હુર્રિયતથી માંડી ભા.જ.પ. સાથે સમજૂતી કરવા લગીના રાજકીય ફલક પર સફર કરનાર પીપલ્સ કોન્ફરન્સ અને એના સ્થાપક અબ્દુલ ગની લોનનું સ્મરણ આ તબક્કે થઈ આવે છે. કોન્ફરન્સના વિઝન ડોક્યુમેન્ટમાં એમણે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશનનું સૂચન કર્યું હતું
સર્વોચ્ચ અદાલતે બંધારણની 370મી કલમ બાબતે આપેલ ચુકાદા પર માનો કે સમરકંદ-બુખારા નયે ઓવારી જઈએ, પણ એના પરિશિષ્ટ રૂપે ન્યાયમૂર્તિ સંજય કિશન કોલે ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશનનું જે સૂચન રમતું મૂક્યું છે એનાં દુખણાં જેટલાં લઈએ એટલાં ઓછાં. બેઉ બાજુની જાથુકી દલીલો વચ્ચે કેમ જાણે ટગલી ડાળી શી આ પહેલ એક તાજી લેરખી લઈને આવે છે.
આ લખનારની જેમ ઘણાનું ધ્યાન, સત્યખોજ અને સમાધાનલક્ષી પંચની પરિકલ્પના (બલકે અભિગમ) ભણી ઊહાપોહભેર કદાચ 1995માં જ ખેંચાયું હશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની નેલ્સન મંડેલા સરકારે બિશપ ડેસમન્ડ ટુટુના અધ્યક્ષપદે આ પ્રકારના કમિશનની રચના કરી હતી. જો કે, આ અભિગમનો સિલસિલો કંઈ નહીં તોયે એનાં દસ-પંદર વર્ષ લગી પાછળ જઈ શકે છે.
દક્ષિણ આફ્રિકામાં શાસન હસ્તકની રંગદ્વેષી રાજનીતિનો ઇતિહાસ સહેજે ત્રણેક સૈકાનો હશે. ગોરી લઘુમતીએ અશ્વેત બહુમતી, મૂળનિવાસી લોક પરત્વે અમાનુષી ભેદભાવને ધોરણે ઘોર સાંસ્થાનિક શોષણના રાહે જે રાજવટ ધરાર ચલાવી હતી એનો હિંદછેડે આપણને કંઈક તો ખયાલ હોય જ, કેમ કે આપણી સ્વરાજ લડતનાં ગાંધીમૂળિયાં એની સાથે સંકળાયેલાં છે.
સત્તાવીસ વરસના જેલવાસ પછી બહાર આવેલા ઝુઝારુ અશ્વેત નેતા મંડેલા અને ગોરા પ્રમુખ ક્લાર્કની જુગલબંદી, ક્યા કહના. ક્લાર્કે 1990માં મુક્તિ ચળવળને આંતરતા પ્રતિબંધો ઉઠાવી લીધા અને મોકળાશની નવી પ્રક્રિયા શરૂ થઈ. 1994માં શ્વેત-અશ્વેત સૌની સમાન ને સહિયારી હિસ્સેદારી સાથે મુક્ત ચૂંટણી થઈ અને નવા તંત્રે અખત્યાર સંભાળ્યો.
ખાસા ત્રણ સૈકાની જુલમશાહીના કરવૈયાઓ સામે – એના હિંસક પ્રતિકાર દરમ્યાન જેમને વેઠવું પડ્યું હોય એવા કિસ્સાઓમાં પણ – કેવી રીતે કામ લેવું એ માટે પ્રમુખ મંડેલાએ પ્રજાસૂય પરામર્શનો રવૈયો અપનાવ્યો. વ્યાપક નાગરિક સમાજને ધોરણે કાર્યરત પચાસેક બિનસરકારી સંગઠનોથી માંડીને ચર્ચ સહિતની સંસ્થાઓ અને બૌદ્ધિકો, સર્જકો વગેરેને સન્માનભેર સંયોજીને સંવાદનો દોર ચલાવ્યો અને એમાંથી નીપજી આવેલી ફોર્મ્યુલાને કાનૂની રૂપ આપી કામ ગોઠવ્યું : ટ્રુથ એન્ડ રિકન્સિલિયએશન કમિશનની નિશ્રામાં સત્યખોજ, એકરાર, તપાસ એમ જે કારવાઈ ચાલી એમાં કથિત ગુનાઈત તત્ત્વોને હળવા થવાનો તો ભોગ બનેલાઓને મુક્ત રજૂઆતનો અવસર મળ્યો. જે થયું’તું તે નથી થયું એવી ભૂમિકાનો છેદ ઉરાડવા સાથે ભેદભાવને ભોગવનારા અને ભોગ બનેલાઓ વચ્ચે કંઈક સુવાણ શક્ય બન્યું. સ્વીકાર-સમાદરની, કંઈક બેળે-કંઈક ઐળ, આ લગીર નરવી હવામાં વિવિધતાએ સોહતા ‘મેઘધનુષી રાષ્ટ્ર’ની છવિ નીખરી આવી.
લેટિન અમેરિકાની લશ્કરશાહી હકૂમતો અંગે પણ હમણેના દસકાઓમાં ખાસ કરીને ‘અદૃશ્ય થઈ ગયેલા લોકો’ અંગે જાહેર સુનાવણી – જેમાં બચી ગયેલા પોતાની વાત કરે, જુલમગારોને રૂ-બ-રૂ સુણાવે, ગુનાઈત કૃત્ય સબબ ક્ષમાયાચનાનો માહોલ બને અને સરવાળે રુઝાતા ઘાવનો શાતાકારી સંસ્પર્શ થાય એ કોશિશ રહી છે. દક્ષિણ આફ્રિકામાં ટુટુ પંચ સમક્ષ ખાસાં બાવીસ હજાર નિવેદનો-જુબાનીઓ નોંધાયાનું જાણ્યું છે.
જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરનો સવાલ છે (યાદ રહે, ન્યાયમૂર્તિ કોલ ખુદ કશ્મીરી પંડિત છે), પંડિતોની કારુણિકા ને કમનસીબી બેપાંચ છેડેથી સમજાય છે. સીમાપારના તત્ત્વોનો આતંકી રંજાડ તરત ધ્યાન ખેંચે છે અને એમાં સ્થાનિકો તરફથી કંઈક ભયવશ, કંઈક અન્યથા આંખ આડા કાન તેમ કંઈક મેળાપીપણું પણ વરતાઈ રહે છે. 1990 આસપાસનાં વરસો આપણે ત્યાં અયોધ્યા આંદોલને મુસ્લિમ નાગરિકોમાં જગવેલ બિનસલામતી તો જમ્મુમાં પંડિતોની હિજરત એ બે કેમ જાણે વિલક્ષણ રીતે પરસ્પર પૂરક ઘટનાક્રમ શા અનુભવાતા હતા : જમ્મુ-કાશ્મીરના મુસ્લિમ રાજકારણીઓ આ સંજોગોમાં ‘બહારનાં તત્ત્વો’ની ટીકા સહિત એક સંમિશ્ર ધોરણે પેશ આવતા હતા. ખાસ તો, રામચંદ્ર ગુહાનું અવલોકન છે કે પાકિસ્તાન-પ્રેરિત કે ત્યારના રાજ્યપાલ જગમોહન-પ્રેરિત, બેઉ છેડાના એકતરફી વૃત્તાંતો મારફત પંડિતોની પરિસ્થિતિનું વાસ્તવચિત્ર ધોરણસર બહાર આવ્યું નહીં. સોનિયા જબારની નગદ તથ્યમંડિત માંડણી, અન્ય પંડિત સંભારણાં, વગેરે પૂરતા પ્રમાણમાં વંચાતાં ને ચર્ચાતાં હોત તો કદાચ ચિત્ર જુદું હોત. કરપીણ કમનસીબી તો કદાચ એ પણ છે કે ભાગલપુર, મુંબઈ, અમદાવાદ જેવા ઘટનાક્રમોમાં વાજબીપણાના વ્યાયામમાં એક ઓજાર રૂપે પંડિતોનો ઉપયોગ થતો રહ્યો. એમની કારુણિકાના ઉપચારને નહીં પણ એના ઓજાર ઉપયોગને અગ્રતા મળી.
ન્યાયમૂર્તિ કોલના સૂચન સાથે જોડવી જોઈતી રૂપેરી કોર શી એક વિગત એ છે કે ઉમર અબ્દુલ્લા જેવા કાશ્મીરી આગેવાનો છેલ્લાં વર્ષોમાં ટ્રુથ એન્ડ રિકન્સિલિયેશન કમિશન પ્રકારનું સૂચન ચર્ચાઓમાં કરતા રહ્યા છે. એમ તો આ ક્ષણે હુર્રિયતથી માંડી ભા.જ.પ. સાથે સમજૂતી કરવા લગીના રાજકીય ફલક પર વિહરનાર પીપલ્સ કોન્ફરન્સ અને એના સ્થાપક અબ્દુલ ગની લોનનુંયે સ્મરણ થઈ આવે છે. કોન્ફરન્સના વિઝન ડોક્યુમેન્ટમાં લોને આગળ કરેલ એક ખયાલ આવા કમિશનની જરૂરતનો છે.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 27 ડિસેમ્બર 2023