, અકળાઈને, ઉભા થઈ આકાર તરફ પીઠ કરી, ‘જ્યાં સુધી આ બધુંય વાજુ પર નંઈ મૂકાઈ જાય ત્યાં સુધી તું નંઈ દેખાય કોઈને, આ, આ, કોણ સમજી શકશે? મારે એજ તો કરવું છે, તારી કેદ તોડાવી છે મારે, હજી એ બાકી છે, આ તો મેં હજી કાંઈ જ લખ્યું નથી.’, કહેતાંક વિમર્શ ફસડાઈ પડે છે.
આકાર, ખડખડાટ હસવા માંડે છે, આ પહેલીવાર આકારનો અવાજ સંભળાય છે, આ સાંભળીને ગુસ્સે ભરાઈ, એમ જ ઘુંટણિયા ભરતો વિમર્શ આવી, આકારે ઓઢેલું કાળું કપડું પકડી ખેંચી, બતાવે છે, ‘એમ ? નથી તું કેદમાં ? તો આ શું છે ? આ શું છે ? આ કાળા સમયે તને બાંધી રાખ્યો છે, એ શું છે ?’
આ સાંભળતાં જ આકાર ઊભો થઈ જાય છે, અને ઓઢેલું એકમાત્ર કાળું કપડું કાઢે છે જે ચારે બાજુથી ફૂંકાઈ રહેલા પવનમાં, પવન થઈ ઊડી જાય છે. વિમર્શ પાસે હવે કાંઈ કહેવા જેવું નથી, જોઈ રહ્યો છે, વિસ્ફારિત નજરે.
આકાર, ચાલવા માંડે છે, કિનારાની ધારે ધારે, દરિયાની વધુ ને વધુ નજીક જતી શિલાઓ પાસે.
ને અચાનક શું મગજમાં આવે છે ને વિમર્શ એની પાછળ દોડી ને આકારને પકડીને જમીનદોસ્ત કરી નાખે છે, છાતી પર ચડી જાય છે ને આંખમાં આંખ નાખી ને કહે છે,
‘હા, તો ? તો શું ? તું કહી દે ને હું માની લઉં ? હું આ લખી દઉં ને માની જશે બધા ? અનુભવ ક્યાં છે ?’
હજી આટલું કહ્યું નથી વિમર્શે કે તરત જ આકારે વિમર્શની બધી ઇંિદૃયો એકસાથે ખેંચી રાખીને ફૂંક મારી. યાદ છે, વિમર્શની કવિતા ? એક તરફ, એક કૂતરો અને કૂતરી હતાં, અને એક તરફ એક બહેન વાસણ ઘસતાં હતાં ? એ કૂતરો હવે રાજા છે, અને કૂતરી તો હજી ય કૂતરી છે. એ બહેને વિમર્શ સામે એક મણિ ધરી આપતાં કહ્યું, ‘ઘસરકો પાડ ! આ મણિ ઉપર.’ ને આખુંય દ્રશ્ય કીડીઓથી ઉભરાઈ ગયું, ને છેવટે, અટ્ટાહાસ્ય કરી રહેલાં ચિંતનનાં લોહિયાળ મોંઢામાં વિલોપાઈ જાય છે.
આ જોતાં જ વિમર્શ, ગભરાઈને બાજુમાં બેસી જાય છે, હાથમાં જુએ તો પેન છે, બગડી ગયેલી, લખી શકાતું નથી, પણ ઘસરકો તો ચોક્કસ પાડી જ શકે છે. આ સમજાતાં જ વિમર્શ જાણે ગાંડો ગાંડો થઈ જાય છે.
‘આટઆટલો સમય આ મારી પાસે જ હતી, આ મને મળેલું જ હતું, બસ ભૂલી ગયેલો, હવે જવું જ પડશે, તું સમજ, આકાર, હવે તો મને જવા દે, મારે હવે આ તો લખી નાખવું પડશે, આ ઘસરકો પણ કરી જ નાખવો પડશે.’
આકારને હવે કશું જ કહેવાનું બાકી નથી, એ એકદમ પારદર્શક છે, એની આંખોમાં જોતાં જ દેખાઈ જાય છે એની આત્મા, એકદમ જ્યોતિ જેવી, પણ સાવ સ્થિર, સાવ સફેદ. સામે આ ચંદ્ર સાવ ઢીલો પડી ગયો છે. દરિયાને બાંધી દેતી ક્ષિતિજો સાવ દેખાઈ જવામાં છે. પણ વિમર્શને આ બધું ય હજીય લખી લેવું છે, સંગ્રહી લેવું છે અને મૂકી દેવું છે, આ દુનિયાનાં માથે, અને એકાએક ખૂબ મોટી ભરતી આવે છે વિમર્શની દાઢીએ છાલક મારી, ચત્તોપાટ કરી દે છે.
ને આ બધું ય હવે સાવ ચોખ્ખું છે. જે ત્રિપુટીની એ વાત કરે છે, એવી કેટકેટલાં ય લોકો એ કેટલા ય યુગમાં બનાવી આપી. વિમર્શને લાગતું હતું કે આ કેટલાં બધાં લેખકો કવિઓ એ જીવ્યાની વાત કરી, મર્યાની વાત કરી, કદી ન મરવાની ય વાત કરી પણ આપણે તો આ બધાં ય જ્યાં પતી જાય ત્યાંથી જ શરૂ કરવું પડે, પણ શરૂ કરવા પહેલાં પૂરાં થવું જરૂરી છે. એ હમણાં સમજી શક્યો, આ કશું ય એકધારું અનંત નથી, સિવાય કે સમય. આપણે જેટલો માપી શકીએ છીયે અને જોઈ શકીએ છીએ એને જ બધું ધારી લઈએ છીએ, પણ બ્રહ્માંડ પણ કેટલી ય વાર મરી ચૂકયું અને જન્મી ચૂક્યું.
કળ વળતાં જ વિમર્શ ઊઠે છે, બાજુમાં આકાર નથી. જુવે છે તો આકાર જઈ રહ્યો છે, દરિયા તરફ, રોકાયા કે રોકાવાનાં આશય વગર. વિમર્શે હવે એને પકડી પાડવો પડશે તો જ એ ફરી ફરી લખી શકશે, ફરી ફરી એનાં કવિ મિત્રને બસમાં મૂકી આવી શકશે. એક તરફ ત્રાંસો વળી ગયેલો ચંદ્ર અસ્ત થાય છે તો બીજી તરફ સૂર્ય ઊગી રહ્યો છે, એક વિમર્શ તો જઈ રહ્યો છે એનાં આકાર સાથે એકરૂપ થવા, બીજો વિમર્શ આ વાંચી રહ્યો છે. અને આપણે, આપણે આ અંતરાલમાં છીએ, આ અંતરાલમાં જ આપણે જોઈ શકીએ છે કે શું થઈ ચૂક્યું છે, અને સૂઝથી માંગી શકીએ છે કે હવે બાકીનો અડધો ભાગ કેવો જોઈએ છે આપણને. અને જ્યાં સુધી વિમર્શનાં મિત્રની વાત છે તો એને હજી કેટલી ય નજરો પરખવાની બાકી છે એ પૂરી થયે વિમર્શ જ એને લેવા આવશે, અને વિમર્શની વાત કરીએ તો થોડી વારે, કશું જ નથી એની ચારે બાજું, ઉપર નીચે, છે તો દરિયો. વિશાળ, દરિયો.
https://www.facebook.com/cdshelat/posts/615286425148983