1.
હામના હથિયાર બસ રાખો તમે
આયખું ખુદ્દાર બસ રાખો તમે
આતરફ શ્વસો ભલે મજબૂરીવશ
જીવ સામે પાર બસ રાખો તમે
માર્ગમાં થઈ જાય ક્યારે શું ખબર
સાથમાં આધાર બસ રાખો તમે
દર્દ વકરાવે નહીં એવો કોઈ
હાથવા ઉપચાર બસ રાખો તમે
ધ્યાન રાખો મન મહીં ઘૂસે નહીં
હોઠ પર હુંકાર બસ રાખો તમે
હાશનું પર્યાય જીવતર થઈ જશે
ઉજળો અવતાર બસ રાખો તમે
સુખના સાગરમાં હો સાહિલ મ્હાલવું
મન પરે ના ભાર બસ રાખો તમે
•
2.
ખ્વાહિશોને જે કરે છે ખાતમા
એ જ માણસ થઈ શકે છે મા’તમા
બ્રહ્મ ને પણ માફ કરતો માનવી
બસ કરી શકતો નથી ખુદને ક્ષમા
સંકટો ખુદ ચીલા ચાતરતા જશે
જોઈએ જક્કાસ જીવવાની તમા
મનને પૂછ્યું તો મળ્યો ઉત્તર મને
આત્મા તું – તું જ છો પરમાત્મા
જ્યારે પણ મેં જોઈ છે ખાતાવહી
જખ્મ નકરા જખ્મ નકરા છે જમા
હું ય ખુદ ભૂલી ગયો વર્ષો થયે
સાચવ્યા છે કેમ મનમાં અણગમા
રાત આખી જંપવા દેતી નથી
યાદને સાહિલ થયો શું અસ્થમા
••
3.
લોક સાચી વાતમાં હોંકારો પણ ના દઈ શકે
ને કોઈ દુખિયારાને સધિયારો પણ ના દઈ શકે
જે કલમના માત્ર એકાદા શબદથી સાંપડે
એ પરિણામો કદી તલવારો પણ ના દઈ શકે
લાગણીના સ્પર્શે જે ટાઢક વળે છે જીવને
એટલી ટાઢક કદી અવતારો પણ ના દંઈ શકે
જે હરખ બાળકની કાલી બોલી સાંભળતાં મળે
એ હરખ તો ઈશ્વરી ઉપહારો પણ ના દઈ શકે
હે જીવનદાતા તને એવી તે શી લાચારી છે
જીવવાના મન મુજબ અધિકારો પણ ના દઈ શકે
લાગણીના કિટ્ટા સુલટાવી શકે બસ લાગણી
કારણો બુદ્ધિના ઠેકેદારો પણ ના દઈ શકે
તે જ સ્વેચ્છાએ દીધી છે જિંદગી જીવવા પ્રભુ
જીવવાનો કાં પછી ભણકારો પણ ના દઈ શકે
મોત અણગમતો અતિથિ છે છતાં સાહિલ કોઈ
આવકારી ના શકે જાકારો પણ ના દઈ શકે
••••
4.
શું ખોઈ બેઠા એ વિષે તો નાણતું નથી
ને જે મળ્યુ છે એને કોઈ માણતું નથી
ખુદ તોડે તાર – તોડ્યા પછી રંજમાં ડૂબે
હદમાં રહીને તાર કોઈ તાણતું નથી
પાંચેય તત્ત્વ સાથે ઘરોબો થયો તો શું
ખુદની નજીક ખુદને કોઈ આણતું નથી
છોરું કછોરું થાય તો એ વાતની વ્યથા
ઈશ્વર સિવાય કોઈ વધુ જાણતું નથી
જન્મારો પૂરો પાણીમાં વીતાવવો છતાં
પાણીનું પાણી કેમ કોઈ ઠાણતું નથી
વડવા કહી ગયાં છે કહી અનુસર્યા કરે
રૂઢિ રિવાજને કોઈ પરમાણતું નથી
આલોચના કર્યા કરે હક માની અન્યની
સાહિલ સ્વયંને કોઈ કદી છાણતું નથી
21/12/2023
નીસા, ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨