સામાન્ય સંજોગોમાં દરરોજ વિદ્યાર્થીઓ ક્યાં ય ને ક્યાં યથી કૉલેજ આવે … વાગડ વિસ્તારની દૃષ્ટિમાં એટલો મોટો તાલુકો કે તાલુકા મથકે કોલેજ હોવા છતાં અંતર ઓછું તો ગણાવી જ ન શકાય … માણાબા, લોદ્રાણી તો સાવ છેવાડાના ગામ ને ત્યાંથી વિદ્યાર્થીઓ નિયમિત આવે. જુદી જુદી અંતરિયાળ વાંઢમાંથી આવતા વિદ્યાર્થીઓને તો સવારે બસ પકડવા ચાર-પાંચ કિલોમીટર ચાલવું પડે ….
મને કાયમ એમ થયા કરે કે વિદ્યાર્થીઓના ઘરે એટલે પણ જવું જોઈએ કે એ કેવા સંજોગોમાં રહે છે એની ખબર પડે ને કેમ અહીં પહોંચે છે, એનો પ્રત્યક્ષ અનુભવ થાય. ગત વર્ષે કોરોનાએ ઘણાં મનોરથો પર પાણી ફેરવી દીધું, એમાનું એક એ પણ હતું કે વિનોબા ૧૨૫ નિમિત્તે વિદ્યાર્થીઓની મંડળી લઈ ગામડે ગામડે પદયાત્રા કરવી .. ગામમાં જોવાલાયક સ્થળો જોવાં ને મળવા જેવાં લોકોને મળવું. રાત્રિ સભાઓમાં નાટક આદિ મનોરંજક કાર્યક્રમો કરી શિક્ષણનો પ્રસાર કરવો … જે મળે તે ખાવું, જ્યાં રહેવા મળે ત્યાં રહેવું … ને ભ્રમણનો આનંદ લેવો …
કોરોનાને કારણે એ શક્ય ન બની શક્યું .. પણ હજુ કંઈ મોડું નથી થયું … આ સમય જતો રહેશે ને પાછા સપનાં પૂરાં કરવાનો સમય આવશે …
એ સમયની રાહ જોતાં જોતાં એમ થયું કે એકાદ ગામમાં તો જઈ આવીએ .. ને આજથી પંદર દિવસ પહેલાં આપણી મંડળી ઉપડી વિરાટનગરી કહેવાતાં ગેડી ગામે …
શૈલેષભાઈ, વિજયભાઈ ને અમારું વિદ્યાર્થી મંડળ સવારની ખુશનુમા ઠંડીને માણતા માણતા પહોંચ્યા ગેડી ગામે …
અમારા ભાવભીનાં સ્વાગત માટે વિદ્યાર્થી મિત્ર અબ્દુલ, મૂળજી વગેરે હૈયે હરખનાં ફૂલ લઈ ઊભાં હતાં .. જતાં વેંત અબ્દુલના ઘરે ધામા નાખ્યા .. કતારબંધ મૂકેલાં ખાટલા પર ભરત ભરેલી ગોદડીઓ પાથરેલી હતી જાણે એમણે હૈયું પાથરી મૂક્યું હતું … ભરતમાં ભરેલી ભાવના અમને પણ ભીની કરી રહી હતી. આવા વાતાવરણમાં ચાના લસરકા સાથે શરૂ થયા ગામ-ગપાટા ..
પછી અમારું મંડળ નીકળ્યું ગ્રામ દર્શન માટે … પાંડવોના ચાહક તરીકે વિરાટનગરીનું એમ પણ આકર્ષણ હતું. ગામના ચોકમાં આવેલા પાળિયા જોતાં અમને ગ્રામજનો કુતૂહલથી જોઈ રહ્યાં હતાં .. એકાદ દાદા તો પોતાનો ઉત્સાહ રોકી ન શક્યા ને સમજાવવા પણ દોડી આવ્યા .. માતાજીની ડેરી, શંકર ભગવાનનું મંદિર, તળાવ, કેટકેટલાં પાળિયા, બીજી નાની-મોટી કેટલી ય જગ્યાઓ જોઈ .. અબ્દુલ અને મૂળજી અમારા ગાઈડ .. એક એક જગ્યા ગાઈડની જેમ દેખાડતાં જાય ને એની વિગતો આપતાં જાય … અમારા માટે આગલે દિવસે બધું જોઈ-સમજી આવેલા …
જ્યાં જુઓ ત્યાં ઇતિહાસ પથ્થરોમાંથી ડોકિયું કરી રહ્યો હતો. કોઈ સંશોધકની રાહ જોતું આ ગામ ઊભું છે .. હું તો શિક્ષક રૂએ વિદ્યાર્થીઓને પાણી ચડાવતો હતો કે તમે આ વણસ્પર્શયા વિષયો પર કામ કરો … એમ … તો ભલે, સાહેબ .. કરી તેઓ પણ મારા સૂરમાં સૂર પુરાવતા હતા …
મંદિરમાંથી બાજુના ઘરમાં ડોકિયું કરી રામ રામ કરીએ ને ત્યાં બેઠેલાં વૃદ્ધ માતાઓ તરફથી ચાનું આમંત્રણ મળે … એમને મળીએ ને કોઈ પણ જાતના પરિચય વગર હેતની પરસ્પર લ્હાણી કરી લઈએ .. આ જ તો આપણું ગામડું ને એની સંસ્કૃતિ …
એક નાનકડા ગોખલામાં અમારો ફોટો સેશન ચાલે ને આજુબાજુના મરકતા ચહેરે અમને જોઈ રહે … ગાંડા દેખાવાની પણ મજા હોય છે..
અબ્દુલ કહે, સાહેબ, અમારી નિશાળ જોવા હાલશોને ? ને અમારું મંડળ નાચતું – ગાતું તળાવ, પાળિયા ને નાના-મોટાં મંદિર જોતાં જોતાં નિશાળે પહોંચે. પોતાના શાળા જીવનના ખાટા-મીઠાં સંભારણાંને વાગોળતાં મિત્રોને હું જોઈ રહું … આજનો દિવસ એમને જ સાંભળવાનો ..
પીરની દરગાહ જવા નીકળીએ ને જુદાં જુદાં પાળિયાઓની કતાર જોવા મળે .. વાંચતા કંઈ ન આવડે ને તોયે જાણે કેટલા ય મોટા વિદ્વાન હોઈએ એમ વાંચવા પ્રયત્ન કરીએ … ભીમ જે કાંકરાથી રમતા એ જોઈએ ને એમ થાય કે એ દૃશ્ય ફરી ભજવાય તો કેવું સારું !!!
પીરની દરગાહ પર સાથે મળી સૌ સલામ ભરે ને મિત્ર હુશેન ફાત્યા પઢે ત્યારે બધા ભેદ ભૂંસાઈ જાય .. એનો એક શિક્ષક તરીકે રાજીપો થાય ..
હલો સાહેબ, માની તૈયાર આય … વિદ્યાર્થી મિત્ર અબ્દુલ ફુલાતે ચહેરે બોલે ને પાછા એમના ઘરે અમારી જમાત પહોંચે જમવા .. બધા મળીને પંદરેક જણા .. શિયાળાના દિવસ .. ને ખાનારા વાગડિયા … પણ સામે ખવડાવનાર પણ વાગડના ખમીરવંતા માણસો .. મેં ભારપૂર્વક કહેલું કે માત્ર શાક ને રોટલાં જ બનાવજો … પણ અહીં તો પહેલાં જ પીરસાયા લાડવાં … સ્વાદિષ્ટ દાળભાત, વાગડના રોટલાં ને આંગળી ચાટી જઈએ એવું શાક .. છાશના છલકતા ગ્લાસ …. અમે ધરાઈને ખાધું … અબ્દુલના બાપુજી સહિત પ્રેમથી પીરસતા રહ્યા. આગ્રહ કરી કરીને સૌને જમાડ્યા … અબ્દુલને માંડ ભેગા બેસાડ્યા જમવા .. એ તો બે જ રોટલી ખાઈ અમારી સરભરામાં જ ઓતપ્રોત … મેં કહ્યું સરખું જમો તો ખરા … સાહેબ, તમે બધા આવ્યા એમાં જ મારું પેટ ભરાઈ ગયું છે !!! અમે ભોજનની સાથે અબ્દુલનો પ્રેમપ્રસાદ પણ લીધો ..
વળી અમારી મંડળી ઉપડી ફરવા … હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરી જાતજાતના ફોટા પડાવ્યા … અબ્દુલના નાના નાના ભત્રીજાને એમના ભાઈબંધ મને મુકતા જ નહોતા … એકાદ બચુ તો કહે કે હું તો અત્યારે જ કોલેજ ભણવા આવીશ … મને તો એ બધાંમાં મારા ભાવિ વિદ્યાર્થીઓ જ દેખાતાં હતાં ને હું જાડુળો વધુ ફુલાઈ રહ્યો હતો ..
ખેતરોને ખૂંદતાં અમે બાઈસર તળાવ પાસે પહોંચ્યા … કુદરતનું સૌંદર્ય ને એની વચ્ચે શોભતા અમારા યુવાન ચહેરા .. એમ થાય કે આમને જોઉં કે આ કુદરતને !!
તળાવે તો ફોટો ફંક્શન હોય જ ..
મૂળજી કહે, સાહેબ, અમારે ખેતરે હાલશો ને ? … મેં કહ્યું તમારા માટે જ તો આવ્યા છીએ .. તળાવના મીઠાં પાણી પીને અમે એથી મીઠાં મૂળજીના પરિવારને મળવા એમનાં ખેતરે ગયા. એ ખેતરમાં જ વચ્ચે બનાવેલો નાનકડો ઊતારો .. ચોખ્ખુ ચણક આંગણું ને એવાં જ ચોખ્ખાં એમાં રહેનારનાં મન .. કપડાં ભલે મેલાં હોય .. શ્રમિકની તો એ જ નિશાની …
હરખથી છલકાતી આંખે મૂળજીના બાપુજીએ અમારું સ્વાગત કર્યું .. વળી ખાટલે અમારી જમાત બેઠી ને મીઠી મીઠી વાતો ચાલુ .. હું હળવેકથી એ નાનકડાં ભૂંગાના આકાશ ઢાંકયા રસોડે ચા બનાવતાં મૂળજીના બાને મળવા સરકી ગયો .. અમારા મૂળજીના સાહેબ ને એનાં ભાઈબંધ આવ્યા છે એનો રાજીપો એમનાં ચહેરે છલકાતો હતો. મૂળજીના બાપુજી કહે કે સાહેબ, તમે અમારા છોકરાને માણસ કર્યા …. મને થયું એમનાં બધાં થકી તો હું જીવું છું .. એમનાં વગર અમારું મૂલ્ય શું ?
દસેક વખત આવજો આવજો કરી ત્યાંથી અમે સરકતા આગળ વધ્યા.
આગળનું મુકામ કાગ રામનું ખેતર .. વર્ગમાં પહેલો નમ્બર આવતા કાગ રામનું હાલનું મુકામ એટલે આ ખેતર .. જીરું એટલે વાગડની જીવાદોરી .. આ બધા મિત્રો એવા ઘરમાંથી આવે કે જેમને બહુ મજૂર રાખવા ન પોસાય .. છોકરાં જ મજૂરી કરે તો બે પૈસા બચે … એવામાં કોઈ દિવસ કોલેજ ન આવી શકતા વિદ્યાર્થીઓની સ્થિતિ અહીં આવ્યા વિના ન સમજાય … રામનાં ભાઈ-ભાભીને મળી અમે પહોંચ્યા ભીમગુડા .. પથ્થર કેવાં કેવાં સૌન્દર્યવાન હોય તે અહીં અનુભવાય … સારી જગ્યા જોઈ નથી ને ફોટા પાડ્યા નથી … આખરે અમે બધા હીરો ખરા ને .. પોતપોતાના મનથી ..
આખે રસ્તે મોટેથી ફિલ્મી ગીતો ગાતાં ગાતાં મજા કરતાં અમને જોઈ નવા જ જોડાયેલાં વિદ્યાર્થી રવીન્દ્ર આશ્ચર્યથી જોતાં જોતાં ક્યારે આ આનંદલોકમાં ક્યારે ભળી ગયા એની ખબર જ ન પડી … પ્રવાસની આ જ તો મજા … હાર્દિક, આમીન, વિક્રમ, અરવિંદ, હુશેન, રામ, અબ્દુલ, મૂળજી, નિકુંજ, ભરત ને એમાં ભળ્યા જેમલ .. બાળ મંડળ તો ખરું જ … થોડી થોડી વારે એક પછી એક વિદ્યાર્થી સાથે રહી મનની વાતો કર્યા કરીએ ….. દરેક જાણે અંગત પ્રેમીજન …
જેમલ કહે સાહેબ, સાંજે અમારા ઘરે જમીને જ જજો … અમને તો આનંદ જ હોય પણ કેટલાક મિત્રોના વાલી પાસે સાંજ સુધીની જ રજા લીધી હતી એટલે જેમલના ઘરની ચા પીને ફરી પાછા અબ્દુલના ઘરે ભેગા થઈ સૌ છૂટા પડ્યા …
આખો પરિવાર આવજો કરવા ઊભું હતું .. બધા મિત્રો એકબીજાને જે રીતે ભેટી રહ્યા હતા ને એમની આંખોમાં જે પ્રેમ છલકાતો હતો એનું તો વર્ણન કેમ કરવું !!!
અંધારાને ઊલેચતાં અમે રાપર પહોંચ્યા .. બધાના એક પછી એક ઘરે પહોંચી ગયાના ફોન આવતા રહ્યા .. અબ્દુલનો મેસેજ આવ્યો .. સાહેબ, બધે જ તમે બધા દેખાઓ છો …. મેં કહ્યું મને પણ બધે જ તમે જ દેખાઓ છો ..
શિક્ષક વિદ્યાર્થીના હૈયે ઊગી નીકળે ને શિક્ષકને હૈયે વિદ્યાર્થી ત્યારે જીવતર સાર્થક લાગે … અરસપરસ એક સરખો ભાવ અનુભવતા અમે મનોમન હરખાઈ રહ્યા …
24 જાન્યુઆરી 2021
[લેખકની ફેઈસબૂક દિવાલેથી સૌજન્યભેર ઊંચક્યું]