વાર્તાના ચાર તબક્કા; આરંભ, ઉપાડ, ઉઘાડ અને વિરામ. આ અન્વયે વાર્તાકાર કિશોરભાઈ રાવળની મારે કેટલીક વાતો કરવી છે. ૧૯૯૮ અને ’૯૯, બે વર્ષ દરમ્યાન ‘સાઠ દિન’ સભાનું સંચાલન આદિલભાઈને હસ્તક રહ્યું. કાવ્યપઠનના આ દોરમાં હું જતો. ત્યારે કિશોરભાઈ, કોકિલાબહેન અને કાન્તિભાઈ મેપાણી છેક કનેક્ટિકટથી આવતાં. શાંત ચિત્તે કિશોરભાઈ કાવ્યોને માણતા. તેઓ સાથે લેપટોપ લાવતા, અને કમ્પ્યૂટર પર ગુજરાતી લેખનની રીતરસમ બતાવતા. મારે ઘેર તેઓ આવેલા, અને કમ્પ્યૂટરમાં તેઓએ મને આ જોગવાઈ કરી આપેલી. સહી અર્થમાં તેઓ મને ત્યારે અધ્યાપક શા લાગેલા. ગુજરાતી ભાષા, સહી બોલવી અને લખવી, તે બાબતે સજાગ અને જાગરૂક, આનું એમને જબરું તાન પણ ખરું.
એકેડેમીએ રંગલાજી – જયંતી પટેલ માટે એક કાર્યક્રમ યોજેલો. લૉબીમાં કિશોરભાઈએ મને એક કાપલી આપેલી જેના પર “કેસૂડાં”નું ચિત્ર હતું અને એમની વેબની નોંધ હતી : Kesuda.com, તે એમનું વેબ માસિક. લેખક અને સંપાદક. મને એક નવા કિશોરભાઈનો પરિચય સાંપડ્યો. વાર્તા, સાંપ્રત, અને અવનવું, તે કમાલનું લખતા. પરંપરા વચ્ચે એક એવો નવો વિચાર તરતો મૂકે જે આપણને વિચારવંતા કરી દે. એમની ભાવનગરી બોલી અને લેખન શબ્દશૈલી મને અત્યંત ગમતી. હળવું અને ગંભીર, બન્ને તેઓ આસાનીથી લખી શકતા. વિદેશી લેખકોનું તેમનું વાંચન ઘણું હતું. એમની કલાસૂઝ પણ ગજબની, વૉટર કલર કે તૈલચિત્ર, ફોટો તસ્વીરો કે કમ્પ્યૂર ગ્રાફિક, સઘળું મને ધ્યાનાકર્ષક લાગેલું. આયર્લેન્ડના ‘લિમરિક’ કાવ્યોની જાણ મને તેમના થકી થયેલી. આપણા કેટલાક સર્જકો માટે તેમણે આવાં કાવ્યો પણ બનાવેલાં. સવિશેષ તો એમની કોઠાસૂઝનો લાભ આપણે સહુ પામ્યા પણ છીએ; આમાં હું, અન્ય, “ગુર્જરી” અને એકેડમી આવી જ જાય.
અતાંતરે તેઓ ફોન કરે, જે કંઈ કરતા હોઇએ તેમાં રસ બતાવે, અને ઉચિત સૂચનો પણ કરે. વિદેશના પ્રવાસોને કારણે એકેડેમીના છેલ્લા બે સંમેલનોમાં હું હાજર રહી શક્યો ન હતો. કિશોરભાઈએ મને ત્યાં જોયો નહીં, બન્ને વખતે ચિંતા જતાવતા તેમના મારા ઊપર ફોન આવ્યા હતા. “ગુર્જરી”ના રજત-જયંતી અંક માટે લેખ મોકલવા બાબતે તેમણે મને ટપારેલો પણ ખરો.
મિત્રો માટે દિલી મિત્ર, તે કિશોર રાવળ.
ભાષા માટે ભાવુક ભયા, તે કિશોર રાવળ.
સાદ્યંત સાહિત્યોપાસક, તે કિશોર રાવળ.
કળાકૌશલ્ય કલાનિધિ, તે કિશોર રાવળ.
અને, સવિશેષ તો, સંવેદનશીલ ભલો માનૂસ, તે કિશોર રાવળ.
નારાયણ દેસાઈની કથા વખતે તેમણે મને એવું જણાવેલું કે રાત્રે ગાડી ચલાવવી હવે એક સમસ્યા બની છે.
અને હવે .. શું વિરામ ? કે પછી અંત ?
ના,
નહીં કોઈ વિરામ, કારણ કે તે રામ સાથે છે;
અને નહીં કોઈ અંત, કારણ કે અનંતનો કોઈ છેડો નથી.
કલાકાર, વાર્તાકાર, સાહિત્યકાર,
કિશોર રાવળનું કામકાજ સદા સજીવ જ રહેવાનું.
માટે, તેમને માટેની મારી વાર્તા અત્રે પૂરી થતી નથી. તેઓશ્રી મારા ‘BUTમોગરો’નું એક અવિભાજ્ય અંગ બન્યા છે. મોગરા જેવા તે, એમની કાર્યસુવાસ સદા ફોરતી જ રહેવાની ને ?
તેમને મારા શતમ્ વંદન.
(ટીવી એશિયા : જૂન ૧, ૨૦૧૩)
e.mail : pcpatelxshashi@aol.com